પ્રાચીન સમયમાં એકની એક પુત્રી પ્રત્યે પુત્ર જેવો ભાવ રખાતો અને એને पुत्रिका કહેતાં. તેના લગ્ન પછી પણ તે પિતાના કુટુંબની સભ્ય રહી શકતી. ઋગ્વેદ(૧.૧૨૪.૭)માં જણાવ્યા પ્રમાણે તેના પુત્રો પોતાના માતાના પિતાની પાછળ પિન્ડદાન પણ કરી શકતા. નારદ પણ કહે છે તે પ્રમાણે પુત્ર અને પુત્રી બંને પિતાના કુળદીપકને જલતો રાખે છે અને પુત્ર ન હોય તો પુત્રી કુટુંબનો વારસો લઈ શકશે. નારદ- पुत्राऽभावे तु दुहिता तुल्यसन्तानदर्शनात्। पुत्रश्च दुहिता चोभौ पितुस्सन्तान कारकौ।। અપરાર્ક બૃહસ્પતિનું ઉદ્ધરણ ટાંકતાં કહે છે अङ्गादङगात्सम्भवति पुत्रवत् दुहिता नृणां तस्यां पितृधनं त्वन्यं कथं गृहीत मानवः।। પુત્રની જેમ પુત્રી પણ માત-પિતાના અવયવોના વારસા સાથે જન્મે છે. જો પુત્રી જીવતી હોય તો પિતાની મિલકત બીજું કોઈ કેવી રીતે લઈ શકે?
જ્યારે પોતાની પુત્રી લગ્ન માટે ઉંમરલાયક થઈ ત્યારે રામાયણમાં છે તે મુજબ જનક પોતાની પુત્રીના ભવિષ્ય માટે ચિંતા કરવા લાગ્યા. પોતાની પુત્રીના ભાવિ ક્ષેમકલ્યાણ માટેની પિતાની ચિંતાનો ઉલ્લેખ રામાયણના ઉત્તરકાંડમાં જોવા મળે છે. ऋृग्वेद (૭.૪.૮) માં વર્ણવવામાં આવ્યું છે કે વૈદિક કાળમાં પિતા દ્વારા પુત્રીને પુત્ર સમાન ગણવામાં આવતી. मत्स्यपुराण (૧૫૪,૧૫૭) તો ત્યાં સુધી કહે છે કે એક સુપુત્રી દશ પુત્ર સમાન છે. दशपुत्रसमा कन्या।। આપણા પ્રાચીન કાળમાં પુત્રીઓ અને નારીઓ માટેની આ કાળજીભરી ચિંતાને પરિણામે નારીઓના આરક્ષણ, તેમના ક્ષેમકલ્યાણ માટે કેટલાય નીતિનિયમો પણ ઘડાયા હતા.
આ વાત દયનીય છે કે પોતાનો સ્વાર્થ સાધવા મથતા અને પોતાનાં માન-મોભો તેમજ પ્રભુત્વ ચલાવવા ઇચ્છતા લોકોએ નારીઓના ભોગે નારીકલ્યાણના આ નીતિ-નિયમોનો ઉપયોગ ર્ક્યાે. પછીના શ્લોકમાં ફષ નામનો શબ્દ સર્વોચ્ચ આધ્યાત્મિક સંરક્ષણ આપવાના ભાવથી વપરાયો છે. એમાં નારી પરના વાલીપણાનો પ્રખ્યાત નિયમ સમાયેલો છે. આ નિયમ અને શબ્દનું ખોટું અર્થઘટન થયું, એને લીધે સમગ્ર જીવનમાં નારીઓનું પુરુષો પરનું કાયમનું અવલંબન સ્થાપિત થયું. ‘पिता रक्षति कौमारे भर्ता रक्षति यौवने रक्षन्ति स्थावरे पुत्राः न स्त्री स्वातन्त्र्यमर्हति।।’ બાળપણમાં પિતા રક્ષણ કરે છે, યુવાનીમાં પતિ નારીનું રક્ષણ કરે છે, વૃદ્ધાવસ્થામાં પુત્રો માતાને સંભાળે છે, એટલે કે સ્ત્રીઓ હંમેશાં ઉષ્માભર્યા વાલીપણા માટે યોગ્ય છે. પોતાનાં સગાં-સંબંધીઓની સેવા પણ આ જ ભાવે તેમને મળવી જોઈએ. એમને નારીઓને પોતાના સ્રોત પર અવલંબિત કે એકલી છોડી દેવી ન જોઈએ. એનો અર્થ એ થયો કે નિકટના સગા-સંબંધી બધા પુરુષોએ બધી નારીઓનાં ક્ષેમકલ્યાણ અને રસરુચિને અનુરૂપ રહીને તેમની કાળજી રાખવી જોઈએ. સાથે ને સાથે નારીઓને પોતાના ‘સ્વધર્મ’ પ્રમાણે પોતાની મુક્તિ મેળવવા માટેનું કાર્ય કરવા સ્વતંત્રતા હોવી જોઈએ, આપણે આટલું તો ચોક્કસ કહી શકીએ. નારીઓને સંરક્ષણ આપવું જોઈએ અને એમના સ્વાતંત્ર્ય પર જરાય માઠી અસર થવી ન જોઈએ. સાથે ને સાથે કોઈની આડખીલી વગર તેમને પોતાના સ્વાતંત્ર્યનો ઉપયોગ કરી શકે તેવી પૂરતી તકો મળવી જોઈએ. જો પુરુષો નારીઓને આટલું સંરક્ષણ ન આપી શકે તો અહીં આપેલા શ્લોક પ્રમાણે નારીઓના પુરુષ-સગાંવહાલા પોતાની ફરજ બજાવતા નથી એવી એમની નિંદા કરી શકાય-
‘कालेऽदाता पिता वाच्यश्चाऽनुपश्यन् पतिः मृते भर्तरि पुत्रस्तु वाच्यः वाच्यो मातुररक्षिता।।’ જે પિતા ઈશ્વરની અનુભૂતિ કરવા માટેની સુવિધા પોતાની પુત્રીને પૂરી પાડી શકતા નથી કે એને પૂરી તક આપતા નથી તે પિતા ઠપકાને પાત્ર છે. આવી જ રીતે જ્યારે જ્યારે નારીને આધ્યાત્મિક અનુભૂતિમાં સહાયની જરૂર પડે ત્યારે જો પતિ પણ મદદરૂપ ન થાય તો તે પણ નિંદાને પાત્ર છે. આધ્યાત્મિક સાધનામાં પોતાની માતાને આધ્યાત્મિક સ્વતંત્રતા માટે સક્ષમ બને એ માટે પુત્ર કાર્ય ન કરે તો તે પુત્ર પણ ઠપકાને પાત્ર છે.
પોતાની પુત્રીને આધ્યાત્મિક મુક્તિની ક્ષમતા મળે એ માટે પિતા પોતાની પુત્રીને પરણાવે છે. એટલે જ ‘બ્રાહ્મલગ્ન’ને લગ્નોમાં શ્રેષ્ઠ લગ્ન ગણે છે. જો પત્નીના ભાગે આવતી મિલકતોની સંભાળ અને વ્યવસ્થા પતિ સંભાળે તો નારીઓને પોતાની આધ્યાત્મિક રસરુચિ રાખવામાં પૂરતી સ્વતંત્રતા મળે એ તેનો હેતુ છે. જો પુત્ર પોતાની માતાની મિલકતોની વ્યવસ્થા વૃદ્ધાવસ્થામાં સંભાળે તો તે પોતાની માતાને વૃદ્ધાવસ્થામાં ચિંતામાંથી મુક્ત કરવાની ફરજ બજાવેે છે. આનો અર્થ એ નથી થતો કે પિતાએ, પતિએ કે પુત્રે પોતાના લાભ માટે એ સંપત્તિનો ઉપયોગ કરે એવો એમને હક મળે છે. (ક્રમશ 🙂
Your Content Goes Here