આજે વિશ્વભરમાં અને વિશેષ કરીને ભારતમાં આપણે સૌ નારીઓની સમસ્યાઓ તેમના સશકતીકરણની વાતો કરીએ છીએ. આ વિશે કહેવાતી આધુનિક નારીઓ અને પશ્ચિમના રંગે રંગાયેલા એમના સમર્થકો પશ્ચિમમાં થયેલ નારીસશક્તીકરણનું અનુકરણ કરવાનું કહે છે. સાથે ને સાથે આ બધાં એમ પણ માને છે કે પ્રાચીનકાળથી ભારતમાં નારીઓનું સશક્તીકરણ થયું નથી. હંમેશાં એમનાં શોષણ અને અવગણના થયાં છે. પરંતુ પશ્ચિમના નારીસશક્તીકરણના ઇતિહાસ અને એને આનુષંગિક આપણા ઇતિહાસની તુલના કરીએ તો એમાં વજૂદ નથી.

પાશ્ચાત્ય દેશોમાં નારીસશક્તીકરણના પ્રણેતા બેટ્ટી ફ્રિડને પોતાના જીવનના અંતિમકાળે લખેલ પુસ્તક ‘ધ ફોર્થ વેવ’માં આ વાતને સ્પષ્ટ રીતે વ્યક્ત કરેલી છે. દરેક ક્ષેત્રમાં પુરુષ સાથેની હરિફાઈની અતિ ઉત્સુકતાએ એમણે પોતાના માતૃત્વના આદર્શને અવગણ્યો છે. પરિણામે બાળકોમાં સંસ્કાર અને મૂલ્યના સિંચનના અભાવે મોટા ભાગનાં બાળકો ગેરમાર્ગે જતાં થયાં છે. આજે આ સમસ્યા પશ્ચિમના દેશોમાં માથાનો દુ :ખાવો બની છે.

એટલે જ આ વિશે પશ્ચિમનું આંધળું અનુકરણ કરવાને બદલે આપણા પ્રાચીન ઇતિહાસ, સંસ્કૃતિ, અને મૂલ્યો તરફ નજર નાખવાની જરૂર છે. એમાંથી આજના સંદર્ભમાં જે કંઈ પ્રાસંગિક અને અનુસરણીય છે તેના વિશે આપણે જરા વિચારી લેવું જોઈએ.

આપણે સૌએ એ વાત યાદ રાખવી જોઈએ કે નારી સન્માનની ભાવનામાં ભારત પ્રાચીન સમયમાં સૌથી આગળ પડતો દેશ હતો. પાશ્ચાત્ય દેશોમાં ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં નારીસશક્તીકરણના આંદોલનની શરૂઆત થઈ હતી. એ પહેલાં તો ત્યાં સ્ત્રીઓની પરિસ્થિતિ દયનીય હતી. ઇતિહાસ એની સાક્ષી પૂરે છે.

મહાભારતના અનુશાસન પર્વ (૪૬)માં આ નારીઓ પ્રત્યેના આદરની વાત આ શબ્દોમાં કરવામાં આવી છે :

‘पितृभिः भ्रातृभिश्चापि श्वशुरैरथ देवरैः पूज्या भूषयितव्याश्च बहुक्ल्याणेप्सुभिः पूज्या लालयितव्यास्च स्त्रियो नित्यं जनाधिप स्त्रियो यत्र च पूज्यन्ते रमन्ते तत्र देवताः अपूजिताश्च यत्रैतास्सर्वास्तत्राऽफलाः क्रियाः तदा चैतत् कुलं वास्ति यदा शोचन्ति जामयः जामी शप्तानि गेहानि निकृत्तानीव कृत्यया नैव भान्ति न वर्धन्ते श्रिया हीनानि पाथिर्व स्त्रियस्तु मानमर्हन्ति ताः मानयतः मानवाः स्त्रीप्रत्ययो ह वै धर्मो रतिर्भोगश्च केवलाः परिचर्या नमस्कारास्तदायता भवन्तु वः उत्पादनमपत्यस्य जातस्य परिलावनं सम्मन्यमानाश्च एता हि सर्वकार्याण्यवाप्स्यथ श्रियः एताः स्त्रियो नाम सत्कार्या भूतिमिच्छत।।’

માતા-પિતા, ભાઈઓ, સાસરા, દિયર કે જે પોતાનું ક્ષેમ કલ્યાણ સાધવા આતુર હોય તેમણે ઘરની નારીઓની માન-આદર સાથે પૂરતી કાળજી લેવી જોઈએ અને તેવું વર્તન રાખવું જોઈએ. એમણે ઘરેણાં, વસ્ત્રો જેવી સ્ત્રીઓની વ્યાજબી માગણીઓ સંતોષવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેમના પ્રત્યે પૂજ્યભાવના, હૃદયની લાગણી અને પ્રેમ રાખવાં જોઈએ. જ્યા સ્ત્રીઓને આવું સન્માન મળે છે ત્યાં દેવો રાજી થાય છે. જો તેમને આવાં માન-આદર મળે તો દેવોને પ્રસન્ન કરવા વિધિવિધાનોની જરૂર રહેતી નથી. જે કુંટુંબોમાં નારીઓને દુ :ખ-કષ્ટ સહન કરવા પડે તે ઘર ઘર રહેતા નથી અને એમના મૂક શાપથી એ બધું બળી જાય છે. ભવિષ્યમાં એમના દિવસો ઊજળા થતા નથી અને સુખ સમૃદ્ધિથી વંચિત રહે છે. એટલે હે પુરુષો, તમે દરેક નારીને સન્માનો કારણ કે નારીઓ આવા માન આદરને પાત્ર છે. ધર્મ અને ભૌતિક સુખ સમૃદ્ધિ એમના પર આધાર રાખે છે. તમારી સંતતિની ઉત્પતિ અને તેનું સંરક્ષણ પણ નારીઓ પર અવલંબે છે. નારીઓનું માનસન્માન જાળવવાની તમારી ફરજને છોડ્યા સિવાય તમે જે મેળવવા ઇચ્છો તે મેળવી શકો છો. સ્ત્રીઓ ખરેખર લક્ષ્મીનું મૂર્તિમંત રૂપ છે. અને જે કોઈ સમૃદ્ધિ-સંપત્તિ મેળવવા ઇચ્છે છે, તેમણે નારીઓનાં માન આદર જાળવવા જોઈએ. તેઓ સાક્ષાત્ લક્ષ્મી છે.

મનુ કહે છે, ‘ઉપાધ્યાય કરતાં આચાર્ય દસગણા શ્રેષ્ઠ છે, પિતા આચાર્ય કરતાં સો ગણા ચડિયાતા છે. માતા પિતા કરતાં સો ગણા ગુણવત્તાવાળાં છે’ – ‘उपाध्यायानद्दशा आचार्याः आचार्याणां शतं पिता पितृणां च शतं माता गौरवेणातिरिच्यते ।।’ આવું ચડિયાતું માન નારીત્વને કારણે મળ્યું છે અને આવાં વર્ણનો દેવો અને તેમની પત્નીઓના સંબંધમાં પણ જોવા મળે છે. દા.ત. વિષ્ણુ લક્ષ્મીને પોતાની છાતી પર રાખે છે, શિવ પોતાની પત્નીને માટે અરધું અંગ ધરી દે છે, કાલી તો શિવ પર નૃત્ય પણ કરે છે. આવી પરિકલ્પના પ્રાચીન ભારતમાં નારીઓની કેવી સન્માનજનક સ્થિતિ હતી તેની સૂચક છે. સંસ્કૃત ભાષામાં मातापितरौ, लक्ष्मीनारायण, उमामहेश्वर, सीताराम, આવા કેટલાક સમાસ આ જ આદર્શને વ્યક્ત કરે છે. નારી પ્રત્યેનાં આદરને વ્યક્ત કરવા નારીવાચક શબ્દને એમાં પ્રથમ સ્થાને મૂક્યો છે. પોતાના નારીત્વને કારણે સ્ત્રીઓ માન આદરને પાત્ર છે, એ દર્શાવવા આવા સૂચક શબ્દોનો ઉપયોગ થયો છે. આવી જ રીતે ઘળ્રૂળ શબ્દ પણ એ દર્શાવે છે કે સ્ત્રીઓ તરફ આપણે માતાની નજરે જોવું જોઈએ અને તેમને માન-આદર આપવાં જોઈએ. શ્રીરામકૃષ્ણ દેવે પોતાનાં સહધર્મિણી શ્રીસારદા દેવીની ષોડશી પૂજા કરી હતી. તેઓ હંમેશાં તેમની સાથે ઉત્તમ માનપૂર્વક વ્યવહાર કરતા. વાસ્તવિક રીતે સ્વામી વિવેકાનંદે તેમના ગુરુભાઈને એક વખત પત્રમાં લખ્યું હતું કે શ્રીરામકૃષ્ણના અવતારનો મુખ્ય હેતુ શ્રીમા સારદાદેવીના રૂપે માતૃત્વનો આદર્શ પુન : પ્રતિસ્થાપિત કરવાનો હતો.

ઐતિહાસિક દષ્ટિએ સ્ત્રી કુટુંબનું મૂળ સ્રોત છે. કુટુંબ સામાન્ય રીતે માતા અને સંતાનોથી બને છે. પિતા તો પૂરક રીતે પછીથી આવે છે. તેણે મુશ્કેલીના સમયમાં કે જ્યારે માતા કે સ્ત્રી ઘરમાં બધાંની સંભાળ ન લઈ તેમ હોય ત્યારે પિતાની ફરજ કુટુંબની સારસંભાળ લેવાની રહે છે. કુટુંબ સમાજનું એક એકમ છે અને સ્ત્રી સમાજના પ્રથમ એકમનું મૂળ સ્રોત છે. સ્ત્રી સમગ્ર સમાજના માળખાની મુખ્ય આધારશિલા છે. गृह નારીથી બને છે. એમ ઋગ્વેદમાં કહેવામાં આવ્યું છે. – जायेदस्तम्’।। – ‘પત્ની જ ઘરને રચે છે.’ મનુ કહે છે, ‘न गृहं गृहमित्याहुः गृहिणी गृहमुच्यते ।। गृहं च गृहणीहीनमरण्सद्ृशं मतम् ।।’ – ‘ઘર એ ઘર નથી પણ ગૃહિણી એ જ ઘર છે. નારી વિનાનું ઘર એ વિરાન જંગલ જેવું છે. નીતિમંજરીમાં કહ્યું છે, ‘गृहं न गृहं काष्ठापाशाणैर्दयिता यत्र तद् गृहम् ।। પથ્થર અને લાકડાંથી બાંધેલું ઘર એ ઘર નથી. પણ જ્યાં ગૃહિણી છે ત્યાં જ ઘર છે.’ ‘गृह’ ગૃહ શબ્દ મૂળ ધાતુ ‘गृह्’ પરથી આવ્યો છે, એ મૂળ ધાતુનો અર્થ સંયમમાં રાખવું એવો થાય છે. એટલે કે ઘર કે કુટુંબ એક એવી સંસ્થા છે કે પતિ અને પત્ની એક બીજાંને આત્મસંયમ કેળવવામાં મદદ કરે છે.

Total Views: 319

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.