(ગતાંકથી આગળ…)

આપણે એ યાદ રાખવું જ જોઈએ કે મનના અભ્યાસ ક્ષેત્રે સ્વામી વિવેકાનંદે પહેલ કરી હતી. તેમણે મનોવિજ્ઞાન, તેનું મહત્ત્વ અને મનના સંયમ વિશે વિસ્તૃત વ્યાખ્યાનો આપ્યાં છે. એટલું જ નહીં પણ તેમણે વિલિયમ જેમ્સ પર પ્રભાવ પાડ્યો હતો અને એને લીધે તેઓ પેરાસાઈકોલોજી (પરામનોવિજ્ઞાન)ની પદ્ધતિની સ્થાપના કરવા પ્રેરિત થયા, જે ચૈતન્યની ઉચ્ચતર અવસ્થાના અભ્યાસ સિવાય બીજું કંઈ નથી. એક વિદ્વાન દ્વારા એની આવી ટીકા થઈ છે :

‘સ્વામી વિવેકાનંદનો રાજયોગ-સર્વોત્કૃષ્ટ વિજ્ઞાનો પૈકી એક એવા રાજયોગની બુદ્ધિગમ્યતા સમજાવવા પાછળનો સ્વામી વિવેકાનંદનો ઉદ્દેશ તે યોગપદ્ધતિને આચ્છાદિત કરતાં રહસ્યમયતાનાં વાદળોને વિખેરી નાખવાનો હતો અને તેમણે કહ્યા મુજબ લગભગ તેનો નાશ થયો છે.’ સૌથી વધારે પ્રગતિશીલ મનોવૈજ્ઞાનિક અને શારીરિક જ્ઞાનના પ્રકાશમાં તેમણે તેનાં સોપાનો જ સમજાવ્યાં નથી પરંતુ તેમણે ધર્મના વિજ્ઞાનને બાહ્યજગતના કોઈ પણ વિજ્ઞાનની જેમ સુસ્પષ્ટ, અનુભવ આધારિત, બુદ્ધિગમ્ય અને સત્યતાના પરિક્ષણ માટે સક્ષમ છે એમ સૂચવ્યું હતું. દરેક ભૌતિક વિજ્ઞાનોની જેમ તેને પોતાનાં યથાયોગ્ય સાધનો અને પદ્ધતિઓ હતાં; તેને પોતાનાં પરીક્ષણ કરાય તેવાં સંશોધનો હતાં અને તેને પ્રયોગાત્મક રીતે શીખવા માટે ઇચ્છતા કોઈ પણ માટે સુસંગત પદ્ધતિઓ અને પ્રક્રિયાઓ સાથે તે ધર્મ ખુલ્લો હતો.

સ્વામી વિવેકાનંદ માત્ર યોગ જ શીખવવા આવ્યા ન હતા, તેઓએ તો તેનાથી ઘણુંય વિશેષ કર્યું હતું. તેઓએ હાલનો હિન્દુધર્મ, વ્યવહારુ વેદાંત, ધર્મનો વૈજ્ઞાનિક અભિગમ, સંન્યાસની સાર્વજનીન ધાર્મિક પદ્ધતિનો ખ્યાલ અને બીજી ઘણી બાબતોની સુસ્થાપના કરી હતી.

‘યોગ’ શબ્દ એ પતંજલિયોગ એકલાને તેના સર્વોચ્ચરૂપ તરીકે સૂચિત કરે છે અને હઠયોગને સાવ સાદા સ્વરૂપમાં હોવાનું ગણે છે; પણ આટલું જ કંઈ પૂરતું નથી. બીજા પણ ત્રણ યોગ છે : જ્ઞાન, ભક્તિ અને કર્મ. જ્ઞાનયોગ સ્વતંત્રપણે એક વિજ્ઞાન છે અને તેવી જ રીતે ભક્તિયોગ અને કર્મયોગ.
જ્ઞાનયોગ : અદ્વૈત

વેદાંતના માર્ગ એટલે કે જ્ઞાનયોગ માટે સંસ્કૃતમાં ઘણાય મહાન ગ્રંથો છે. સૂત્રોનું ભાષ્ય, આ ભાષ્યોનું ભાષ્ય, અને ભાષ્યનાંય ભાષ્ય – આ બધાંય છે. સામાન્ય સ્વાધ્યાયી માટે આ બધાંનું અધ્યયન કઠિન હોવાથી, તેમના માટે પ્રકરણ ગ્રંથો છે. આ પ્રકરણ ગં્રથો ઘણા બધા ગ્રંથોમાં સમાયેલા સમગ્ર અદ્વૈત વેદાંતજ્ઞાનને એક જ ગ્રંથના સ્વરૂપમાં સારરૂપે સંક્ષિપ્તમાં રજૂ કરીને સમજાવે છે. સ્વામી વિવેકાનંદના જ્ઞાનયોગનાં પ્રવચનોને અદ્વૈત વેદાંતનો અંગ્રેજી ભાષામાંનો આવો એક પ્રકરણગ્રંથ કહી શકાય. તેઓના આ અંગ્રેજીમાં ગ્રંથસ્થ ભાષણો પહેલાં આવી બુદ્ધિગમ્યતાપૂર્વક રીતે સમજાવતો કોઈ જ અદ્વૈત વિષયક અંગ્રેજી ગ્રંથ ન હતો. બ્રહ્મના મહાનતમ જ્ઞાતાના મુખેથી પ્રત્યક્ષપણે નિ :સૃત થયેલ આ ગ્રંથાકારિત જ્ઞાનનું ભવિષ્યના નિષ્ઠાવાન સાધકો માટે અત્યંત મહત્ત્વ છે.

આ જ બાબત ભક્તિયોગ માટે છે. વિવેકાનંદના ‘ભક્તિયોગ’નામના ગ્રંથમાં એક જ પુસ્તકમાં સૌપ્રથમ વખત ભક્તિની બધી જ તત્કાલીન પ્રચલિત પદ્ધતિઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તે વખતે ભક્તિમાર્ગના નારદ અને શાંડિલ્ય જેવાનાં સૂત્રાત્મક પુસ્તકો ઉપલબ્ધ હતાં. સ્વામી વિવેકાનંદનું ઉપર્યુક્ત પુસ્તક પ્રકાશિત થવાથી આ જરૂરિયાતની પૂર્તિ થઈ. આ પુસ્તક તેના અભિગમમાં એટલું બધું સમજણ-પ્રેરક છે કે પ્રારંભથી અંત સુધીના ભક્તિમાર્ગનાં સઘળાં પાસાંની તેમાં છણાવટ કરાઈ છે. વળી તે આ માર્ગ, માર્ગમાં રહેલાં ભયસ્થાનો, તેની આચરણ કરવાની પ્રક્રિયાઓ અને પ્રેમ અથવા સર્વોચ્ચ પ્રેમસ્વરૂપની સર્વશ્રેષ્ઠ સ્થિતિનો સુસ્પષ્ટ ખ્યાલ આપણને આપે છે. આમ બીજા યોગોની જેમ જ ભક્તિયોગ પણ સ્વામી વિવેકાનંદનું જગતને અજોડ પ્રદાન છે.

સવિશેષ સઘન બાબત કર્મયોગ અંગેની છે, જે કદાચ સ્વામી વિવેકાનંદનું નૂતન વિશ્વને મૌલિક પ્રદાન છે. મેરી હેલને અલ્મોડાથી ૯ જુલાઈ, ૧૮૯૭ના રોજ લખેલા પત્રમાં સ્વામી વિવેકાનંદ લખે છે : ‘પાછળથી શું થશે એની પરવા રાખ્યા વિના હું ચિરનિદ્રામાં પોઢી જવા માગું છું. મારી એક જ ઇચ્છા છે કે જે એકમાત્ર ઈશ્વરનું અસ્તિત્વ છે, જે એક ઈશ્વરમાં હું માનું છું, જે સર્વ આત્માઓના એકંદર સમૂહરૂપ છે અને સૌથી વિશેષ તો જે મારો ઈશ્વર દુષ્ટ નારાયણ રૂપે છે, જે મારો ઈશ્વર દુ :ખી નારાયણ રૂપે છે, જે મારો ઈશ્વર સર્વ પ્રજાઓના અને સર્વ જાતિઓના દરિદ્ર-નારાયણ રૂપે છે, જે મારી પૂજાનું ખાસ પાત્ર છે, તેનું પૂજન કરવા સારુ હું વારંવાર જન્મ ધારણ કરું અને હજારો કષ્ટ વેઠું.’ (સ્વા.વિ. ગ્રંથમાળા : ૭.૧૮૧)

સેવા દ્વારા માનવામાં રહેલા ઈશ્વરની પૂજા એ વૈજ્ઞાનિક જગતમાં ભારપૂર્વક ઉપદેશેલ નવા પ્રકારનો કર્મયોગ છે. એ બધાય યોગોનું અદ્‌ભુત એકીકરણ છે અને જ્ઞાનયોગ તેમજ ભક્તિયોગથી વ્યવહારુપણે અભેદ ધરાવે છે. કારણ કે તે દરેક જીવમાં ઈશ્વરને જોવાના અને નિ :સ્વાર્થપણે તેઓની સેવા કરવાના પ્રયત્નથી સમાવિષ્ટ છે. તદ્ઉપરાંત, સ્વામી વિવેકાનંદે કર્મયોગને વિશ્વના આદર્શ તરીકે પ્રસ્તુત કર્યો કારણ કે તેમણે કર્મયોગના આચરણના પ્રેરકબળ તરીકે વૈયક્તિક ઈશ્વરને (સાકાર) પ્રયુક્ત કર્યા ન હતા. ‘કર્મયોગનો આદર્શ’ એ પરના તેમના વક્તવ્યમાં સ્વામી વિવેકાનંદ કહે છે, ‘અંતમાં કર્મયોગના ઉપદેશને અમલમાં મૂકનાર એક મહાપુરુષ વિશે બે શબ્દો કહી લઉં. તે મહાપુરુષ એટલે બુદ્ધ. જેમણે આ કર્મયોગને સંપૂર્ણ અમલમાં મૂક્યો હોય એવા એ એક જ પુરુષ હતા. બુદ્ધ સિવાયના જગતના અન્ય સૌ પયગંબરો નિ :સ્વાર્થ કાર્ય કરવા માટે પણ કોઈ બાહ્ય હેતુથી પ્રેરાયા હતા. …બુદ્ધ એક જ એવા પયગંબર છે કે જેમણે કહ્યું, ‘ઈશ્વર વિશેના તમારા જુદા જુદા મતો જાણવાની હું દરકાર કરતો નથી. …ભલાં કામ કરો અને ભલા થાઓ. એ જ તમને મુક્ત કરશે અને પરમ સત્ય તરફ લઈ જશે.’ પોતાના જીવન વ્યવહારમાં બુદ્ધ પૂરા નિ :સ્વાર્થ હતા અને એનાથી વિશેષ કાર્ય બીજા કયા પુરુષે કર્યું છે ?… આ જ માનવ કર્મયોગનો સર્વોત્કૃષ્ટ આદર્શ રજૂ કરે છે.’ (સ્વા.વિ. ગ્રંથમાળા : ૧.૦૬૩-૬૪)

તેથી જેમ પતંજલિયોગ બાબતમાં કર્યું છે તેમ સ્વામીજીએ બાકીના ત્રણેય યોગોમાં મૌલિક પ્રદાન કર્યું છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે તેઓના માનસિક બંધારણના આધારે માનવજાતનું સ્પષ્ટપણે ચાર રીતે વર્ગીકરણ કરી શકાય. આ પ્રકારના દરેકને ઉત્તમપણે સાનુકૂળ તેના માટેનો યોગ છે. તેથી તેઓએ એક યોગ વિશે નહીં પણ ચાર યોગો વિશે ઉપદેશ કર્યો.

તેઓએ ઉમેર્યું કે આ ચાર યોગોમાં આધ્યાત્મિક સાધનાનું સમગ્ર ક્ષેત્ર આવરી લેવાયેલું જોવા મળે છે. ટૂંકમાં વર્તમાન સમયમાં એક જ યુગનું આચરણ પૂરતું નથી. તેથી ચાર યોગ વચ્ચેની સુસંવાદિતા એ પણ સ્વામીજીનું મૌલિક પ્રદાન છે અને આ બધા મત તથા પથનું સુસંવાદિકરણ એ વેદાંતનો માર્ગ છે. આ રીતે વિવેકાનંદે યોગ અને વેદાંતની સુચારુપણે સંવાદિતા સાધી છે. આ વિશ્લેષણાત્મક એકીકરણને શ્રીરામકૃષ્ણની બધા મત અને પથની સાધનાનો શાસ્ત્રોક્ત અને અનુભૂતિજન્ય આધાર છે.

વ્યક્તિગત સ્તરે પણ આપણે જોઈએ છીએ કે દરેક મનુષ્ય ચાર પ્રકારની વૃત્તિઓ ધરાવે છે : ચિંતનાત્મક, ભાવાત્મક, સંકલ્પાત્મક અને ક્રિયાત્મક. સઘળી માનવ સિદ્ધિઓ આ વૃત્તિઓ એટલે કે શક્તિઓના સુયોગ્ય વપરાશ અને વિકાસનું પરિણામ છે. વિવેકાનંદ માનતા કે આ ચાર યોગ ઉપર્યુક્ત શક્તિઓને વિકસિત કરી શકે છે તેમજ તેનું આધ્યાત્મિકરણ કરી શકે છે. જ્ઞાનયોગ બુદ્ધિને વિકસિત કરી શકે છે, ભક્તિયોગ વ્યક્તિની ભાવનાઓને વિશુદ્ધ અને પવિત્ર બનાવી શકે છે, રાજયોગ વ્યક્તિની ઇચ્છાશક્તિને વિકસિત કરી શકે છે અને કર્મયોગ વ્યક્તિની કાર્યદક્ષતામાં પરિણમે છે. વ્યક્તિના પોતાના જીવનમાં આ ચાર યોગોનું એકીકરણ તેની પરિપૂર્ણતામાં પરિણમશે. વિવેકાનંદ કહે છે :

‘ હું તો ઈશ્વર પાસે એવું માગું કે આ બધા માણસો એવી રીતે ઘડાયેલા હોય કે તેમના મનમાં તત્ત્વજ્ઞાન, રહસ્ય પ્રવણતા, ઊર્મિલતા અને કાર્યનાં બધાં તત્ત્વો સરખી રીતે અને પૂર્ણપણે અસ્તિત્વમાં હોય ! આ મારો પૂર્ણ પુરુષ વિશેનો આદર્શ છે.’ (સ્વા.વિ.ગ્રંથમાળા : ૩.૩૯૧)

આમ સ્વામી વિવેકાનંદના મતાનુસાર વેદાંત એ વ્યવહારુ ફિલસૂફીની સર્વગ્રાહી પદ્ધતિ છે જે બધા પથનો સ્વીકાર કરે છે – ચાર યોગો દ્વારા પ્રસ્તુત કરાતાં ભક્તિ, જ્ઞાન, નિષ્કામ કર્મ અને ધ્યાન.

સ્વામી વિવેકાનંદે જાતે જ આલેખિત કરેલ રામકૃષ્ણ મઠ અને મિશનની મુદ્રામાં આ બાબત ખૂબ વિશિષ્ટતાપૂર્વક નિરૂપિત કરી છે. આ મુદ્રામાંનું નિરૂપણ છે : ‘પવનની લહેરોથી વિક્ષુબ્ધ પામેલું સરોવર; જાણે કે તેના જળમાંથી ઊગતો હોય તેવો સૂર્ય; જળમાં તરતાં બે કમળપત્રો મધ્યેથી ઊગેલું પૂર્ણ વિકસિત કમળ; ખળભળતાં જળમાં ભવ્યતાપૂર્વક સહેલ કરતો હંસ અને બહારની તરફ લાંબી કરાયેલી જીભ તેમજ ઉન્નત ફેણ સાથેનો સર્પ; વળી મુદ્રાના મધ્યભાગમાં મંત્ર.’ ‘જળ તરંગો પર રહેલા પ્રાત :કાળના સૂર્યના પ્રકાશમાં હંસ કમળો મધ્યે ક્રીડા કરી રહ્યો છે અને ફેણવાળા સર્પના ફૂંફાડાના સિસકારા સાંભળી રહ્યો છે.’

સરોવર મનનું સૂચક છે, જળતરંગો તેની વૃત્તિઓ કે રૂપાંતરણો સૂચવે છે; સૂર્ય જ્ઞાનયોગ અથવા સર્વોચ્ચ જ્ઞાનનું પ્રતિક છે; હંસ જીવાત્મા અથવા વૈયક્તિક આત્માનો દ્યોતક છે, હંસનું તરવું તે કર્મયોગ અથવા અનાસક્તપણે કરાતું કર્મ સૂચવે છે; કમળ ભક્તિયોગ અથવા ઈશ્વર પ્રત્યેની પ્રેમમય ભક્તિનું રૂપક છે; કુંડલિનીનું યથાયોગ્ય પ્રતીક એવો સર્પ રાજયોગનું લાક્ષણિક રૂપક છે; ગૂંચળું વળેલી સ્થિતિમાં રહેલો સર્પ એ જીવને પ્રબુદ્ધ કરવા જરૂરી એવા બધા યોગો પછવાડેની અસીમતા એટલે કે સર્વસમાવિષ્ટ આધ્યાત્મિક શક્તિ સૂચવે છે; ‘આત્મા આપણને પ્રેરિત અને માર્ગદર્શિત કરો’ના અર્થવાળો મધ્યસ્થ મંત્ર એ આત્મલક્ષી સૂચન છે જે સુપ્તજીવને જાગ્રત થવા સહાયભૂત થાય છે; વળી તે છે મહત્ત્વપૂર્ણ સંગતિકરણ જેના દ્વારા જીવાત્મા સમષ્ટિના સંગીત સાથે સ્વયંને એકીભૂત થયેલ અનુભવે છે. (પ્રબુદ્ધ ભારત : જાન્યુઆરી, ૧૯૦૫ વોલ્યૂમ ૧૦. ૧૦૨) વિવેકાનંદના મતે નવીન યુગ માટેનો આદર્શ નીચે મુજબનો છે.

‘પ્રત્યેક આત્મા અપ્રગટરૂપે પરમાત્મા છે. ધ્યેય છે બાહ્ય તેમજ આંતરપ્રકૃતિ પર કાબૂ મેળવીને અંદર રહેલા આ પરમાત્મભાવને પ્રગટ કરવો. એ તમે કર્મ દ્વારા કે ઉપાસના દ્વારા કે યોગ દ્વારા કે તત્ત્વજ્ઞાન દ્વારા કરો, – એક દ્વારા કે એકથી વધારે દ્વારા કે આ બધાં દ્વારા કરો – અને મુક્ત થાઓ. ધર્મનું સમગ્ર તત્ત્વ આ છે. સિદ્ધાંતો કે સાંપ્રદાયિક માન્યતાઓ કે કર્મકાંડ કે શાસ્ત્રગ્રંથો કે મંદિરો કે મૂર્તિઓ એ બધાં ગૌણ વિગતો માત્ર છે.’ (સ્વા.વિ. ગ્રંથમાળા : ૧.૨૭૬)

Total Views: 407

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.