ત્યાર પછીને રવિવાર, ૧૯ નવેમ્બર, ૧૮૮૨ના રોજ શ્રીજગદ્ધાત્રી-પૂજા. સુરેન્દ્રે ઠાકુરને આમંત્રણ આપ્યું છે, એટલે એ ઘરમાંથી બહાર ને બહારથી ઘરમાં આંટા માર્યા કરે છે; એમ કે ક્યારે ઠાકુર પધારે. માસ્ટરને જોઈને એ કહે છે કે ‘તમે આવ્યા છો અને તેઓ ક્યાં !’ એટલામાં ઠાકુરની ગાડી આવી પહોંચી. પાસે શ્રીયુત્ મનોમોહનનું ઘર, ઠાકુર પહેલાં ત્યાં ઊતર્યા, ત્યાં જરાક આરામ લઈને સુરેન્દ્રને ઘેર આવવાના.

શ્રી મનોમોહનના દીવાનખાનામાં ઠાકુર કહે છે કે જે અકિંચન, સાવ ગરીબ, દીન, તેની ભક્તિ ઈશ્વરની પ્રિય વસ્તુ; ખોળ ભેળવેલું ખાણ જેમ ગાયને પ્રિય હોય તેમ. દુર્યોધન એટલું બધું ઐશ્વર્ય બતાવવા લાગ્યો, પરંતુ તેને ઘેર ભગવાન ગયા નહિ, તેઓ વિદુરને ઘેર ગયા. તેઓ ભક્તવત્સલ. વાછરડાની પાછળ જેમ ગાય દોડે, એવી રીતે ભગવાન ભક્તની પાછળ પાછળ જાય.

ઠાકુર ગીત ગાય છે :

એ ભાવ માટે પરમ યોગી,

યોગ કરે યુગ-યુગાન્તરે,

થયે ભાવનો ઉદય, ખેંચી લે તેવો,

જેવો ચુંબક લોઢું ધરે.

ચૈતન્યદેવને કૃષ્ણનું નામ સાંભળતાં આંસુ ઝરતાં. ઈશ્વર જ ખરી વસ્તુ, બીજું બધું ખોટું. માણસ ધારે તો ઈશ્વર-પ્રાપ્તિ કરી શકે. પરંતુ તે કામિની – કાંચનનો ઉપભોગ કરવામાં જ મશગુલ. માથા પર મણિ રહ્યો છે, છતાં સાપ દેડકાં ખાતો ફરે ! ભક્તિ જ સાર. ઈશ્વરને તર્ક-વિચાર કરીને કોણ જાણી શકે. આપણે જરૂર છે ભક્તિની. ઈશ્વરનું ઐશ્વર્ય અનંત, એ બધું જાણવાની આપણે શી જરૂર ? એક બાટલી દારૂથી જો હું પાગલ થઈ જાઉં, તો કલાલની દુકાનમાં કેટલાં પીપ દારૂ પડ્યો છે એ બધી વિગતની મને કાંઈ જરૂર ? એક લોટો પાણીથી જો મારી તરસ છીપે, તો પછી આખી પૃથ્વીમાં કેટલું જળ છે એ માહિતી લેવા જવાની મારે કાંઈ જરૂર ખરી ?

(શ્રીરામકૃષ્ણ કથામૃત ૧.૧૨૯-૧૩૦)

Total Views: 229

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.