સંપાદકીય નોંધ : બેલગામ આશ્રમના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી પુરુષોત્તમાનંદજીના કન્નડ ભાષાના ‘યુવાશક્તીય રહસ્ય’ના અંગ્રેજી અનુવાદ Youth And Vitality! નો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.

એક વખત કોલેજના એક વિદ્યાર્થીએ મને પૂછ્યું : ‘‘સ્વામીજી, મારા મિત્રો મને કહે છે, ‘કેટલીક છોકરીઓને મનમાં રાખીને એને પ્રેમપત્રો લખ કે એનાથી વધારે સારું એના વિશે કાવ્યો લખ. એનાથી તારા મનને સરળતાથી એકાગ્ર કરવામાં સહાય મળશે. વળી તે પરીક્ષા માટેના અભ્યાસમાં પણ ઘણું પ્રેરક બની રહેશે.’ એટલે મેં એક છોકરી પર કાવ્યો લખવાનું શરૂ કરી દીધું છે. સ્વામીજી, આ મારા માટે ઠીક રહેશેને?’’

વિદ્યાર્થી પાસેથી આવતા આવા શબ્દો સાંભળીને મને જરાક આંચકો લાગ્યો. તરત જ મારા મનમાં હજારો વિચારો આવી ગયા. આ દુનિયા સાથે કંઈક અવનવું ખોટું બની રહ્યુંું છે એ જાણીને મને આશ્ચર્ય થયું. આજે વિદ્યાર્થીજીવન કેવું ભયજનક બની ગયું છે! એવું લાગે છે કે આપણો ભવ્ય આદર્શ ‘કેળવણી એક તપ છે’ એ જાણે કે લગભગ આધુનિક કેળવણી સંસ્થાઓમાંથી નાશ પામ્યો છે. આ યુવાનોને છોકરીઓને ચાહવાનું, તેમને પ્રેમપત્રો લખવાનું અને તેમના વિશે કાવ્યો લખવાનું અને એ રીતે મનની એકાગ્રતા કેળવવાનું કહેનાર એ મહાન અને પવિત્ર ગુરુ કોણ હશે! કેવો વિચિત્ર અને હાનિકારક વિચાર કે આદર્શ! અને એવી ઘણી છોકરીઓ પણ હશે કે જેઓ આ મૂર્ખામીભરેલી વિચિત્ર રીતને અપનાવતી પણ હશે. ખરેખર આ યુવાનોને આવી કેટલીએ તર્ક કે બુદ્ધિવિહોણી રીતો જાણવા મળી હશે કે જે તેમના મનને ભાંગીને ચૂરેચૂરા કરી નાખે છે!

પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરવાને બદલે આપણા જુવાનીનાં જોમ-જુસ્સો અને ઊર્જાને ક્ષુલ્લકતા નિરર્થક તોફાનોમાં આમતેમ ઉડાડી દે છે. હવે વડિલો માટે આ પરિસ્થિતિની ગંભીરતા અનુભવવાનો સમય પાકી ચૂક્યો છે. પછીના જીવનમાં જ્યારે યુવાન અને યુવતીઓ વિધિસર લગ્ન કરે ત્યારે તેઓ એકબીજાને ભલે ચાહે, પ્રેમપત્રો લખે, એકબીજા વિશે કાવ્યો પણ લખે, એ બધું બરાબર છે, પરંતુ જ્યારે પોતાના સુદૃઢ વ્યક્તિત્વનું ઘડતર કરવાનું હોય છે એ સમયગાળામાં જો આવી આસક્તિ અને છીછરા પ્રેમને જગાડતી પ્રવૃત્તિઓમાં યુવાનો પરોવાય તો પછી એમાં કંઈ આશા રાખવા જેવું નથી. તરુણાવસ્થામાં વ્યક્તિમાં આ આસક્તિ સ્વભાવિક રીતે પ્રગટતી જોવા મળે છે. આ જ સમય દરમિયાન જો યુવાનો અને યુવતીઓ પ્રેમપત્રો કે કાવ્યો લખીને એકબીજાના નજીકના સંપર્કમાં આવે તો આસક્તિના અંકુરો ફૂટી નીકળીને પ્રચંડ અને ભયંકર સ્વરૂપ ધારણ કરે છે. એટલે જો તેઓ પોતાની જાતમાં સંયમ ન રાખે તો તેમનાં યુવાન-મન બગડશે અને પોતાના ઉત્સાહ તેમજ સંતુલનને પણ ઝડપથી ગુમાવશે. સંતુલન ગુમાવેલું મન એકાગ્રતા કેવી રીતે કેળવી શકે? અને એકાગ્રતા વિના જીવનમાં મહાન વસ્તુઓની પ્રાપ્તિ પણ કેવી રીતે કરી શકે?

મનની એકાગ્રતા કેળવવા બ્રહ્મચર્યનો અભ્યાસ કે સંયમની કેળવણી એ અગત્યનું અને પ્રાથમિક સાધન છે. આ સત્ય વાતને આપણાં છોકરા છોકરીઓએ પોતાના પ્રારંભના જીવનમાં બને તેટલી જાણવી અને શીખવી જોઈએ. માતપિતાએ પણ પોતાના આ કલ્પિત અજ્ઞાનને ખંખેરી નાખવું પડે અને બ્રહ્મચર્યના અને સંયમના અભ્યાસ વિશેની પોતાની સાવ ખોટી ભ્રામક સંકલ્પનાને પણ છોડી દેવી જોઈએ. માતપિતાએ એટલું જાણવું જરૂરી છે કે જો તેમનાં સંતાનો બ્રહ્મચર્ય ગુમાવે તો તેમના સમગ્ર વ્યક્તિત્વનો વિનાશ થશે અને તે અંધકારમય બની જશે.

Total Views: 334

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.