માયાવતીની મુલાકાત વખતે સ્વામીજીએ વિરજાનંદની કાર્યનિષ્ઠા વિશે ઘણી પ્રશંસા કરી. તેમણે અદ્વૈત આશ્રમના વિકાસમાં પોતાની જાતને પૂરેપૂરી લગાડી દીધી. પોતાના ગુરુબંધુ સ્વામી કલ્યાણાનંદજીના પ્રયાસોથી કનખલ સેવાશ્રમ શરૂ થતાં તે સંસ્થાને ઊભી કરવા ભંડોળ એકઠું કરવાનું કાર્ય પણ કર્યું. સાથે ને સાથે એમનાં તપ અને ધ્યાન સાધના સતત ચાલતાં રહ્યાં, એ વાત આપણે નવેમ્બર ૨૦૧૪ના અંકમાં જોઈ. હવે આગળ…

ગુજરાનવાલામાં વિરજાનંદ અદ્વૈત વેદાંતના પ્રખર અનુયાયી સ્વામી હંસરાજને મળ્યા. સ્વામીજીના હસ્તાક્ષરવાળો એક કાગળ એમની પાસે જોઈને વિદ્યાનંદ ખૂબ રાજી થયા. એ કાગળ ઉપર સંસ્કૃત અને અંગ્રેજી એમ બન્ને ભાષામાં આ રીતે લખ્યું હતું : ‘આજથી સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી સ્વામી હંસરાજના નામે જાણીતા બનશે.’ કરાંચીમાં વિરજાનંદ સ્વામી સચ્ચિદાનંદ અને સ્વામી સુરેશ્વરાનંદને મળ્યા. તેમની સાથે તેઓ પોરબંદર થઈને દ્વારકા ગયા. ત્યાર પછી વિરજાનંદ જૂનાગઢ અને ગિરનાર થઈને અમદાવાદ ગયા. પશ્ચિમ અને ઉત્તરભારતમાં ઘણા લોકોને એમના ઉદાર-ઉદાત્ત દૃષ્ટિકોણ તેમજ ઘનિષ્ટ આધ્યાત્મિકતાનો લાભ મળ્યો. આ યાત્રા પ્રવાસ દરમિયાન ‘પ્રબુદ્ધ ભારત’ના અનેક ગ્રાહકો સાંપડ્યા. એમાંથી ઘણા મુસ્લિમો પણ હતા.
જ્યારે તેઓ અમદાવાદમાં હતા. ત્યારે વિરજાનંદને સ્વામીજીના દેહાવસાનના સમાચાર મળ્યા. આ એક ભયંકર આઘાત હતો. વિષાદગ્રસ્ત અને ભગ્નહૃદયે તેઓ માયાવતી પાછા ફર્યા. દસ મહિના પછી તેઓ હિમાલયમાં પાછા ફરતા હતા. પરંતુ હવે વિરજાનંદને બધું અંધકારમય લાગતું હતું.

સ્વામીજી ઘણા લાંબા સમયથી પોતાની નાદુરસ્ત તબિયતથી પીડાતા હતા અને એમના દેહાવસાન સમયે ત્રણ થી ચાર સંન્યાસીઓ સતત એમની સહાયમાં હતા. અલબત્ત, વિરજાનંદની સેવા એમને (સ્વામીજી) હૃદયથી ખૂબ પ્રિય હતી. એક પ્રસંગે તેમણે પોતાના સેવકોને ઠપકો આપતાં કહ્યું, ‘કાલીકૃષ્ણ જે સેવા કરતો હતો એટલી તમે બધા સાથે મળીને પણ ન કરી શકો !’ તેમણે માતા સેવિયર અને સ્વરૂપાનંદજીને જો માયાવતીના કામમાં કોઈ ગંભીર અસર ન પડે તો વિરજાનંદને બેલુર મઠ મારી વ્યક્તિગત સેવા માટે મોકલજો એમ કહેતો, એક પત્ર લખ્યો હતો. આના જવાબમાં માતા સેવિયર અને સ્વરૂપાનંદે જણાવ્યું કે વિરજાનંદના પ્રવાસમાંથી ઘણાં સારાં પરિણામોની અપેક્ષા છે અને જો તેને ત્યાં આવવું પડે તો ‘પ્રબુદ્ધ ભારત’ના કાર્યમાં ઘણું મોટું વિઘ્ન આવી શકે. પણ અરે ! સ્વામીજી આમ બધાને છોડીને આટલા જલદી ચાલ્યા જશે એવું કોણે ધાર્યું હતું ? વિરજાનંદને એ સમયે માહિતી આપવામાં આવી ન હતી. પરંતુ તેઓ જ્યારે માયાવતી પાછા ફર્યા ત્યારે તેમણે આ માઠા સમાચાર સાંભળ્યા અને તેઓ દુ :ખ અને વિષાદથી ભાંગી પડ્યા. ભયંકર રીતે હતાશ-નિરાશ થઈને હવે એમણે પોતાના કાર્ય માટેનો ઉત્સાહ ગુમાવી દીધો.

તેમણે થોડા સમય માટે પોતાના કામમાંથી રજા લીધી અને પોતાનો સમય ધ્યાન તેમજ તપસાધનામાં ગાળવાનું નક્કી કર્યું. આશ્રમની નજીક એક નાની ઝૂંપડીમાં રહીને અને મૌનવ્રત ધારણ કરીને તેમણેે સઘન ધ્યાનજીવનમાં ડૂબકી મારી દીધી. આશ્રમમાં આવવા માટે તેઓ ઝૂંપડી પણ છોડતા નહીં. દરરોજ લગભગ ૧૫ કલાક જપ અને ધ્યાનમાં પ્રવૃત્ત રહેતા. એ સમય દરમિયાન સ્વામી તુરીયાનંદજીએ તેમને આશ્વાસનનો પત્ર લખ્યો. તેમાં એમણે જણાવ્યું,

‘સ્વામીજીનું દેહસ્વરૂપ આપણી વચ્ચે હવે નથી. પરંતુ એમની મહાન શક્તિ હજુ પણ કામ કરે છે. સમય જતાં એમની આ શક્તિ વધુ ને વધુ પ્રગટ થશે. તમે એમના આશીર્વાદ મેળવ્યા છે. તમારી સફળતા માટે કોઈ શંકા નથી. હવે તમારો હેતુ એમના કામમાં સહાયક બનવાનો હોવો જઈએ. શું આનાથી વધારે ઉચ્ચતર ધ્યેય જીવનમાં હોઈ શકે? એમનામાં અટલ શ્રદ્ધા રાખીને આધ્યાત્મિક સાધના કરજો. તમારી સફળતા માટે કોઈ શંકા ન રાખતા. તેઓ પોતે જ તમને મદદ કરશે અને હું ઇચ્છું છું કે તમારી ફરજ શું છે તે તમે પોતે જ જાણો.’

સાતઆઠ મહિનાની કઠિન સાધના પછી વિરજાનંદજી તેના પ્રતિભાવરૂપે ધીમે ધીમે નબળાઈ અનુભવવા લાગ્યા. પરંતુ એને અવગણીને તેઓ પોતે મનની મોટી મક્કમતા સાથે તેમાં મગ્ન થઈ ગયા. આમ કેટલાય મહિનાઓ વીતી ગયા. સમય જતાં એમની કમભાગી માનસિક પ્રતિક્રિયાવાળી દશા વધુ ને વધુ વણસતી ગઈ. પછી એમને ખ્યાલ આવ્યો કે આ માનસિક પ્રતિક્રિયાનું કારણ જપ અને ધ્યાનમાં ભયંકર વૃદ્ધિ કરવાનું પરિણામ છે. અંતે બીજાઓની સલાહથી તેમણે બેલુર મઠ આવવાનું નક્કી કર્યું. રસ્તામાં વૃંદાવનમાં સ્વામી તુરીયાનંદજીના પવિત્ર સંગાથમાં થોડા દિવસ રોકાયા. સ્વામી બ્રહ્માનંદજી વિરજાનંદજીના ક્ષેમકલ્યાણ માટે ખૂબ ચિંતિત હતા એટલે તેમણે આયુર્વેદના ચિકિત્સક સુખ્યાત શ્યામદાસ વાચસ્પતિની સેવાઓ એમને માટે મેળવી. આ વૈદરાજે વિરજાનંદ માટે યોગ્ય દવા અને પોષક આહારની વ્યવસ્થા કરી. ત્રણ થી ચાર મહિના સુધી તેઓ તેમની સારવાર હેઠળ રહ્યા. આ સમયગાળા દરમિયાન કોઈ હકારાત્મક પરિણામ દેખાયું નહીં. હજુ પણ વિરજાનંદજીના મગજની ભાવશૂન્યતા અને એમની શારીરિક નબળાઈ એમ ને એમ રહ્યાં. આનાથી મઠના દરેકે દરેક વ્યક્તિને નિરાશા મળી. માર્ચ, ૧૯૦૪માં સ્વામી બ્રહ્માનંદજીની અનુમતિથી સ્વામી વિરજાનંદ શ્રીશ્રીમાને મળવા જયરામવાટી ગયા.

શ્રીશ્રીમા તેમના કૃશ શરીરને જોઈને ખૂબ દુ :ખી થયાં. પરંતુ તેમને લાગ્યું કે એમની આ પીડા શારીરિક ન હતી. એનું કારણ તો બીજે કંઈક છે. તેમણે એમને પૂછ્યું, ‘બેટા, તું ક્યાં મનને એકાગ્ર કરે છે, હૃદયમાં કે મસ્તિષ્કમાં ?’ વિરજાનંદે જવાબ આપ્યો, ‘મા, હું તો મનને મસ્તિષ્કમાં એકાગ્ર કરું છું અને મને એમાં મજા આવે છે.’ એ સાંભળીને શ્રીશ્રીમાએ તરત કહ્યું,

‘મારા દીકરા, તેં આ શું કર્યું? આ તો પરમહંસનો અંતિમ તબક્કો છે! એકાએક મનને આટલું ઉચ્ચતમ કક્ષાએ લઈ જવું શક્ય છે? મસ્તિષ્કમાં મનને એકાગ્ર કરીને એને નીચે હૃદયમાં લાવવું જોઈએ અને ત્યાં પોતાના ઈષ્ટદેવનું ધ્યાન ધરવું જોઈએ.’

શ્રીશ્રીમાનું નિદાન કોઈ પણ પ્રકારની ખામી વિનાનું હતું. એમની સલાહને અનુસરવાથી વિરજાનંદની માનસિક અને શારીરિક પરિસ્થિતિ સુધરવા લાગી અને થોડા જ સમયમાં એમની મૂળ તંદુરસ્તી પાછી આવી ગઈ.

બેલુર મઠ પાછા ફર્યા પછી સંઘના પરમાધ્યક્ષ સ્વામી બ્રહ્માનંદજીના સેવક તરીકે તેમની નિમણૂક થઈ. એમનું મુખ્ય કાર્ય પરમાધ્યક્ષના પત્રવ્યવહારનું લેખનકાર્ય કરવાનું હતું. એમનામાં સ્વામી બ્રહ્માનંદજીને એટલો બધો વિશ્વાસ હતો કે ક્યારેક વિરજાનંદ કોઈ લખેલો પત્ર લઈને સહી કરાવવા આવે ત્યારે તેઓ વિરજાનંદને પોતાને સહી કરવાનું કહી દેતા. આ જ સમયે સ્વામી બ્રહ્માનંદજીને ભયંકર પ્રકારનો ટાઈફોઈડ થયો. એમની આ સમગ્ર માંદગી દરમિયાન વિરજાનંદજીએ મનપ્રાણથી સેવા કરી. સાજા થયા પછી સ્વામી બ્રહ્માનંદજી હવાફેર અને આરામ કરવા સિમુલતલા ગયા ત્યારે તે પણ તેમની સાથે હતા.

૧૯૦૫ના અંતે સ્વામી વિરજાનંદને સ્વામી તુરીયાનંદજીને મદદ કરવા સાનફ્રાન્સિસ્કો જવાની દરખાસ્ત થઈ. સ્વામી બ્રહ્માનંદજી અને સ્વામી શારદાનંદજીએ મક્કમ શબ્દોમાં વિરજાનંદજીને અમેરિકા જવા કહ્યું. હવે પોતાનાં બધાં બહાનાં કે વિનંતીઓ કામમાં નહીં આવે એટલે વિરજાનંદે અંતે નમતું જોખવું પડ્યું.

પછી વિરજાનંદ શ્રીશ્રીમાને મળવા જયરામવાટી ગયા. એક દિવસ તેમણે શ્રીશ્રીમાને ફરિયાદના સૂરમાં કહ્યું, ‘મા, મેં પૂરતી આધ્યાત્મિક સાધના કરી નથી. મારું થશે શું ?’ આ પ્રશ્નના શ્રીશ્રીમાના અત્યંત સૂચક જવાબે વિરજાનંદજીને અત્યંત આનંદ અને ઉત્સાહથી ભરી દીધા. શ્રીશ્રીમાએ કહ્યું, ‘દીકરા, તું કેટલા લાંબા સમય સુધી આવી આધ્યાત્મિક સાધના કરતો રહીશ? બેટા, તેં તો ઈશ્વરનાં દર્શન કરી લીધાં છે.’

એ જ સમયે એક બીજી મહત્ત્વની ઘટના બની. શ્રીશ્રીમાએ આધ્યાત્મિક જિજ્ઞાસુની પ્રકૃતિમાં આવતાં પરિવર્તન અને દરેકને આનુષંગિક મંત્ર આપવા વિશે વિરજાનંદને વિગતવાર સૂચના આપી. આ રીતે સમગ્ર બ્રહ્માંડની માતાએ પોતે જ એમનામાં ગુરુનાં બીજ વાવ્યાં. આ બીજ પછીથી વિકસીને મોટું થયું અને દુનિયાનાં દુ :ખોથી ત્રસ્ત હાજારો ભાવિકોના આત્માને મનની શાંતિ આપી.

અંતે વિરજાનંદનું અમેરિકા જવાનું આયોજન રદ થયું. હવે તેઓ સ્વામી તુરીયાનંદજીનો પવિત્ર સંગાથ મેળવવા કનખલ ગયા. અહીં પણ અત્યંત દૃઢ નિર્ણય સાથે વિરજાનંદે આધ્યાત્મિક સાધનામાં ઝંપલાવ્યું. કનખલ સેવાશ્રમના નાના અને શાંત મંદિરમાં તેઓ પોતાનો મોટાભાગનો સમય જપધ્યાનમાં ગાળતા. મોટેભાગે તેઓ ઘરે ઘરે ભિક્ષા માગીને ભોજન કરતા. સ્વામી તુરીયાનંદજીના સંગાથે એમના ત્યાગની ભાવનાને વધુ સઘન બનાવી. દિવસે ને દિવસે તેમણે અનન્ય આનંદ અને શાંતિ અનુભવ્યાં. પછી એક અણધારી ઘટનાએ તેમના જપધ્યાન-સાધનાના સાતત્યને અશક્ય બનાવી દીધું. એકાએક સ્વામી સ્વરૂપાનંદ નૈનિતાલમાં અવસાન પામ્યા. સ્વામી વિરજાનંદે અદ્વૈત આશ્રમનો હવાલો સંભાળવા માયાવતી પાછું ફરવું પડ્યું. ૧૯૦૬ થી ૧૯૧૩ સુધી તેઓ અદ્વૈત આશ્રમ માયાવતીના અધ્યક્ષ રહ્યા. આશ્રમનો આ ખરેખર ઘણો સ્મરણીય સમયકાળ હતો. આ વખતે આ આશ્રમને ઘણી આર્થિક સંકડામણ હતી અને વિરજાનંદજી જેવા કોઈ સારા નેતા નેતૃત્વની જરૂર હતી.

વિરજાનંદ એક સારા વહીવટકાર અને ખૂબ વ્યવહારુ દૃષ્ટિવાળા હતા. તેમનામાં પ્રચુર શાંતિ અને સહિષ્ણુતા હતાં. એમના સમર્થ માર્ગદર્શન હેઠળ આશ્રમ ધીમે ધીમે આર્થિક રીતે સ્વાવલંબી બન્યો અને ‘પ્રબુદ્ધ ભારત’ના ગ્રાહકોની સંખ્યા પણ વધી.

સ્વામી સ્વરૂપાનંદજીએ ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળાના પાંચ ભાગ’ના કાર્યના કરેલા પ્રારંભ પછીની એક અત્યંત સ્મરણીય ગ્રંથમાળાને પૂર્ણ કરાવવાની તેમણે જવાબદારી પણ ઉપાડી લીધી. સ્વામીજીની સંપૂર્ણ અને વિસ્તૃત જીવનકથા ‘The Life of Swami Vivekananda, by His Estern & Western Disciples’ ના સંપાદન અને પ્રકાશનનું કાર્ય પણ એમના કીર્તિકલાપનું એક પીંછું બની ગયું. આ સમયગાળા દરમિયાન તેઓ આ પ્રકલ્પો પર વહેલી સવારથી મોડી રાત સુધી કાર્ય કરતા. જ્યારે એમણે સ્વામીજીની જીવનકથાની હસ્તપ્રત સ્વામી શારદાનંદજીને વધુ સારી રીતે સંપાદન કરવા અને સુધારાવધારા માટે મોકલી, ત્યારે એમણે વિરજાનંદને આ શબ્દમાં જવાબ આપ્યો, ‘હું બને તેટલી રીતે સ્વામીજીની જીવનકથાને સાંગોપાંગ જોઈ જઈશ. હું જરૂરી સુધારાવધારા કરવા માટેની જવાબદારી પણ ઉપાડી લઈશ… પરંતુ કોઈ પણ નવીન વિગત કે સામગ્રી ઉમેરવી મારા માટે શક્ય નહીં બની શકે… વધારે પડતું કામ કરીને તું તારી તબિયત બગાડતો નહીં એ માટે તને વિનંતી કરું છું. તારા સિવાય માયાવતીની દરેકે દરેક સંભવિતતા સામે પૂર્ણવિરામ મુકાઈ જવાનું… હું ભગવાન શ્રીરામકૃષ્ણદેવને પ્રાર્થના કરું છું કે તેઓ તને સારી તંદુરસ્તી બક્ષે.’ વિરજાનંદ આ અત્યંત સ્મરણીય ભવ્યકાર્યને પૂર્ણ કરી શકે તે માટે સહાયરૂપ બને એવા પોતાના ગુરુદેવના આશીર્વાદ ૫્રાપ્ત થતાં અત્યંત ખંત અને સામર્થ્યથી ભરપૂર થઈ ગયા હતા. વિરજાનંદજીનું આ ભગીરથ કાર્ય રાષ્ટ્રને એક અનોખું અને મહત્ત્વનું પ્રદાન છે.

સ્વામીજીની જીવનકથાના પહેલા ભાગનું વાચન કરીને સ્વામી અખંડાનંદજીએ ૧ લી ફેબ્રુઆરી, ૧૯૧૩ના રોજ એક ઉષ્માભર્યો પત્ર લખ્યો. આ પત્રમાંથી કેટલાક અંશો અહીં ઉદ્ધૃત કરવા જેવા છે :

‘સ્વામી વિવેકાનંદની જીવનકથાનો પ્રથમ ભાગ મેં વાંચી લીધો છે. વાંચતી વખતે મારાં રૂવેરૂવાં ખડાં થઈ ગયાં. મેં જોયું કે આપણા ગુરુદેવ અને સ્વામીજી સ્પષ્ટપણે આપણી સમક્ષ જ છે. જેમ જેમ મેં વાંચ્યું તેમ તેમ જૂના દક્ષિણેશ્વરના એ દિવસો અને કાશીપુરનો ઉદ્યાનગૃહ મારાં મન : ચક્ષુ સમક્ષ આવી ગયાં, અને તે પણ મેં જોયાં હતાં તેવાં જ.

સ્વામીજીના પૂર્વ અને પશ્ચિમના શિષ્યો ખરેખર ત્રણ ગણા અમીકૃપાવાળા બન્યા છે. એમના નિષ્ઠાભર્યા પ્રયાસોએ ખરેખર લોકો સમક્ષ એક સુંદર મજાનું જીવન રજૂ કરવા આપણને સમર્થ બનાવ્યા છે. એવું લાગે છે કે તમારા બધાના સંનિષ્ઠ પ્રયાસોથી અને મધર સેવિયરની અસીમ પ્રેમભક્તિથી સ્વામીજીએ આ જીવનકથામાં પોતાનો જુસ્સો અને આત્મા રેડ્યાં છે ! તમારા સંયુક્ત પ્રયાસો અને અટલ શ્રદ્ધા ભક્તિને લીધે જાણે કે સ્વામીજી આ ગ્રંથનાં પૃષ્ઠોમાં હંમેશાં રહેશે.

અલબત્ત, આ જીવનકથાનો પ્રથમ ભાગ વાંચીને બીજો ભાગ મેળવું તે પહેલાં રાહ જોવી કે થોભવું મારા માટે ખૂબ મુશ્કેલ બની રહેશે. એ મળે એના દિવસોની ગણતરી હું કરતો રહીશ. મારા વતી મધર સેવિયરને કહેજો કે માયાવતી આશ્રમ દ્વારા પ્રગટ થયેલ સ્વામીજીનું જીવનવૃત્તાંત ખરેખર અનન્ય અને અનુપમ બની રહેશે. આ એક કાર્ય માટે પણ અદ્વૈત આશ્રમની ગૌરવગરિમા ક્યારેય વિલીન નહીં થાય. જ્યારે છપાય ત્યારે આ પુસ્તકનો બીજો ભાગ મને મોકલવાનું ભૂલતો નહીં. એ ક્યારે પ્રકાશિત થશે તેની મને જાણ કરજે.’ (ક્રમશ 🙂

Total Views: 320

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.