ગયા અંકમાં એક બ્રહ્મજ્ઞાની અને ધ્યાનની સાતમી ભૂમિકાએ પહોંચેલા યોગીનો વિલક્ષણ પ્રસંગ જોયો, હવે આપણે આગળ જોઈશું…

એક ભક્ત, જેને શ્રીરામકૃષ્ણે સ્પર્શ કરેલો

દાઢીવાળા એક વૃદ્ધ સજ્જન સેવાશ્રમમાં આવતા. તેમનું આશુ બાબુ નામ હતું. તેઓ મંદિરમાં આવતા, કોઈની સાથે કશી વાત કર્યા વિના કેટલોક સમય રોકાતા ને જતા રહેતા. અમને તેમના સરનામાની ખબર ન હતી. એક દિવસ ગંગા કિનારે બે અન્ય ભાઈઓ સાથે ભ્રમણ કરતાં, મેં તેમને એક મોટા ઘરમાંથી નીકળતા જોયા. મેં તેમને જણાવ્યું, ‘લાગે છે તે અહીં રહેતા હોય.’ પછી મેં વૃદ્ધ સજ્જનને સાદ કર્યો, ‘અરે, આશુ બાબુ, આપ રોજ સેવાશ્રમ આવો છો. શું આપ અહીં રહો છો ?’ તેમણે જવાબ આપ્યો, ‘હા’. અમે અંદર ગયા તથા એક મોટું પૂજા-ઘર જોયું જેમાં શ્રીરામકૃષ્ણની તસવીર સિવાય વધુ કાંઈ જ ન હતું. ‘આશુ બાબુ આપે તો આ અંગે ક્યારેય અમને કશી વાત કરી નથી. આપની કથા સંભળાવો.’ પોતાના વિશે અગાઉ ક્યારેય કશું જણાવેલું નહીં, કેમ કે તેમનો તેવો સ્વભાવ ન હતો. જ્યારે તેઓ બાળક હતા ત્યારે તેમનાં દાદીમા અથવા અન્ય કોઈ સંબંધી તેમને શ્રીરામકૃષ્ણ પાસે લઈ ગયા હતા. શ્રીરામકૃષ્ણે તેમને સ્પર્શ કરેલો તથા ખોળામાં બેસાડ્યા હતા. તેમણે કહ્યું, ‘શ્રીરામકૃષ્ણે મને સ્પર્શ કર્યો હતો. હું તેમના વિશે વધુ જાણવા માગું છું. મેં તેમના વિશે પુસ્તકો વાંચ્યાં છે તથા બેલુર મઠ અને દક્ષિણેશ્વર પણ દર્શન કરી આવ્યો છું. પહેલાં હું કાર્યરત હતો. પણ હવે નિવૃત્ત છું, બધું વેચી દઈને મેં અહીં એક ઘર ખરીદ્યું છે.’ મેં પૂછ્યું, ‘પરંતુ આ બધું આપે અમને અગાઉ કેમ બતાવ્યંુ નહીં?’ તેમણે જવાબ આપ્યો, ‘હા, પરંતુ વધારે કંઈ કહેવા જેવું હતું પણ નહીં.’ અમે તેમની વાત જાણીને ઘણા જ પ્રસન્ન થયા. તેઓ મને મળવા સેવાશ્રમમાં ક્યારેક આવતા હતા. તેઓ ફળ અને બીજી વસ્તુઓ લાવતા, મને રામ રામ કરતા, મંદિરમાં જતા અને પછી આશ્રમમાંથી જતા રહેતા. તેઓ ઘણા જ શાંત વ્યક્તિ હતા. આ પહેલાં ભાગ્યે જ કોઈ જાણતું કે તેઓ કોણ છે. તેમણે ખરેખર પવિત્ર સાધુ જેવું જીવન વિતાવ્યું.

મનુષ્યોનું જીવન વધારે મૂલ્યવાન છે

એકવાર સેવાશ્રમની આસપાસ તોફાની વાંદરાએ અનેક લોકો પર હુમલા કરેલા અને તેમને ઘણી ખરાબ રીતે ઉઝરડા પાડેલા. તેમનું નિવાસ એ લત્તામાં હતું જ્યાં મોટી ગલી તથા અમારા આશ્રમ તરફ જવાનો રસ્તો મળતો હતો. આ વાંદરાથી ઈજા પામેલા અનેક લોકોએ અમારા સેવાશ્રમમાં સારવાર કરાવેલી. એક વ્યક્તિની એક આંખ તો લગભગ જતી જ રહેલી. મેં પોલીસવાળાઓને વાત કરી : ‘અહીં એક તોફાની વાંદરો છે. આપે તેને મારી નાખવો પડશે.’ ‘નહીં સ્વામીજી, જો હું તેને મારી નાખીશ તો લોકો મને મારી નાખશે.’ ‘કેમ?’ આ વિસ્તારમાં કોઈ પણ પશુની હત્યાનો અમારે માટે પ્રતિબંધ છે. (હરિદ્વાર તથા હૃષીકેશ ઘણાં જ પવિત્ર માનવામાં આવે છે; ત્યાં પશુહત્યા પર પ્રતિબંધ છે. એટલે કે માછલી ખાવાની પણ અનુમતિ નથી.) વાંદરા દ્વારા ઈજાગ્રસ્તોની હંમેશ માટે ફરિયાદ રહેતી હતી; એક નાના બાળકને તો આખા શરીરે નહોર-નખ મારીને ઉઝરડા પાડેલા પરંતુ કોઈ કશું કરી શક્યું ન હતું.

અમે એક બંદૂક લીધી અને તેના પરવાનેદાર, જેઓ પાઠશાળામાં અધ્યાપક હતા, તેમને મેં કહ્યું કે તેઓ તે લઈ આવે ને વાંદરાને ગોળી મારે. તેમણે કહ્યું, ‘નહીં, હું એમ નહીં કરું.’ ‘કેમ ?’ ‘જો હું વાંદરાને ગોળી મારીશ તો લોકો મને મારી નાખશે.’ મેં કહ્યું, ‘તો બંદૂક મને આપો.’ તેમણે મને બંદૂક કેમ ચલાવવી તે શીખવી દીધું ને મેં વાંદરાને મારી નાખ્યો. આ સાવ સીધી સમજાય તેવી વાત હતી. મને તો દર્દીઓની ચિંતા હતી કે વાંદરાને કારણે તે પીડા ભોગવે નહીં.

પછીથી સેવાશ્રમમાં કેટલાક અતિથિ સંન્યાસીઓએ સ્વામી વિરજાનંદ મહારાજને ફરિયાદ કરી, ‘નારાયણે એક વાંદરાને મારી નાખ્યો છે, દરેક લોકો તેની નિંદા કરી રહ્યા છે.’ મહારાજે મને સુંદર પત્ર લખ્યો; ‘બીજા શું કહે છે, તેની ચિંતા ન કરવી. હું ખુશ છું કે તારામાં આવું કરવાનું સાહસ હતું. લોકો તો માત્ર લાગણી અથવા સાચા ઉદ્દેશ્ય વિના કેટલાક લાદેલા પ્રતિબંધોનું જ પાલન કરતા હોય છે. પરિણામોની કોઈ દરકાર કરતા નથી; પછીથી જ્યારે હું વિરજાનંદજીને મળ્યો ત્યારે તેમણે પૂછ્યું, ‘શું તેમની (સંન્યાસી બંધુઓની) ફરિયાદથી તારા મનને કોઈ ઠેસ પહોંચી હતી ?’ ‘નહીં, મને એવું કશું લાગ્યું ન હતું. હું જાણતો હતો કે આ મારું કર્તવ્ય છે અને તે મેં સંપન્ન કર્યું.’ તેઓએ કહ્યું, ‘અને તારામાં એવું કરવાની હિંમત હતી.’ ‘હું કરી પણ શું શકું ? કેમ કે હું જોતો હતો કે વાંદરાએ ભરેલાં બટકાં તથા તેના દ્વારા થયેલા ઉઝરડા મારેલા લોકો સેવાશ્રમમાં આવી રહ્યા છે. હું શું કરું ? ચુપચાપ બેસી (જોતો) રહું ? હું એમ કરી શકું તેમ ન હતું.’ તેમણે મને આશ્વાસન આપ્યું, ‘તેં યોગ્ય જ કર્યું છે. બીજા શું કહે છે, તેની ચિંતા કરવી નહીં.’ બીજાઓ દ્વારા નિંદિત થયો હોવા છતાં પણ મેં ક્યારેય ચિંતા કરી નહીં, કેમ કે મને ખાતરી હતી કે મેં યોગ્ય જ કર્યું છે.

વળી ત્યાં કબૂતર પણ હતાં. તે બધાં સેવાશ્રમનાં મકાનોમાં ભોજન તથા દર્દીઓની પથારીઓ પર ઘણી બધી ગંદકી તેમજ કચરો પાડતાં હતાં. તેમને દૂર કરવાની કામગીરીમાં, ત્યાં જાળીઓ લગાવતાં પહેલાં, કેટલાંકને મારી નાખવામાં આવ્યા ત્યારે મારી નિંદા થઈ ! લોકોએ કહ્યું, ‘તમે કબૂતર મારી નાખ્યાં?’ એક બ્રહ્મચારીએ કહ્યું, ‘અરે, તેની સામે આટલા બુમ-બરાડા ન કરો; એ તમને પણ ઉડાવી દેશે.’ બીજા એક ભાઈએ બચાવ કરતાં કહ્યું, ‘જ્યારે દર્દીઓની પથારીઓ ગંદી થતી હતી અને બધા એ અંગે રોદણાં રોતા હતા, ત્યારે તો કોઈએ કાંઈ કર્યું નહીં, ત્યારે તે લોકોએ કબૂતરોને અંદર કેમ આવવા દીધાં ?’

મારે માટે વાંદરાઓ, કબૂતરો કે સાપ કરતાં દર્દીઓ વધુ મહત્ત્વના હતા. પાસેની વાંસની ઝાડીઓમાં કેટલાક સાપ હતા; બે-ત્રણ બાળકોને મારી નાખેલાં. કોઈએ દરકાર કરી નહીં ! અમે બધી ઝાડીઓને સળગાવી દીધી ને તે દિવસે ચાલીસ સાપને મારી નાખ્યા. અમે સાપોના બદલામાં મનુષ્ય-જીવનને ગુમાવી શકીએ નહીં. અમે ઝાડીઓનો સફાયો કરી નાખ્યો, તે જગ્યાને ખોદી નાખી, અંદર જે પણ મળ્યા તેમના રામ રમાડી દીધા તથા તે સ્થળને સમતળ કરીને ત્યાં મેદાન બનાવી દીધું. મેં કહ્યું, ‘પ્રથમ મનુષ્ય-જીવનનું મહત્ત્વ છે.’ તે જાનવરોને મારી નાખવાનું આપણા માટે અનિવાર્ય બની ગયું હતું. આવું કહેવા માટે અમારામાં સાહસની દૃઢતા હતી. અર્જુનને તેના વિરુદ્ધ યુદ્ધમાં લાગેલા લોકોને મારી નાખવાનું કહેવામાં આવ્યું હતું. શ્રીકૃષ્ણએ તેને ઠપકો આપતાં કહેલું, ‘ઊભો થા અને યુદ્ધ કર.’ શું શ્રીકૃષ્ણને તે (વિરોધીઓ)ની પર દયા ન હતી ? જરૂર હતી, પરંતુ તેમને તેમનું પોતાનું કર્તવ્ય પણ હતું; તથા તે કર્તવ્ય તેઓને મારવાનું જ હતું. એ જ રામબાણ ઉપાય હતો. (ક્રમશ 🙂

Total Views: 277

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.