મૈત્રેયી
આધ્યાત્મિક ખોજ માટે વેદોમાં મૈત્રેયીનું નામ ઘણું અગ્રસ્થાને છે. અંતિમ સત્યની પ્રાપ્તિ કરવા માટે તેઓ ભૌતિક કે પાર્થિવ સંપત્તિને ત્યજી શક્યાં હતાં.
મૈત્રેયી મહાન ઋષિ અને સંત યાજ્ઞવલ્ક્યની બે પત્નીમાંનાં એક હતાં. એ જમાનામાં એવી પ્રણાલી હતી કે ગૃહસ્થ જીવનના પૂરેપૂરા અનુભવ પછી કોઈ પણ વ્યક્તિ સર્વોત્કૃષ્ટ સત્યને પામવા વનમાં ચાલી જતી. યાજ્ઞવલ્ક્ય પણ પોતાની ભૌતિક સંપત્તિની બન્ને પત્નીઓ વચ્ચે ગોઠવણી કરીને આ સંસાર છોડવા માગતા હતા. પોતાના પતિના વારસામાંથી મળેલ ભૌતિક સંપત્તિથી ઋષિનાં બીજાં પત્ની સંતુષ્ટ હતાં.
પરંતુ એમનાં પત્ની મૈત્રેયીએ ઋષિને પૂછ્યું, ‘મહારાજ, આખી પૃથ્વીની બધી સંપત્તિઓ મને મળી જાય તો શું હું અમર બની જઈશ?’ ઋષિએ જવાબ આપ્યો, ‘ના, તમારું જીવન અમીર માણસો જેવું સમૃદ્ધ બની જશે. પરંતુ સંપત્તિ કે ધનથી અમરત્વ પ્રાપ્ત કરી ન શકાય.’ આ સાંભળીને મૈત્રેયીએ પૂછ્યું, ‘જેનાથી હું અમર ન બની શકું તે બધું લઈને હું શું કરીશ? મહારાજ, અમરત્વ વિશે તમે જે જાણો છો એ બધું મને કહો.’ આમ મૈત્રેયીએ એટલું સ્પષ્ટ કર્યું કે તેમને ભૌતિક સંપત્તિમાં કોઈ રસ નથી.
યાજ્ઞવલ્ક્ય ખુશ થયા. તેમણે ગુરુનું સ્થાન લીધું અને અંતિમ સત્ય એટલે કે ઈશ્વરને પામવા માટેનું જ્ઞાન મૈત્રેયીને આપ્યું. ઋષિના આ ઉપદેશોથી બૃહદ્આરણ્યક ઉપનિષદનો એક ભાગ રચાયો છે.
ગાર્ગી
ગાર્ગી વૈદિક કાળનાં પૂર્ણજ્ઞાની નારી હતાં. તેઓ ઘણા ઋષિઓ કરતાં વધારે જ્ઞાની હતાં. તેઓ ઋષિ વાચક્નુનાં પુત્રી હતાં અને મહાન ઋષિ યાજ્ઞવલ્ક્યને એમણે જ્ઞાનચર્ચામાં પડકાર ફેંક્યો હતો. આ ચર્ચા બૃહદ્આરણ્યક ઉપનિષદનો એક ભાગ બની છે.
એક વખત અંતિમ સત્યના સ્વરૂપ વિશે પોતપોતાનાં દૃષ્ટિબિંદુ રજૂ કરવા રાજા જનકે વિદ્વાન ઋષિઓને આમંત્રણ આપ્યું. દેશના જુદા જુદા પ્રદેશોમાંથી યાજ્ઞવલ્ક્ય અને બીજા સેંકડો વિદ્વાનો આ સભામાં ઉપસ્થિત રહ્યા. ગાર્ગી પણ જનક રાજાના દરબારમાં આવ્યાં.
ઋષિઓમાંથી સૌથી વધારે વિદ્વાન કોણ છે, એ જાણવાની ઇચ્છા રાજા જનકના મનમાં થઈ. તેમણે એક હજાર ગાયો અલગ જગ્યાએ રાખી હતી અને ગાયના બન્ને શિંગડાં પર સોનાનું શિંગડિયું પણ હતું. રાજા જનકે ઉદ્ઘોષણા કરી : ‘આદરણીય ઋષિજનો, તમારામાંથી જે શ્રેષ્ઠ વૈદિક વિદ્વાન હશે તે આ ગાયોને ઘરે લઈ જઈ શકશે.’ ઉપસ્થિત ઋષિઓ આવો દાવો ન કરી શક્યા અને તેઓ શાંત રહ્યા. પરંતુ યાજ્ઞવલ્ક્ય ઋષિએ તેના શિષ્યને પોતાના આશ્રમે આ ગાયો લઈ જવા કહ્યું. બીજા ઋષિઓ એની સાથે સંમત ન થયા. તેમણે તેના જ્ઞાનને ચકાસવા પ્રશ્ન પૂછવાનું શરૂ કર્યું. યાજ્ઞવલ્ક્યે બધા પ્રશ્નોના જવાબ બુદ્ધિપૂર્વક આપ્યા.
અંતે ગાર્ગી ઊભાં થયાં. તેમણે કહ્યું કે તેઓ યાજ્ઞવલ્ક્યને કેટલાક પ્રશ્નો પૂછશે. જો તેઓ એ પ્રશ્નોના જવાબ સંતોષજનક રીતે આપી શકે તો પોતે માનશે કે યાજ્ઞવલ્ક્ય શ્રેષ્ઠ જ્ઞાન ધરાવે છે. ગાર્ગી અને યાજ્ઞવલ્ક્ય વચ્ચેનો સંવાદ આધ્યાત્મિક અંતર્દૃષ્ટિના ઊંડાણની નોંધવા જેવી સાબિતી છે. સ્ત્રી વિદુષીઓ પણ એ સમયમાં આવી ક્ષમતા ધરાવતી હતી.
Your Content Goes Here