શબરી

પોતાના ગુરુઓ પ્રત્યેની અટલ ભક્તિભાવનાથી પૂર્ણતા પ્રાપ્ત કરી શકાય છે, તેનું શબરી ઉદાહરણ છે. તેઓ જંગલ-નિવાસી નારી હતાં. તેઓ સુખ્યાત વૃદ્ધ ઋષિ માતંગ અને તેમના શિષ્યોની પંપા નદીના કિનારે આવેલ દંડક વનમાં નિષ્ઠાપૂર્વક સેવા કરતાંં. તેમની સેવા અને ભક્તિભાવથી ખુશ થઈને અને સંતોષ પામીને ઋષિ અને એમના શિષ્યોએ તેમને ખાતરી આપી, ‘એક દિવસ અહીં રામ આવશે, એમનાં દર્શન કરીને તમે જન્મમરણના ફેરમાંથી મુક્ત થઈને મોક્ષ પામશો.’

એ જ દિવસથી શબરી રામના આગમનની આતુરતાથી રાહ જોતાં જોતાં પવિત્ર તેમજ તપોમય જીવન જીવ્યાં. વર્ષો વીત્યાં. અંતે એ દિવસ આવ્યો. રામ અને લક્ષ્મણ સીતાને શોધતાં શોધતાં શબરીની ઝૂંપડીએ પધાર્યા. એ બન્નેને જોઈને શબરીએ અસીમ આનંદ અનુભવ્યો, હાથ જોડીને તેમનું સ્વાગત કર્યું, તેમને ઝૂંપડીમાં આસન આપ્યું અને અત્યંત વિનમ્રતા સાથે તેમનાં ચરણોમાં નમી પડ્યાં. શબરીની ભક્તિથી પ્રસન્ન થઈને રામે વરદાન માગવા કહ્યું. તેના પ્રત્યુત્તરરૂપે શબરીએ કહ્યું, ‘આપની ઉપસ્થિતિની કૃપાથી મારા તપની પરિપૂર્ણતા થઈ છે. મારો આ જન્મ હવે ખરેખર અમીકૃપામય બન્યો છે.’ પછી શબરીએ રામ અને લક્ષ્મણને આરોગવા બોર આપ્યાં.

એમ કહેવાય છે કે લાગણીના પ્રવાહમાં તણાઈને તેમણે પહેલાં આ બોર ચાખી લીધાં અને પછી એમાંથી મીઠાં મીઠાં રામને આપ્યાં. એમની ભક્તિભાવનાને કારણે રામ ઘણા પ્રસન્ન થયા અને તેમને આશીર્વાદ આપ્યા. રામની સેવા કરવાની ઇચ્છા આ રીતે પૂર્ણ થઈ અને રામની અમીકૃપાભરી નજર શબરી પર પડતાં જ આ વૃદ્ધ નારી સ્વર્ગમાં સીધાવી ગયાં.

સદ્ગુરુઓની સેવા કરીને શબરી તપોમય જીવન જીવ્યાં. તેમનું જીવન એ દર્શાવે છે કે નિષ્ઠાવાન જિજ્ઞાસુના જીવનમાં જ્ઞાન અને આધ્યાત્મિકતાનો પ્રકાશ પડે જ છે; એમાં વંશ, વિદ્વત્તા, જાતિ કે વિધિવિધાનો આડે આવતાં નથી.

અહલ્યા

અહલ્યા ગૌતમમુનિનાં પત્ની હતાં. તેઓ અત્યંત સૌંદર્યવાન હતાં. તેઓ કઠિન સાધનાઓવાળું તપસ્વી જીવન જીવતાં હતાં. અહલ્યાના સૌંદર્યથી ઇન્દ્ર આકર્ષાયા. ઇન્દ્રે પોતાની જાતને અહલ્યાનો યોગ્ય પતિ છે એવી ધારણા કરી લીધી. જ્યારે અહલ્યા ગૌતમને પરણ્યાં ત્યારે તેને ઘણી ઈર્ષ્યા થઈ. એક દિવસ તેણે ગૌતમની ગેરહાજરીમાં ગૌતમનું રૂપ ધારણ કર્યું અને અહલ્યા પાસે જઈને તેમની પાસે પાપકૃત્ય કરાવ્યું. અહલ્યાએ પોતાની નિર્ણયશક્તિ ગુમાવી અને પતિના વેશમાં આવેલ ઇન્દ્રની ઇચ્છાને અધીન થયાં. જ્યારે ઇન્દ્ર પોતાના પાપભર્યા કૃત્યથી ગભરાઈને નાસી જતો હતો, ત્યારે ગૌતમ સ્નાનવિધિ પતાવીને પાછા ફર્યા. તપસ્વી ગૌતમે ક્રોધે ભરાઈને ઇન્દ્ર અને અહલ્યાને અભિશાપ આપ્યો. ઇન્દ્રને શાપ આપ્યો કે તે તેનું પુરુષત્વ ગુમાવશે અને અહલ્યાને નિરાહાર રહીને લાંબા સમય સુધી તપોમય જીવન જીવીને પ્રાયશ્ચિત્ત કરવાની સજા કરી. વળી અહલ્યાને લોકસંપર્કથી અલગ રહેવાની પણ સજા કરી. પોતાના નબળા મનને લીધે ગૌતમે અહલ્યાને સજા કરી. પરંતુ તેમના પ્રત્યે કોમળતા દાખવીને તેમને ખાતરી આપી કે જ્યારે રામ તેમની કુટિરમાં તેમનાં પાવન પગલાં કરશે ત્યારે તે અભિશાપથી મુક્ત થશે, ગુમાવેલા સદ્ગુણો ફરીથી મેળવશે અને સૌંદર્ય પણ પાછું પામશે. પછી ગૌતમ ઋષિ તપશ્ચર્યા કરવા હિમાલયમાં ચાલ્યા ગયા.

એક દિવસ રામ અને લક્ષ્મણ તેમની કુટિરમાં પધાર્યા. રામનાં દર્શન સાથે અહલ્યાનો અભિશાપ દૂર થયો. તપથી પાવન થયેલ અહલ્યાને રામ અને લક્ષ્મણે પોતાના ચરણસ્પર્શ દ્વારા કૃતાર્થ કરી. હિમાલયથી પાછા ફરીને ગૌતમે અહલ્યાનો સ્વીકાર કર્યોે. અહલ્યાની આ કથાનો બોધપાઠ એ છે કે કોઈ પણ માણસ ભલે ભયંકર પાપ કરે પણ ધૈર્ય અને તપથી તે તેમાંથી મુક્ત થવાની આશા સેવી શકે.

હિન્દુઓ સવારમાં જે મહાન સાત નારીઓને સ્મરે છે તેમાં એક નામ અહલ્યાનું પણ છે.

Total Views: 102
By Published On: July 1, 2015Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram