ગયા અંકમાં આપણે વચન પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે નેલ્સન મંડેલા અને નિરંતર પ્રયાસ માટે ટિટોડીનાં દૃષ્ટાંતો જોયાં,હવે આગળ …

સાહસિક ગુણોમાં સત્યનિષ્ઠા સૌથી વધારે શક્તિશાળી ગુણ છે. જંગલમાં જેમ સિંહ રાજા છે તેમ સત્યનિષ્ઠા સાહસિકગુણોમાં રાજા છે. બધા ધર્મો દ્વારા સત્યવાદિતા તથા પ્રામાણિકતાનો બોધ આપવામાંં આવે છે. સત્યનિષ્ઠાના આ બે મુખ્ય ઘટકો ઉપરાંત વિશ્વસનીયતા, નિષ્પક્ષતા, યથાર્થતા અને સરળતા પણ છે. કોઈ પણ નેતા જે વૈયક્તિક તેમ જ સામૂહિક કલ્યાણની આકાંક્ષા રાખે છે તે આ ગુણની અવગણના ન કરી શકે. મહાત્મા ગાંધી સત્યને જ ઈશ્વર માનતા હતા. શ્રીરામકૃષ્ણ પરમહંંસે કહ્યું હતું, ‘સાચો માનવ જ ઈશ્વરના ખોળામાં બેસી શકે.’ બધા નેતાઓએ એવો પ્રયાસ કરવો જોઈએ કે તેઓ પોતે આપેલાં વચન કે વાયદાને પૂરાં કરે અને જો તેને પૂરાં ન કરી શકે તો તે બદલ પ્રામાણિકતાથી માફી માગી લે. સત્યનિષ્ઠા દ્વારા શાંતિ પ્રસરે છે અને ભય દૂર થઈ જાય છે. તેનાથી સદ્ભાવનો પ્રસાર થાય છે જેથી બધા લોકો સંતોષ અને આનંદનો અનુભવ કરે છે.

લોકો દ્વારા પહેરાતાંં મહોરાં

કેટલાક લોકો મહોરાં પહેરે છે અને પોતાની જાતને, જે વાસ્તવમાં નથી એવી દેખાડવાનો અભિનય કરે છે. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ એકવાર આ ખરાબ ટેવ પાડે છે ત્યારે તેને માટે તેમાંથી પાછું બહાર નીકળવું અસંભવ બની જાય છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘આપણે સત્યનો એકરાર કરીએ. આપણે જે નથી તેવા લોકો આપણને માને તે માટેની કોશિશમાં આપણી જિંદગીની નવદશાંશ શક્તિ ખર્ચાય છે. જે થવાની આપણી ઇચ્છા છે તેવા થવા માટે શક્તિનો વિનિયોગ યોગ્ય થશે…’ (ગ્રંથમાળા : ૫.૨૨૫) જે ક્ષણે આપણે આ મહોરું ઉતારી દઈએ છીએ ત્યારથી જ આપણે સાચા અને હિંમતવાન બની જઈએ છીએ. આવું કરવાથી આપણને જે નિરાંત મળે છે તે પેલી વાસ્તવમાં આપણે નથી એવું રૂપ દેખાડવાથી મળતી ભ્રામક શાન અને પ્રતિષ્ઠાથી કેટલીયે શ્રેષ્ઠ હોય છે. આ સત્યનિષ્ઠાનો આનંદ છે જેનાથી આપણને મહાન આંતરિક શક્તિ પ્રાપ્ત થાય છે. પવિત્ર બાઈબલમાં એક સરળ કથન છે : ‘જેવો વ્યવહાર આપની સાથે થાય એમ તમે ઇચ્છતા ન હો તેવો વ્યવહાર લોકોની સાથે ન કરો. જો તમે તમારી સાથે છેતરામણી થાય એવું ઇચ્છતા ન હો તો કોઈની સાથે દગો ન કરો.’

સત્યનિષ્ઠા : કોઈ નિગમના નેતા માટે મૂળભૂત આવશ્યકતા

આજકાલ આપણને જોવા મળે છે કે કેટલીક કંપનીઓ જાણી-સમજીને અવળે માર્ગે દોરનાર જાહેરાતો પ્રકાશિત કરવામાં, ભ્રષ્ટાચાર, અનિયમિતતાઓ, કરચોરી, ગોટાળા, દગાફટકા, હિસાબકિતાબમાં હેરાફેરી, અનૈતિક વ્યવહાર વગેરેમાં લિપ્ત થયેલી જોવા મળે છે. પરંતુ આપણને એ પણ જોવા મળે છે કે કેટલીક કંપનીઓ આજે આ વિશે પહેલેથી જ વધારે જાગૃત થઈ છે અને તેઓ નૈતિકતાપૂર્ણ તથા સત્યનિષ્ઠાનો વ્યવહાર કરે કે જેથી એમની છબી સદા સ્વચ્છ બની રહે.

આનું પરિણામ એ આવ્યું છે કે આજે અનેક કંપનીઓ આ વાતને પ્રાથમિકતા આપે છે અને તેઓ સત્યનિષ્ઠાનું પાલન કરનારા નેતાઓ કે સંવાહકો પસંદ કરેે છે. સમગ્ર વિશ્વમાં ફેલાયેલી બધી સફળ કંપનીઓ એવી છે કે જેમનું સંચાલન પ્રામાણિક અને સત્યનિષ્ઠાવાળા નેતાઓ દ્વારા થાય છે. નિગમ કે ઔદ્યોગિક જગતમાં સત્યનિષ્ઠાનો અર્થ આવો થાય છે : વ્યવસાય નિષ્પક્ષ રીતે, સત્યનિષ્ઠા અને પારદર્શિતા સાથે સંચાલિત થાય. જે કંઈ પણ થાય એ બધું જનસમીક્ષામાં સાચું ઠરવું જોઈએ.

રતન તાતા અને નારાયણ મૂર્તિના ઉત્તરાધિકારીઓ

મોટી કંપનીઓમાં સર્વોચ્ચ સ્થાને રહેતા ઉત્તરાધિકારીઓ માટે એક લાંબી શોધ કરવી પડે છે. રતન તાતા તથા નારાયણ મૂર્તિના ઉત્તરાધિકારીઓ માટે કયા ગુણ આવશ્યક છે ? બેશક સત્યનિષ્ઠા એક મૂળભૂત ગુણરૂપે આવશ્યક છે. આ ઉપરાંત ગુણોની એક લાંબી સૂચિ બનાવી શકાય છે. એમાં સમજદારી, ઉત્કૃષ્ટતા, એકતા અને જવાબદારીની ભાવનાનો સમાવેશ થાય છે.

તથ્યો અને સિદ્ધાંતોનું પાલન કરવા સત્યનિષ્ઠાને બધાએ સન્માનિત ગણી છે અને સ્વીકારી છે. દરેક માણસ ઈમાનદાર વ્યક્તિનો વિશ્વાસ કરે છે. આપણે સીધી રીતે આ વસ્તુઓ જોઈ શકીએ છીએ કે કોઈ બેઈમાન દુકાનદાર થોડા સમય સુધી લોકોને છેતરીને નફો કે લાભ મેળવી શકે છે. પરંતુ આનાથી ઊલટું એક પ્રામાણિક દુકાનદાર

નિશ્ચિંત રીતે વધારે ગ્રાહકોને આકર્ષી શકે છે અને લાંબા ગાળે તે વધારે સમૃદ્ધ બને છે. આવી જ રીતે નિગમ કે ઔદ્યોગિક જગતમાં પણ આપણને જોવા મળે છે કે જે કંંપનીઓ નૈતિકતા તથા મૂલ્યોનું પાલન કરશે કે કરે છે તે હંમેશાં ખ્યાતિ મેળવવાની. આ જ કારણ છે કે જેને લીધે ઉચ્ચ સ્થાને રહેલ નિગમ કે કંપનીઓ સત્યનિષ્ઠાનું પાલન કરનારા નેતાઓની શોધ કરતાં રહે છે. એનાથી કંપની કે નિગમની છબી હંમેશાં સ્વચ્છ બની રહે છે અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. અત : નિગમ જગતમાં નેતાઓ માટે સત્યનિષ્ઠા મૂળભૂત આવશ્યક ગુણ છે. જે કંપનીઓ આ ગુણનું અનુસરણ કરે છે તે કંપનીઓ સફળ થાય છે.(ક્રમશ 🙂

Total Views: 54
By Published On: July 1, 2015Categories: A. R. K. Sharma0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram