૪. કોલકાતા, ૯ એપ્રિલ, ૧૮૯૯ : સ્વામીજી કહે છે કે એક સાથે ઘણું કાર્ય હાથમાં લઈ લેવું એ મારી મોટી ભૂલ છે. અને એમનું કહેવું તદ્દન સાચું છે. મારે પ્લેગસેવાના બધા વિચાર છોડી દેવા પડશે અને સફાઈનું જે કાર્ય હાથમાં લીધું છે એમાં જ વધારે નિષ્ઠાપૂર્વક મારું પૂરું ધ્યાન લગાડવું પડશે. શું આ ઉચિત નહીં ગણાય? તમે જાણો છો કે જોખમભરેલા પ્લેગની આનંદપૂર્ણ ઉત્તેજનાની સરખામણીમાં મારા માટે આ કામ આત્મત્યાગ તથા આજ્ઞાકારિતાનું અનંતગણું શ્રેષ્ઠ પ્રમાણ બની રહેશે. હું મારા બાળસુલભ ગર્વને કારણે આવું કહી રહી છું, કારણ કે એક ઘનિષ્ઠ મિત્ર મારી સાથે સંલગ્ન ન હોવાને કારણે ઘણા દુ :ખી છે. હું મારા સ્વાભિમાનને કારણે એમને સ્પષ્ટરૂપે એ કહેવાની તક પણ નથી દેતી કે ન મારી પોતાની સફાઈ. છતાં પણ સ્વાભિમાન પણ એટલું નથી કે અંતરાત્મામાં શંકાઓ જાગે.

સફાઈના ફંડમાં અમારી પાસે ૨૩૫ રૂપિયા એકત્રિત થયા. આ એક ઘણી મોટી સફળતા જણાય છે. પરંતુ વસ્તુત : અમને એનાથી પણ વધારે જરૂર છે. જે સંન્યાસી આ સંસ્થામાં કાર્યરત છે તેઓ શનિવારે સ્વામીજીને અહેવાલ દેવા ગયા હતા. તેમણે કહ્યું કે સ્વામીજી આ સમાચાર સાંભળીને એટલા ભાવુક બની ગયા કે તેઓ નિરંતર બે કલાક સુધી ઉપનિષદો સહિત વિવિધ વિષયો પર બોલતા રહ્યા. તેમણે કહ્યું, ‘આ સક્રિયતા, આ મનુષ્યતા અને સહકારિતા વિના કોઈ બીજો ધર્મ ન હોઈ શકે. નિવેદિતા એક ખૂણે રહે છે અને અંગ્રેજ લોકો એને મદદ કરે છે. ઈશ્વર એ બધાંનું ભલું કરે!’ પરંતુ આજે જ્યારે હું તેમની પાસે ગઈ ત્યારે મને આશ્ચર્યમાં નાખી દે તે રીતે તેમણે આંખો પટપટાવી અને કહ્યું, ‘પ્લેગ, માર્ગાેટ, પ્લેગ!’ તેમણે મને કહ્યું, ‘સંભવ છે કે અમારા આ લોકો શુષ્ક અને અસંસ્કૃત લાગે. પરંતુ બંગાળના એ જ પૌરુષયુક્ત લોકો છે. યુરોપની નારીઓ દ્વારા ત્યાં પૌરુષ સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. કારણ કે તેઓ કાપુરુષતાને ધિક્કારતા હતા. બંગાળની બાલિકાઓ ક્યારે આવી ભૂમિકા ભજવશે અને કાપુરુષતાની પ્રત્યેક ઝલકને નિર્મમતાપૂર્વક ઉપહાસ દ્વારા ખતમ કરી દેશે!’

૫. કોલકાતા, ૧ મે, ૧૮૯૯ : સ્વામીજી તાવ અને બ્રોન્કાઈટીસથી પીડાઈને મઠમાં પથારીમાં પડ્યા છે.

શુક્રવારની બપોરે હું સ્વામીજીની સાથે ભોજન કરવા ગઈ… પરંતુ શનિવારે એમનો મનોભાવ સાવ અલગ જ હતો. એમના દિવસો હવે પૂરા થવા આવ્યા હતા અને ન આવી રહ્યા હોય તો તેઓ બાંધછોડનો ભાવ ત્યજી દેશે. તેઓ હિમાલયમાં ચાલ્યા જશે અને ધ્યાનમાં ડૂબી જશે. તેઓ જગતમાં જશે અને પરમસત્યનો પ્રચાર કરશે. મનુષ્યોની વચ્ચે જવું અને એમને બતાવવું કે તેઓ જ્યાં છે ત્યાં બરાબર છે વગેરે વગેરે. થોડા કાળ માટે આ બરાબર હતું. પરંતુ હવે એવું નહીં કરી શકું.

હવે તેઓ ત્યાગ, ત્યાગ અને ત્યાગ જ શીખવશે. ત્યારબાદ તેમણે ધીરેથી કહ્યું, ‘માર્ગરેટ, અત્યારે આ વાતને નહીં સમજી શકો, પરંતુ તમે આગળ જશો ત્યારે સમજશો.’

હું જાણું છું કે બંગાળમાં સ્વામીજી માટે પર્યાપ્ત ધન છે, પરંતુ લોકો પોતાની શરતો રાખવા ઇચ્છે છે. એટલે તે ધન ક્યારેય એમની પાસે પહોંચતું નથી. આ જ એમનો સાચો ભાવ છે, સિદ્ધાંતોના ભોગે મળનારા પકવાનને દૃઢતાપૂર્વક અસ્વીકાર કરી દેવા અને તેની કિંમત ચૂકવવા ભૂખમરાને પણ સ્વીકારવો. સ્વામીજીનો માર્ગ સાચો છે કે જગત પ્રત્યે આ જ ભાવ હોવો જોઈએ, બીજો કોઈ નહીં. જે આ દુનિયાને પકડવા ઇચ્છે છે તેને એ હરાવી દે છે અને તેનો ત્યાગ કરે છે તેની સામે તે ઝૂકી જાય છે…

૬. કોલકાતા, ૮ મે, ૧૮૯૯ : અહા! આ પંક્તિઓ કેટલી સુંદર છે, ‘જીવનમાં તમારું લક્ષ્ય પોતાનું સ્વરૂપ શોધવાનું છે. એટલે આ જીવનને શોધવામાંથી વિરત થઈ જાઓ!’ વસ્તુત : આ જ પૂર્ણ સત્ય છે. જે વસ્તુઓને મનુષ્ય શોધે છે અને જે વસ્તુઓને એણે શોધવી જોઈએ એ બન્નેની વચ્ચે જમીન આસમાનનો ભેદ છે.

આજે હું સ્વામીજીને મળવા ગઈ હતી. એમણે કહ્યું કે ૧૮ વર્ષની ઉંમરમાં એમને કેવી રીતે થોમસ એ. કેમ્પિસ લિખિત ‘ઈસાનુશરણ’ ની એક નકલ મળી એની ભૂમિકામાં લેખકનું મઠ અને તેની વ્યવસ્થાનું વિવરણ આપ્યું છે. એમને માટે એ પુસ્તક પ્રત્યેના ચિરઆકર્ષણનું આ જ કારણ હતું. પરંતુ એમણે ક્યારેય વિચાર્યું ન હતું કે એક દિવસ એમણે પણ એવી જ રીતે કરવું પડશે. ‘જુઓ, મને થોમસ એ. કેમ્પિસ પ્રત્યે ઘણો ભાવ છે અને એમનું લગભગ આખું પુસ્તક મને કંઠસ્થ છે. ઈસુએ શું કહ્યું, એને લખવા માટે આટલી દોડધામ કરવાની જગ્યાએ ઈસુ શું ખાતા હતા, શું પીતા હતા, ક્યાં રહેતા હતા, ક્યાં સૂતા હતા અને પોતાનો દિવસ કેવી રીતે વિતાવતા હતા, જો લોકોએ એ લખ્યું હોત તો કેવું સારું થાત.

અહા, એ લાંબાં લાંબાં ભાષણ! ધર્મ વિશે જે વાતો કહેવી યોગ્ય છે એને આંગળીઓ ઉપર ગણી શકાય છે. એમનું કોઈ મહત્ત્વ નથી; મહત્ત્વ છે એમાંથી વિકસિત થઈને નીકળનાર મનુષ્યનું. હાથમાં ઝાકળનો એક ગોળો લો અને જુઓ તે કેવી રીતે ધીરે ધીરે વિકસિત થઈને એક મનુષ્યમાં પરિણત થઈ જાય છે. મુક્તિ પોતાની રીતે કંઈ પણ નથી, એ કેવળ પ્રેરણા છે. એ બધી ચીજો પ્રેરણા સિવાય બીજું કંઈ નથી. તેઓ મનુષ્યનું નિર્માણ કરે છે અને એ જ સર્વકંઈ છે!’ હવે મને યાદ આવે છે કે એમણે આ કહેતી વખતે આવો આરંભ કર્યો હતો,

‘આવશ્યકતા શ્રીરામકૃષ્ણના શબ્દોની નથી, પરંતુ એમના દ્વારા જીવાયેલા જીવનની હતી અને એને લખવાનું હજી બાકી છે. વસ્તુત : આ જગત ચિત્રોની એક શૃંખલા છે અને એ શૃંખલાની ભીતર મનુષ્યના નિર્માણનું લક્ષ્ય પરોવાયેલું છે. આપણે બધા કેવળ મનુષ્યના નિર્માણને જ જોતા હતા. શ્રીરામકૃષ્ણ સર્વદા અવાંચ્છિત જૂનીપુરાણી ચીજોમાંથી નરસી વસ્તુઓને શોધી કાઢતા અને તેનો ત્યાગ કરતા રહેતા. એમણે પોતાના શિષ્યરૂપે સર્વદા તરુણોને જ પસંદ કર્યા.’ (ક્રમશ 🙂

Total Views: 310

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.