સંપાદકીય નોંધ : હાલના રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરી સ્વામી સુહિતાનંદજીના ‘ઉદ્‌બોધન’ માસિક પત્રિકામાં બંગાબ્દ જ્યેષ્ઠ ૧૪૧૯માં (ઇ.સ.૨૦૧૨ના મે માસમાં )પ્રસિદ્ધ થયેલ લેખનો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.

ઇ.સ. ૧૯૫૮માં મને સારગાછીના રામકૃષ્ણ મિશન આશ્રમમાં જોડાવાનું સૌભાગ્ય મળ્યું. આ આશ્રમ રામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્ય સ્વામી અખંડાનંદ મહારાજની જીવનતપસ્યાનું ફળ છે. રામકૃષ્ણ મિશનનું ‘શિવજ્ઞાને જીવસેવા’નું મહાન કાર્ય આ આશ્રમમાં જ શરૂ થયું. ઇ.સ. ૧૯૫૮માં તે આશ્રમના અધ્યક્ષ હતા શ્રીશ્રીમાના શિષ્ય સ્વામી સુખાનંદ મહારાજ. એ વખતે એ આશ્રમમાં માતાજીના બીજા એક પ્રવીણ સંન્યાસી શિષ્ય સ્વામી પ્રેમેશાનંદ મહારાજ રહેતા હતા.

તેમણે રચેલાં ભજનો ‘અરૂપ સાયરે’, ‘બંગહૃદયે ગોમુખી હોઈને’, ‘અયુતકંઠે વંદનાગીતિ’ વગેરે શ્રીમા, રાજા મહારાજ, મહાપુરુષ મહારાજ, માસ્ટર મહાશયનો ખૂબ આદર પામ્યાં હતાં. આ ઉપરાંત એમણે લખેલ પુસ્તકોમાં વિવિધ રચના, પત્રસંગ્રહ પણ છે. શ્રીરામકૃષ્ણના અનુરાગીઓ માટે તેઓ ખૂબ આદરણીય હતા. ઇ.સ. ૧૯૩૭માં સ્વામી અખંડાનંદજીની મહાસમાધિ પછી બેલુર મઠના ટ્રસ્ટીઓએ એમને સારગાછી આશ્રમના અધ્યક્ષ તરીકે નીમ્યા.

થોડા દિવસો આશ્રમમાં સેવા કર્યા પછી તેઓ હિમાલયમાં તપશ્ચર્યા માટે થોડો વખત રહ્યા. ત્યાં તેમની તબિયત અસ્વસ્થ થવાથી સારગાછીના અધ્યક્ષ સ્વામી સુખાનંદ મહારાજ તેમને પરમ આદર સાથે લઈ આવ્યા. સ્વામી પ્રેમેશાનંદ પોતાના અપૂર્વ વ્યક્તિત્વ, પાંડિત્ય, મધુર વ્યવહાર, ગહન વાંચન અને માતૃસહજ મમતાને કારણે ભક્તોમાં એક આકર્ષક વ્યક્તિ તરીકે ઊભરી આવ્યા. પરિણામે તેમને મળવા કોલકાતા, મદ્રાસ અને બીજાં ઘણાં સ્થળેથી કેટલાંય યુવક-યુવતીઓ, વૃદ્ધો, પંડિતો સમયે સમયે તેમની પાસે આવતાં. આ બધાં સ્વામી પ્રેમેશાનંદજી મહારાજને જ્ઞાન, ભક્તિ, કર્મ, અને બીજા અનેક વિષયો પર પ્રશ્નો પૂછતા. મહારાજ પણ ગહન અને વિગતવાર આલોચના સાથે તેનો જવાબ આપતા. એનો મૂળ પાયો હતો તેમનું શાસ્ત્રજ્ઞાન અને તપસ્યા. સાંજે પૂજ્ય મહારાજ સાથે ફરવાનું થતું ત્યારે એમની સાથે થતી ચર્ચા ‘એક વિશ્વવિદ્યાલયનું શિક્ષણ’ બની જતી એમ સ્વામી શ્રદ્ધાનંદજી કહેતા. ક્યારેક ક્યારેક તેઓ પોતે કેટલાક આધ્યાત્મિક અને સામાજિક વિષયમાં નવો દૃષ્ટિકોણ પણ આપતા.

હું જ્યારે સારગાછી આશ્રમમાં ગયો ત્યારે તેઓ વૃદ્ધ હતા અને ખૂબ અસ્વસ્થ રહેતા. લગભગ બે ત્રણ દિવસના અંતરે બહરપુરથી ડોક્ટર આવતા અને તેમને ચકાસીને ચિકિત્સા કરતા. તે સારગાછી આશ્રમથી લગભગ ૮ કી.મી. દૂર છે. વાહન વ્યવહારમાં રીક્ષા મળે. આખા દિવસમાં એકાદ-બે બસ આવે જાય. ત્યાંથી લગભગ એકાંતરે ૮ થી ૧૦ અનુરાગી ભક્તો તેમની પાસે આવતા અને તેઓ પણ ઉત્સાહપૂર્વક તેમની સાથે ધ્યાન, મોક્ષ, સમાજ વ્યવસ્થા જેવા વિષયો પર ચર્ચામાં જોડાતા. મોટે ભાગે સ્વામી પ્રેમેશાનંદજી જ મુખ્ય વક્તા રહેતા. સંજોગ, સ્થિતિ અને વ્યક્તિવિશેષ પ્રમાણે આલોચનાનો વિષય બદલાતો રહે. હું સારગાછીમાં બ્રહ્મચારી તરીકે જોડાયો હતો. કામકાજમાંથી નવરાશનો સમય મળે એટલે પૂજ્ય મહારાજ સાથે થોડો સત્સંગ કરવા મળતો. ક્યારેક બીજાઓ સાથે એમની વાણી સાંભળવાનો મોકો પણ મળતો.

પૂજ્ય મહારાજની વાતો મારા વ્યક્તિગત જીવનમાં કામ આવશે, એમ મને લાગતું. મારી પોતાની યાદશક્તિ પર મને બહુ ભરોસો ન હતો. એટલે મારા જીવનમાં ઉપયોગી નીવડે તેવા થોડા ઉપદેશ હું લખી રાખતો. અલબત્ત, એ બધું લખી રાખવું પણ સહેલું ન હતું. અહીં એક ઘટનાનો ઉલ્લેખ કરું છું.

આશ્રમમાં આવીને જ્યારે પૂજ્ય મહારાજના બેચાર ઉપદેશ સાંભળીને ચમકી ઊઠ્યો. એ વખતે મને એમ લાગ્યું કે સ્કૂલ, કોલેજમાં આવી વાતો કોઈ કહેતા નથી. એ વખતે હું તેમના નિવાસસ્થાનની બહાર એક ઓશીકાનું ટેબલ કરીને જમીન પર બેસીને થોડી નોંધ કરવા લાગ્યો. એક દિવસ મહારાજ તેમના ઓરડામાં બીજાઓ સાથે વાતચીત કરે છે.

અચાનક બહાર આવીને મને પૂછ્યું, ‘શું કરે છે?’ મેં ગર્વપૂર્વક કહ્યું, ‘આપની વાતની નોંધ કરું છું.’ તેમણે કહ્યું, ‘લાવ જોઉં તો જરા!’ લખાણ તેમના હાથમાં મૂકતાં તેમણે તેના ટુકડે-ટુકડા કરીને ફેંકી દીધા. પછી નાચતાં નાચતાં અને હાથ ઘુમાવતાં તેઓ બોલવા લાગ્યા, ‘પ્રભુ ફેરવી ફેરવીને… ભક્તગણ કહે, આ પણ પ્રભુની એક લીલા.’

પછી તેમણે ઉમેર્યું, ‘તમને એમ કે પ્રેમેશાનંદ-વચનામૃત રચના કરીશ, એમ વિચારો છો? તમને એમ કે નામયશ મળશે! બરાબર આ વાત સાંભળી લો, આપણા આદર્શ છે શ્રીઠાકુર, શ્રીમા અને સ્વામીજી. બહુ બહુ તો ઠાકુરના સાક્ષાત્ શિષ્યો. જો એમ ન બને તો આદર્શ નાનો થઈ જશે.’

આ ઘટના પછી થોડી નોંધ કરી રાખવી મુશ્કેલ હતી. એનું કારણ એ હતું કે મારે લગભગ ૨૪ કલાક પૂજ્ય મહારાજની સેવામાં રહેવાનું હતું. એટલે થોડું ઘણું લખવાનો સમય અને મોકો ખૂબ ઓછો મળતો પણ હું મારો લોભ અટકાવી ન શકતો. મહારાજના આદેશની અવગણના કરીને બધાની નજર બહાર રાત્રે ફાનસના અજવાળામાં હળવા હાથે થોડી વાતો નોંધી લેતો.

મહારાજની આ બાબતમાં સ્પષ્ટ મનાઈ હોવાથી એ બધું ગોપનીય રાખ્યું હતું. અને મેં પોતે એકાદવાર વાંચ્યું હતું. અર્ધશતાબ્દી પછી એ બધી જૂની વાતો કોઈને કોઈ સત્યશોધક સાધકની પાસે વિશેષ આદરને પાત્ર થશે એમ મને લાગ્યું. આમાંથી કયો ઉપદેશ મારે પોતાને માટે આવશ્યક છે તેને હું સમજી શકું છું, પરંતુ બીજાને કઈ વાત જરૂરી છે એ હું સમજી ન શકતો. ૫૦ વર્ષ પહેલાં એક અપરિપક્વ યુવકે વિપરીત સંજોગોમાં જે લખ્યું હતું તે જ વાચકની સમક્ષ મૂકવામાં આવ્યું છે. એને સ્વીકારવું કે ત્યજવું, એની જવાબદારી વાચકવર્ગની છે.

આજે જો હું લખત તો ચોક્કસ પોતાની અભિજ્ઞતા અને શિક્ષણના સંમિશ્રણમાં એક નવીન આકાર ધારણ કરત. કદાચ ઘણું ખરું સરસ રીતે મઠારીને રજૂ થાત. પરંતુ પ્રેમેશાનંદજી મહારાજની સ્મૃતિમર્યાદા એનાથી જળવાત નહીં. એ ભયે લેખનમાં વિશેષ સુધારો કર્યો નથી. ૫૦ વર્ષ વીત્યાં છતાં પણ બધુંય અકબંધ તેમનું તેમ જ છે.

પ્રકાશિત કરવાનું બીજું એક કારણ પણ છે. ઇ.સ. ૧૯૬૬માં પ્રેમેશાનંદજી મહારાજ વારાણસીમાં હતા. બીજે વર્ષે તેમણે દેહત્યાગ કર્યો. દેહાવસાન પહેલાંના દિવસોમાં તેઓ જોઈ ન શકતા, હાથ પગ ન ચાલતા, બધાં જ કામ સેવકો કરતા. એક દિવસ મેં પૂજ્ય મહારાજની વાતચીત વાંચી સંભળાવી. તેમને મેં હિંમતથી કહ્યું, ‘મહારાજ, આપનો આદેશ હોવા છતાં આપની વાતચીત મેં થોડીઘણી લખી રાખી છે. શું આ બધું બરાબર લખાયું છે કે કેમ એ માટે થોડું સાંભળશો ખરા?’ કદાચ, પોતાના સેવકને રાજી રાખવા માટે મહારાજે કહ્યું, ‘વાંચ.’ થોડો અંશ વાંચ્યો પછી મહારાજે કહ્યું, ‘સારું કર્યું છે.’ એટલે જ એ સત્ સાહિત્ય બન્યું છે.

અગાઉ જ કહ્યું છે કે વિપરીત સંજોગોમાં પ્રેમેશાનંદજી મહારાજની વાતો પકડી રાખવાનો પ્રયત્ન કર્યો હતો. સમય તો હતો નહીં અને સુયોગ પણ મળતો નહીં. વળી ક્ષમતા પણ ન હતી કે જેથી એ બધી વાતોને ગોઠવીને સુવ્યવસ્થિત રીતે લખી રાખે. એટલે વાંચતાં વાંચતાં ક્યાંક ક્યાંક એક સરખું લાગે એવું લખાણ આવે. ડિક્શનરી વાંચવા જેવું છે. દા.ત. ડિક્શનરીમાં બધી વાત બધાને દર વખતે જરૂરી હોતી નથી. છતાં પણ ક્યારે શું કામમાં આવે એને ધ્યાનમાં રાખીને એવી બાબતોનો એમાં સંગ્રહ કરવામાં આવે છે.

૧૦-૮-૫૮ થી ૨૨-૮-૫૮

(શરૂઆતમાં તારીખ લખવાનું બન્યું ન હતું)

મહારાજે સેવકને એક દિવસ કહ્યું, ‘તમે ઇચ્છા કરો છો કે તમારું મન ઈશ્વરમાં રહે, પરંતુ તેમ થતું નથી. એનંુ કારણ પૂર્વજન્મના સંસ્કાર છે-કામ, ક્રોધ, મોહ. પરંતુ તમે આ જાણો છો? પ્રભુને પ્રાર્થના કરવાથી આ પ્રલોભનો થોડાં ઓછાં થાય. એ સિવાય રાતો-રાત મુક્તપુરુષ થઈ શકાય નહીં. મારી જે શક્તિ છે તે પ્રમાણે મારે આગળ ધપવું પડે. જેની શક્તિ વધારે તે ઝડપથી આગળ વધી શકે-એ ચાલુ રાખો. પરંતુ મારું લક્ષ્ય ઠીક રહેવું જોઈએ. હું કાશી જઈશ જ, એ માટે અલ્પશકિતથી પ્રયત્ન કરું છું. શ્રીમા શું જોતાં નથી? આ માટે એક ઉદાહરણ છે :

‘આશ્રમમાં એક કુલી આવ્યો છે. માથા પર ઉપાડીને ચીજ-વસ્તુ લઈ જશે. સાથે એક નાનો છોકરો પણ છે. એ બાળક પોતાના પિતાને થોડી સહાય કરે એવો તે મનથી પ્રયત્ન કરે છે. પરંતુ તે એમ કરી શકતો નથી છતાં પ્રયત્ન છોડતો નથી. ત્યારે તેના પિતાએ હસતાં હસતાં તેના હાથમાંથી વસ્તુઓ લઈને પોતાની ટોપલીમાં રાખી દીધી.’

પ્રશ્ન : ‘તો પછી શું કૃપાની જરૂર છે?’

મહારાજ : ‘કૃપા કૃપા કોણ કરે છે, એ જાણો છો? જેમનું મન ભગવાન તરફ બરાબર બેઠું નથી. એટલે કે ભગવાન જો દયા કરીને લે તો લે, હું તો આટલું બધું કરી શ..કી..શ.. નહીં. તો હવે જેને ભગવાન પ્રત્યે આકર્ષણ થયું છે તે કહેવાનો કે હું ભગવાનને પોકારીશ જ. તે મારી પોતાની વસ્તુ, હું તેમને પોકાર્યા વગર રહી શકું નહીં. બાળપણમાં દેશમાં આવંુ જોયું હતું- પાડોશના ઘરમાં એક છોકરો શાળાએથી છૂટીને ઘર પાસે આવતાં જ બરાડા પાડે છે, ‘મા, જમવાનું આપ.’ જેને ભૂખ ન લાગી હોય તેને જમવાનું આપો તોય એ ન ખાય. જેમ કે શ્રીઠાકુરના સમયમાં હુટકો ગોપાલ વચ્ચે વચ્ચે આવે અને ફરી ભાગી જાય. શ્રીઠાકુરના દેહાવસાન પછી બધાએ ભેગા મળીને તેને રોકવાનો પ્રયત્ન કર્યો. ત્યારે તેણે પેશાબ કરવા જવાની વાત કરી અને ભાગી ગયો. ભૂખ ન લાગી હોય તો ખીર પણ ન ભાવે. રમત રમીને થાકી જવાય ને ભૂખ લાગે ત્યારે એ કહેવાનો, ‘મા, મને ખીર આપો.’ (ક્રમશ 🙂

Total Views: 314

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.