ગયા અંકમાં આપણે વિવિધ સલ્તનોતાના શાસનકાળ દરમિયાન હિંદુધર્મની સ્થિતિ વિષયક સમાલોચના જોઈ, હવે આગળ…

ધર્મ : વ્યક્તિ અને સમાજ

લાંબાગાળા સુધી સમાજના સંપોષણ સાથે સુસંગત હોય તેવી અને બધા માટે અર્થપૂર્ણ રીતે પ્રત્યેક વ્યકિતએ ભજવવાની રીત અંગેની હિંદુધર્મ પાસે એક સર્વગ્રાહી યોજના છે. લગભગ ૭૦૦૦ વર્ષોના સમયગાળામાં વિકસાવાયેલ અને ઉપયોગમાં લેવાયેલ ત્રિપરિમાણીય યોજના નીચેની આકૃતિમાં દર્શાવાઈ છે. આ વર્ણ – આશ્રમ – પુરુષાર્થ પદ્ધતિ એક વ્યક્તિના સામાજિક જીવનની સમગ્રતા વર્ણવે છે.

આશ્રમ : x ધરી પરની એક વ્યક્તિની ૧૦૦ વર્ષની જિંદગી ચાર સ્વાભાવિક તબક્કાઓમાં વહેંચાઈ છે : ભણવું, કમાવું, અલિપ્ત થવું અને વિદાય લેવી. આને બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ તથા સંન્યાસ કહેવાય છે. શાળાજીવન ગુરુકુળ પદ્ધતિ અનુસારનું હતું, જેમાં વિદ્યાર્થી ગુરુના આશ્રમમાં જતો અને ૧૨ વર્ષ સુધી તેમના પરિવાર સાથે રહેતો. ત્યાં તે વેદ અને દર્શનશાસ્ત્ર, વિજ્ઞાન, યુદ્ધકળા, ધર્મ/નીતિઓ શીખતા; અને તેના આદર્શ એવા ગુરુ પાસેથી વિનમ્રતા તથા સદ્ વર્તણૂક શીખતા. કમાવાની પ્રવૃત્તિ તથા એક પરિવારને સંભાળવાની યોગ્યતા મેળવીને, તે પછીના તબક્કા – ગૃહસ્થી તરફ આગળ વધતા. સમાજના કલ્યાણ માટે આ તબક્કો સૌથી મહત્ત્વનો છે કારણ કે તેનાં જોડિયાં કાર્યો સંપત્તિ ઉત્પાદિત કરવાનાં અને જીવનના બીજા ત્રણ તબક્કાઓનું પોષણ કરવાનાં છે. ગૃહસ્થ તરીકેનાં ૩૫-૪૫ વર્ષ પછી, વ્યક્તિએ પોતે જીવનમાં જે કાંઈ પણ સિદ્ધ કરી શકે તે કરી લીધું હોય છે અને તેને લાગે છે કે તેની જવાબદારીનો ‘બોજ’ તે પછીની પેઢીને આપી શકે છે. અહીં અલિપ્તતા – વાનપ્રસ્થ – સાદગીપૂર્ણ જીવન માટે વનમાં ચાલ્યા જવાનો તબક્કો શરૂ થાય છે. ૮૦-૯૦ વર્ષની ઉંમર સુધીમાં મૃત્યુના નજીક હોવાનો ગંભીરપણે સ્વીકાર કરીને, પછીના જીવન માટેનો સમય પાકી ગયો છે. સંન્યાસનો તબક્કો સમગ્ર ઊર્જા આધ્યાત્મિક પ્રવૃત્તિઓને સમર્પિત કરી દેવા માટે બનાવાયો છે.

વર્ણ : Y ધરી વ્યવસાયનું ચાર પ્રકારનું વર્ગીકરણ દર્શાવે છે : પૂજારીઓ અને આજીવન વિદ્યાર્થીઓ/શિક્ષકો બ્રાહ્મણો છે; કાયદો તથા વ્યવસ્થા જાળવીને જે સમાજને રક્ષણ આપે છે તેઓ ક્ષત્રિયો છે; જેઓ ખેતી, પશુપાલન તથા વ્યાપાર વડે સંપત્તિનું ઉપાર્જન કરે છે, તેઓ વૈશ્ય છે; અને બાકીના લોકો, જેઓ કારીગરો તથા મનોરંજકો છે, અને જેમને વિવિધ સેવાઓ માટે કામે રાખવામાં આવે છે તેઓ શૂદ્ર છે. તેમનું સમાજમાં અંદાજિત પ્રમાણ ટકામાં દર્શાવાયું છે.

પુરુષાર્થ : z ધરીને કોઈ માપ નથી. ચાર પુરુષાર્થાે-દરેક વ્યક્તિ માટે જીવનમાં પ્રાપ્ત કરવાનાં લક્ષ્યો-એક પછી એક પ્રાપ્ત કરવાનાં નથી હોતાં. તે વ્યક્તિના સમગ્ર જીવનમાં એક સાથે કરવાનાં હોય છે. ધર્મ અંગત, પારિવારિક, સામાજિક તથા ધાર્મિક ફરજોનું; અને સદ્વર્તન, નીતિ તથા કાયદાઓનું પ્રતીક છે. બીજા ત્રણ પુરુષાર્થાે-જીવનનાં લક્ષ્યોને આગળ વધારતી વખતે ધર્મને અનુસરવું જરૂરી છે. અર્થ પરિવાર માટે અને એ રીતે સમાજ માટે પણ સંપત્તિ સર્જવા માટે સ્ત્રોતો ઊભાં કરવાનું પ્રતીક છે. કામ એ સ્વયં માટે તેમજ પરિવાર તથા સમાજની ઇચ્છાઓની પરિપૂર્ણતા છે. મોક્ષ આ દુનિયામાંથી મુક્તિ અથવા પરમ તત્ત્વ સાથે ઐક્યનું પ્રતીક છે. જ્યારે કમાણી અને ઇચ્છાઓની સંતુષ્ટિને ખુશીઓના ‘ઘટતા વળતર’માં પરિણમતું જોવાય છે ત્યારે વ્યક્તિને આશ્ચર્ય થાય છે કે શા માટે! અને તે જીવનનો ‘ચોક્કસ’ હેતુ ઈચ્છવાનું શરૂ કરે છે. હિન્દુધર્મનો અતિઆવશ્યક ખ્યાલ, મોક્ષ, હિન્દુઓના જીવનની બધી જ પ્રવૃત્તિઓમાં વ્યાપ્ત છે. એવા થોડાક લોકો હતાં – સાધુ અથવા યોગીની શ્રેણી – જેમણે આ પદ્ધતિની બહાર, જીવનના ઘણા વહેલા તબક્કે સંન્યાસી થવા માટે દુનિયાનો ત્યાગ કર્યો.

આ ત્રિપરિમાણીય માળખું સ્પષ્ટપણે, જે કોઈપણ સમાજમાં બને જ છે તે સ્વાભાવિક પ્રક્રિયાનું નિશ્ચિત સ્વરૂપ દર્શાવે છે. એક હિન્દુએ શું કરવું જોઈએ તથા શું ન કરવું જોઈએ તેની પણ તે વ્યાખ્યા કરે છે એટલે તેને હિન્દુ સદ્વર્તન તરીકે પણ ગણી શકાય. વ્યવસાયની પસંદગી તરફ દોરી જતા વ્યક્તિના વારસાગત ગુણો પર આધારિત આ માળખું વ્યવસ્થિત દેખાય છે; પરંતુ તેની મોટી ત્રુટીઓ હતી જે પુષ્કળ ગૂંચવણભર્યાં પરિણામો તરફ દોરી ગઈ. આપણે આ ત્રિપરિમાણીય સામાજિક પદ્ધતિનાં સારાં, ખરાબ અને વિકૃત પાસાં તરફ એક ઊડતી નજર નાખીએ.

પરિણામો

સારાં : ગૃહસ્થ તરીકે ઇચ્છાઓ સંતોષવા માટે શિક્ષણ તથા કમાવા પર મુકાયેલ ભાર ધાર્મિક ફરજોનો ભાગ બનાવે છે; તે ધર્મને અનુસરવા માટે સરળ બનાવે છે. અલિપ્તતા અને દુન્યવી જવાબદારીઓ છોડી દેવાનો ખ્યાલ પણ વૃદ્ધો તથા યુવાનોના ભલા માટે કાર્ય કરે છે. દરેક વ્યક્તિ સમાજમાં તેની/તેણીની ભૂમિકા જાણતી હતી : બ્રાહ્મણો આધ્યાત્મિકતામાં મજબૂત અને ધન તરફ નિર્મોહી, ક્ષત્રિયો હિંમત અને શક્તિના ઉપયોગમાં સબળ, વૈશ્યો સંપત્તિ ઉપાર્જન અને આદાન-પ્રદાનમાં મજબૂત અને શૂદ્રો તેઓ જેમના માટે કામ કરે તેમને આનંદ આપવામાં ખૂબ સક્ષમ હોય તેવી અપેક્ષા હતી. બધા માટેની નૈતિક વર્તણૂકના ધર્મનાં દસ પાસાં છે : ધૃતિ-મનોબળ, ક્ષમા-માફી, દમ-નિયંત્રણ, અસ્તેય-ચોરી ન કરવી, શૌચ-સ્વચ્છતા, ઈન્દ્રિયનિગ્રહ-અવયવો પર નિયંત્રણ, ધી-શાણપણ, વિદ્યા-જ્ઞાન, સત્યમ્-સત્ય, અક્રોધ-ગુસ્સો નહીં કરવો. જીતવા જરૂરી એવા છ શત્રુઓ છે : કામ, લોભ, ક્રોધ, મદ-ઘમંડ, મોહ તથા મત્સર-ઇર્ષ્યા. (ક્રમશ 🙂

Total Views: 648

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.