સંપાદકીય નોંધ : મૂળ અંગ્રેજીમાં કેટ સૈનબોર્ને લખેલાં સંસ્મરણોના સ્વામી વિદેહાત્માનંદજીએ કરેલા હિન્દી અનુવાદનું પન્નાબહેન પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.

ગયા ઉનાળે જ્યારે મને એક અદ્ભુત વિદ્યા-બુદ્ધિ સંપન્ન વક્તા તથા માનવપ્રેમી એક હિન્દુ સંન્યાસીના આતિથ્યનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું ત્યારથી મારી ઉત્તેજનાની કોઇ સીમા ન હતી.

ગયા ઉનાળે કેનેડિયન પેસિફિક રેલવેના ઓબઝર્વેશન કાર (અમેરિકાની ટ્રેનોમાં છેલ્લી બોગીના રૂપમાં લાગનારો ડબ્બો કે જેમાં મોટી મોટી બારીઓ હતી અને તેમાં બેસીને યાત્રીનાં દૃશ્યોનું અવલોકન કરી શકતા હતા) માં મારી તેમની સાથે મુલાકાત થઇ હતી. શિકાગોની મારી એ યાત્રા દરમ્યાન પહાડો, ખાઇઓ, હિમનદી અને મહાદ્વીપની વચ્ચે આવેલ ઉચ્ચ પર્વતમાળા સુધી, વિદેશી પર્યટકો તરફથી મારી દૃષ્ટિ પૂરેપૂરી હટાવી શકી ન હતી, જેમાં ભારતના પારસી, કેન્ટોનના કરોડપતિ વેપારી, ન્યૂઝીલેન્ડના વતની, પોર્ટુગીઝ તથા સ્પેનિશ વેપારીઓની સાથે ફિલિપીન ટાપુઓની સુંદર વિવાહિત સ્ત્રીઓ, પોતાની સુસંસ્કૃત પત્નીઓ તથા સુશિક્ષિત પુત્રો સાથે ઉચ્ચ કુળના જાપાની અધિકારીઓ, વગેરે હતાં.

મેં બધા સાથે વાતો કરી. તે લોકોએ પ્રેમપૂર્વક મને તેમના દેશમાં આવવાનું આમંત્રણ આપ્યું અને મેં પણ વિના સંકોચે ખૂબ ઉત્સાહપૂર્વક સૌને મારા ગ્રામીણ રહેઠાણની વાત કરી અને દરેકને મારું કાર્ડ આપ્યું, જેના પર ‘મેટાકાે ફ’, ‘મેસેચ્યુસેટ્સ’ નું મારું કાયમી સરનામું છાપેલું હતું.

મેં બોસ્ટન અને તેની આજુબાજુનાં અગત્યના સજ્જનો, સન્નારીઓનો ઉલ્લેખ કર્યો, જેઓ ઘણીવાર મારા મહેમાન બનતાં હતાં અને સૌને આશ્વાસન આપ્યું કે મારા કૃષિફાર્મમાં તે સૌનું હાર્દિક સ્વાગત થશે.

પરંતુ સૌથી સર્વાધિક તો હું લાંબા કદવાળા એ સંન્યાસી કે જેઓ પૌરુષના એક ભવ્ય ઉદાહરણ હતા. તેઓ સાલ્વિની જેવા સુંદર હતા, એમની ચાલ એવી પ્રભાવશાળી તથા રાજકીય ઠાઠવાળી હતી કે જાણે તેઓ સમગ્ર બ્રહ્માંડના સમ્રાટ હોય; તેમની કોમળ કાળી આંખો ઉત્તેજિત થતાં અંગારા વર્ષાવતી અને કોઇ મજેદાર પ્રસંગ બને તો આનંદથી નૃત્ય કરવા લાગતી હતી.

તેમણે પીળા ચટક રંગની એક લાંબી પાઘડી બાંધેલી હતી; શરીર ઉપર પોતાના જીવનદર્શનના પ્રતીક સમા ભગવાં વસ્ત્ર ધારણ કર્યાં હતાં. તેના પર ગુલાબી રંગનો એક પહોળો અને મોટો કમરપટ્ટો બાંધ્યો હતો. તેમણે કથ્થઇ રંગની ધોતી પહેરી હતી અને ભૂરા રંગનાં પગરખાં પહેર્યાં હતાં. બધું મળીને આ જ એમની વેશભૂષા હતી.

તેઓ મારા કરતા ઘણું સારું અંગ્રેજી બોલતા હતા; પ્રાચીન અને આધુનિક સાહિત્યથી સુપરિચિત હતા; શેક્સપિયર, લોંગફેલો, ટેનિસન, ડાર્વિન, મૂલર તથા ટિંડલના ગ્રંથોમાંથી સહજભાવે ઉદાહરણ આપતા હતા; અમારા બાઇબલના એક એક પૃષ્ઠ સંભળાવી શકતા હતા અને બધા સંપ્રદાયોની માહિતી અને તેના પ્રત્યે સદ્ભાવ રાખતા હતા. એમનું સાનિધ્ય જાતે જ એક શિક્ષણ, એક અનુભૂતિ અને એક દિવ્ય અભિવ્યક્તિ હતાં. તેમનાથી વિદાય લેતી વખતે મેં એમને કહ્યું હતું કે સંજોગોવશાત તેઓ ક્યારેય બોસ્ટન આવે તો હું ખુશીથી તેમની મુલાકાત વિદ્વાન સદ્ગૃહસ્થ – સન્નારીઓ સાથે કરાવીશ.

અમે વિદાય લીધી. હું વિશ્વમેળાને કારણે શારીરિક તથા માનસિક પરિશ્રમથી થાકી ગઇ હતી અને પાછા ફરતાં બીમાર પણ પડી ગઇ હતી. વિવિધ વિચારધારા અને વિચિત્ર વેશભૂષાવાળા વિવિધ પ્રકારના લોકો સાથે થયેલી મુલાકાતો એક અતિરંજિત કલ્પના માત્ર બની રહી હતી.

હું બીમારી પછી થોડી સ્વસ્થ થઇ રહી હતી એટલામાં મને ૪૫ શબ્દોનો એક તાર મળ્યો, જેમાં સૂચવવામાં આવ્યું હતું કે ઓબ્ઝર્વેશન ટ્રેનમાં મળેલા પેલા સન્માનનીય મહેમાન બોસ્ટનના ક્ંિવસી હાઉસમાં મારા નિમંત્રણની પ્રતીક્ષા કરી રહ્યા હતા.

ત્યારે મને સ્પષ્ટપણે યાદ આવ્યું કે મેં એમને વિનંતી કરેલી કે જો તેમને ક્યારેય એકલવાયુ લાગે અને મદદની જરૂર પડે તો મારા મહેમાન બને. મેં એમને વચન આપ્યું હતું કે હું તેમનો પરિચય હાર્વર્ડ વિશ્વવિદ્યાલયના અધ્યાપકો, કાંકાર્ડના દર્શન શાસ્ત્રીઓ, ન્યુયોર્કના ધનવાનો અને પ્રસિદ્ધ સમ્પન્ન સમાજની મહિલાઓ સાથે કરાવી આપીશ. પરંતુ ઓગસ્ટનો મધ્યકાળ ચાલી રહ્યો હતો અને એવી એકપણ વ્યક્તિ શહેરમાં ન હતી કે જેની સાથે આ રંગબેરંગી પોશાકધારી વિદ્વાન સંન્યાસી સાથે મુલાકાત કરાવું. હું ભારે દ્વિધામાં હતી. છતાં હિમ્મતથી મેં એક તાર મોકલી આપ્યો. ‘આપનો તાર મળ્યો. બોસ્ટનથી અલ્બાની જનારી ૪-૨૦ વાગે ઉપડતી ટ્રેનમાં આજે જ આવી જાઓ.’

ગાડી પ્લેટફોર્મ પર આવી તો તેની કાન ફાડી નાખે એવી સીટીના અવાજમાં પણ જાણે મજાકનો સ્વર સંભળાતો હતો. હું એ વાત વિચારીને ગભરાતી હતી કે ટ્રેન પકડવા એકત્ર થયેલા લોકોની ભીડ પર એમનો શું પ્રભાવ પડશે. પરંતુ લોકોએ રુંધાયેલા શ્વાસે ચુપચાપ એમને જોયા. તેઓ આવી વિલક્ષણ વ્યક્તિ હતી.

(આગળ ઉપર શિકાગોમાં) બધા દેશના એકત્ર થયેલા લોકોની વચ્ચે તેઓ રાજવી જેવા પરંતુ અલગ જ લાગ્યા હતા. તો આજે ગૂજવિલે સ્ટેશન પર તો તેઓ અતિ અદ્ભુત લાગી રહ્યા હતા. એમની સાથે એટલો બધો સામાન હતો કે ટ્રેન આગલા સ્ટેશને ૧૦ મિનિટ મોડી પહોંચી. તેઓ પોતાની સાથે ‘બોડ્લિયન ગ્રંથાલય’ લઇ આવી રહ્યા હતા જે જટિલ અને દુર્લભ હતું અને બંને રીતે ભારે હતું. આ વખતે એમની પીળી પાઘડી વધારે ચમકીલી દેખાઇ રહી હતી, પણ તેમના લાલ રંગના પોશાક પર ઘેરા લાલ ગુલાબી રંગનો કમરપટ્ટો જામતો ન હતો. એવું લાગતું હતું કે તેઓ એ જગ્યા (બ્રિજી મેડોઝ)નો આડંબર વિનાનો અને શાંતિનો પરિવેશ જોઇને થોડાંક આશ્ચર્યચકિત થયા, પણ સભ્યતાને લીધે આ વિષય પર કશું બોલ્યા નહીં.

મને સ્પષ્ટ દેખાતું હતું કે લોકો એમને તાકી તાકીને જોતા હતા અને કટાક્ષમાં હસતા હતા. પરંતુ તેઓ એ તરફ જરા પણ ધ્યાન આપતા ન હતા. એ અંગે એમણે મને કહ્યું : ‘તો શું મારે મારા પૂર્વજોનો પોશાક ત્યજી દેવો?’ અને મને એક યોગ્ય પ્રશ્ન પૂછ્યો : ‘કદાચ તમે ક્યારેક ભારત જાઓ તો તમે અમારી સ્ત્રીઓની જેમ સાડી પહેરશો ? ’ ખરેખર તો આપણી અસભ્યતા અને અજ્ઞાનને કારણે આપણે વિચારી લઇએ છીએ કે આપણી પરંપરાથી જુદી દરેક વસ્તુ વિચિત્ર અને હાસ્યાસ્પદ તથા ખોટી છે. રોઝ ટેરી કુક મને જણાવ્યું કે પહેલાં તેઓ જે કસબામાં રહેતી હતી ત્યાંના લોકો દરેક અપરિચિતોને ‘વિદેશી’ કહેતા હતા જે લહેકામાં એ શબ્દનો પ્રયોગ થતો હતો તેનાથી દ્વેષ તથા અપમાનનો જ ભાવ વ્યક્ત થતો હતો. તેવું જ મારા આ ‘વિદેશી’ (મહેમાન) સાથે થયું.

પરંતુ બીજા દિવસે સવારે તો ઉત્તેજના ચરમ સીમાએ પહોંચી. તે સમયે ઓસરીમાં બેસીને તેઓ પોતાની ઊંડી ધ્યાન સાધનામાં મગ્ન હતા અથવા તો એમ કહી શકાય કે પોતાના ક્રિયાશીલ મનમાંથી બધા વિચારોને બહાર કાઢીને તેમાં એક દિવ્ય આલોક તથા ભાવોને પ્રવાહિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. જ્યારે તેઓ આમ શૂન્ય તથા સ્થિર આંખોથી અચલભાવથી બેસીને નિર્વાણની અવસ્થામાં પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે જ બિલ હૈનસને પાછળથી ફરીને આવ્યા અને મારા મહેમાન પાસે ગયા અને એમના તરફ તાકીને આશ્ચર્ય અને મશ્કરીમાં તેમણે કહ્યું : ‘ઓહો, શું ચીજ છે! મેડમને આ વસ્તુ ક્યાંથી મળી અને એ તેમણે એ કઇ રીતે બનાવી?’

એમને લાગ્યું હતું કે તેઓ મેં બનાવેલ એક વિશાળ કદની મીણની મૂર્તિ કે કપડાનો બનાવેલો મોટો ઢીંગલો છે, જેને રંગીને લોકોને આકર્ષિત કરવા, આશ્ચર્યચકિત કરવા માટે મેં તેને ત્યાં રાખ્યો હતો. આવી કલ્પના તો હું કેવી રીતે કરી શકું ? એટલે હવે હું જે સાચી ઘટનાની વાત કરવા જઈ રહી છું, મહેરબાની કરીને આપ તેના પર પૂર્ણ વિશ્વાસ કરો.

એ સમયે હું બહુ જ સંકટ તથા સંકોચમાં પડી ગઇ હતી જ્યારે મારા પૂર્વદશીય આગન્તુકે મધુર પરંતુ નિરાશા અને શંકાપૂર્ણ અવાજમાં પૂછ્યું, ‘પેલા પ્રભાવશાળી સજ્જનો અને સન્નારીઓ ક્યાં છે, જેમની સાથે તેમે મને મુલાકાત કરાવવાનું વચન આપ્યું હતું. મારે તેમને મળવું જ પડશે અને મારા દેશના દુર્દશાગ્રસ્ત લોકો માટે કામ શરૂ કરવું જ પડશે.’

મારા તમામ મિત્રો સમુદ્રકિનારે, ઝરણાંઓના કિનારે કે પર્વતીય સ્થળોએ રજાઓ ગાળવા ગયા હતા. બીજા દિવસે મેં બધાને વિનંતી સાથે પત્ર લખ્યા કે તેઓ પાછા આવે અને મને મદદ કરે. તેઓ આવ્યા અને ઘણી સજ્જનતાથી અમને મળ્યા. આમ વિચાર્યા વગરનું બેદરકારીથી આપી દીધેલું મારું વચન સંતોષપૂર્ણ રીતે પૂરું થયું.

એક સાંજની વાત યાદ આવે ત્યારે મારાથી હસ્યા વિના રહી શકાતું નથી. તે દિવસે લગભગ એકાદ ડઝન સ્ત્રીઓએ મારા માનનીય મહેમાનને ઘેરી લીધા હતા. તેઓ પોતાના ધર્મ અને દર્શનશાસ્ત્ર પર વાત કરી રહ્યા હતા અને ભારતના દુર્દશાગ્રસ્ત લોકોની ગરીબી અને અભાવ દૂર કરવા અમારા દેશ (અમેરિકા)ના પૈસા કમાવાના કેટલાય કીમિયાને પોતાના દેશમાં પ્રયોજવાની યોજનાઓનું વિસ્તારપૂર્વક વર્ણન કરી રહ્યા હતા. તે સમયે સ્ત્રીઓ તેમની વાતોનું સમર્થન આપી રહી હતી અને તેમના તરફ પ્રશંસાની નજરે જોઇ રહી હતી. ત્યાર બાદ તેમણે કહ્યું, ‘મનુષ્યનો આત્મા એક એવું વર્તુળ છે જેનો પીરઘ ક્યાંય નથી પણ કેન્દ્ર સર્વત્ર છે. આ બ્રહ્માંડ મહા અનંત દ્વારા નિર્માણ પામેલી એક શક્તિ છે અને પ્રત્યેક વિશ્વ એનો એક અલગ અલગ છન્દ માત્ર છે.’

મારું થાકેલું મન ચક્કર ખાવા લાગ્યું અને મેં જોયું કે હું ખુરશીના છેડે બેઠી છું, અચરજને લીધે ઘણાસમયથી તાકી રહેલી મારી આંખો દુ:ખતી હતી. મારું મોઢું ખુલ્લું હતું. તેઓ એમની અલૌકિક મધુર ભાષામાં બોલતા જતા હતા અને હું એકાગ્ર ચિત્તે એમની અદ્ભુત વાતો સાંભળી રહી હતી. હું મોટેથી આવતા મારા હાસ્યને રોકી ન શકી અને એ ટોળીથી દૂર એકલી ચાલી ગઇ. હું એમાં સફળ રહી પણ મારે પ્રયત્ન કરવો પડયો.

વિદાય વેળાએ તેઓએ મને ‘મા’ કહીને સંબોધન કર્યું અને જણાવ્યું કે તે ભારતની કોઇપણ સ્ત્રી માટે વિશેષ પ્રેમ અને સન્માનનું સૂચન કરે છે. મેં એ સન્માન હર્ષપૂર્વક સ્વીકાર્યું. આવા પુત્ર પ્રત્યે મને પણ ગર્વની અનુભૂતિ થઇ.

Total Views: 57
By Published On: April 1, 2015Categories: Kate Sanborn0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram