સંપાદકીય નોંધ : મૂળ અંગ્રેજીમાં ભગિની નિવેદિતાએ લખેલાં સંસ્મરણોના સ્વામી વિદેહાત્માનંદજીએ કરેલા હિન્દી અનુવાદનું શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ અનુસર્જન અહીં પ્રસ્તુત છે.

૧. કોલકાતા ૧૫ ફેબ્રુઆરી, ૧૮૯૯ : સોમવારે મારું કાલી વિશેનું વ્યાખ્યાન પૂરું થયું. આલ્બર્ટ હોલ ખચાખચ ભર્યો હતો. સભાપતિએ ઘણી ભાવુક્તા સાથે ‘કાલી’ના તથા મારા વિરોધમાં કંઈક કહ્યું અને એ તીવ્ર ઉત્તેજનાની વચ્ચે દુર્ભાગ્યવશ એક ભક્તે ઊભા થઈને એમને સંભળાવ્યું. મારે ખેદપૂર્વક કહેવું પડ્યું કે જ્યારે હું આ બધી વાતો વિશે વિચારું છું ત્યારે મને હસવું આવે છે. સ્વામીજી મારા વ્યાખ્યાન પર ખૂબ પ્રસન્ન હતા અને મારો એવો વિશ્વાસ છે કે તેમની પાછળ અવશ્ય કોઈ કારણ હશે, કારણ કે ત્યાર પછીથી કેટલીયેવાર મારા મનમાં વિચાર આવ્યા કે મેં એના દ્વારા હાનિ જ પહોંચાડી હતી. વાત એ છે કે બ્રાહ્મસમાજીઓનું કહેવાનું છે કે (મેં જે કંઈ કહ્યું) તે કાલીપૂજા ન હતી પણ જનતાએ એમ જ સમજ્યું જે એમની હીનતમ ભાવનાને ગમ્યું.

અસ્તુ, કાલીઘાટ, મંદિરના લોકોએ મને ત્યાં કાલીપૂજા પર બોલવાનું કહ્યું છે. ભલે એનાથી કોઈ લાભ ન થાય, પરંતુ સ્વામીજીનો વિચાર છે કે આ સંકીર્ણતા પર સૌથી મોટો આઘાત થશે. મારા વ્યાખ્યાનના પરિણામે ઉત્કૃષ્ટ ભાવનાઓ તથા ઉત્સાહથી ભરપૂર એક તરુણની મિત્રતારૂપે મને એક મોટો મનગમતો ઉપહાર મળ્યો છે. ‘બલિ’નું અંતિમ લક્ષ્ય મારી સમજમાં આવી ગયું છે. પરંતુ વિચારું છું કે શું હું એમને વ્યક્ત કરી શકીશ! એવું લાગે છે કે ભક્ત જ્યાં સુધી પશુના બદલામાં સ્વયંને અર્પિત કરવા અને ત્યાર બાદ પેલીકન પક્ષી (એક આખ્યાયિકા પ્રમાણે આ પક્ષી પોતાની ચાંચથી પોતાની છાતીએ ખરોચીને તેમાંથી નીકળેલું લોહી પોતાનાં બચ્ચાંને પિવડાવે છે.) ની જેમ પોતે જ પોતાનું લોહી કાઢીને તેનાથી રંજીત પુષ્પ દ્વારા જગદંબાનાં ચરણોને આચ્છન્ન કરી દેવાની શક્તિ તે પ્રાપ્ત કરી શકતું નથી. ત્યારે જ તેને પશુ બલિની જરૂર પડે છે. એનાથી પૂરી પ્રક્રિયા યુક્તિસંગત બની જાય છે અને અર્થ પણ સમજાય જાય છે. હું નથી જાણતી કે તમે આ વિષયમાં શું વિચારો છો? જ્યારે સ્વામીજીએ મારી સમક્ષ એની વ્યાખ્યા કરી ત્યારે લાગ્યું કે બધા લોકો આ વિશે જાણે છે અત: મને લાગે છે કે તે સર્વમાન્ય વાત છે.

કાલે અમે વયોવૃદ્ધ દેવેન્દ્રનાથ ટાગોરના આશીર્વાદ લેવા ગયાં. સ્વામીજીએ પહેલેથી જ સંદેશો મોકલી દીધો હતો કે તેઓ આ માટે વિશેષરૂપે રાજી છે અને મેં એ વાત શ્રીટાગોરને બતાવી અને કહ્યું કે મને લાગે છે કે હું મારા પ્રણામ સાથે જ સ્વામીજીના પ્રણામ પણ નિવેદિત કરી રહી છું. આથી તેઓ ઘણા ભાવુક થયા અને કહ્યું કે એકવાર નૌકાભ્રમણ કરતી વખતે તેઓ સ્વામીજીને મળી ચૂક્યા છે અને જો તેઓ એકવાર વધુ એમને મળવા આવે તો એમને ઘણો આનંદ થશે. મેં જ્યારે સ્વામીજીને આ વાત કહી ત્યારે તેઓ અત્યંત ભાવવિભોર થઈ ગયા અને કહ્યું, ‘અવશ્ય જઈશ; અને તમે પણ મારી સાથે આવી શકો છો. જેટલું બને તેટલું ઝડપથી એને માટે એક દિવસ ચોક્કસ કરી લો!’ એવું સાંભળ્યું છે કે જ્યારે તેઓ કિશોર હતા ત્યારે શ્રીટાગોરની નાવમાં ચડી ગયા હતા અને ઉદ્વેગપૂર્વક અદ્વૈતવાદ વિશે પ્રશ્ન પૂછ્યો હતો. એ સાંભળીને વૃદ્ધે થોડીવાર ચૂપ રહીને પછી ધીરેથી એટલું જ કહ્યું હતું, ‘પ્રભુએ મને કેવળ દ્વૈત જ બતાવ્યું છે.’ ત્યાર પછી એમણે સ્વામીજીની પીઠ થાબડીને કહ્યું હતું, ‘તમારી આંખો યોગી જેવી છે.’

૨. કોલકાતા ૨૧ ફેબ્રુઆરી, ૧૮૯૯ : અમે લોકો કેટલાક મિત્રોને મળવા ગયાં હતાં. મારા કાલી વિષયક વ્યાખ્યાને સ્વામીજીને એ વિષયમાં વાતચીત માટે એક પૃષ્ઠભૂમિ આપી દીધી હતી. અત: એમની વાતો પ્રતીકવાદ પર કેન્દ્રિત થઈ ગઈ. તેમણે કહ્યું, ‘બિચારા મ.. એ ક્યારેય પ્રતીકવાદના ઇતિહાસનું અધ્યયન નથી કર્યું. જુઓ, મને એક ઘણો વિચિત્ર બોધપાઠ મળ્યો હતો. હું શ્રીરામકૃષ્ણ પાસે ગયો અને મારું મન એમની સાથે મળી ગયું, પણ મને એમના બધા વિચારો પ્રત્યે ઘૃણા થતી. એને કારણે મારે છ વર્ષ સુધી સતત કઠોર સંઘર્ષ કરવો પડ્યો. હું કહેતો, ‘આપ મને જે કંઈ કરવાનું કહો છો એના પર મને રતીભાર પણ વિશ્વાસ નથી.’ અને તેઓ કહેતા, ‘ચિંતા કર્યા વિના, આ કરો અને એનું આવું આવું ફળ મળશે.’ સર્વદા તેઓ મને એટલો પ્રેમ આપતા કે એના જેટલો પ્રેમ મને બીજા કોઈએ દીધો નથી. સાથે ને સાથે અત્યંત સન્માનનો ભાવ પણ રહેતો. તેઓ વિચારતા, ‘ભવિષ્યમાં આ બાળક આવો આવો થશે.’ અને તેઓ મને પોતાનું કોઈ નાનુંમોટું સેવાકાર્ય પણ કરવા ન દેતા. જીવનના અંતકાળ સુધી એવો જ ભાવ જાળવ્યો. તેઓ મને પંખો નાખવાની કે બીજી કોઈ પ્રકારની સેવા કરવાની અનુમતિ ન આપતા.’

 

૩. કોલકાતા, ૧૨ માર્ચ, ૧૮૯૯ : બપોર પછી ચાર વાગ્યે એક સંન્યાસી મળવા આવ્યા અને જ્યારે મેં એમને કહ્યું કે હું ‘પ્રબુદ્ધ ભારત’ પત્રિકા માટે સ્વામીજીને મળવા ઇચ્છુ છું, ત્યારે એમણે એવું કહ્યું કે મઠમાં પાછા ફરતી વખતે સાંજના છ વાગ્યે તેઓ મને હોડીમાં લઈ જશે. મને પાછા લાવવા માટે સાથે સ… પણ ગયા હતા અને એટલે અમે ટહેલતાં ટહેલતાં પાછાં ફર્યાં. અમે લોકો ત્યાં આઠ વાગ્યે પહોંચ્યાં. સ્વામીજી વૃક્ષ નીચે ધૂણી પાસે બેઠા હતા… મારી મુલાકાત પૂરી થઈ ગયા પછી એમણે કહ્યું, ‘માર્ગાેટ, સાંભળો. હું અનેક દિવસોથી ન્યૂનતમ પ્રતિરોધના પથ વિશે વિચારી રહ્યો છું, પરંતુ એ એક ભ્રાંતિ માત્ર છે. આ એક સાપેક્ષ વસ્તુ છે. જ્યાં સુધી મારો સવાલ છે ત્યાં સુધી હવે હું એના પર ક્યારેય માથું ખાવા માગતો નથી. સંસારનો ઇતિહાસ થોડાક સાચા લોકોનો ઇતિહાસ છે અને જ્યારે કોઈ વ્યક્તિ સાચો હોય છે ત્યારે આખું જગત એનાં ચરણોમાં પડે છે. હું પોતાના આદર્શ સાથે બાંધછોડ ન કરી શકું, હવે હું સીધે સીધો આદેશ આપું. (ક્રમશ:)

Total Views: 321

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.