નરેન્દ્રનંુ વિશાળ હૃદય બધા માટે એક સરખું સહાનુભૂતિપૂર્ણ હતું. આગળના અંકમાં આપણને તેમની ઉદારતાનો પ્રારંભ જોવા મળે છે, એ વાત આગળના અંકમાં જોઈ, હવે આગળ…

એકવાર દક્ષિણેશ્વરમાં થયેલ શ્રીઠાકુરના જન્મોત્સવના સમયે કોઈએ ફરિયાદ કરી કે આ ઉત્સવમાં કેટલીક વેશ્યાઓ આવીને તેના મહત્ત્વને ઘટાડી રહી છે. એટલે એમને પ્રવેશ આપવો ઉચિત ન ગણાય. નરેન્દ્રનાથે આ સાંભળીને ક્ષોભ સાથે કહ્યું, ‘શ્રીઠાકુર શું થોડાએક જ્ઞાની, ગુણી અને શુદ્ધ પવિત્ર લોકો માટે જ આવ્યા હતા? એમનું આગમન તો બધાને માટે થયું હતું. વિશેષ કરીને જે લોકો પતિત-ઘૃણિત છે, જેમને માટે ક્યાંય સ્થાન નથી, એમના માટે તેમનું દ્વાર હંમેશાં ખુલ્લું રહેશે. આપણે ઇચ્છિએ છીએ કે એ બધા અહીં આવે અને આવીને નવજીવન મેળવે.’ સ્વામીજીની આ જ અભિવ્યક્તિ અહીં રવીન્દ્રને જોઈને પ્રગટ થઈ છે.

માસ્ટર મહાશયનું કોમળ હૃદય પણ રવીન્દ્રનો આર્તભાવ જોઈને વિગલિત થઈ ગયું. તેઓ પોતે જ એમને પોતાની સાથે ગંગાસ્નાન કરવા લઈ ગયા, સ્મશાનમાં મૃતદેહ દેખાડ્યા અને વૈરાગ્યબોધક વાતો કરી. રવીન્દ્ર અહીં આવ્યા તો છે, પરંતુ એમનું મન ચંચળ છે, ધ્યાનમાં બેસી શકતા નથી.

વરાહનગર મઠનું આ ચિત્ર ઠીક ઠીક પ્રમાણમાં સમજમાં આવે છે. નરેન્દ્ર ગીત ગાય છે :

પી લે રે અવધૂત, હો મતવાલા,

પ્યાલા પ્રેમ હરિરસ કા રે—।

બાલ અવસ્થા ખેલિ ગઁવાયો,

તરુણ ભયો નારી-બસ કા રે —।।

વૃદ્ધ ભયો કફ વાયુ ને ઘેરા,

ખાટ પડો રહ્યો શામ-સવારે —।

નાભિ-કમલ મેં હૈ કસ્તૂરી,

કૈસે ભરમ મિટૈ પશુ કારે—।।

બિન સદ્ગુરુ નર ઐસેહિ ઢઁૂઢે,

જૈસે મિરિગ ફિરે વન કા રે।।

માસ્ટર મહાશયને લાગે છે કે તેઓ જાણે કે રવીન્દ્ર માટે હિતવચન કહી રહ્યા છે. ભજનના અંતિમભાગમાં આવે છે – હરણના નાભિકમળમાં કસ્તૂરી છે અને એની સુગંધથી ચારેય દિશાઓ આમોદિત છે. પરંતુ એ હરણને ખબર નથી કે આ સુગંધ ક્યાંથી આવી રહી છે. એ મતવાલો બનીને ચારેય તરફ સુગંધના ઉદ્ભવસ્થાનને શોધી રહ્યો છે. એ જાણતો નથી કે તેનું સ્રોત તેની પોતાની જ નાભિમાં છે. એવી રીતે મનુષ્ય પણ આનંદ માટે ચારે તરફ દોડધામ કરે છે. ભોગ્યવસ્તુઓ પાછળ પોતાનું જીવન સમાપ્ત કરી રહ્યો છે. તે એ નથી જાણતો કે આનંદનું ઉદ્ગમ તેની ભીતર જ છે – આત્મામાંથી જ બધો આનંદ નીકળે છે તથા વ્યક્ત થાય છે.

મનુષ્યને જ્યારે તેનો ખ્યાલ આવશે ત્યારે તે પોતાના અંત :કરણ તરફ આકર્ષાશે, અંતર્મુખ બનશે. મૃગ જેમ એને ઘાસમાં શોધતું ફરે છે, સદ્ગુરુના અભાવે મનુષ્ય પણ એવી જ રીતે એ આનંદને ભોગોમાં શોધતો ફરે છે. સદ્ગુરુ બતાવી દે છે કે આનંદ ક્યાંથી આવે છે અને એને પામવાનો ઉપાય શો છે? તે મનની દિશાને બદલી નાખે છે.

શું સદ્ગુરુના અભાવને લીધે મનુષ્ય ભોગોમાં આનંદ શોધે છે? એવી વાત નથી. આપણા મનમાં જે ભોગતૃષ્ણા છે તેની થોડીઘણી તૃપ્તિ થયા વિના હજારોવાર કહેવાં છતાં પણ શાસ્ત્ર અથવા સિદ્ધપુરુષના ઉપદેશ આપણને કોઈ કામમાં આવતા નથી. શ્રીરામકૃષ્ણે દક્ષિણેશ્વરમાં વર્ષો સુધી કામ-કાંચન-ત્યાગનો ઉપદેશ આપ્યો, પોતાના જીવનમાં આચરણ દ્વારા પણ એ બતાવ્યું, પરંતુ એ આદર્શ કેટલા લોકોના જીવનમાં પ્રતિફલિત થયો? કેટલા લોકો એમના આદર્શાેથી અનુપ્રાણિત થઈને ત્યાગનું જીવન અંગીકાર કરી શક્યા છે?

મોટાભાગના લોકો આવું કરી શક્યા નથી. કારણ કે જ્યાં સુધી મન વિષયોથી વિરક્ત થતું નથી ત્યાં સુધી થોડો ઘણો વૈરાગ્યનો ભાવ પણ આવતો નથી અને વૈરાગ્યની વાતો એમના કાનોમાં પ્રવેશી શકતી નથી અને વળી પ્રવેશે તો પણ તેના મર્મને સ્પર્શી શકતી નથી. એક જાણીતી કથા છે : લાલાબાબુએ ધોબીના મુખેથી સાંભળ્યું – દિવસ વીતી ગયો. વાસના(બંગાળીમાં કેળના થડને પણ વાસના કહે છે.)માં આગ લગાડવી છે. એ સાંભળીને એમના મનમાં આવ્યું – જીવન પણ વીતી ગયું, પણ મેં વાસનામાં આગ ન લગાડી. જેવો વૈરાગ્યનો આ ભાવ મનમાં આવ્યો કે તરત જ તેઓ બધું છોડીને ચાલી નીકળ્યા.

આ વાતથી શું વૈરાગ્ય આવી શકે છે? સંભવ છે કે આવી વાતો લાલાબાબુએ પહેલાં પણ સાંભળી હોય. પરંતુ એમના મનમાં એવો ભાવ આવ્યો ન હતો. આવા પ્રકારની વૈરાગ્યની વાતો અહર્નિશ સાંભળવાથી પણ આપણા જીવનમાં તેનું કોઈ ફળ મળતું નથી, તે ચરિતાર્થ થતું નથી. એવું કેમ નથી થતું, કારણ કે આપણું મન ભોગાસક્ત છે. જીવનમાં વિતૃષ્ણા આવવાથી જ વૈરાગ્ય ઉદ્ભવતો નથી. વૈરાગ્યનો વાસ્તવિક ઉદ્ગમ તો એક અન્ય રસ વિશે જાણકારી મેળવવાની છે. શ્રીઠાકુર કહેતા, ‘સાકરનું સરબત પીધા પછી મન ગોળ તરફ જતું નથી.’ જ્યાં સુધી આપણને હરિપ્રેમના રસનો ખ્યાલ નથી આવતો ત્યાં સુધી આપણને સંસારનો આનંદ આકર્ષ્યા કરે છે. સમસ્ત વિષયાનંદ ભગવદાનંદનો જ એક ક્ષુદ્ર અંશ છે. શ્રીઠાકુર કહેતા કે ચુંબક લોખંડને ખેંચે છે; પરંતુ એક નાનો ચુંબક એક તરફ અને એક મોટો ચુંબક બીજી તરફ ખેંચે તો લોખંડ ક્યાં જશે? નિશ્ચય તે મોટા લોખંડ તરફ આકર્ષિત થશે. ભગવાન મોટંુ લોહચુંબક છે, એમનું આકર્ષણ થવાથી બીજાં બધાં આકર્ષણ શિથિલ થઈ જાય છે. આખું જીવન ભોગ ભોગવ્યા પછી પણ મનુષ્ય વિચારે છે કે જીવનને થોડું વધારી દેવાય તો કેટલું સારું થાય! પુરાણના યયાતિ ઉપાખ્યાનમાં આ જ વાત કહેવામાં આવી છે. દીર્ઘકાળ સુધી ભોગ ભોગવ્યા પછી પણ યયાતિ તૃપ્ત ન થયા. પોતાના પુત્રના યૌવનને લઈને વધુ ભોગ કર્યા પછી અંતે તેઓ આ સિદ્ધાંત પર (ભાગવત.૯.૧૯.૧૪) પહોંચ્યા :

ન જાતુ કામ : કામાનામ્ ઉપભોગેન શામ્યતિ—।

હવિષા કૃષ્ણવર્ત્મેવ ભૂય એવાભિવર્ધતે—।।

મનુષ્યની કામના કામવસ્તુના ભોગથી શાંત થતી નથી, જેમ ઘી નાખવાથી અગ્નિ શાંત થતો નથી. પરંતુ વધારે પ્રજ્જવલિત થઈ ઊઠે છે, તેવી જ રીતે કામના-પરાયણ મનને ભોગ અર્પિત કરવાથી તે કામના સેંકડો ગણી ભભકી ઊઠે છે. ભોગ મનને શાંત કરતા નથી – એ જ શાસ્ત્રનો સિદ્ધાંત છે; અને મનુષ્યનો અનુભવ પણ એ જ દર્શાવે છે. (ક્રમશ 🙂

Total Views: 376

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.