નોંધ : રામકૃષ્ણ મિશન, નવી દિલ્હીના ભૂતપૂર્વ સચિવ બ્રહ્મલીન સ્વામી ગોકુલાનંદજીના હિન્દીમાં પ્રગટ થયેલ પુસ્તક ‘માનસિક તનાવ સે મુક્તિ કે ઉપાય’માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અંશત : અહીં પ્રસ્તુત છે. – સં.
માનસિક તણાવ પર કાબૂ મેળવવાના ચરણોની વાત કરતાં પહેલાં આપણા માટે માનસિક તણાવની પ્રકૃતિ અને તેને ઉત્પન્ન કરનાર કારણોની જાણકારી હોવી આવશ્યક છે. એક ચિકિત્સક તેમજ તેના એક રોગીની વાતથી હું પ્રારંભ કરીશ. આ રોગી અત્યંત ઉત્પાત ભર્યું જીવન જીવતો હતો. જો કે તે પોતાના માટે બધાં કામ પોતે જ કરવા ઇચ્છતો હતો. એને લીધે તે ખૂબ વ્યસ્ત રહેતો હતો. પરિણામ તો જે આવવાનું હતું તે આવ્યું. એક દિવસ તે અત્યંત માનસિક તણાવને કારણે ભાંગી પડ્યો. તેણે એક ચિકિત્સક સમક્ષ પોતાની સમસ્યા રજૂ કરી અને કહ્યું, ‘મારે ઘણું વધારે કામ કરવું પડે છે; મારે દરરોજ લાચાર બનીને એક બ્રિફકેશ ભરીને કાગળો ઘરે લાવવા પડે છે. કારણ કે ઓફિસમાં મને કામ પૂરું કરવાનો સમય મળતો નથી. પરિણામે હું ભિન્ન ભિન્ન પ્રકારના તણાવોથી ઘેરાયેલો રહું છું. આપ ચિકિત્સક છો, મને મદદ કરો.’
ચિકિત્સકે પૂછ્યું, ‘તમે સવારથી સાંજ સુધી કામ કરો છો, તો પછી તમારે આટલી ફાઈલો ઘરે કેમ લઈ જવી પડે છે?’ રોગીએ જવાબ આપ્યો, ‘મારે એમ કરવું પડે છે કારણ કે હું જેમ કરું છું તેમ બીજું કોઈ એ કામને એ રીતે બરાબર કરી શકે તેમ નથી. જો હું બીજે દિવસે સવારે ઓફિસે જતાં પહેલાં એ કામ પૂરું ન કરી શકું તો હું વધારે તણાવ અનુભવું છું. એ તણાવથી બચવા મારે લાચારીથી મોડી રાત સુધી કામ કરવું પડે છે. વળી મારે બીજા તણાવોનો સામનો પણ કરવો પડે છે. તમે મારી પૂરી તપાસ કરો અને ઉચિત ઔષધિ તથા માર્ગદર્શન આપો.’
ચિકિત્સકે રોગીનું સંપૂર્ણ પરીક્ષણ કરવાની જરૂર ન હતી. પરંતુ તેણે ધ્યાનપૂર્વક રોગીનું અધ્યયન અવલોકન કરીને કહ્યું, ‘સારુ, તમારે મારા પર પૂર્ણ નિષ્ઠા રાખવી પડશે, કારણ કે તમે મારી પાસે સહાયતા મેળવવા આવ્યા છો. હું જે કંઈ પણ કહું એના પર બરાબર ધ્યાન રાખજો અને જે કંઈ હું કહું તે બધું બરાબર સૂચના પ્રમાણે વ્યવસ્થિત કરી શકશો ને?’
રોગીએ જવાબ આપ્યો, ‘જી હા, જરૂર કરીશ. માનસિક તણાવમાંથી મુક્ત થવા આપ જે કહેશો, તે બધું હું કરીશ. વાસ્તવમાં તો હું તમારી સલાહ માટે આતુર છું.’
ચિકિત્સકે કહ્યું કે તે કોઈ નુસ્ખો લખી નહીં આપે અને પછી ઉમેર્યું, ‘હું કેવળ મૌખિકરૂપે ઉપાય બતાવીશ. ઉપાય એ છે કે તમે પોતાના ઉતાવળે કરવાના કાર્યક્રમમાંથી દરરોજ ઓછામાં ઓછા બે કલાક દૂર સુધી ફરવા જવા માટે કાઢો. અઠવાડિયામાં અડધા દિવસની રજા લો અને એ સમય કોઈ કબ્રસ્તાનમાં વિતાવો.’
ચિકિત્સકના પરામર્શે રોગીને મૂંઝવણમાં મૂકી દીધો. તેણે આશ્ચર્ય સાથે કહ્યું, ‘મારા માનસિક તણાવમાંથી મુક્તિ મેળવવા માટે હું આપની પાસે કોઈ ઔષધિની અપેક્ષા લઈને આવ્યો હતો પરંતુ આપતો મને લાંબી પ્રવૃત્તિ કરવાનું કહો છો. એને લીધે મારો બહુમૂલ્ય સમય વીતી જશે. આમ છતાંય હું આપની સલાહ માનવા તૈયાર છું. પરંતુ મારી સમજમાં એ નથી આવતું કે દરઅઠવાડિયે થોડા કલાક કબ્રસ્તાનમાં વ્યતીત કરવાનું કેમ કહો છો?’
ચિકિત્સકે આ પ્રશ્નનો અત્યંત મહત્ત્વપૂર્ણ ઉત્તર આપ્યો. તેણે કહ્યું,
‘હું ઇચ્છું છું કે તમે કબ્રસ્તાનમાં જઈને કબર ઉપર જે પત્થર છે તેને જુઓ. જે લોકો ચિર નિદ્રામાં પડ્યા છે તેને વિશે વિચારીને તમે એવું અનુભવશો કે મૃત્યુ એક વાસ્તવિકતા છે. તમે મૃત્યુના પરમ સત્યનું મનન કરશો અને એટલું સ્વીકારશો કે દફનાવેલા લોકો મૃત્યુ પહેલાં તમારા જેવા જ હતા. તેઓ દરરોજ કઠિન પરિશ્રમ કરતા હતા અને જીવનભર એવું વિચારતા રહ્યા કે જગતનો બધો ભાર એમના ખભા પર જ છે. તેઓ પણ પોતાને અનિવાર્ય માનતા હતા. મર્યા પછી તમને પણ એમની સાથે દફનાવી દેવામાં આવશે અને ત્યાં ટહેલનારા લોકો તમારી કબરના પત્થરને જોઈને એવું જ વિચારશે. આ તથ્યનો અનુભવ કરો કે જો અત્યંત વ્યસ્ત જીવન જીવનાર વ્યક્તિ જગત છોડીને ચાલ્યો જાય પછી પણ તેના વિના સંસાર પહેલાંની જેમ ચાલતો રહે છે.’
માનસિક તણાવથી ગ્રસ્ત અનેક લોકોના કરતાં ઓછામાં ઓછું રોગીમાં એ સૂચનાને સાંભળવાનું તેમજ તેને કાર્યાન્વિત કરવાનું ધૈર્ય હતું. ત્યાર પછી જ તેણે બીજાને જવાબદારી સોંપવાનો પ્રયત્ન કર્યો, નિરર્થક બકવાનું બંધ કર્યું અને માનસિક તણાવ પર કાબૂ મેળવવાનું શીખી લીધું. જીવંત પર્યંત સંતુલિત, સુસ્થિર અને શાંત રહ્યો.
Your Content Goes Here