ગયા અંકમાં જીવન પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ ગમે તેવો હોય પણ તણાવ એ નિત્ય ઘટના બની ગયો છે એ જોયા પછી, હવે આગળ…

હવે આપણે આ તણાવોનાં કારણોનાં લેખાંજોખાં માંડીશું. સૌથી વધારે પાયાનું કારણ આપણો ઉદ્દેશ્યહીન જીવનપ્રવાહ છે. આ કથનની સત્યતાનો આભાસ જ અર્થપૂર્ણ જીવનનાં દ્વારની ચાવી છે. આનો અનુભવ કરીને સાર્થક જીવન જીવનાર લોકો જ નિ :સંદેહ અપવાદરૂપ છે અને તેઓ સુખી રહે છે. પરંતુ જે માનસિકરૂપે તણાવગ્રસ્ત છે, એમના જીવવાને જીવન ન કહી શકાય. વધારેમાં વધારે આટલું કહી શકાય કે તેઓ ગમે તેમ જીવે છે અને નિરસ જીવન વ્યતીત કરે છે. સાર્થક જીવન જીવવામાં અને વનસ્પતિની જેમ દિવસ વિતાવવામાં ઘણું અંતર છે. માનસિક તણાવ એટલું કષ્ટપ્રદ છે કે તેની ઝપટે ચડેલ માનવ ક્યારેય સુખી થઈ શકતો નથી, સતત દબાણ એનો સૌથી વધારે ખરાબ અને ઘાતક શત્રુ છે. આમ છતાં પણ તણાવની આ શતાબ્દીમાં પણ એવા લોકો છે જે એ સમજે છે કે તેમણે તણાવના અસ્તિત્વ સાથે બાંધ-છોડ કરીને એને પોતાના લાભકારી પ્રયોગમાં લાવવાનો છે.

હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે તણાવને નિયંત્રિત કરવાની તેમજ તેને પોતાના હિતમાં લાવવાની રીત કઈ છે? આપણે આ પહેલાં પાસાં પર ચર્ચા આગળ કરીશું. આ સમયે માત્ર આ પ્રસંગ પર જ પ્રકાશ પાડવો પર્યાપ્ત થશે કે તણાવ ભરી આ શતાબ્દીમાં આપણે એક સ્વસ્થ, રચનાત્મક તેમજ પ્રેરણાપૂર્ણ જીવન જીવવાનો દૃઢ સંકલ્પ કરીએ; દબાણ અને તણાવ ઉત્પન્ન કરનારી પરિસ્થિતિઓથી ઉપર ઊઠવાનાં સાધન આપણે અપનાવી શકીએ છીએ. પરંતુ જો આપણે આ સંકલ્પમાં અસફળ થઈએ તો આપણે માનસિક તણાવ તેમજ એને કારણે ઉદ્ભવતી દુર્ગતિનો શિકાર બની જઈશું.

ચાલો આપણે એક મોટા વેપારી સંસ્થાનના એક વ્યસ્ત અધિકારીના પ્રતીકાત્મક ઉદાહરણથી એનું ચિત્રણ કરીએ. તે સદા વ્યસ્ત રહે છે તથા માનસિક તણાવથી ઘેરાયેલો રહે છે. તે જ્યારે ઘરે પાછો આવે છે ત્યારે પોતાનો તણાવ પણ સાથે લઈ જાય છે. તે વિચારે છે, ‘સવારના ૯ થી સાંજના ૬-૭ સુધી આખો સમય તણાવમાં રહીને ઓફિસમાં કામ કરું છું. હવે ઘરમાં મને સુહૃદય વાતાવરણ મળે તો મનને શાંતિ મળી જાય.’ પરંતુ એની ખામી એને એ વસ્તુ પામવા દેતી નથી જેની એને આશા છે. જ્યારે એ ઘરે પાછો આવે છે ત્યારે પોતાની પત્નીને કહે છે, ‘અરે, હું ભારે તણાવમાં છું. ઓફિસમાં ભયંકર કામનું દબાણ રહે છે,’ તો તેની પત્ની તેની દશા તરત જ સમજી જાય છે અને દૂર થઈ જાય છે. બાળકોને કહી દે છે કે તમારા પિતાનો મૂડ બરાબર નથી, તેમની પાસે જતા નહીં. પતિ પોતાના તણાવને ઘરે લઈ આવ્યો છે. એક વાર જ્યારે મનુષ્ય તણાવગ્રસ્ત બને છે ત્યારે બીજાઓમાં પણ તણાવનું વાતાવરણ રચી દે છે. કોઈ એમની પાસે ફરકતું નથી. પરંતુ જો કોઈ વ્યક્તિ શાંત અને સંતુલિત જીવન જીવે છે, તો તે પોતાની પાસે આવનારને આનંદમાં લાવી દે છે. તણાવની એક બીજી બાજુ પણ છે; અત્યધિક માનસિક તણાવોથી ઘેરાયેલી વ્યક્તિ લગભગ ગુસ્સાનો ગુલામ બની જાય છે. ખીજ અને આવેશથી એનો ચહેરો લાલચોળ થઈ જાય છે, આંખો લાલ થઈ જાય છે અને ભવાં ચડેલાં રહે છે. આ આંતરિક રસાયણજન્ય પરિવર્તન વ્યક્તિના ચહેરા અને તેની અભિવ્યક્તિ પર ઘેરો પ્રભાવ પાડે છે. અનેક ચિકિત્સકો એની પુષ્ટિ કરે છે કે ક્રોધાવેશમાં હૃદયની ગતિ ૧૮૦ થી ૨૦૦ સુધી પહોંચી જાય છે. પક્ષાઘાત પણ થઈ શકે છે. સામાન્યત : આવાં ભયંકર પરિણામોનું આપણને જ્ઞાન નથી હોતું. આ રીતે કેટલીક શારીરિક અવસ્થાઓ જેવી કે માથાનો દુ :ખાવો, કમરનું દર્દ, લોહીનું ભારે દબાણ, અપચો, થાક વગેરે તણાવથી ઉત્પન્ન થાય છે. આપણે સ્વયં એક પ્રકારે માનસિક આળસમાં અનુગમન કરીએ છીએ. એટલે જે થાય છે એને થવા દઈએ છીએ. મેં પ્રારંભમાં કહ્યું હતું કે જો આપણે અત્યધિક ગતિથી ભાગતા રહીએ તો દુર્ઘટના થઈ શકે છે. એવી જ રીતે આળસમાં ચાલતા રહેવાથી આગળ વધી નહીં શકીએ. આ માનસિક આળસનું તાત્પર્ય શું છે? એનો અર્થ એ છે કે આપણી ભીતરની સુષુપ્ત અમાપશક્તિનું જ્ઞાન આપણને નથી. સ્વામી વિવેકાનંદ વારંવાર કહે છે, ‘મનુષ્ય માત્ર હાડમાંસનું પૂતળું નથી. એ છે અનંત આત્મા, દિવ્ય તેમજ સર્વશક્તિમાન.’ એમણે એ પણ કહ્યું છે કે જો એકવાર આપણને પોતાના આંતરિક દિવ્યસ્વરૂપનો આભાસ થઈ જાય અને આપણને તેની અભિવ્યક્તિ થઈ જાય તો પવિત્રતા, અધિકાર, શક્તિ એવં જે કંઈ બધું ઉત્કૃષ્ટ છે તે એની મેળે આવી જાય છે. જો આપણે પોતાના સીમિત ભૌતિક સ્વરૂપમાં વ્યાપ્ત અસીમ શક્તિ પ્રત્યે સચેતન ન થઈએ તો એ માનસિક આળસમાં રહેવા જેવું છે.

પોતાના દિવ્યસ્વરૂપની અનુભૂતિ થઈ જાય, તો પરિસ્થિતિનું પરિવર્તન કરી શકાય. કોઈ વ્યક્તિ કહે, ‘હું પ્રાય : ક્રોધ સહિત અન્ય સંવેગાત્મક દબાણોનો ભોગ બની જાઉં છું અને પછી હું અનુભવું છું કે મારો એ વ્યવહાર બરાબર ન હતો.’ ક્રોધમાં કહેલા શબ્દો પર પ્રત્યેક વ્યક્તિ ખેદ પ્રગટ કરતાં કહે છે, ‘મારે એવો વ્યવહાર કરવો જોઈતો ન હતો. હું મારા પોતાના વશમાં ન હતો. મેં આત્મસંયમ ગુમાવી દીધો, એટલે ખરાબ રીતે વર્ત્યાે. મહેરબાની કરીને મને માફ કરો.’ – આ આપણી દિનચર્યાના અનુભવનો એક ભાગ છે. પરંતુ આપણી પોતાની ભીતરના દિવ્યત્વ એવં એમની અનંત શક્તિની સંભાવનાઓનો આપણને જો એકવાર પણ આભાસ થઈ જાય તો આપણે ક્યારેય માનસિક આળસમાં રહીશું નહીં. આપણે પોતાના આંતરિક દિવ્યત્વના સત્યનો અનુભવ કરીશું. જેમ કે આપણા મહાન ઋષિઓએ કહ્યું છે કે આપણામાં સ્વતંત્ર થવાની મહાન ક્ષમતા છે અને એ શક્તિ અમારી ભીતર છુપાયેલી છે. અત્યાર સુધી આપણે અંધકાર કે નિરાશામાં રહ્યા છીએ. આપણે એ પણ જાણ્યું નથી કે વિચારને નિયંત્રિત કરવાની સ્વીચ આપણી પાસે જ છે. આપણે તો કેવળ તેના પ્રવાહને ચાલુ કરી દેવાનો છે. સુખનો પ્રવાહ એની મેળે ફેલાઈ જશે. એટલે હવે સમય છે કે આપણને એનો આભાસ થાય અને અત્યારે જ થાય!

આપણી ભીતર દિવ્યત્વ છે અને જો આપણી પાસે જે અનંત શક્તિનું સ્રોત છે એ અનંત અને અમાપ ધારાની સાથે જોડાઈ જઈએ તો આપણું જીવન સ્વભાવત : આનંદમય બની જશે.

Total Views: 274

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.