ગયા અંકમાં આપણે રવીન્દ્રના વરાહનગરના મઠમાં આગમન તેમજ જીવનમાં સદ્ગુરુની ઉપાદેહતા વિશે જોયું. હવે આગળ….

ત્યાર પછી વર્ણન આવે છે – નરેન્દ્ર સ્વયં ચૈતન્યદેવના પ્રેમવિતરણનો પ્રસંગ વાંચે છે. એક ભક્ત કહે છે, ‘કોઈ કોઈને પ્રેમ આપી શકતો નથી.’ જેનો અંતરમાં અનુભવ થાય છે, જે અંત :કરણમાં પ્રેરણાનો સંચાર કરે છે, તેને જ પ્રેમ કહે છે. આવા પ્રેમને બીજી વ્યક્તિ ભલા કેવી રીતે આપી શકે? નરેન્દ્રનાથ કહે છે, ‘મને પરમહંસદેવે પ્રેમ આપ્યો છે.’ જે પોતે પ્રેમસ્વરૂપ છે, જેમ એક વસ્તુ હાથથી અપાય છે તેમ તેઓ પોતાનો પ્રેમ બરાબર એ જ રીતે બીજાને આપી શકે છે. એટલું આવશ્યક છે કે યોગ્ય આધાર ન હોવાથી આ પ્રેમને ગ્રહણ કરવો અને તેની ધારણા કરવી સંભવ નથી. પ્રેમ પ્રત્યક્ષ છે, તેનો સ્પર્શ કરી શકાય છે, તેને મુઠ્ઠીમાં પકડી શકાય છે અને બીજાને આપી શકાય છે, આ વિશેષતા સામાન્ય લોકોમાં હોઈ શકતી નથી. અસાધારણ લોકોત્તરપુરુષ, વિશેષ કરીને ભગવાન અવતીર્ણ થાય છે ત્યારે એમને માટે એ સંભવ બને છે, ઇચ્છામાત્રથી જ કોઈના હૃદયને પ્રેમથી પરિપૂર્ણ કરી શકે છે. અત : શ્રીગૌરાંગ માટે પ્રેમનું વિતરણ અસંભવ નથી. એ ખરેખર એવું કરી શકે છે.

નરેન્દ્રનાથ પોતે પોતાનું ઉદાહરણ આપીને કહે છે કે શ્રીઠાકુરે એમને પ્રેમ આપ્યો છે. રવીન્દ્રના સ્નાન કરીને આવ્યા પછી એમને ભગવાં વસ્ત્ર દીધાં. એ લોકો પાસે સંભવત : પહેરવા માટે બીજાં કપડાં પણ ન હતાં. ત્યાં એકાદબે કપડાં રહેતાં. મઠની બહાર જતી વખતે એ લોકો સફેદ કપડાં અને મઠની ભીતર ભગવાં વસ્ત્ર પહેરતા. નરેન્દ્ર મણિને કહે છે, ‘હવે તેણે ત્યાગીઓનાં વસ્ત્ર પહેરવાં પડશે.’ ભગવાં વસ્ત્રને વૈરાગ્ય સૂચક ત્યાગીનાં વસ્ત્ર કહેવાય છે. માટીમાં પડ્યાં પડ્યાં જે કપડાંનો રંગ મલિન થઈ જાય એને શાસ્ત્રમાં ‘વિવર્ણવાસ – અર્થાત્ જેનો રંગ સ્વભાવિક નથી’ કહેવાય છે. સંન્યાસી આ જ વિવર્ણ વસ્ત્ર ધારણ કરશે. પછીથી સામાન્યજન જે રંગનો ઉપયોગ નથી કરતા એ કાષાય (ભગવા) રંગમાં ડુબાડીને ત્યાગીનું વસ્ત્ર રંગવામાં આવે છે. કાષાય એટલે એવો કોઈ પણ જેમાં કોઈ પોતાનાં કપડાંને રંગતા નથી અને જે સામાન્ય લોકોના ઉપયોગમાં આવતો નથી. વૈરાગ્યસૂચક ભગવો રંગ ગેરુ રંગની માટીમાંથી બને છે. ગિરિ એટલે પર્વત કે પહાડ. એ એક પ્રકારની પહાડી માટી છે, જેને ઘસી ઘસીને લોકો કપડાં રંગે છે.

નરેન્દ્રનું હૃદય એવું છે કે તેઓ રવીન્દ્રના વૈરાગ્યને જોઈને એને ત્યાગનાં વસ્ત્ર આપે છે. અહીં અધિકારી વિચારની વાત જ નથી. થોડાક દિવસો રહ્યા પછી તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. સંભવ છે કે એમના ભાગ્યમાં સંન્યાસ લખ્યો ન હોય, પરંતુ આ ચિત્રણથી એ સમજી શકાય છે કે તેઓ સંસારના આઘાતથી વૈરાગ્યનો ભાવ લઈને શ્રીઠાકુરના આ નામાંકિત સ્થાનમાં આવ્યા હતા. શ્રીઠાકુરના ઉપદેશ એમણે સાંભળ્યા હતા, પરંતુ જીવનમાં કાર્યાન્વિત કરી ન શક્યા. મનની આ આંદોલિત અવસ્થામાં એમને શ્રીઠાકુરની વાતો યાદ આવી હતી. એમનું ચારિત્ર્ય ભલે ગમે તેટલું અશુદ્ધ રહ્યું હતું, પરંતુ શ્રીઠાકુરના પવિત્ર સ્પર્શથી જન્મેલી સ્મૃતિ એમના જીવનમાં પોતાનું કાર્ય કરી રહી હતી. એમના જીવનમાં આ દિશાપરિવર્તનને જોઈને જ નરેન્દ્રને તેમના પ્રત્યે આટલી કરુણા, આટલી સહાનુભૂતિ છે. એમને ત્યાગીનું વસ્ત્ર પહેરાવી દીધું જેથી એમના જીવનમાં એ ભાવ સ્થાયી બની જાય.

Total Views: 358

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.