સંપાદકીય નોંધ : રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજીના
‘વિવેક જ્યોતિ’ મે, ૨૦૧૨માં પ્રસિદ્ધ થયેલ હિન્દી ચિંતનનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ અનુવાદ અહીં પ્રસ્તુત છે.

સોક્રેટિસ કહે છે કે આપણામાંથી મોટાભાગના લોકો જીવે તો છે, પણ જીવવાની કળા જાણતા નથી. પરિણામે તેઓ સદૈવ દુ :ખી રહે છે. જે વ્યક્તિ જીવનની કળા જાણે છે તે જ સાચી રીતે જીવનનો આનંદ મેળવવામાં સમર્થ નીવડે છે.

કોઈ આવો પ્રશ્ન પૂછી શકે કે જીવન જીવવાની કોઈ કળા હોઈ શકે ? હા, આ કળા જ જીવનને જીવવા યોગ્ય બનાવે છે. આ કળાના અભાવે મનુષ્ય સહજ પ્રવૃત્તિ પ્રમાણે ચાલનાર પશુ બની જાય છે. નીતિકારોએ કલાવિહીન મનુષ્યને શિંગડાં-પૂછડાં વિનાનો પશુ કહ્યો છે. પશુના જીવનમાં કોઈ કળા નથી. તે સહજવૃત્તિથી પરિચાલિત થાય છે. જેમ કે એક કૂતરાએ એક બચ્ચાની વરુથી રક્ષા કરી. પણ આને કારણે કોઈપણ વ્યક્તિ કૂતરા પ્રત્યે કૃતજ્ઞ બનીને તેને માળા પહેરાવતો નથી. એનું કારણ એ છે કે કૂતરાનો એ વ્યવહાર તેની બુદ્ધિને કારણે નથી થયો, પરંતુ માત્ર એની સહજ પ્રકૃતિને કારણે થયો છે. જીવનકળા બુદ્ધિથી પરિચાલિત થાય છે, સહજ પ્રકૃતિથી નહીં. મનુષ્ય જીવનકળા નથી જાણતો એટલે તે પોતાને દુ :ખી કરી દે છે, આનાં ઘણાં ઉદાહરણ આપી શકાય. અહીં એક પૂરતું ગણાશે.

મારો એક મિત્ર ભારતીય વહીવટી સેવામાં ઉચ્ચસ્થાને અધિકારી છે. તે પ્રામાણિક અને કર્મઠ છે. એણે જીવનકળા પ્રત્યે વિશેષ ધ્યાન આપ્યું નથી. એટલે તે ફાટે મોંએ બોલે છે. પ્રામાણિક વ્યક્તિ થોડો નીરસ બની જાય છે. સત્ય બોલનારા લોકો મોટે ભાગે ક્રોધી દેખાય છે. મારો આ મિત્ર પણ નિયમ-કાયદાનું ચુસ્તપણે પાલન કરતો. ક્યાંય નમતું જોખવાની વાત જ ન આવે. પરિણામે જ્યારે લોકો એની ગેરહાજરીમાં એને ભાંડતા અને એ વાતો એને કાને આવતી ત્યારે તે નિરાશ થઈ જતો. આવી પરિસ્થિતિઓમાંથી તેણે લગભગ દરરોજ પસાર થવું પડતું. એને લીધે તે માનસિક તણાવ અને શરીરના સ્નાયુઓની દુર્બળતાનો શિકાર બની ગયો. જેવો કોઈ માણસ પોતાનું કામ લઈને તેની પાસે આવે ત્યારે તે એના ઉપર તૂટી પડતો. તમારું કામ નહીં થાય એમ ચોખ્ખે ચોખ્ખું કહી દેતો. પછીથી એ વ્યક્તિનું કામ તે કરી દેતો, પણ શરૂઆતમાં તો તેને પોતાનો વિરોધી બનાવી દીધો. કામ પતી જાય પછી પેલી વ્યક્તિ એવું નહીં વિચારે કે સાહેબને કારણે મારું કામ થઈ ગયું. સાહેબે તો એને ધુત્કારી કાઢ્યો હતો. મેં એને સલાહ આપી કે હવે જ્યારે કોઈ વ્યક્તિ પોતાનું કામ લઇને તેની પાસે આવે ત્યારે એના પર ગુસ્સો ન કરવો, એને ધુત્કારવો નહીં. પરંતુ એને સહાનુભૂતિ સાથે સમજાવી દેવાનું કે તમારું કામ આટલાં કારણોને લીધે થવું થોડું કઠિન છે, પણ હું મારા તરફથી બધી મદદ કરવાનો પ્રયત્ન કરીશ.

માણસના આવા બે મીઠા શબ્દો જ બીજી વ્યક્તિ સાંભળવા ઇચ્છે છે અને આ છે જીવનની કળાનો એક પક્ષ.

બીજો પક્ષ પણ છે. કોઈ પણ આકસ્મિકતા માટે તૈયાર રહેવું. આ દુનિયાનું ગણિત આપણી ઇચ્છા મુજબ ચાલતું નથી, એ આપણે સમજી લેવું જોઈએ. અને જ્યાં સુધી એ ચાલતું રહે ત્યાં સુધી તેને આપણું સદ્ભાગ્ય કે ઈશ્વરકૃપા ગણવાં જોઈએ. જ્યાં આ ગણિત આપણા માટે મૂંઝવણભર્યું બની જાય ત્યારે હતાશ-નિરાશ ન થઈને એ પરિસ્થિતિ સામે ઝઝૂમવા માટે મનોબળ કેળવવા ઈશ્વરની પ્રાર્થના દ્વારા પ્રયત્ન કરતા રહો. વસ્તુત : પ્રતિકૂળ પરિસ્થિતિઓ જ મનુષ્યની સાચી પરીક્ષા કરે છે. અનુકૂળતા અને પ્રતિકૂળતા એ જીવનના તાણાવાણા છે. આપણી આવી અનુભૂતિ પ્રતિકૂળતાની ક્ષણે આપણાં કદમોને ડગમગવા નહીં દે.

જીવનની કલાનો ત્રીજો પક્ષ છે, દોષદર્શનની વૃત્તિને રચનાત્મક બનાવવી અને અભ્યાસ દ્વારા પોતાની ભીતર ગુણદર્શનની વૃત્તિ ઊભી કરવી. કોઈના દોષ જોવા એ આપણા સ્વભાવમાં જ જડાઈ જાય છે. મોટેભાગે એ વૃત્તિ વિનાશાત્મક બની જાય છે. આપણે તાળીઓ મારીને બીજાના દોષોનો સ્વાદ માણીએ છીએ અને એને સૌ કોઈને વહેંચતા રહીએ છીએ. એનાથી આપણને ઘણી હાનિ થાય છે. દોષદર્શનની આ વૃત્તિને આપણે ભાવાત્મક અને રચનાત્મક બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેમ કોઈ ચિકિત્સક રોગીનો દોષ-રોગ જુએ છે, પરંતુ યંત્રો દ્વારા એને એની વૃદ્ધિ કરીને જુએ છે. આ બધાની પાછળ એ ચિકિત્સકની ભાવના દર્દીના દોષ કે રોગને દૂર કરવાની હોય છે. આવા દોષદર્શનને રચનાત્મક કે ભાવાત્મક કહેવાય. આ મેળવવા માટે આપણે પોતાની ભીતર ગુણદર્શનની વૃત્તિ ઊભી કરવી પડે. આ વસ્તુ સ્વભાવગત નથી, એટલે આ વૃત્તિને જ્ઞાનપૂર્વક અભ્યાસ કરીને મેળવવી પડે. કોઈપણ વ્યક્તિમાં મને એનો દોષ તરત જ દેખાઈ આવવાનો, આ સ્વાભાવિક વાત છે. પરંતુ જેવી આ દોષદર્શનની વૃત્તિ આપણામાં જાગે કે આપણે જે તે વ્યક્તિના ગુણોને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. જગતમાં કોઈ એવી વ્યક્તિ નથી કે જેમાં માત્ર દોષ અને દોષ જ હોય અને ગુણ હોય જ નહીં.

જીવનકળાના આ ત્રણ પક્ષ આપણા જીવનને આંતરિક દૃષ્ટિએ સમૃદ્ધ કરે છે અને પોતાના જીવનને સાર્થક બનાવવામાં સહાયરૂપ નીવડે છે.

Total Views: 450

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.