શ્રીરામકૃષ્ણ હવે સુરેન્દ્રને ઘેર પધાર્યા છે. સુરેન્દ્રના વચલા ભાઈ મેજિસ્ટ્રેટ પણ છે. ભક્તો ઓરડામાં એકઠા થયા છે. ઠાકુર સુરેન્દ્રના ભાઈને કહે છે, ‘આપ જજ, પણ એટલું જાણજો કે બધુંય ઈશ્વરની શક્તિથી. મોટી પદવી ઈશ્વરે જ આપી છે. માણસો મનમાં માને કે અમે મોટા લોકો. અગાસીનું પાણી સિંહના મોઢાવાળા નળમાં થઈને પડે. પરંતુ જુઓ તો, ક્યાંનું પાણી ? ક્યાં આકાશમાં વાદળાં, તેનું પાણી અગાસીમાં પડે, એ વહેતું વહેતું નળમાં જાય, ત્યાર પછી સિંહના મોઢામાંથી બહાર નીકળે.’

સુરેન્દ્રના ભાઈ, ‘મહાશય, બ્રાહ્મ-સમાજમાં કહે છે કે સ્ત્રીઓને સ્વાતંત્ર્ય આપો, જાતિભેદ કાઢી નાખો, એ બધું આપને શું લાગે છે ?’

શ્રીરામકૃષ્ણ, ‘ઈશ્વર ઉપર નવો નવો પ્રેમ જન્મે ત્યારે એમ થાય. તોફાન થાય ત્યારે ખૂબ ધૂળ ઊડે. એ વખતે કયું આંબલીનું કે કયું આંબાનું ઝાડ એ ખબર ન પડે. તોફાન જ્યારે શમે, ત્યારે સમજી શકાય. એમ નવી ઈશ્વર-પ્રીતિનું તોફાન જ્યારે શમી જાય ત્યારે પછી સમજાય કે ઈશ્વર જ શ્રેય, નિત્ય પદાર્થ, બીજું બધું અનિત્ય. સાધુ-સંગ, તપસ્યા કર્યા વિના આ બધાંની ધારણા થાય નહિ. પખવાજના બોલ મોઢે બોલ્યે શું વળે ? હાથમાં ઉતારવા બહુ કઠણ ! એકલાં લેકચર દીધે શું વળે ? તપસ્યા જોઈએ, ત્યારે ધારણા થાય. જાતિભેદ ? જાતિભેદ માત્ર એક ઉપાયથી નીકળી શકે. એ ઉપાય છે ભક્તિ. ભક્તોને જાત ન હોય. ભક્તિથી અસ્પૃશ્ય જાત શુદ્ધ થાય. ચાંડાળમાં જો ભક્તિ હોય તો પછી તે ચંડાળ રહે નહિ. ચૈતન્યદેવે ચંડાળ સુદ્ધાંને આલિંગન આપ્યું હતું.’

‘બધા માર્ગાેએ થઈને ઈશ્વરને પામી શકાય. એક જ ઈશ્વરને વિવિધ નામે બોલાવે છે. જેમ કે એક ઘાટેથી પાણી હિંદુઓ પીએ છે, તેઓ કહેશે જળ; બીજે એક ઘાટે ખ્રિસ્તીઓ પીએ, તેઓ કહેશે વોટર; ત્રીજે ઘાટે મુસલમાનો પીએ, તેઓ કહેશે પાની.’

સુરેન્દ્રના ભાઈ, ‘મહાશય, થિયોસોફી આપને શું લાગે છે ?’

શ્રીરામકૃષ્ણદેવેે કહ્યું, ‘સાંભળ્યું છે કે એમાં ચમત્કારો વગેરેનું કહે છે. દેવ મોડલને ઘેર જોયો હતો એક જણ પિશાચસિદ્ધ. પિશાચ એને કેટલીયે વસ્તુઓ લાવી દેતો. એવી શક્તિઓ લઈને શું કરવું ? એમનાથી શું કંઈ ઈશ્વરપ્રાપ્તિ થાય ? જો ઈશ્વરની પ્રાપ્તિ ન થઈ તો પછી બધુંય ખોટું !’

(શ્રીરામકૃષ્ણ કથામૃત ૧.૧૩૦-૧૩૧)

Total Views: 231
By Published On: August 1, 2015Categories: Ramakrishna Dev0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram