ગયા અંકમાં આપણે સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો કયાં છે તે બાબતે તાત્ત્વિક વિવેચન જોયું. હવે અધ્યાય-૨ ના શ્લોક ૫૭-૫૮નું અનુશીલન કરીએ…

આપણી દરેક ઊર્મિને, દરેક લાગણીને કેળવી શકાય અને નિયમનમાં રાખી શકાય. એ ઊર્મિના આવેગને લઈ, એ શક્તિનો વિનિયોગ કોઈ સારા હેતુ માટે થવો ઘટે. આ રીતે આપણે ઊર્મિને રચનાત્મક વલણ આપી શકીએ. ચારિત્ર્યનું ઘડતર એ રીતે કરી શકાય. ‘વશમાં રખાયેલી અને કાર્ય ભણી વાળેલી ઊર્મિ તે ચારિત્ર્ય’, એમ વિવેકાનંદ કહે છે. ગર્વ અને ઉદ્ધતાઈમાંથી ઉદ્ભવતો સામાન્ય ક્રોધ સ્થિર પ્રકારની શક્તિ છે. એનું કશું મૂલ્ય નથી.

આપણે એમાંથી મુક્ત થવું જ રહ્યું. ક્રોધમાંથી કેવી રીતે મુક્ત થવું તે આ બધાં પુસ્તકોમાં કહેવાયું છે. પરંતુ આપણે એને અમલમાં ન મૂકીએ તો પુસ્તકોની વાત નિરર્થક છે. ‘મારે ક્રોધમાંથી મુકત થવું જ જોઈએ’, ‘હું એમાંથી મુક્ત થઈ શકીશ.’ પછી તમને જણાશે કે ધીમે ધીમે તમે યુદ્ધ જીતી રહ્યાં છો.

જગતના વિવિધ ભાગોમાં મને વારંવાર આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે; ક્રોધને કેવી રીતે જીતવો ? પશ્ચિમના દેશોમાં પણ કેટલીક વાર સ્ત્રીપુરુષો બાળકો અને પડોશીઓ પર ક્રોધ કરે છે; એ લોકો ક્રોધમાંથી મુક્ત થવા માગે છે. એટલે હું આ કહું છું. પણ હું તેમને એક મુખ્ય પદ્ધતિ પણ કહું છું. ‘તમે ક્રોધે ભરાઓ ત્યારે થોડા પૈસા દાનપેટીમાં નાખો’; પેટી ભરાતી જશે ત્યારે કદાચ આપ ગુસ્સે થવાનું છોડી દો !

ક્રોધ શાંત થાય ત્યારે સામી વ્યક્તિની માફી માગવી એ બીજી પદ્ધતિ છે. શ્રીકૃષ્ણે કહ્યું છે, स्थितधीः, ‘જેની धी અથવા બુદ્ધિ स्थित થઈ છે તે’, मुनिरुच्यते, ‘મુનિ કહેવાય છે.’ પ્રત્યેક નાગરિકમાં થોડે અંશે આ ગુણો હોવા જોઈએ. તો જ આપણે સ્વસ્થ સમાજ ઊભો કરી શકીએ. થોડા મુનિઓ અને ઋષિઓ હિમાલયમાં હોય અને આપણે છીએ તેવા ક્ષુદ્ર જ રહીએ એ પૂરતું છે એમ કદી નહીં માનતા. એ વલણ ઘણું ખોટું છે. આપણી ઊર્મિની ઊર્જાઓને આ રીતે નિયમનમાં રાખીને આપણામાંની દરેક વ્યક્તિ નૈતિક રીતે એક ઇંચ વધુ વધુ ઊંચી થશે. મુનિ બનો, વિચારશીલ બનો; બધી સામાજિક પ્રગતિ પાછળ વિચાર જ રહેલો છે. મહાન ચિંતકો નવી વિચારણા પ્રગટાવે છે. એ રીતે જ પ્રગતિ આવે છે.

પરંતુ બર્ટ્રેન્ડ રસેલ પણ કહે છે કે દરેક બાળકમાં સ્વભાવગત વિચારશક્તિ હોય છે. વિચારશક્તિને દૂર કરવી તે આપણા શિક્ષણનો એક હેતુ છે. કેવું અવલોકન છે ? શિક્ષણથી વિચારશક્તિનો હ્રાસ થાય છે ! શિક્ષણ લીધા વિના મહાન ચિંતકો થયા છે. આજે છે તે શિક્ષણ એવી વિચારશક્તિ પ્રગટાવતું નથી. ગોખણપટ્ટી પરના ભારને કારણે એ ચિંતનને, વિચારશક્તિને ગુંગળાવે છે. પણ જરૂર છે ચિંતનને ઉત્તેજવાની. આ જ આપણા શિક્ષણમાં આવવું જોઈએ. જેનાથી ચિંતનશીલ માનવીઓ-મુનિઓ આપણને મોટી સંખ્યામાં મળી રહે. આજે યુનિવર્સિટીઓમાં પણ પ્રોફેસરો અને વિદ્યાર્થીઓને ચિંતનનો પ્રશ્ન જ ઊઠતો નથી. આજે દરેક વાત ઉત્તેજના, આવેશ અને આવેશમય કાર્ય છે. મહાન સમાજ ઊભો કરવા સમર્થ નરનારીઓને પેદા કરવાં હોય તો સમગ્ર તંત્ર બદલવું પડશે. તો આ શ્લોકની અને એના શબ્દોની અગત્ય આ છે. એ જ રીતે પછીનો શ્લોક કહે છે :

यः सर्वत्रानभिस्नेहस्तत्तत्प्राप्य शुभाशुभम् ।

नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता ।।57।।

‘જે સર્વત્ર અનાસક્ત છે, સારું (શુભ) મળવાથી રાજી નથી થતો અને ખરાબ (અશુભ) મળ્યે નારાજ નથી થતો તેની પ્રજ્ઞા સ્થિર થઈ છે.’

तस्य प्रज्ञा प्रतिष्ठिता, ‘તેની प्रज्ञा (તેનું શાણપણ) प्रतिष्ठिता, બરાબર સુદૃઢ થયેલ છે.’ કોની ? यः सर्वत्रानभिस्नेहः, ‘જે સંપૂર્ણપણે અનાસક્ત છે તેની.’ तत् तत् प्राप्य शुभाशुभम्, न अभिनन्दति, न द्वेष्टि, ‘ગમતી વસ્તુઓ મળતાં જે ફુલાઈ જતો નથી, અને અણગમતી વસ્તુઓ મળતાં નાસીપાસ થતો નથી તે.’ આવા માનવીનો પોતાના મન પર અંકુશ છે. એ વ્યક્તિની પ્રજ્ઞા સ્થિર, દૃઢ થયેલી છે. જીવનમાં આવા ગુણો, થોડા પ્રમાણમાં પણ આવશ્યક છે અને આ પ્રકારનાં સ્ત્રીપુરુષો આપણને જોવા મળે છે પણ ખરાં.

બહારથી આવતી ઉત્તેજનાનો પ્રતિભાવ આપતા કોઈ પશુ જેવાં આપણે નથી. પરિસ્થિતિનો અભ્યાસ કરવાની શક્તિ આપણી પાસે છે અને પ્રતિકાર કરતાં પહેલાં વિવેક વાપરવાની શક્તિ પણ છે.

એ શક્તિનો આપણે ઉપયોગ કરીએ ત્યારે આ પ્રકારની સ્થિર બુદ્ધિ આપણે વધારે ને વધારે પ્રાપ્ત કરી શકીએ. ને એટલે વેદાંત સાહિત્યમાં પ્રસિદ્ધ એવું દૃષ્ટાંત પછીનો શ્લોક આપે છે :

यदा संहरते चायं कूर्मोऽङ्गानीव सर्वशः।

इन्दियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता ।।58।।

‘કાચબો જેમ પોતાનાં અંગોને સંકોરી લે છે તેમ, ઈન્દ્રિયોના વિષયોમાંથી ઈન્દ્રિયોને વ્યક્તિ પૂરી ખેંચી લે ત્યારે તેની પ્રજ્ઞા સ્થિર થાય છે.’

આપણે કાચબાનો અભ્યાસ કર્યો છે; કયારે પણ એને બહારથી ભય જેવું લાગે કે તરત જ પોતાનાં અંગોને એ પોતાની ઢાલમાં ખેંચી લે. પછી ત્યાં એને કોઈ ઈજા પહોંચાડી શકે નહીં; અંગો કયારે સંકોરવાં અને ક્યારે બહાર કાઢવાં તે એ બરાબર જાણે છે. એટલે જાતને અંદર વાળવાની કાચબાની આ શક્તિ આપણે વિકસાવવી જોઈએ અને એમાંથી પછી બહાર નીકળતાં પણ જાણવું જોઈએ :

यदा संहरते चायं कूर्मोऽङ्गानीव सर्वशः, ‘જેમ કાચબો પોતાનાં અંગોને સંકોરી જાતને રક્ષે છે’, તેમ इन्दियाणीन्द्रियार्थेभ्यः, ‘ઈન્દ્રિયના વિષયોમાંથી આપણી ઈન્દ્રિયને વાળી લેવાની અને પછીથી પાછાં બહાર કાઢવાની શક્તિ આપણે વિકસાવવી જોઈએ.’ આ શક્તિ, આ સ્વતંત્રતા, આપણે વિકસાવીએ ત્યારે આપણે સ્થિતપ્રજ્ઞ બનીએ. तस्य प्रज्ञा प्रतिष्ठिता, ‘એ (વ્યક્તિ)ની પ્રજ્ઞા સુદૃઢ થાય છે.’ આપણા સાહિત્યમાં પ્રાણીવર્તનનું કેટલું અવલોકન જોવા મળે છે !

પ્રાણીવર્તનનાં અવલોકનોથી મહાભારત, રામાયણ ભરપૂર છે અને પ્રાણીઓના વર્તનમાંથી આપણે કેટલું તો શીખી શકીએ છીએ.

આપણા સાહિત્યમાં પ્રાણીઓને લગતી વાર્તાઓ પુષ્કળ છે; ભારતમાંથી એ વિવિધ દેશોમાં ગઈ છે – આ પ્રાણીકથાઓ જગતભરનાં બાળકોને અને મોટેરાંઓને પણ પ્રેરણા આપે છે. (ક્રમશ 🙂

Total Views: 255

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.