ઉપનિષદો અને તેમનો ઉદ્ગમ

સંપાદકીય નોંધ : સ્વામી અશોકાનંદ (૧૮૯૩-૧૯૬૭) રામકૃષ્ણ સંઘના એક અત્યંત આદરપાત્ર સંન્યાસી હતા. અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત ‘Meditation, Ecstasy & Illumination’ નામના તેમના પુસ્તકના કેટલાક અંશોનું ‘વેદાંત કેસરી’ના ડિસેમ્બર, ૨૦૦૭ના અંકમાં મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત થયેલ લેખનું શ્રીનવીનભાઈ સોઢાએ કરેલ ગુજરાતી ભાષાંતર અહીં પ્રસ્તુત છે.

ઉપનિષદોનો અર્થ છે વેદાંત

આપણા આ સંદર્ભમાં વૈદિક સાહિત્યનો પાછલો ભાગ, વેદાંત એટલે વેદોનો અંત. ઘણાની માન્યતા મુજબ વૈદિક યુગમાં આ ભાગ સહુથી છેલ્લે જોડાયો છે. પહેલાં પ્રાચીન આર્ય લોકો વિધિ-વિધાનોનું અનુસરણ કરતા હતા. ત્યારબાદ પૂજા-વિધિઓથી સંતોષ ન થતાં તેઓ દાર્શનિક બન્યા અને દાર્શનિક પદ્ધતિથી સત્યની શોધમાં પ્રયત્નશીલ બન્યા અને આ પદ્ધતિને શાસ્ત્રોમાં રૂપાંતરિત કરવા લાગ્યા. એ શાસ્ત્રો સામાન્ય રીતે ઉપનિષદો તરીકે ઓળખાવા લાગ્યાં જેના સમૂહને વેદાંત કહેવાય છે. ઐતિહાસિકતાની દૃષ્ટિએ આ સાચું નથી, તેવું બીજા કેટલાક માને છે. અંત નો સાચો અર્થ છે ‘સહુથી ઉચ્ચ’ અથવા આખરી પરિણતિ. વેદો એટલે જ્ઞાન-ઉચ્ચતમ જ્ઞાન. ચુસ્ત હિંદુઓ આ વાતને વધારે અર્થસભર ગણે છે, કારણ કે વેદાંતમાં સમાયેલું દર્શન ક્રિયાકાંડના મંત્રોમાં પણ મળે છે. દા.ત ઋગ્વેદ અને અથર્વવેદના કેટલાક મંત્રોના દાર્શનિક અને રહસ્યના ઊંડાણની દૃષ્ટિએ જોતાં વેદાંત આધ્યાત્મિક મંત્રોનું ઊંડાણ ચડિયાતું જણાતું નથી. અલબત્ત, પશ્ચિમના વિદ્વાનો કહે છે કે આવા શ્લોકોને પાછળના કાળમાં સમાવી દેવાયા છે. વારુ, ચુસ્ત હિંદુઓ આનો સ્વીકાર કરતા નથી. તેઓ કહે છે કે વૈધી અને દાર્શનિક – આ બન્ને ભાગો પ્રાચીન કાળથી જ સહઅસ્તિત્વ ધરાવે છે.

ઉપનિષદોમાં રહેલાં તે સત્યોને ક્યારેક ‘ગોપનીય ઉપદેશો’ કહેવામાં આવે છે. અલબત્ત, તેમનો આવો અર્થ થાય છે પરંતુ તે રહસ્યના અર્થમાં ગોપનીય લાગે છે, કારણ કે તેે સત્યો સામાન્ય લોકોને સપાટી પર દૃષ્ટિગોચર થતા નથી, પરંતુ ઊંડાણમાં રહેલાં છે. દરેકે હૃદયના ઊંડાણમાંથી તેમને મેળવવાં પડે છે. તે ઉપરાંત જ્યારે ગુરુ દ્વારા આવા ઉપદેશો શિષ્યને આપવામાં આવતા ત્યારે શિષ્ય ગુરુ પાસે જતો અને તેમની પાસે બેસતો અને ગુરુ માત્ર તેને ઉપદેશ આપતા. પરંતુ અન્યોની હાજરીમાં નહીં. હજુ હાલના સમયમાં પણ આવા ઉપદેશો એકાંતમાં અપાય છે. બીજાઓને ત્યાં હાજર રહેવાની છૂટ નથી. કારણ કે એમ માનવામાં આવે છે કે જાહેરમાં અપાયેલો કોઈ પણ ઉપદેશ શિષ્યના મનમાં ઊંડે સુધી પ્રવેશ કરી શકતો નથી. જેમ કે સૂર્ય જ્યાં સીધો પ્રકાશે છે ત્યાં અથવા બહારના ભાગમાં વાવેલો છોડ મોટેભાગે મરી જાય છે. તેવી જ રીતે તમને કોઈ પણ અભિવ્યક્તિ જાહેરમાં કરવી અરુચિકર લાગે છે. આવી વાતો હૃદયના ઊંડાણમાં ગોપનીય રાખવી જોઈએ. આવી મનોવૈજ્ઞાનિક હકીકતને લઈને જ ગોપનીયતા નિર્મિત કરવામાં આવે છે.

હવે, મેં કહ્યું તેમ, આ વિચારોમાં વિકાસ થતા અને દૃઢ થતાં સંભવત: બે હજાર વર્ષ લાગ્યાં, તેવી ચુસ્તહિંદુ માન્યતા છે. આ બાબતે બધા સહમત નહીં થાય. પરંતુ એક સત્યનો આવિષ્કાર કરતાં કેટલો સમય લાગે તેનો વિચાર કરું છું ત્યારે મને લાગે છે કે ઉપનિષદોમાં રહેલાં સત્યો આ લોકોએ વંશપરંપરાથી પ્રાપ્ત નથી કર્યાં. પરંતુ તેઓએ તેમનો આવિષ્કાર કર્યો છે અને આવા ખ્યાલના આધારે હું માનું છું કે ચુસ્ત હિંદુ માન્યતા સાચી છે.

ઉપનિષદોનો ઉદ્ભવ

એવું કહેવાય છે કે ઉપનિષદો બધાં મળીને ૧૦૮ છે. તે તદ્દન દેખીતું છે કે તેમાનાં બધાં સાચાં ઉપનિષદો છે જ નહીં. કહેવાનું એમ છે કે તેઓ મૂળ વેદોના અંશ ન હતાં, પરંતુ પાછલા સમયમાં લખાયાં હતાં. આના ઉપરથી એમ માની લેવું યોગ્ય નથી કે તેઓનું કંઈ મૂલ્ય નથી. ખરું જોતાં એવાં ઉપનિષદો કેટલાંક મૌલિક ઉપનિષદોમાં ન મળતાં સત્યોની સમજ આપે છે અને તેમને આલોકિત કરે છે. મૌલિક ઉપનિષદોની સંખ્યા કેટલાક વિદ્વાનોના મત મુજબ ૨૮ છે.

આમાંનાં બારેક અને શંકરાચાર્યના અભિપ્રાય મુજબ દસ મુખ્ય છે. બૌદ્ધ ધર્મના પતન બાદ શંકરાચાર્યનાં દસ ઉપનિષદો પર લખેલ ભાષ્યો આપણને તેમની પાસેથી ઉપલબ્ધ થયાં છે. આ કારણે ઘણા માને છે કે આ દસ ઉપનિષદો સૌથી અધિકૃત છે. તેમાંનાં છાંદોગ્ય અને બૃહદારણ્યક ઘણાં વિસ્તૃત છે અને ઘણાં સ્થાનોએ અસંદિગ્ધ ભાસે છે. હકીકતમાં કેટલાંક લખાણોની તો સમજ પણ આપી શકાય તેમ નથી, તેવું માનવું પડે છે. અન્ય ઉપનિષદો પ્રમાણમાં નાના કદનાં છે, કેટલાંકમાં તો માત્ર થોડા શ્લોકો જ રચેલા છે. પણ તેે બધાને અત્યંત મૂલ્યવાન ગણવામાં આવે છે અને જેમ જેમ સદીઓ વીતતી જાય છે તેમ તેમનાં અધિકૃતપણા વિશેની માન્યતા દૃઢતર થતી જાય છે. કેટલાંક ઉપનિષદો ગદ્યમાં રચાયાં છે તો બાકીનાં પદ્યમાં અને કેટલાંકમાં ગદ્ય અને પદ્ય બન્નેની રચનાઓ જોવા મળે છે. તેમની ભાષા સાચી રીતે સંસ્કૃત નથી, પણ વૈદિક હોવાથી સમજવામાં અટપટી છે. પરંતુ ઘણું કરીને તેઓ સીધે સીધો જ અને પ્રત્યક્ષ ઉપદેશ આપે છે. જેમ જેમ તમે લખાણ વાંચતા જાઓ તેમ તેમ તમને સૂર્યપ્રકાશ, ખુલ્લું આકાશ, સરળતા, દોષરહિતપણું અને બાળસહજ પવિત્રતાની અનુભૂતિ થતી જાય છે. તમને માલૂમ પડે છે કે જેઓએ આ વિચારો અને અનુભવો અભિવ્યક્ત કર્યા છે તેઓ સુદૃઢ અને સમર્થ હતા, પરંતુ હિંસક નહીં (હિંસક લોકો નિર્બળ હોય છે, ખરેખરા શક્તિવાન પુરુષો નમ્ર, પવિત્ર અને સરળ હોય છે. તેમની દીનતા કોઈ પણ પ્રકારની નિર્બળતાને લઈને નથી હોતી.) તમને એવું પણ લાગશે કે તેમને જીવનમાં કોઈ બંધનો ન હતાં. તેવું કહેવાનો અર્થ એ હતો કે આવી નિર્બંધતા એ કોઈ પરવાનો છે. પરંતુ તેમના વલણમાં જડતા નથી હોતી. પરંતુ તેઓ પોતે જ લોકો સમક્ષ આવે છે, તેવું તેમને લાગશે. તેઓ આ જગતમાં જીવનની સર્વોચ્ચ અભિવ્યક્તિ છે એવું તેમને માનવા પ્રેરે છે, વળી તેઓ ખૂબ જ સુસંસ્કૃત અને સુસભ્ય પણ જણાશે.

Total Views: 279

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.