સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય : સ્વામી વિરજાનંદ

ગયા અંકમાં આપણે સ્વામી વિરજાનંદ દ્વારા સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા તથા જીવનચરિત્રનું સંપાદન તથા શ્યામલાતાલમાં અવસ્થાન ઈત્યાદિ પ્રસંગોથી અવગત થયા,હવે આગળ …

સંઘના સચિવરૂપે સ્વામી વિરજાનંદજીએ કરેલાં અન્ય પ્રદાનો પણ નોંધનીય છે. નાના હોય કે મોટા, બધા સંન્યાસીઓને એમનો પ્રેમ એક સરખો જ મળતો. સંઘના દરેકે દરેક સભ્યના ક્ષેમકલ્યાણ માટે તેમણે જે જવાબદારીની ભાવના રાખી હતી તે તેના દરેકે દરેક વહીટકારો માટે હંમેશાં એક ઉદાહરણ બની રહેશે. સંઘના એક સંન્યાસીએ એક સંસ્મરણમાં કહ્યું છે :

‘‘એક વખત પૂજ્ય સ્વામી વિરજાનંદજીએ મને કેવી રીતે બચાવી લીધો એ વાત હું ક્યારેય ન ભૂલી શકું. હું એ પ્રસંગને જ્યારે યાદ કરું છું ત્યારે આજે પણ મારી આંખો ભીની થઈ જાય છે. એમનો પ્રેમ કેટલો અગાધ હતો; જુવાન હોય કે વૃદ્ધ – સૌને માટે એમની કેવી તો સહાનુભૂતિ હતી ! એ વખતે તેઓ સંઘના સચિવપદે હતા અને હું વારાણસી સેવાશ્રમમાં એક બ્રહ્મચારી હતો. મારા પિતા બીમાર હતા. તેઓ મૃત્યુ પામે તે પહેલાં મને જોવા ઇચ્છતા હતા, એવા ઉપરા ઉપરી ત્રણ તાર મળ્યા હતા. મારા પિતાજી એક મહાન ભક્ત અને સ્વામી શિવાનંદજીના શિષ્ય હતા. મેં વારાણસીમાંથી રજા લઈ લીધી પણ એક બીજી સમસ્યા હતી. એ દિવસો સ્વાતંત્ર્યની ચળવળના દિવસો હતા અને મારું વતનનું શહેર પોલીસની કપરી તપાસનું મુખ્ય સ્થાન હતું અને સાવ સામાન્ય કે કારણ વિના લોકોની ધરપકડ થતી. હું જે વિસ્તારમાં જવાનો હતો તે વિસ્તારના યુવાનો પર સી.આઈ.ડી.ની સચેત અને વિશેષ નજર રહેતી. હું બેલુર મઠ ગયો અને મેં સ્વામી વિરજાનંદજીને આ બધી પરિસ્થિતિની જાણ કરી. તેમણે તરત જ જવા માટે રજા આપી દીધી. જો કે મેં એમને મારા પોતાના પોલીસ વિશેના ભયની કોઈ વાત કરી ન હતી. પરંતુ તેઓ પોતાની અદ્‌ભુત અંતર્દૃષ્ટિથી મારા મનમાં હું શું વિચારતો હતો તે જાણી ગયા. તેમણે મને કહ્યું, ‘તારે ડરવાની જરૂર નથી. હું તને ઓળખપત્ર આપું છું. જો તને ક્યાંય મુશ્કેલી પડે તો આ પત્ર બતાવજે, પછી કોઈ પોલીસ તને રંજાડશે નહીં. હું તારી બધી જવાબદારી મારે શિરે લઉં છું.’ આમ કહીને એમણે તરત જ એક પત્ર લખ્યો અને મને આપ્યો. એ પત્ર જોઈને હું ખૂબ નવાઈ પામ્યો. આ પત્રમાં આમ જણાવ્યું હતું, ‘આ છોકરાની કોઈ ફરિયાદ આવે તો એ ફરિયાદ વિશે મને બેલુર મઠમાં જાણ કરવી. હું એની વર્તણૂકની બધી જવાબદારી લઉં છું. છોકરાને નિરર્થક પજવણી ન થાય એ જોવા આપને વિનંતી કરું છું.’ આ જ પત્રે યાત્રાકાળમાં મારી રક્ષા કરી હતી. જો કે એક કરતાં વધારે વખત સી.આઈ.ડી.એ મારો પીછો કર્યો પણ આ પત્રની રજૂઆતે મને બધી મુશ્કેલીમાંથી બચાવી લીધો.’’

એક બીજા સંન્યાસીએ પોતાનાં સંસ્મરણોમાં આ વાત કરી છે, ‘લોકો સાથેના વ્યવહારમાં સ્વામી વિરજાનંદજીની રીત અનન્ય હતી. તેઓ ક્યારેય કોઈને સીધેસીધું ‘આમ કરજો’ કે ‘આમ ન કરજો’ કહેતા નહીં. તે સાંભળનારને મુશ્કેલીઓ કે વિગતની સાચી પરિસ્થિતિ વિશે મીઠા શબ્દોમાં સહજતાથી સમજાવી દેતા. પોતાના પત્રોમાં પણ તેઓ આ જ રીતનું અનુસરણ કરતા.’

૧૯૩૮માં સ્વામી વિરજાનંદજી સંઘના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા. પરંતુ જ્યારે એ જ વર્ષની ૨૩ ઓક્ટોબરે સ્વામી શુદ્ધાનંદજી મહાસમાધિ પામ્યા ત્યારે સંઘના સર્વોચ્ચપદે – પરમાધ્યક્ષરૂપે સર્વાનુમતે તેઓ ચૂંટાયા. શ્યામલાતાલથી નીકળીને તેઓ ૧૧ ડિસેમ્બરે બેલુર મઠ આવ્યા. સ્વામી વિરજાનંદજીએ જીવનનાં છેલ્લાં બાર વર્ષ સંઘના પરમાધ્યક્ષરૂપે પોતાની જવાબદારી નિભાવી. કાર્યનું ભારે દબાણ, સંઘની સામે ઉદ્ભવતી અનેક સમસ્યાઓ, અસંખ્ય આધ્યાત્મિક જિજ્ઞાસુઓની માગ તેમજ પોતાની વયોવૃદ્ધ અને નબળી પડતી તંદુરસ્તી, આમાંથી એક પણ એમના મનનાં શાંતિ અને સ્વસ્થતાને એક ક્ષણ માટે પણ હરી ન શક્યાં. પોતાના પરમાધ્યક્ષ કાળમાં રાષ્ટ્રમાં ઘણી સામાજિક, આર્થિક અને કોમવાદી ઉથલપાથલો થઈ હતી. આવા કટોકટીના કાળે સ્વામી વિરજાનંદ જેવી વિભૂતિનું શાંત અને સામૂહિક ભાવનાવાળું વ્યક્તિત્વ રામકૃષ્ણ સંઘ માટે ખરેખર ઈશ્વરની એક વિશેષ કૃપા બની રહી. આ વિશે સ્વામી ગંભીરાનંદજીએ પોતાના પુસ્તક ‘હિસ્ટરી ઓફ રામકૃષ્ણ મઠ એન્ડ મિશન’ના ત્રીજા સંસ્કરણમાં પૃષ્ઠ ૨૭૮માં આમ કહ્યું છેે :

સ્વામી વિરજાનંદજીએ શ્રીશ્રીમાનાં ચરણોમાં આધ્યાત્મિક તાલીમ મેળવીને વ્યક્તિગત રીતે સ્વામી વિવેકાનંદની સેવા કરી હતી. સાથે ને સાથે એમણે મઠ અને મિશનમાં વિવિધ મહત્ત્વના પદે રહીને લાંબા સમય સુધી કામ કર્યું હતું… આ બધી ગુણવત્તાઓને લીધે તેઓ એક અસાધારણ વ્યક્તિત્વવાળા સંન્યાસી તરીકે અંકિત થયા. વાસ્તવિક રીતે તેઓ રામકૃષ્ણ સંઘના સૌથી વધારે સફળ પરમાધ્યક્ષ પુરવાર થયા. સંસ્થા, તેના બધા સભ્યો તેમજ જેમને જેમને તેમણે મંત્રદીક્ષા આપી હતી એવા અસંખ્ય ગૃહસ્થ ભક્તો પર પોતાની કાયમી અમીટ છાપ છોડી જવા માટે પ્રભુએ એમને લાંબો સમય સુધી જીવતા રાખ્યા હતા. તેઓ ૧૯૫૧ સુધી જીવતા રહ્યા. જો કે એમના પદાધિકાર વખતનો પ્રથમ અરધો તબક્કો યુદ્ધ, ભૂખમરો અને રાજકીય અસ્થિરતાને લીધે ભારે સંકટોનો રહ્યો. સંઘ માટે એ ખરેખર આશીર્વારૂપ બની રહ્યો કારણ કે આ વિષમકાળમાં સંઘને આધ્યાત્મિક જીવન તરફ દોરી જાય અને માર્ગદર્શન આપી શકે તેવા સ્થિર, શાંત મનમસ્તિષ્કવાળા સંન્યાસીનું સુકાન સાંપડ્યું હતું.

જો કે તેઓ સંઘના અત્યંત સન્માનનીય પદ એવા પરમાધ્યક્ષરૂપે રહ્યા હતા અને હજારો લોકોના પૂજ્યભાવનું પાત્ર બન્યા હતા, છતાં પણ તેઓ હંમેશાં નિરાડંબરી અને સરળ સહજ રહ્યા. સુશીલતા, મર્દાનગી, શાંતિ અને વિનમ્રતા એમના વ્યક્તિત્વનાં થોડાં પાસાં હતાં. એમની વિશાળ અને ચમકતી આંખો તેમની પાસે આવતા સર્વ કોઈને આકર્ષી લેતી. આધ્યાત્મિક ઉપદેશકરૂપે તેમણે સેંકડો સ્ત્રી-પુરુષોને તેમનાં આધ્યાત્મિક જીવનમાં માર્ગદર્શન આપ્યું હતું. લોકોનાં દુ :ખ, દર્દની વાતો સાંભળવા માટે અને શાંતિના પથે વળવા માટે તેમને પ્રેરવા સુયોગ્ય માર્ગદર્શન આપવા પોતાના નબળા પડતા આરોગ્ય અને વૃદ્ધાવસ્થાનાં વેદના, વ્યથા તેમજ પોતાના માટે અત્યંત આવશ્યક એવા થોડા આરામને પણ તેઓ અવગણતા. પરંતુ સૌથી વધારે આશ્ચર્યજનક વાત તો એ છે કે તેઓ એક ઉપદેશક કે ગુરુ છે એવું ક્યારેય ન અનુભવતા.

તેઓ કહેતા કે ઈશ્વર જ સાચા ગુરુ છે. તેઓ દરેકની અંદર વસે છે. તેઓ પોતે નિર્મળ, પવિત્ર મનમાં પ્રગટે છે અને આધ્યત્મિક જિજ્ઞાસુને યોગ્ય પથે વાળે છે. તેઓ જિજ્ઞાસુ માટે જે સારું છે તે જ કરે છે… ગુરુ હંમેશાં આ સ્વરૂપે શિષ્યમાં વસે છે. માનવદેહવાળા ગુરુ ક્ષરદેહે હયાતના હોય ત્યારે પણ આ (ઈશ્વર) ગુરુ અનુપસ્થિત હોય તેવું નથી.’

આ સંદર્ભમાં એક સંન્યાસીનાં સંસ્મરણો અહીં આપવા જેવાં છે : ‘‘એક વખત મેં સ્વામી વિરજાનંદજીને સ્પષ્ટપણે પૂછ્યું, ‘મહારાજ, તમારી તબિયત જરાય સારી નથી અને તમને સતત તાવ રહે છે. આમ છતાં પણ તમે સવારના નવથી બપોરના બે વાગ્યા સુધી મંત્રદીક્ષા આપવા માટે બેસી રહો છો. સ્વામી શિવાનંદજી પણ પોતાના જીવનના અંતિમ તબક્કે પોતાની પથારીમાં બેસીને એકી સાથે મંત્રદીક્ષા આપતા. તમે પણ આમ શા માટે કરતા નથી ?’ આ સાંભળીને તેઓ હસ્યા અને કહ્યું, ‘જેમના પર શ્રીરામકૃષ્ણદેવ પોતાની અમીકૃપા મારા દેહ દ્વારા કરવા ઇચ્છે છે તે વ્યક્તિ અહીં આવે છે. અને મારે પણ મારે ભાગે આવતું કાર્ય કરવાનું રહે છે. પછી મારે ઉતાવળ કરવાની શી જરૂર છે ?’ ’’

સંઘના પરમાધ્યક્ષરૂપે પણ તેઓ આપણા દેશના અનેક પ્રદેશોમાં શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદના સંદેશનો પ્રચાર-પ્રસાર કરવા યાત્રા, પ્રવાસો કરતા. જ્યાં જ્યાં તેઓ જતા ત્યાં ત્યાં દરેક ઉંમરના અને જ્ઞાતિજાતિના લોકો એમની પાસે ઉમટી પડતા અને એમનું માર્ગદર્શન મેળવીનેે ખૂબ પ્રસન્ન થતા. એમના નેતૃત્વ હેઠળ રામકૃષ્ણ સંઘનો સવિશેષ વિસ્તાર થયો હતો.

પરમાધ્યક્ષ બન્યા પછી તરત જ તેઓ હૃદયરોગ અને યકૃતની સમસ્યાથી પીડાતા હતા, છતાં પણ તેઓ પૂરતો આરામ ન કરતા. સંઘના સંચાલનની સામાન્ય અને અસામાન્ય બધી બાબતો પર તેઓ ધ્યાન આપતા. વિશેષ કરીને તેઓ સંઘના સંન્યાસી સભ્યોના આધ્યાત્મિક વિકાસ માટે ચિંતિત રહેતા. એમનું નિરાડંબરી – નિરભિમાની નેતૃત્વ સર્વ કોઈને આકર્ષી લેતું. પોતે સંઘના આધ્યાત્મિક વડા હોવા છતાં પણ તેમને પોતાને સંઘના મુખ્ય સંન્યાસી સેવક તરીકે ગણવામાં કે રજૂ કરવામાં ઘણો આનંદ થતો.

તેમને પોતાના સંન્યાસી શિષ્યોને આવું કહેતાં ઘણીવાર સાંભળ્યા છે, ‘જેનાથી આપણો આ ધર્મસંઘ બને છે તેવા સંન્યાસી સેવકોનો હું મુખ્ય સંન્યાસી સેવક છું. એટલે મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી હું શારીરિક રીતે ગમે તેટલો અશક્તિમાન હોઉં તો પણ આપ સૌની સેવા કરવા હું ફરજ કરતાં પ્રેમથી વધારે બંધાયેલો છું.’ સ્વામી વિરજાનંદજીના આ શબ્દો વ્યક્તિત્વની સુંદર મજાની ઝાંખી કરાવે છે. (ક્રમશ 🙂

Total Views: 283

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.