મોતી પકવતી પ્રખ્યાત માછલી સમુદ્રને તળિયે રહે છે પણ, સ્વાતિ નક્ષત્રની વર્ષાનું પાણી ઝીલવા સપાટી પર આવે છે. પોતાની છીપ ખુલ્લી રાખીને એ સપાટી પર તરે છે જેથી સ્વાતિનું બિંદુ અંદર ઝિલાય. પછી એ પાછી તળિયે ચાલી જાય છે અને એ વર્ષાબિંદુ સુંદર મોતી થાય ત્યાં સુધી ત્યાં જ રહે છે. એ જ રીતે, સદ્ગુરુ પાસેથી મંત્ર મેળવવા લોકો એક સ્થળેથી બીજે સ્થળે ચિર શાંતિ લાધે એ માટે ભટકે છે; અને પોતાની ધગશ ભરી શોધને અંતે માણસને સદ્ભાગ્યે આવો ગુરુ મળે અને એની પાસેથી એ ઝંખતો હતો તે મંત્ર મળે તો એનાં બધાં બંધન ભાંગી જાય અને એ તરત સંસાર તજીને પોતાના અંતરના ઊંડાણમાં ખોવાઈ જાય અને શાશ્વત શાંતિ લાધે ત્યાં સુધી એ ત્યાં જ સતત પ્રયત્ન કરતો રહે.
આવો ગુરુ પંડિત અને શાસ્ત્રજ્ઞ ન હોય તો ડરવું નહીં. એ પોથીપંડિત નથી તેનો ડર ન રાખવો. જીવનના જ્ઞાનમાં એ ઊણો નહીં માલૂમ પડે. એની પાસે દિવ્યજ્ઞાનનો અખૂટ સ્રોત છે; એને સત્યજ્ઞાનનો સાક્ષાત્કાર થયેલો છે જે બધા પોથીજ્ઞાન કરતાં ચડિયાતું છે.
કોઈ માણસને પોતાના ગુરુના ચારિત્ર્ય વિશે શંકા કરતો જોઈને ઠાકુર બોલ્યા : ‘આવા નકામા વિવાદમાં તારો સમય શા માટે બગાડે છે ? મોતી લઈ તું છીપ ફેંકી દે. તારા ગુરુએ આપેલા મંત્ર પર ધ્યાન કર અને ગુરુની માનવસહજ નબળાઈઓને છોડી દે.’
તમારા ગુરુની નિંદા નહીં સાંભળો. તમારાં માતાપિતા કરતાં ગુરુ વધારે મહાન છે. તમારી હાજરીમાં જ તમારાં માતાપિતાનું અપમાન તમે સાંભળી લેશો ? જરૂર પડે તો લડીને પણ તમારા ગુરુનું માન જાળવો.
શિષ્યે કદી ગુરુની ટીકા કરવી નહીં. ગુરુ જે કંઈ કહે તેનું તેણે પાલન કરવું. એક બંગાળી જોડકણું છે : ‘મારા ગુરુ કલાલને ત્યાં જાય, તોય મારા ગુરુ નિત્યાનંદ રાય; મારા ગુરુ દારૂ પીએ તોય એ પવિત્ર છે.’
(શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી, પૃ. ૧૪૧-૪૨ )
Your Content Goes Here