સીતા

આવી રીતે સીતા મહિનાઓ સુધી અશોકવનમાં નિર્વાસિતરૂપે રહ્યાં. અંતે દૂતરૂપે હનુમાનજી રામની મુદ્રાંકિત વીંટી લઈને આવ્યા. તેમણે સીતાને કહ્યું કે હવે એમના કઠિન તપના દિવસોનો અંત આવવાનો છે. તેમણે પ્રસન્ન થઈને હનુમાન પાસેથી મુદ્રિકા લીધી અને હનુમાનજીને વળતામાં પોતાનો ચૂડામણિ આપ્યો. હનુમાનજીએ સીતાના દુ :ખનો અંત એક જ ઘામાં લાવવાનું સૂચન કર્યું. સીતા હનુમાનના ખભા પર બેસે એટલે તે એક કૂદકામાં સાગર પાર કરી દેશે. સીતાએ કહ્યું, ‘મારી પવિત્રતા અને પતિપરાયણતાના અગ્નિથી રાવણને બાળીને રાખ કરી દેવાની પૂરતી શક્તિ હું ધરાવું છું, પણ રામનાં બાણોને રાવણના વધથી પ્રાપ્ત થતા ગૌરવથી વંચિત કરવા માગતી નથી.’ તેણીએ જ્યાં છે ત્યાં રહેવાનું અને પોતાની આવી કેદની પીડા સહન કરવાનું નક્કી કર્યું, જેથી રામના યશને જરાય ઝાંખપ ન લાગે. ત્યાર પછી મર્મભેદી કસોટી થઈ.

રામ આવ્યા. યુદ્ધમાં રાવણને હરાવ્યો. જ્યારે સીતા રામને પુન : મળવાની રાહ જોઈ રહ્યાં હતાં ત્યારે બધાને માટે આઘાતજનક, પોતાને ન શોભે તેવું વર્તન રામે કર્યું. તેમણે સીતાની પતિપરાયણતા વિશે શંકા કરી અને તેમને કહ્યું કે તેઓ તેમને પાછાં ન લઈ જઈ શકે. વાનરો અને રાક્ષસોની મહાનસભા સમક્ષ ઉચ્ચારાયેલી રામની આ વાણી સાંભળીને સંપૂર્ણ ધૈર્ય અને સ્વસ્થતા સાથે સીતાએ કહ્યું કે તેમણે કઠોર અને ક્રૂરતાભર્યા શબ્દો કહ્યા છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે તેઓ સંપૂર્ણ પવિત્ર છે. જ્યારે સીતાના આ શબ્દો રામે સાંભળ્યા ન સાંભળ્યા કર્યા, ત્યારે તેઓ લક્ષ્મણ તરફ ફર્યાં અને કહ્યું, ‘મારા માટે ચિતા તૈયાર કરો. હવે હું વધારે જીવવા માગતી નથી. અગ્નિ, સર્વવિનાશી અગ્નિ એ જ આ દુ :ખનો એકમાત્ર ઈલાજ છે.’ સીતાએ રામની પ્રદક્ષિણા કરી અને ચિતાના અગ્નિ પર બેઠાં. પરંતુ પતિપરાયણતા અને પવિત્રતાની શક્તિ સામે અગ્નિએ ભસ્મ કરી દેવાનું પોતાનું સામર્થ્ય ગુમાવી દીધું. જેમને અગ્નિ પણ સ્પર્શી ન શક્યો એવાં સીતા ત્યાં પવિત્રતાની અને શુદ્ધતાની દેવીરૂપે ઊભાં હતાં. સીતા આ અગ્નિપરીક્ષામાંથી સલામત રીતે પસાર થયાં. સ્વર્ગના દેવોએ સીતાની પવિત્રતા કે શુદ્ધતા જ નહીં પરંતુ તેમની દિવ્યતાની ઉદ્ઘોષણા કરી. ‘જેમ સૂર્યનાં કિરણો સૂર્યનાં જ છે, તેમ સીતા મારાં છે. સીતા પવિત્ર અને નિર્મળ છે, એ મેં આ વિશ્વ સમક્ષ સાબિત કર્યું છે. આ મારો હેતુ હતો’, એમ કહીને શ્રીરામે સીતાનો સ્વીકાર કર્યો.

રામની સંગાથે લાંબા સમય સુધી સુખપૂર્વક રહેવાનું સીતાના નસીબમાં ન હતું. જ્યારે તેમનો પ્રસવકાળ નજીક હતો ત્યારે તેમના જીવનમાં છેલ્લી અને કઠિન કસોટી આવી. આ વખતે અયોધ્યાના કેટલાક લોકોએ નિંદાભર્યો આક્ષેપ કર્યો કે રામ સીતાને પાછા લાવ્યા છે; એ સીતા તો બીજી વ્યક્તિની અધીનતામાં રહ્યાં હતાં. રામને લાગ્યું કે એક રાજા તરીકે પોતે નિયમથી બંધાયેલા છે અને પ્રજાજનોએ મૂકેલા આ આરોપને ધ્યાનમાં લેવો જોઈએ. જો તેઓ વિચારે કે સીતા દોષી હોય તો તેમને સજા થવી જોઈએ. તેથી તેમણે સીતાનો ત્યાગ કર્યો. આ કામ તેમણે લક્ષ્મણને સોંપ્યું અને સીતાને ઋષિ વાલ્મીકિના આશ્રમની પાસે ગંગાને કિનારે છોડી આવવા કહ્યું.

વનમાં સીતાએ લવ અને કુશ નામનાં બે જોડિયાં બાળકોને જન્મ આપ્યો. પછી વર્ષો બાદ લવ અને કુશના ગાનથી રામને ખ્યાલ આવ્યો કે સીતા જીવિત છે. ઋષિ વાલ્મીકિ પોતે સીતાને રામ સમક્ષ લાવ્યા. તેઓ તેમને સ્વીકારે તે પહેલાં રામે સીતાને પવિત્રતાના સોગંદ લેવા કહ્યું. નીચે નમેલી આંખોથી દિવ્ય શાંતિ અને ધૈર્ય સાથે સીતાએ કહ્યું, ‘મેં ક્યારેય રામ સિવાય બીજાનો વિચાર કર્યો નથી. એટલે હે મા ધરતી, મને (તમારામાં સમાવવાનો)માર્ગ આપો. આ પૃથ્વી નથી મારી, નથી મારા પતિની. વળી આ પ્રજાજનોને કોઈ પણ પુરાવા ક્યારેય સત્યની ખાતરી ન કરાવી શકે.’ જેવી સીતાએ પ્રાર્થના કરી કે ધરતીએ માર્ગ આપ્યો અને સીતા એમાં સમાઈ ગયાં. આ રીતે સીતાનું જીવન ભાગ્યની કસોટીઓમાં અજબની સહનશીલતાનું ઉદાહરણ છે. હિન્દુઓ સવારમાં જે મહાન સાત નારીઓને સ્મરે છે તેમાં એક નામ સીતાનું પણ છે.

Total Views: 197
By Published On: June 1, 2015Categories: Sankalan0 CommentsTags: , , , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram