સંપાદકીય નોંધ : બ્રહ્મલીન સ્વામી પુરુષોત્તમાનંદજી બેલગામ આશ્રમના અધ્યક્ષ હતા. એમણે કન્નડ ભાષામાં લખેલ ‘યુવાશક્તીય રહસ્ય’ના અંગ્રેજી અનુવાદ Youth And Vitality! નો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.

યુવાનો અનંત શક્તિનો ભંડાર છે. આ શક્તિનો ઉપયોગ કરીને કોઈ પણ યુવાન પોતાના ભાગ્યને ઘડી શકે છે. આ જ કારણે ઈશ્વરે યુવાનોને અનંત શક્તિ અને ઊર્જા આપ્યાં છે. પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે આપણા યુવાનો પોતાની ક્ષમતાથી અજાણ છે. અરે, વીર હનુમાન પણ સાગરને ઓળંગવાની પોતાની શક્તિની ખાતરી ધરાવતા ન હતા, કારણ કે પોતાની આ પ્રચંડ શક્તિથી તેઓ અજાણ હતા. પરંતુ જ્યારે બીજાએ એમને પોતાની અનંત શક્તિઓની યાદ અપાવી ત્યારે એક જ છલાંગમાં મહાસાગરને ઓળંગી ગયા!

બરાબર આવી જ પરિસ્થિતિ આજની યુવાપેઢીની છે. આપણે મોટેરાઓએ આપણા યુવાનોને પોતાની શક્તિ અને ક્ષમતાઓની યાદ અપાવવી જોઈએ. એનું કારણ એ છે કે કાર્ય કરવાની અદ્‌ભુત શક્તિ પ્રાપ્ત કરવા અને સુદૃઢ વ્યક્તિત્વનંુ ઘડતર કરવા યુવાનોએ પોતાની બુદ્ધિની ભીતર રહેલી શક્તિઓને પ્રગટ કરવાની જરૂર રહે છે. યુવાનો ગમે તે વસ્તુ સિદ્ધ કરી શકે છે. પરંતુ સર્વપ્રથમ તો તેઓ પોતાના ધ્યેયોને પ્રાપ્ત કરી શકે તે માટે યોગ્ય સાધનો શોધી કાઢવાં જોઈએ. ઉદાહરણ તરીકે,

જો કોઈ યુવાન પોતાના શરીરને સુદૃઢ બનાવવા ઇચ્છતો હોય તો તેણે શક્તિશાળી શરીર બનાવવાની પદ્ધતિઓ શીખવી જોઈએ અને ચૂક્યા વગર દરરોજ એનો અભ્યાસ કરવો જોઈએ. સાથે ને સાથે તેણે પોતાના આહારને નિયમનમાં રાખવાની પદ્ધતિ શીખવી જોઈએ અને તેણે સ્વાસ્થ્યપ્રદ અને પોષક આહાર લેવો જોઈએ.

પોતાની બુદ્ધિને ધારદાર બનાવીને જો કોઈ બુદ્ધિશાળી કે વિદ્વાન બનવા ઇચ્છતો હોય તો કોઈ પણ યુવાને મહાન બુદ્ધિશાળી વ્યક્તિઓ સાથે ગાઢ પરિચયમાં આવવું જોઈએ, ગહન અને પદ્ધતિસર અભ્યાસ કરવો જોઈએ, સુસંબદ્ધ વિષયો વિશેનાં વ્યાખ્યાનો સાંભળવાં જોઈએ, અને લાંબા સમય સુધી ગહન ચિંતન અને વિચાર કરવાં જોઈએ. આવા શિસ્તબદ્ધ અને ખંતપૂર્વકના પ્રયત્નો કોઈ પણ યુવાનને બુદ્ધિશાળી બનવા માટે ચોક્કસપણે સક્ષમ બનાવે છે.

આવી જ રીતે કોઈ પણ વ્યક્તિ પોતાની કોઈ પણ ક્ષમતાને કેળવવા ઇચ્છતો હોય તો તેણે એને આનુષંગિક પદ્ધતિઓ શીખવી પડે અને એને એનું આચરણ પણ કરવું પડે. સાથે ને સાથે જે તે ક્ષેત્રની તજ્જ્ઞતા કેળવવા એણે મનપ્રાણ લગાડવાનો પ્રયત્ન કરવો જોઈએ.

જ્યાં સુધી કોઈ પણ યુવાનમાં આળસ, અજ્ઞાન અને અરુચિ ભર્યાં હોય ત્યાં સુધી તે કોઈ પણ કાર્ય પાર પાડી શકતો નથી.

હવે યુવાનોની બાબતમાં તો યુવાલોહીનો અગ્નિ જલતો હોય છે. એટલે એમનામાં પ્રમાદને તો કોઈ સ્થાન ન હોવંુ જોઈએ. તો પછી આપણા યુવાનો જીવનમાં કંઈ પણ મહાન કરવા કે પ્રાપ્ત કરવા શા મટે અક્ષમ બને છે? તેનું કારણ એ છે કે ભલે આપણા યુવાનો આળસુ નથી પણ એમનામાં ચોક્કસપણે સામાન્ય સમજણ કે બુદ્ધિનો અભાવ છે અને જે રીતે તેઓ પોતાની અમૂલ્ય યુવાવસ્થાને વેડફી નાખે છે એ એની સાબિતી માટે પૂરતું છે.

આવી અવદશા કે કમભાગ્યનું કારણ શું છે? દોષ તો ખરેખર આપણા સમાજના વડીલોનો જ છે. આપણે મોટેરાઓએ આપણા યુવાનોને એવી અનુભૂતિ કરતા કર્યા નથી કે યુવાની એ જ જીવનમાં મહાન સિદ્ધિ અને કીર્તિ મેળવવાનો યોગ્ય સમય છે. આપણે વડીલોએ એમને એવું અનુભવતા કર્યા નથી કે જો તેઓ યુવાનીમાં મહાન કાર્ય સિદ્ધ ન કરી શકે તો પોતાના જીવનને નિરર્થક વેડફી નાખ્યું છે એવું પોતાની વૃદ્ધાવસ્થામાં પસ્તાવું ન પડે. વૃદ્ધાવસ્થા તો સર્વ કોઈને આવે છે; જે લોકો પોતાની યુવાનીનો યોગ્ય રીતે ઉપયોગ કરે છે તેમને પણ વૃદ્ધાવસ્થા આવે છે અને પોતાની યુવાની વેડફી નાખનારને પણ વૃદ્ધાવસ્થા આવે છે. પરંતુ જો આપણા યુવાનો પોતાની યુવાનીનો સદુપયોગ કરે તો તે તેમનું આખું જીવન સુખ-સંતોષની પરિપૂર્તિ બની જાય અને જો તેનો ઓછો ઉપયોગ કરે તો આખું જીવન વ્યર્થ જવાનું અને દુરુપયોગ કરે તો તેમની આખી જિંદગી કરુણાંતિકા બની જશે, આપણે તેઓને એ મહાન સત્ય અનુભવતા કર્યા નથી. હવે આપણા યુવાનનો અને યુવતીઓને યોગ્ય રીતે માર્ગદર્શન આપવા સમાજને મહદ્ સંખ્યામાં પ્રબુદ્ધ વડીલોની જરૂર છે. પરંતુ દુ:ખની વાત એ છે કે આજે ઉંમરની દૃષ્ટિએ મોટા હોય અને માનસિક દૃષ્ટિએ અપરિપક્વ હોય એવા વડીલો ઘણા છે. આવા વડીલોના જીવનમાં વરસ પછી વરસ તો ઉમેરાતાં જાય છે પણ અનુભવે એમના વ્યક્તિત્વમાં શાણપણ આવ્યું નથી.

જો પરિસ્થિતિ આવી હોય તો ઉંદરની જેમ આંધળી દોટ મૂકનારા આપણા યુવાનોની આંખો કોણ ઉઘાડશે? અને તેમને સાર્થક જીવન જીવવાનું માર્ગદર્શન કોણ આપશે? આ નિર્દાેષ યુવાનોનું ભવિષ્ય અંધકારમય અને અગમ્ય બની જાય તેવું લાગે છે. એમને પ્રકાશનો પથ કોણ ચિંધશે?

પરંતુ આપણા યુવાનોએ ક્યાંય માર્ગદર્શનની ખોજ કરવા જવાની જરૂર નથી. તેમણે તો થોડાં સારાં પુસ્તકો હાથવગાં કરવાં જોઈએ. પછી પોતાના અહીં તહીં ભમતા મનને સંયમમાં રાખીને તેમણે આ પુસ્તકોના વિચારપ્રવાહમાં ગહન ડૂબકી મારવી જોઈએ. અને એમાં આપેલાં સદ્વચનો કે સૂચનોને આચરણમાં મૂકવા મથવું જોઈએ. માત્ર થોડાં વર્ષોમાં જ આવા યુવાનો સમાજના એક જવાબદાર અને શાણા સભ્યના રૂપમાં ફૂલની જેમ ખીલી ઊઠશે. આ સત્યને ખરું સાબિત કરી શકાય તેવું છે અને એ આપણા આજના યુવાન-યુવતીઓ માટે ખુલ્લો પડકાર છે.

Total Views: 339

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.