ગયા અંકમાં આપણે ‘હિંદુ’ શબ્દની વ્યુત્પત્તિ, હિંદુ સંસ્કૃતિના વિકાસના વિવિધ તબક્કા અંગે જાણકારી મેળવી, હવે આગળ…

ઈ.સ.૧૧૦૦ થી ભારતના ઉત્તર અને બીજા ઘણા ભાગો મુસ્લિમ શાસકો વડે શાસિત હતા, દિલ્હીથી રાજ્ય કરતા મુખ્ય શાસકો હતા ગુલામ, તુઘલક અને લોધી. મોગલવંશે ૧૫૫૦ થી ૧૭૬૦ સુધી શાસન કર્યું. દક્ષિણમાં ૧૩૪૭ થી ૧૫૨૫ સુધી બહમની નામની અલગ સલ્તનત હતી, જે પછી મુસ્લિમ શાસકોની પાંચ સલ્તનતમાં વિભાજિત થઈ. બધા જ મુસ્લિમ શાસકો પવિત્ર કુરાન અને શરિયતના કાયદાઓ વડે માર્ગદર્શિત હતા. કેટલાક શાસકોએ પવિત્ર કુરાનમાંથી એ આદેશો લાદવાનો પ્રયાસ કર્યો જે કહે છે કે ‘અશ્રદ્ધાળુઓ, કાફીરો, મૂર્તિપૂજકો’ને કાં તો ઈસ્લામમાં ધર્માંતર કરવા જોઈએ અથવા હણી નાખવા જોઈએ. મોગલ આક્રમણકારો વડે મોટા પાયા પર કરાયેલ હત્યાકાંડ આવા આદેશોનું પરિણામ હતા. શરિયતના કેટલાક કાયદાઓ, જેવા કે યહૂદીઓ તથા ખ્રિસ્તી સિવાયના બિન-મુસ્લિમ પર ૫૦% જેટલો ‘જીઝીયા વેરો’ લાદવો. આ વેરો ઘણા ઇસ્લામિક શાસકોએ હિન્દુ-જૈન-બુદ્ધ નાગરિકો પર લાગુ કર્યો હતો, જેઓ ઘણી વિશાળ સંખ્યામાં હતા. મહાન સમ્રાટ અકબર એક માત્ર મોગલ સમ્રાટ હતા જેણે હિન્દુઓની સાથે ન્યાયપૂર્ણ વર્તન કર્યું. મુસ્લિમ શાસકો વડે રચવામાં આવેલ સામાજિક-રાજકીય વાતાવરણના હિન્દુઓ તથા હિન્દુધર્મ માટે કેટલાંક પરિણામો હતાં.

૧૫૦૦માં પંજાબમાં ગુરુનાનક વડે શીખધર્મની સ્થાપના એ પરિણામની એક મોટી અસર હતી.શીખધર્મે ઈસ્લામ તથા હિંદુધર્મના સારા ભાગો સમાવ્યા અને હિન્દુઓના ટેકાથી તે ઝડપથી પ્રસર્યો. (ઇસ્લામમાં આ સમયગાળા દરમિયાન શિયા-સૂફી ચળવળ વિકસી જે મૂળભૂતરૂપે હિન્દુધર્મમાં ફાલેલ ભક્તિ ચળવળ સાથે મોટા ભાગે સામ્ય ધરાવતી હતી. સૂફીઓની ઈશ્વરના ઐક્યની મજબૂત માન્યતાને કારણે મૂર્તિપૂજક હિન્દુઓ સાથે તેમનો કોઈ વિખવાદ ન હતો. જો કે, મોટાભાગના મુસ્લિમ શાસકો સુન્ની-શિયા મુસ્લિમ હતા જે ભેગા મળીને ભારતીય મુસ્લિમોમાં બહુમતી ધરાવતા થયા હતા.)

૧૫૫૦ પછીના સમયગાળાએ મુસ્લિમ શાસકો વિરુદ્ધ રાજપૂત, મરાઠા અને શીખ સત્તાઓનો ઉદય જોયો. રાજસ્થાનમાં મહારાણા પ્રતાપ, મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી અને પંજાબમાં મહારાજા રણજિત સિંહે મુસ્લિમ શાસકોના ખરાબ વ્યવહારથી હિન્દુઓ તથા શીખોનું રક્ષણ કરવા માટે રાજ્યો સ્થાપ્યાં. એ નોંધવું મહત્ત્વનું છે કે તેમનાં રાજ્યોમાં મુસ્લિમ વસતી ન્યાયપૂર્ણ વ્યવહાર મેળવતી હતી અને કેટલીક મસ્જિદોને સરકારી ટેકો પણ આપવામાં આવ્યો હતો. ૧૮મી સદીના મધ્ય સુધીમાં મરાઠાઓ સૌથી શક્તિશાળી બની ગયા હતા અને ગ્રેટ બ્રિટનથી આવેલ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પૂર્વ તથા દક્ષિણમાં પોતાની સત્તા મજબૂત બનાવી હતી. ભારતમાં વ્યાપાર-હક્કો નક્કી કરવા માટે ગ્રેટ બ્રિટનની સરકાર વડે અધિકાર અપાયેલ આ બ્રિટિશ વ્યાપાર-કંપનીએ ૧૮૨૦ સુધીમાં સમગ્ર દેશ ‘જીતી લીધો’ હતો. ભારતનાં અસંખ્ય નાનાં રાજ્યો ‘કંપની’ વડે સંરક્ષિત બની ગયાં.

૧૮૫૭-૫૮માં બ્રિટિશ વિરુદ્ધ મોટો બળવો થયો. શરૂઆતમાં મુસ્લિમ મોલવીઓ (સુન્ની-વહાબી) વડે આગેવાની લેવાયેલ અને સૈન્યમાં હિન્દુઓ તથા મુસ્લિમો જોડાયેલ. આ બળવાને થોડાંક રાજ્યો વડે પીઠબળ પૂરું પડાયેલ અને આંશિક રીતે લોકો વડે પણ ટેકો મળેલો. આ ‘સ્વતંત્રતા માટેની પ્રથમ લડાઈ’ એવા બળવાને ઈસ્ટ ઈન્ડિયા કંપની વડે બળપૂર્વક દબાવી દેવાયો હતો. તેના પરિણામે ભારત બ્રિટિશની રાણી ભારત માટે સર્વોચ્ચ રાજવી બની. ભારતના પશ્ચિમ તથા પૂર્વ કિનારા પર પોર્ટુગીઝ અને ફ્રેન્ચ લોકોએ પણ નાના પ્રદેશો કબજે કર્યા હતા. ભારતીયોએ મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ મોટેભાગે અહિંસક રીતે તેમની સ્વતંત્રતા માટે લડત આપ્યા પછી,

૧૯૪૭માં ભારત વિદેશી શાસકોના શોષણથી સ્વતંત્ર થયું. બ્રિટિશ પ્રભાવનાં લગભગ ૨૫૦ વર્ષ અને બ્રિટિશ શાસનનાં લગભગ ૧૫૦ વર્ષની ભારતવર્ષ, હિન્દુઓ, મુસ્લિમો તથા હિન્દુધર્મ પર પ્રચંડ અસર પડી.

૯૦૦ કરતાં વધારે વર્ષોનું મુસ્લિમ શાસન હિન્દુઓ પર કઠોર હતું. ૨૦મી સદી શરૂ થઈ ત્યારે બળજબરીપૂર્વક તથા લાલચ વડે ઈસ્લામમાં ધર્માંતરણ, ભારતની લગભગ ચોથા ભાગની વસ્તીના મુસ્લિમ હોવામાં પરિણમ્યું હતું. ઘણા મુસ્લિમો, મોટાભાગના ઉચ્ચ વર્ગના, તેમનું શાસક તરીકેનું સ્થાન ગુમાવવા વિશે નાખુશ હતા અને ભયભીત પણ હતા કે હિન્દુઓની બહુમતીવાળું રાષ્ટ્ર બ્રિટિશ પાસેથી સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછી તેમના તરફ ન્યાયી નહીં રહે. પરિણામે, મુસ્લિમો તથા હિન્દુઓનાં બે અલગ રાષ્ટ્રો હોવાં જોઈએ તેવા દાવા વડે બે રાષ્ટ્રનો સિદ્ધાંત સૂચવવામાં આવ્યો. જેમણે આઝાદીના સંઘર્ષમાં ભાગ લીધો હતો તેવા ઘણા મુસ્લિમોએ બે રાષ્ટ્રનો ખ્યાલ પણ ન સ્વીકાર્યો. જો કે જ્યાં મુસ્લિમો બહુમતીમાં હતા તેવા મુસ્લિમો માટેના અલગ રાષ્ટ્રની માંગ બધા વડે સ્વીકારી લેવાઈ અને અખંડભારત ૧૯૪૭માં ભારત અને પાકિસ્તાન એમ બે રાષ્ટ્રમાં વિભાજીત થયું. ૧૯૭૧માં પૂર્વ પાકિસ્તાન પશ્ચિમ પાકિસ્તાનથી અલગ થયું અને બાંગ્લાદેશ બન્યું. ૨૧મી સદીમાં ઈન્ડોનેશિયા પછી પાકિસ્તાન બીજો સૌથી વધુ વસ્તી ધરાવતો મુસ્લિમ દેશ છે અને પાકિસ્તાન, ભારત અને બાંગલાદેશમાં મુસ્લિમોની વસતી સમાન શ્રેણીની છે. ધર્મના આધારે ભારતનું વિભાજન અને ભારતમાં મુસ્લિમોની વિશાળ વસતીની હિન્દુઓ તથા હિન્દુધર્મ પર અનેકવિધ અસરો છે.

૭૦૦૦ થી વધુ વર્ષોની સામાજિક-રાજકીય પટની આ ટૂંકી સમાલોચના દર્શાવે છે કે લગભગ બધા જ બિનમુસ્લિમ શાસકોએ વૈદિક ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, હિંદુધર્મ, ઈસ્લામ ધર્મ, શીખ ધર્મ તથા ખ્રિસ્તી ધર્મને પણ ફૂલવા ફાલવાની છૂટ આપી. કુરાનથી માર્ગદર્શિત ઘણા મુસ્લિમ શાસકોએ હિન્દુઓનું ધર્માંતરણ કરવા માટે ઘણાં પગલાં લીધાં, મૂર્તિઓનો નાશ કરવા માટે હિન્દુ મંદિરો પર હુમલાઓ કર્યા અને ખોટા પ્રકારના ધર્મ સાથેના બીજી શ્રેણીના નાગરિકો તરીકે હિન્દુઓ તરફ જોયું.

તેમણે હિન્દુઓને ઘણા હોદૃાઓમાં એક મુસ્લિમ વડા હેઠળ જ નોકરી આપી. હિન્દુઓએ ભક્તિ ચળવળ જેવા માર્ગાેનો ઉપયોગ કરીને તેમના ધર્મને સાબૂત રાખવાની વ્યવસ્થા કરવી પડી જેણે સમાજના બધા પગથિયેથી હિન્દુ વ્યક્તિઓને ધર્મના પડખામાં લીધી. બ્રિટિશ શાસન દરમિયાન, જ્યારે બધા જ શાસકો ખ્રિસ્તી હતા ત્યારે, ખ્રિસ્તી મિશનરીઓના ધર્માંતરણના પ્રયાસોથી સરકારે પોતાને દૂર રાખી હતી. (ક્રમશ 🙂

Total Views: 55
By Published On: June 1, 2015Categories: Ashok Garde0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram