પણ ઈશ્વરનાં દર્શન થયા પછી ભક્તને ઇચ્છા જાગે કે ભગવાનની લીલા જોઉં. રામચંદ્રે રાવણના વધ પછી રાક્ષસપુરી(લંકા)ના પ્રાસાદમાં પ્રવેશ કર્યો. રાવણની વૃદ્ધ માતા નિકષા જીવ લઈને નાસવા લાગી. એ જોઈને લક્ષ્મણ બોલી ઊઠ્યા, ‘રામ! આ કેવું વિચિત્ર! આ નિકષા આટલી વૃદ્ધ, આટઆટલો પુત્ર શોક થયો છે, તેને પણ મરવાની આટલી બધી બીક કે જેથી એ જીવ લઈને નાસે છે!’ રામચંદ્રે નિકષાને અભયદાન આપીને સામે બોલાવી પૂછ્યું. એટલે નિકષાએ જવાબ આપ્યો કે ‘રામ! આટલા દિવસ જીવતી રહી છું તો તમારી આટલી લીલા જોવા મળી. એટલે હજી જીવતા રહેવાની ઇચ્છા છે કે જેથી હજુયે તમારી લીલા જોવા મળે.’ (સૌનું હાસ્ય).
(શિવનાથને) તમને મળવાની ઇચ્છા થાય. શુદ્ધાત્માઓને જોયા વગર જીવવું શેને આધારે? શુદ્ધાત્માઓ જાણે કે પૂર્વજન્મના મિત્રો જેવા લાગે!’
એક બ્રાહ્મભક્તે પૂછ્યું – ‘મહાશય, આપ પૂર્વજન્મમાં માનો છો?’ (જન્માંતર – ‘બહૂનિ મે વ્યતીતાનિ જન્માનિ તવ ચાર્જુન’)
શ્રીરામકૃષ્ણ – હા, સાંભળ્યું છે કે પૂર્વજન્મ છે. ઈશ્વરની રચના આપણે જરાક જેટલી બુદ્ધિથી શું સમજી શકીએ? ઘણા લોકો કહી ગયા છે, એટલે અવિશ્વાસ કરી શકતા નથી. ભીષ્મ-પિતામહ દેહત્યાગ કરવાને સમયે શરશય્યામાં સૂતેલા છે. પાસે શ્રીકૃષ્ણની સાથે પાંડવો ઊભા છે. એ લોકોએ જોયું કે પિતામહ ભીષ્મની આંખમાંથી આંસુ વહે છે. તેથી અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું : ‘ભાઈ, શી નવાઈની વાત! આ પિતામહ કે જે ભીષ્મદેવ, સત્યવાદી, જીતેંદ્રિય, જ્ઞાની, અષ્ટ વસુ માંહેના એક, એ પણ દેહત્યાગના સમયે મોહ પામીને રુદન કરે છે!’ શ્રીકૃષ્ણે એ વાત ભીષ્મ-પિતામહને કહી. એટલે તેઓ બોલ્યા,
‘કૃષ્ણ! આપ બરાબર જાણો છો કે હું એને માટે રડતો નથી. પણ જ્યારે વિચાર આવે છે કે સ્વયં ભગવાન પાંડવોના સારથિ, છતાં તેમને પણ દુ :ખ, વિપત્તિનો આરોવારો નથી, ત્યારે એ વિચારથી મને રડવું આવે છે કે ભગવાનનું કાર્ય હું કશું સમજી શક્યો નહિ.’
(શ્રીરામકૃષ્ણ કથામૃત ૧.૧૨૪-૧૨૫)
Your Content Goes Here