ઉપાસક જ્યારે ઉપાસ્યનું સ્વરૂપ મેળવે ત્યારે એ જ ઉપાસનાની પરાકાષ્ઠા છે, એ વાત આપણે ગયા અંકમાં વાંચી, હવે આગળ…

પ્રકરણ : ૧૧ (૯ મે, ૧૮૮૭) વરાહનગર મઠ, સ્વામીજી અને રવીન્દ્ર

કથામૃતના પરિશિષ્ટ વિભાગમાં માસ્ટર મહાશયે વરાહનગર મઠનું જે ચિત્ર પ્રસ્તુત કર્યું છે, તે શ્રીઠાકુરની એ જ લીલાકથા અને સંદેશ સાથે જોડાયેલું છે; જેનું તેઓ આટલા દિવસોથી વર્ણન કરતા આવ્યા છે. શ્રીઠાકુરના શિષ્યગણ એમના ભાવોથી અનુપ્રાણિત થઈને પોતાના જીવનને હવે આગળ કઈ રીતે વિતાવશે તે જ બતાવવાના હેતુ સાથે તેમણે વરાહનગર મઠનું ચિત્રણ કર્યું છે. શ્રીઠાકુર હવે સ્થૂળદેહમાં નથી, પરંતુ તેમનો ભાવ પ્રત્યેક શિષ્યનાં હૃદયમાં ઉજ્જવળરૂપે વ્યક્ત થઈ રહ્યો છે. તે લોકોની વચ્ચે પહેલાંની જેમ જ તીવ્ર વૈરાગ્યની વાતો અને ધ્યાન-ધારણા તેમજ ઈશ્વરીય ચર્ચા ચાલતાં રહે છે.

શ્રીઠાકુરના દેહાવસાનના લગભગ એક વર્ષ પછી વરાહનગર મઠની સ્થાપના થઈ. શ્રીઠાકુરના દેહત્યાગ પછી એમના શિષ્યવૃંદ – વિશેષ કરીને જેઓ ત્યાગમય જીવન વિતાવવાના હતા તે લોકો પહેલાં તો વેરવિખેર થઈ ગયા હતા, દિશાહીન થઈ ગયા હતા; પરંતુ નરેન્દ્રે એમને ફરીથી એકત્રિત કરીને શ્રીરામકૃષ્ણના આદર્શ પ્રમાણે આ સંઘની સ્થાપના માટે મુખ્યરૂપે પ્રયત્નશીલ થઈને વરાહનગર મઠના શ્રીગણેશ કર્યા. સુરેન્દ્રનાથ મિત્ર કાશીપુર ઉદ્યાનભવનનું ભાડું દેતા રહેતા. એક દિવસ તેમણે કહ્યું, ‘જુઓ, તમે લોકો એક સ્થાન નિશ્ચિત કરી લો, જ્યાં બધા એકત્રિત થઈને શ્રીઠાકુરની ચર્ચા કરશે અને એને લીધે અમારા જેવા ગૃહસ્થભક્તો માટે પણ શાંતશીતલ થવાનું એક સ્થાન બની રહેશે. હું જેમ મકાનનું ભાડું આપતો હતો તેમ આપતો રહીશ.’ આ રીતે વરાહનગર મઠની સ્થાપના થઈ. એ સમયે વરાહનગરની વસતી આટલી ન હતી. એક સ્થળ પર જંગલ-ઝાડીથી ઘેરાયેલ એક જૂનું અને પરિત્યક્ત ખંડેર જેવું બે માળનું મકાન હતું. ભૂતના ડરથી દિવસને સમયે પણ ત્યાં કોઈ જતું ન હતું. સાપનો પણ ભય હતો. એટલે એ મકાન માત્ર દસ રૂપિયાના ભાડા પર મળી ગયું. એ સ્થાન બધાને ખૂબ પસંદ પડ્યું. કોલકાતાની નજીક હોવાને કારણે તે ભક્તો માટે સહજગમ્ય પણ હતું અને વળી નિર્જનેય ખરું. તે મકાન સંસારના તાપથી દગ્ધ ભક્તવૃંદ ત્યાં શાંતિ પામે એ હેતુથી ભાડે લીધું હતું.

માસ્ટર મહાશયે ત્યાંના એક દિવસનું (૯ મે, ૧૮૮૭) નું ચિત્ર પ્રસ્તુત કર્યું છે. સાચું નામ છુપાવીને ત્યાં રવીન્દ્ર નામના એક ભક્ત વિશે લખવામાં આવ્યું છે. સંસારના મોહમાં પડીને રવીન્દ્રને નાની ઉંમરમાં જ અનેક સમસ્યાઓમાં ફસાઈને ઘણા કડવા અનુભવો થયા છે. હવે એમને શ્રીઠાકુરની યાદ આવે છે. રવીન્દ્ર શ્રીઠાકુર પાસે આવ્યા હતા, પરંતુ તેમની સાથે ઘનિષ્ઠરૂપે જોડાઈ શક્યા ન હતા. શ્રીઠાકુરે એમને કહ્યું હતું, ‘તારા માટે હજી વાર છે, હજી તારા કેટલાક ભોગ બાકી છે.’ એવું શા માટે કહ્યું? આપણે જાણતા નથી; છતાં પણ એટલું યાદ રહે કે એમણે જે કહ્યું હતું કે જ્યાં સુધી ભોગની તીવ્ર આકાંક્ષા રહે છે ત્યાં સુધી પ્રયત્ન કરીને પણ મનને ભગવાનમાં લગાડી શકાતું નથી. થોડો ઘણો ભોગ થઈ જાય પછી મન જ્યારે શાંત થઈ જાય છે ત્યારે એને થોડું ઘણું ભગવાનમાં લગાડી શકાય છે. આ પ્રકારની કોઈ વ્યક્તિ આવે તો શ્રીઠાકુર કહેતા, ‘ખાઈ લે, પહેરી ઓઢી લે.’ અર્થાત્ શરૂઆતથી જ આવી વ્યક્તિને તેઓ વૈરાગ્યનો ઉપદેશ ન આપતા. તેઓ એ જાણતા હતા કે પ્રારંભમાં જ વૈરાગ્યનો ઉપદેશ વ્યર્થ જવાનો, એ ઉપદેશ એના હૃદયમાં અંકિત ન થાય. એટલે એવી પરિસ્થિતિમાં તેઓ થોડો ભોગ ભોગવી લેવાનું કહેતા. અને વળી સમય આવે ત્યારે મનની દિશા ફેરવીને ભગવાન તરફ લગાડવાનો ઉપદેશ આપતા. એટલે રવીન્દ્રને એમણે કહ્યું હતું, ‘હમણાં નહીં, પછીથી થશે.’

અધિકારી ભેદથી ભિન્ન ભિન્ન પ્રકારના ઉપદેશ જ હિતકર હોય છે. શ્રીઠાકુરે કેવળ વર્તમાનની જ નહીં પરંતુ ભૂતકાળ, ભવિષ્યકાળ બધું જોઈને આ વાત કહી હતી, એ કહેવાની જરૂર નથી. આપણે લોકો કેવળ વર્તમાનને જ જોઈને વિચારીએ છીએ. પરંતુ જે ત્રિકાળદર્શી છે એને માટે તો વર્તમાન એક ક્ષુદ્ર અધ્યાય માત્ર છે. વચ્ચેનું માત્ર એક પૃષ્ઠ વાંચી લેવાથી પુસ્તક વાંચી લીધું એમ થતું નથી. તેની આગળ પાછળ શું લખ્યું છે, એ બધું જાણવું આવશ્યક છે. આવી રીતે જેમની દૂરગામી દૃષ્ટિ છે તેઓ આગળ પાછળ બધું જુએ છે. આપણા પ્રાચીન શાસ્ત્રકારોએ પણ એવું જ કહ્યું છે. વેદોના કર્મકાંડમાં ક્રમશ : અનેક પ્રકારના યજ્ઞયાગનો નિર્દેશ કર્યો છે. ક્યારેક ક્યારેક આપણા મનમાં પ્રશ્ન ઊભો થાય છે કે વેદ તો શ્રેષ્ઠ અધ્યાત્મશાસ્ત્ર છે. છતાં પણ એમાં સકામ યાગયજ્ઞનો ઉલ્લેખ શા માટે કર્યો છે? અરે, શત્રુનો નાશ કરવાની વિદ્યા પણ વેદમાં છે. આ બધાંને વેદમાં સ્થાન કેમ મળ્યું?

એનો ઉત્તર એ છે કે મનુષ્યના મનમાં આ બધા ભાવ છે. જ્યારે મનમાં ભોગવાસના પ્રબળ હોય છે ત્યારે તેને ભગવાન તરફ વાળવા માટે તેની આકાંક્ષાને અનુરૂપ થોડો ઉપદેશ આપવો પડે છે. એટલે ઉપદેશ દેતાં પહેલાં જોવું પડે છે. જેવો અધિકારી તેવો ઉપદેશ. ભોગની તીવ્ર આકાંક્ષાને કેવી રીતે દૂર કરવી, એનો ઉપાય શાસ્ત્રોમાં દર્શાવ્યો છે. ભોગવાસનાથી પરિપૂર્ણ મનને ભગવાન તરફ લઈ જવા માટે ધીરે ધીરે એને ભોગોની વચ્ચેથી લઈ જવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. એટલે ભોગોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તંત્રોમાં તો એની પરાકાષ્ઠા જોવા મળે છે. એમાં ભોગનાં અનેક ઉપકરણોની વાતો કહેવામાં આવી છે. શાસ્ત્રનો ઉપદેશ છે :

न मांसभक्षणे दोषो न मद्ये न च मैथुने ।
प्रवृत्तिरेषा भूतानां निवृत्तिस्तु महाफला ।।

માંસભક્ષણમાં દોષ નથી, મદ્યપાન કે મૈથુન કરવામાં પણ નથી. આ તો જીવોની સહજ પ્રવૃત્તિઓ છે. પરંતુ એમાંથી નિવૃત્ત થવાથી મહાફળની પ્રાપ્તિ થાય છે. (મનુસ્મૃતિ : ૫.૫૬)

આવો જ મનુષ્યનો સ્વભાવ છે. સ્વભાવની વિરુદ્ધ કોઈ ચાલી શકતું નથી, પરંતુ નિવૃત્તિ મહાન ફળદાયી છે. એ રસ્તે ચાલવા માટે ધીરે ધીરે આ પ્રવૃત્તિઓની દિશાને વાળીને ભગવાન તરફ લઈ જવાની રહે છે. આ જ શ્રીઠાકુરનો ઉપદેશ છે અને શાસ્ત્ર પણ એ જ કહે છે.

આઘાત લાગતાં રવીન્દ્રના મનમાં વૈરાગ્યનો ભાવ ઉદિત થાય છે. એક વાર તેઓ સતત ત્રણ દિવસ અને ત્રણ રાત શ્રીઠાકુરની પાસે રહ્યા હતા, એનો પણ અહીં ઉલ્લેખ થયો છે. પછીથી તેઓ ભોગની આકાંક્ષામાં એવા ડૂબ્યા કે શ્રીઠાકુરને જ ભૂલી ગયા. હવે ઘા લાગ્યો એટલે શ્રીઠાકુરની વાત યાદ આવી છે. અને આજે તેઓ તીવ્રવૈરાગ્યનો ભાવ લઈને પોતાની જાતને બદલવા માટે મઠમાં આવ્યા છે. આ વૈરાગ્ય કેવો હતો, એનું ચિત્ર અહીં મળે છે.

રવીન્દ્રના મઠમાં આવવાથી નરેન્દ્ર વગેરે શ્રીઠાકુરના ત્યાગી સંતાનોએ ઘૃણાસ્પદ સમજીને એમનો પરિત્યાગ ન કર્યો, પરંતુ ‘સપ્રેમ સ્વાગત’ કર્યું.

એટલું જ નહીં બધાના મનમાં એ જ મંગળકામના હતી કે રવીન્દ્રના જીવનમાં આધ્યાત્મિકભાવ સ્ફુરે તથા વૈરાગ્ય સુદૃઢ બને. નરેન્દ્રનું વિશાળ હૃદય બધા માટે સમાનરૂપે સહાનુભૂતિપૂર્ણ હતું. અહીં તેમની ઉદારતાનો પ્રારંભ જોવા મળે છે. પછીથી તો આપણે જોઈએ છીએ કે તેઓ ઘૃણાસ્પદ ગણિકાઓ માટે પણ કરુણાળુ બનીને પ્રાર્થના કરે છે. (ક્રમશ 🙂

Total Views: 372

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.