મુખ્ય સચિવનાં આશીર્વચનો

અખિલ ભારતીય સ્વયંસેવક અભિગમ શિબિર

બુધવાર, ૧૮ જૂન, ૨૦૧૪ ; બેલુર મઠ

પૂજ્ય પ્રભાનંદજી મહારાજ અને બીજા વરિષ્ઠ સંન્યાસીઓને મારા પ્રણામ. બીજા બધા સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ, સ્વયંસેવકો અને મહેમાનોને મારાં સ્નેહ અને શુભેચ્છાઓ.

સવારની બેઠકના તેમના વક્તવ્યમાં સ્વામી શિવમયાનંદજીએ મારી પાસે અપેક્ષા રાખી કે થોડો સમય ઘનિષ્ઠપણે જેમના સમાગમમાં હતો તે પૂજનીય પ્રેમેશાનંદજી મહારાજ વિશે હું કહું. હું અત્રે થોડાક પ્રસંગો વર્ણવું છું.

એક વખત જે દિવસોમાં હું રામકૃષ્ણ મઠમાં જોડાવાનું વિચારતો હતો ત્યારે પૂજનીય મહારાજે મને પૂછ્યું, ‘તમે શા માટે મઠમાં જોડાવા માગો છો?’ મેં સ્વામીજી અંગે થોડું વાંચ્યું હતું અને તેથી મેં તેમને કહ્યું, ‘હું સંઘમાં જોડાવા માગું છું જેથી કરીને હું મારા જીવન દરમિયાન કંઈક છાપ છોડી જાઉં.’ સ્વામીજીએ કહ્યું છે : ‘તમે જન્મ્યા છો તો કંઈક આગવી નિશાની મૂકતા જાઓ.’ તેમણે તરત જ સણસણતો જવાબ આપ્યો, ‘જો તમે, હું અને દરેક જણ પાછળ કંઈક છાપ મૂકી જવા ઇચ્છીએ તો સઘળું જગત કદરૂપું બની જાય! આખી દીવાલ જ ગંદી થઈ જશે. તેથી શું કરવું? તેમણે કહ્યું કે આપણે માત્ર સ્વામીજીનાં પગલાંનું અનુસરણ કરવું પડશે અને તેથી આપણે નવી છાપ ઊભી કરવાની જરૂર નથી.’

બીજો પ્રસંગ : એક દિવસ જ્યારે હું એકલો તેમની સાથે હતો ત્યારે તેમણે આશ્ચર્યકારક ટિપ્પણી કરી, ‘આપણે અહીં ચાર વ્યક્તિ છીએ.’ મેં પ્રત્યુત્તર આપ્યો, ‘ચાર વ્યક્તિ ક્યાં છે? અહીં આપણે માત્ર બે વ્યક્તિ છીએ.’ ત્યારે તેમણે કહ્યું, ‘ના, તમે વિચારો છો કે અહીં આપણે બે વ્યક્તિ છીએ અને હું પણ વિચારું છું કે આપણે બે વ્યક્તિ છીએ. તેથી, જો કે શારીરિક રીતે હું સ્વયં અને તમે છો, પણ ખરેખર આપણે ચાર વ્યક્તિ છીએ.’ સંગઠનનું મહત્ત્વ આ છે. અત્રે આપણે આશરે ર૪૦૦ સ્વયંસેવકો છીએ. તમે બધા શ્રીરામકૃષ્ણના છત્ર હેઠળ આવ્યા છો. આ મેદનીએ કેવી પ્રચંડ શક્તિ ઉત્પન્ન કરી છે તેનો અંદાજ લગાવવો કઠિન છે. કોઈક વખત ભવિષ્યમાં જ્યારે આપણે પાછળ નજર નાખીશું ત્યારે આપણે આ એકત્રિત થવાનું મહત્ત્વ સમજીશું.

બીજા એક દિવસે મહારાજને મળવા એક કોલેજના આચાર્ય આવ્યા. તેઓ મહારાજના ચરણસ્પર્શ કરવા ઇચ્છતા હતા. તેઓ હાથમાં પુસ્તક લઈને આવી રહ્યા હતા. તેમણે પુસ્તક ભોંયતળિયે મૂક્યું અને પ્રેમેશ મહારાજને પ્રણામ કર્યા. ત્યારબાદ પૂજ્ય મહારાજે તેમને પુસ્તક તેમના માથા પર મૂકવાનું કહ્યું. એમ કેમ? તે સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા (અંગ્રેજી)ની નકલ હતી. પ્રેમેશ મહારાજે પછી તેમને કહ્યું, ‘ગં્રથમાળામાં સ્વામીજીનાં કથનો સમાવિષ્ટ છે અને તે ઈશ્વરના ઉદ્ગારો છે. તે પુસ્તક ભગવદ્ ગીતા જેટલું પવિત્ર છે. તે પુસ્તક પ્રત્યે આપણે કદાપિ અનાદર પ્રદર્શિત કરવો ન જોઈએ.’

એક વખત પ્રેમેશ મહારાજે તોતાપુરી અને સ્વામી વિવેકાનંદ વચ્ચે શો ભેદ છે એમ મને પૂછ્યું. મેં વિચાર્યું કે તોતાપુરી મહાન હતા કારણ કે તેમણે નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરી હતી અને આત્મસાક્ષાત્કાર પણ ર્ક્યાે હતો. જ્યારે મેં મારો અભિપ્રાય આપ્યો ત્યારે તેમણે કહ્યું, ‘ના, તોતાપુરી તેમની રીતે પૂર્ણ હતા. પરંતુ સ્વામીજીમાં તેનાથી કંઈ વધુ હતું. સમાધિ ઉપરાંત તેમનામાં વધારામાં શ્રી રામકૃષ્ણને ગુરુરૂપે મેળવવા માટેનાં મોહકતા અને સૌંદર્ય હતાં. નરેન્દ્રનાથે મેળવેલ તે વધારાનું બળ હતું. નરેન્દ્રનાથે ત્રૈલંગ સ્વામીની જેમ સમાધિમાં મગ્ન રહેવાનું પણ ઇચ્છ્યું હતું. નરેન્દ્રનાથ તોતાપુરી અને ત્રૈલંગસ્વામીની સમકક્ષ સમર્થ હતા. ખેર, સ્વામીજી તેઓથી ચઢિયાતા હતા.

એ જ કારણે શ્રીઠાકુરે તેમને સુધારવા માટે શિક્ષાપ્રદ શબ્દોમાં કહ્યું, ‘હું તો તને એક મોટા વટવૃક્ષની જેમ જોવા માગતો હતો, જેના છાંયે હજારો આવશે અને આશ્રય મેળવશે.’ હું તમને કહેવા માગતો હતો તે થોડાંક પ્રેમેશ મહારાજનાં પ્રસંગકથાઓ કે સંસ્મરણો આવાં છે.

હવે હું આજના દિવસ પર્યંતની ચર્ચાવિચારણા ઉપસંહારરૂપે ઉલ્લેખવા માગું છું :

૧. આજના કાર્યક્રમથી દેશભરમાં ફેલાયેલા આપણા સ્વયંસેવકોએ બેલુર મઠ તેમનું સર્વસામાન્ય ઘર છે એવું અનુભવવાનું શરૂ કરી દીધું છે અને પોતાપણાની ભાવના વિકસાવી છે.

ર. બેલુર મઠ પર શ્રીરામકૃષ્ણ શાસન કરે છે. તેઓ આપણા બધાના પાલક છે. શ્રીમા સારદાદેવી અહીં આપણા કલ્યાણ વિશે કાળજી રાખવા માટે છે અને સ્વામી વિવેકાનંદ આપણાં નૈતિક સાહસ અને પરિચાલક બળ છે.

૩. દરેક સ્વયંસેવકે ઓછામાં ઓછા એક આશ્રમ સાથે સંકળાયેલા રહેવાનું છે.

૪. આપણે જે આશ્રમ સાથે સંકળાયેલા છીએ તેના વડા ગમે તે હોય, આપણે તેમનો આપણા વાલી તરીકે સ્વીકાર કરવો જોઈએ.

પ. આપણે શ્રીરામકૃષ્ણના એક વિશાળ પરિવારના સભ્યો છીએ તેથી આપણે કોઈક સર્વસાધારણ આચાર અનુસરવો પડશે. ગીતામાં આપણને બે પદ જોવા મળે છે : જાતિધર્મ અને કુળધર્મ.

જાતિધર્મને સ્વામી વિવેકાનંદના શબ્દોમાં કહીએ તો આપણો રાષ્ટ્રિય ધર્મ એટલે કે ચારિત્ર્ય, ત્યાગ અને સેવા છે. કુળધર્મ છે, કોઈ એક નિશ્ચિત કેન્દ્રના રીતરિવાજો અને રીતભાત.

રીતભાત અને વર્તણૂક અંગે હું તમને થોડાંક સૂચનો કરવાનું પસંદ કરીશ :

૧. આશ્રમમાં પ્રવેશીને દરેક વ્યક્તિએ પ્રથમ ઠાકુરનાં દર્શન કરવાં જોઈએ, ત્યાર બાદ આશ્રમના સંચાલક સંન્યાસીને મળી શકો છો અને પછીથી હાથ ધરેલા કાર્ય માટે તત્સંબંધિત સંન્યાસીને કે વ્યક્તિને મળી શકો છો.

ર. તમારે સૌએ વિનમ્ર, આજ્ઞાંકિત અને મદદગાર બનવું જોઈએ.

૩. રાજકારણમાં પડવું નહીં. આ વિશે પ્રેમેશ મહારાજ ત્રણ જાતનાં રાજકારણથી ચેતતા રહેવાનું કહ્યા કરતા – સમાચારપત્રનું રાજકારણ, ભક્તનું રાજકારણ અને આશ્રમનું રાજકારણ. સમાચારપત્રના રાજકારણને આપણે સૌ જાણીએ છીએ : એ છે આ કે તે પક્ષની પરસ્પર લડે છે તેની વાત. આપણા માટે આ તો સમયનો દુર્વ્યય માત્ર છે. ભક્ત અંગેનું રાજકારણ એટલે કોઈ ભક્તનો કોઈક સાથે ગાઢ સંપર્ક હોવો તે વિશે ચર્ચા અને એવું બધું. આ અધમ બાબત છે. આ બધામાં નિકૃષ્ટ છે આશ્રમ અંગેનું રાજકારણ જેમાં થાય છે સ્વામીઓ વિષયક ચર્ચા અને કૂથલી. આશ્રમ માટે અને તમારા પોતાના વ્યક્તિગત આધ્યાત્મિક જીવન માટે આ અત્યંત હાનિકારક છે.

૪. આશ્રમની મુલાકાત વખતે તમારો પહેરવેશ મોભાદાયક અને સાધુઓ જ્યાં નિવાસ કરે છે તે આશ્રમને સુયોગ્ય હોવો જોઈએ.

પ. તમારી પત્ની તમારા કુટુંબમાં પત્ની છે પણ આશ્રમમાં તો તે એક સ્ત્રી છે. આશ્રમ પરિસરમાં સ્ત્રીત્વનો મોભો, મૂલ્ય અને ગૌરવ જળવાવાં જ જોઈએ.

૬. તમારાં બાળકો આપણી ભાવિ પેઢી છે. તેમને તથા તમારા પરિવારના બીજા સભ્યોને ધીમે ધીમે આશ્રમથી પરિચિત કરાવવા જ જોઈએ.

૭. જો તમે દીક્ષિત હો તો તમારા ઘેર ભોજનખંડમાં શ્રીમા સારદાદેવીનું ચિત્ર રાખવાનો પ્રયાસ કરો.

૮. દરેક સ્વયંસેવકે તેના જીવનનાં નીચેનાં ક્ષેત્રોની કાળજી રાખવી જોઈએ : (૧) વ્યક્તિગત (ર) કૌટુંબિક (૩) પડોશીઓ.

૯. એ સારું ગણાશે કે ઉપરનાં બધાં અને તેથી પણ ઘણાં વધુ પાસાંને આવરી લેતી સ્વયંસેવકોને ઉપયોગી બનતી માર્ગદર્શિકાઓ તૈયાર કરવામાં આવે. આ કાર્યને કારગત કરવા તમારામાંના કેટલાક આગળ આવે એને હું આવકારું છું. અમે એમને એ કાર્યમાં યથાયોગ્ય સહાય આપીશું.

પવિત્ર ત્રિપુટિના સંસર્ગમાં આવ્યા છે તે અમારા સ્વયંસેવકોનું સદ્નશીબ છે. તમારા જીવનને ધન્યભાગી બનાવવાની તમને અદ્‌ભુત તક સાંપડી છે. તમારામાંના કેટલાંકનાં આજે વક્તવ્યો સાંભળીને ખરેખર હું અત્યંત પ્રભાવિત થયો છું. મેં કદાપિ વિચાર્યું ન હતું કે અમારા સ્વયંસેવકોના રૂપમાં અમારી પાસે આવા નિષ્ઠાવાન તથા વિચારસેવી લોકો છે.

સ્વામી તત્ત્વસારાનંદના વક્તવ્યમાં તમે સાંભળ્યું કે દક્ષિણ આફ્રિકામાં સ્વયંસેવકો જાતે સંગઠિત બનીને કેવું અદ્‌ભુત કાર્ય કરી રહ્યા છે. તમારા બધા પૈકી; ઘણા બધા આવડતવાળા, કાર્યક્ષમ અને કાબેલ લોકો છે. તો પછી તમે પણ શા માટે અમારી પડખે ઊભા રહેવા આગળ આવતા નથી અને મદદરૂપ થતા નથી જેથી કરીને અમે સેવા-વ્યાપ વધારી શકીએ. હવે રામકૃષ્ણ સંઘના સાધુઓ તરફથી તમારા માટે ઘણી બધી અપેક્ષા છે. અમે અમારાં કાર્ય અને પ્રવૃત્તિઓનું કાર્યક્ષેત્ર વિસ્તારીએ એવું લોકો ઇચ્છે છે. દીર્ઘ ચાર વર્ષ કાલીન સ્વામીજીના ૧૫૦મી જન્મજયંતી મહોત્સવને ધન્યવાદ અને વિશેષ કરીને તો રથયાત્રા કાર્યક્રમને. વર્તમાન સમયમાં સ્વામીજીના ઉપદેશની સુસંગતતા પરત્વે લોકો જાગરૂક થયા છે. તેથી તેઓ ઇચ્છે છે કે અમે દેશના વિવિધ ભાગોમાં વધુને વધુ પ્રમાણમાં લોકો સુધી પહોંચીએ. અહીં અમારે સ્વયંસેવકોની મદદની જરૂર છે.

જ્યારે શશી મહારાજે (સ્વામી રામકૃષ્ણાનંદ) તેમની પ્રવૃત્તિઓનો મદ્રાસમાં પ્રારંભ કર્યો ત્યારે તેમના સહાયક તરીકે કોઈ સંન્યાસી ન હતા. માત્ર યુવા સ્વયંસેવકોએ તેમના કાર્યમાં સહાયતા કરી હતી. તેઓની સહાયથી શશી મહારાજે શાળા, અનાથગૃહ અને બીજી ઘણી પ્રવૃત્તિઓ મદ્રાસમાં આરંભી. આગળ જતાં, તેમણે તેમનું કાર્ય મુંબઈ, માયસોર, બેંગલોર, રંગુન અને બીજાં દૂરનાં સ્થળો સુધી વિસ્તાર્યું. આ પ્રત્યેક સ્થળે તેમણે ભક્તો અને સ્વયંસેવકોના સમૂહો ઊભા કર્યા, જેમણે કાર્ય આગળ ધપાવ્યું.

તેથી, સ્વયંસેવકોના રૂપમાં તમારી પાસે કાર્ય કરવાની મહાન શક્તિ અને કાર્યક્ષમતા છે. તમે બધા ઠાકુર, શ્રીમા અને સ્વામીજીના અનુયાયીઓ છો. યાદ રાખો કે તમે સ્વામીજી સમીપે આવ્યા છો જેમણે કહ્યું હતું, ‘મારી પાસે આવો અને તમારામાંના પ્રત્યેકને હું ‘વીસ’ બનાવીશ.’

ધન્યવાદ!

Total Views: 238

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.