સંપાદકીય નોંધ : ડૉ. એ.આર.કે. શર્માના પુસ્તક ‘Swami Vivekananda’s Leadership Formulas to become Courageous’ નો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.

ક) સાગના ઝાડ પાસેથી સહનશીલતાનો પાઠ શીખો

આપણે સાગના વૃક્ષ પાસેથી સહનશીલતા વિશે ઘણું શીખી શકીએ. આ વૃક્ષ વિકસિત થઈને ૩૦ થી ૪૦ મીટર સુધી ઊંચું બની શકે છે. આ પ્રક્રિયામાં તેને ૩૦ વર્ષ લાગે છે. આ વૃક્ષનો વ્યાસ ૫૦ સે.મી. હોય છે. પરંંતુ જો આ વૃક્ષને જલદી કાપી નાખીએ તો એમાંથી જે મૂલ્યપ્રાપ્તિ થાય છે તે મામૂલી હોય છે. પ્રાપ્તિઓનું મૂલ્ય તેની ઉંમર સાથે વધતું રહે છે. જ્યારે આ વૃક્ષની ઉંમર ૭ વર્ષની થાય છે ત્યારે તમને દરેક વૃક્ષ રૂપિયા ૧૨૫ જ આપી શકે. એનું કારણ એ છે કે એ વૃક્ષની ઊંચાઈ ભલે વધુ થઈ હોય પરંતુ તેની જાડાઈ ઘણી ઓછી હોય છે અને તે કેવળ એક થાંભલા કે આડી રૂપે કામ આવે છે. આ વૃક્ષની ઉંમર જ્યારે ૧૪ વર્ષની થઈ જાય ત્યારે તેના માટે રૂપિયા ૩૦૦ મળી શકે. એનું કારણ એ છે કે ત્યારે પણ તેનો વ્યાસ વધારે વધ્યો હોતો નથી. છ વર્ષ સુધી વધારે રાહ જોઈએ એટલે કે વૃક્ષ જ્યારે ૨૦ વર્ષનુંં થાય ત્યારે તેના માટે રૂપિયા ૭,૫૦૦ મળી શકે. અને ત્યાર પછી પણ ૧૦ વર્ષની રાહ જોઈએ એટલે કે વૃક્ષ ૩૦ વર્ષનું બને ત્યારે તેના રૂપિયા ૧૫,૦૦૦ મળે. એટલે સાગનાં વૃક્ષો સાથે આપણે પનારો પાડીએ ત્યારે સહનશીલતા એની ગુરુચાવી છે.

ખ) રામાયણનાં શબરી : સહનશીલતાના ફળનું જીવંત પ્રમાણ

સહનશીલતા સાથે કરેલા આચરણનું ફળ અવશ્ય મળે છે એનું જીવંત પ્રમાણ રામાયણનાં શબરી છે. ઋષિ મતંગ પંપા સરોવરના તટ પર પોતાના શિષ્યો સાથે રહેતા હતા. પોતાના આશ્રમમાંં ભિન્ન ભિન્ન પ્રકારની તેઓ તપસ્યા કરતા હતા. શબરીએ અત્યંત શ્રદ્ધા સાથે એમની સેવા કરી હતી. જ્યારે એમણે દેહત્યાગ કર્યો ત્યારે એમણે શબરીને જણાવ્યું કે તેણે ભગવાન રામની પ્રતીક્ષા કરવી અને એમનાં સેવાસત્કાર કરવાં, જેના ફળરૂપે તેને સ્વર્ગ પ્રાપ્ત થશે. ઋષિના આદેશ પ્રમાણે આ સાધ્વી મહિલાએ બે વર્ષ સુધી રામના આગમનની રાહ જોઈ.

જ્યારે રામ અને લક્ષ્મણ એની ઝૂંપડીમાંં પધારે ત્યારે તેમને ભેટ ધરી શકે તે માટે તે હંંમેશાં પોતાની પસંંદગીના મેવા, ફળ અને મધ એકઠાં કરતી રહેતી. એક દિવસ જ્યારે રામ અને લક્ષ્મણ પંપા સરોવરની પાસેથી આગળ જઈ રહ્યા હતા ત્યારે તેઓ શબરીની ઝૂંપડીમાં પધાર્યા. તે એમને જોઈને જ ઓળખી ગઈ કે જેમની લાંંબા સમયથી રાહ જોઈ રહી છે તે આ જ અતિથિઓ છે અને એમને જોઈને તે એમનાં ચરણોમાંં પડી ગઈ.

તે એમને પોતાની ઝૂંપડીમાં લઈ ગઈ, એમના ચરણ ધોયા અને એમને મેવા અને ફળ ખાવા આપ્યાંં. ભગવાન રામ તેની સમર્પણની ભાવના તથા સહનશીલતા જોઈને દ્રવી ઊઠ્યા. એમણે પ્રેમ અને કરુણા સાથે એ વૃદ્ધ સ્ત્રીનો હાથ પકડ્યો અને તે સાથે જ એમની આંખોમાં પ્રસન્નતાનાં આંસુ વહેવાં માંડ્યાંં.

ભગવાન રામે કહ્યું, ‘હે શબરી, હે પવિત્ર આત્માવાળાં નારી, મને ખાતરી છે કે તમારા દ્વારા થયેલી સંંતોની સેવા, તમારી તપસ્યાએ સ્વર્ગમાંં તમારું સ્થાન નિશ્ચિત કરી દીધું છે.’ શબરીએ તેમના પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરતાં કહ્યું, ‘હા પ્રભુજી, આજે મારી તપસ્યા ફળી, કારણ કે મને આપનાં દર્શન કરવાનું પરમસૌભાગ્ય પ્રાપ્ત થયું છે. હું આ પૃથ્વી પર કેવળ આપની સેવાના અવસરની રાહ જોતી હતી. હવે મને દેહત્યાગ કરવાની અનુમતિ આપો.’ તેણે એમને (રામ, લક્ષ્મણને) સરોવરની આસપાસ તથા આશ્રમમાં ભ્રમણ કરાવ્યું. પછી તેણે ઝગમગતા પ્રકાશનારૂપે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. બન્ને રાજકુમારોએ એને પ્રણામ કર્યા અને આશ્રમમાંથી વિદાય થયા.

ગ) કબીર : માળી ભલે સેંકડો ઘડા પાણી સીંચે પણ ફળ તો અનુકૂળ મોસમ આવે ત્યારે જ ઊપજે છે

આ દોહાના માધ્યમથી સંત કબીર આપણને ધૈર્યનો બોધ આપે છે.

ધીરે ધીરે રે મના ધીરે સબ કુછ હોએ

માલી સીંંચે સૌ ઘડા ઋતુ આએ ફલ હોએ

આ દોહાના માધ્યમથી કબીર દૈનંદિન જીવનમાંં લોકો દ્વારા ઉતાવળથી થતી પ્રવૃત્તિ તરફ આપણું ધ્યાન દોરે છે. આપણે તો તરત ચીભડીનાં બીની જેમ તરત જ સફળતા ઇચ્છીએ છીએ. અને આવી ઉતાવળ અને ઝડપથી પરિણામ ન મળે એટલે નિરાશ થઈ જઈએ છીએ અને અચાનક કામને વચ્ચે જ છોડી દઈએ છીએ.

આપણે બધા જાણીએ છીએ કે આંંબામાંં ઉનાળાની ઋતુમાંં જ ફળ બેસે. આમ હોવા છતાં આપણે બીજી કોઈ ઋતુમાં આંબાના ઝાડના મૂળમાંં ગમે એટલા ઘડા પાણી રેડીએ તો પણ એ સમયે એમાં ફળ બેસતાં નથી.

આંબાના ઝાડનું આખું વર્ષ પાલનપોષણ કરવું આવશ્યક છે. પણ આપણા આખા વર્ષના પ્રયાસોના પરિણામ સ્વરૂપે એમાં કેરી તો ઉનાળાની ઋતુમાં જ આવે. એટલે કબીર એવું ઇચ્છે છે કે આપણે એટલું સમજી-જાણી લેવું જોઈએ કે પ્રત્યેક વ્યક્તિએ પોતાના સર્વશ્રેષ્ઠ પ્રયત્નો કરવા જોઈએ અને ત્યાર પછી ધૈર્ય ધારણ કરીને તેનાંં ફળની યોગ્ય સમય સુધી રાહ જોવી જોઈએ, ત્યારે જ આપણા પ્રયાસોનું પરિણામ સામે આવી શકે.

Total Views: 61
By Published On: May 1, 2015Categories: A. R. K. Sharma0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram