શ્રીશ્રી રામકૃષ્ણ : શરણમ્
કોલકાતા
૯ ફાગણ , ૧૩૨૨
ચિરંજીવી ક-,
૭ મી તારીખનો પત્ર યથા સમયે મેળવીને આનંદ થયો. મારા આશીર્વાદ જાણશો અને આશ્રમના સૌને જણાવશો. અહીંયાં સૌ કુશળમંગળ. ….આશ્રમ-સંઘમાં સમાવિષ્ટ થયા પછી જો તમે સૌ નિવૃત્ત થાઓ તો પછી આશ્રમ ચાલશે કેવી રીતે ? જે વૃક્ષની તમે પોતાને હાથે વાવણી કરી છે તેનો ઉછેર થાય અને ફૂલેફાલે એ તમારે જ ધ્યાન રાખવું પડશે – નહીંતર તે ક્યારેય જીવિત રહેશે નહીં. છતાંય વચ્ચે વચ્ચે કેટલાક સમય માટે તમે રજા લઈ શકો છો. શ્રીરામકૃષ્ણદેવનું કાર્ય હૈયું રેડીને કર્યે જાઓ, તેઓ જ બધી બાબતનું ધ્યાન રાખશો અને તમારું રક્ષણ કરશે. કોઈ ચિંતા નથી.
શ્રી સ્વામી બ્રહ્માનંદજી મહારાજ હજુ પણ ઢાકાથી પાછા ફર્યા નથી. તરત જ પરત આવશે.
શુભાકાંક્ષી, શ્રી સારદાનંદ
ઉદ્બોધન કાર્યાલય,
૧૯ સપ્ટેમ્બર, ૧૯૧૭
ચિરંજીવી ક-,
તમારો ૧૭મી તારીખનો પત્ર મળ્યો. કોઈની સાથે મતભેદ થવાથી સત્કાર્ય – કલ્યાણ કાર્ય છોડી દેવું તર્કસંગત નથી. મઠમાં સભા-સમિતિની બેઠકમાં અનેક વાર અમે એક મત ન થઈએ, પરંતુ જે દિશામાં બહુમતી થઈ હોય તે પક્ષમાં બધાં કામ થતાં રહે છે. પાંચ જણ ભેગા મળીને કામ પાર પાડવું તેનો આ જ નિયમ છે. જે બાબતમાં તમારા સૌની અંદર મતભેદ થાય તે મને લખી જણાવો, તો હું મારો નિર્ણય કરી શકું.
તમારા નામે જે જમીન છે તે બીજાના નામે હસ્તાંતર કરવા માટેની આવશ્યકતા નથી. જમીનનું વેચાણ કરવાની જરૂર પડે તો પહેલાં મને લખીને વ્યવસ્થા કરજો. આવી સાંસારિક બાબતોમાં કોઈ વિષયમાં પોતાનું પૂર્વાશ્રમનું નામ અને પિતાનું નામ અમે પણ ક્યારેક ક્યારેક લખીએ છીએ, તેમાં મનમાં અશાંતિ થાય તેવું કારણ નથી. વળી ઘણી જગ્યાએ પોતાનું સંન્યાસીનું નામ અને ગુરુનું નામ લખીને કાર્ય પાર પાડીએ છીએ. – આ પ્રમાણે જે સ્થળે ચાલે જ નહીં ત્યાં પૂર્વાશ્રમનું નામ લખવું પડે. તેમાં મનનો સંકોચ શા માટે ? સ્વાર્થને માટે કોઈ કાર્ય કરીએ ત્યારે મનમાં સંકોચ થઈ શકે, (પણ) તમારો તો આ વિષયમાં કોઈ સ્વાર્થ નથી…
આશીર્વાદ સાથે,
શુભાકાંક્ષી, શ્રી સારદાનંદ
Your Content Goes Here