ગયા અંકમાં આપણે જોયું કે દુર્ગાપ્રસાદે પત્ની અને પુત્ર વિશ્વનાથ દત્ત (સ્વામીજીના પિતા)નો ત્યાગ કરીને સંન્યાસ ગ્રહણ કર્યો. હવે આગળ…

દુર્ગાપ્રસાદ અને શ્યામાસુંદરીદેવીનું જીવન જ જાણે એક અનોખા ઢાંચામાં ઢળેલું હતું. બન્નેનાં જીવનમાં ત્યાગની જ વૃત્તિ રહેલી હતી. તેઓમાં ઉચ્છૃંખલતા તથા આસક્તિનો દેખાડો ન હતો. બન્નેને એકબીજાના જીવન પ્રત્યે આદરભાવ હતો, એક-બીજાને સ્વતંત્રતા આપવાનું જ બન્નેને સ્વીકાર્ય હતું.

દુર્ગાપ્રસાદના સંસારત્યાગ કરીને ચાલ્યા ગયા પછી વિશ્વનાથના કાકા કાલીપ્રસાદ આ પરિવારના વડીલ બન્યા, પરંતુ કાલીપ્રસાદમાં ન તો દુર્ગાપ્રસાદ જેવી વિદ્વત્તા હતી કે ન તો ધન કમાવાની યોગ્યતા; ત્યાં સુધી કે તેમનામાં હૃદયની વિશાળતા પણ ન હતી. આ કારણે પિતા દ્વારા કમાયેલ સંપત્તિ ધીરે ધીરે ઓછી થતી ગઈ. શ્યામાસુંદરીએ ન જાણે કેટલીય મુશ્કેલ પરિસ્થિતિઓની વચ્ચે પોતાના આ પુત્રનું પોતાના બળે લાલન-પાલન કર્યું હશે! વિશ્વનાથ જ્યારે આશરે દસ વર્ષના હશે, ત્યારે શ્યામાસુંદરીએ પણ આ સંસારમાંથી વિદાય લીધી. વિશ્વનાથ હવે બધી રીતે અનાથ બની ચૂક્યા હતા. હવેથી તેમને તેમના કાકા ઉપર જ આધાર રાખવો પડતો હતો. કાકા દ્વારા તેમણે ડગલે ને પગલે દગો આપવામાં આવી રહ્યો છે, આ જાણીને પણ વિશ્વનાથે પોતાના સ્વભાવમાં રહેલ માધુર્ય તથા પરોપકારના ભાવને છોડ્યો નહીં.

દિવસો વીતતા જતા હતા. વિશ્વનાથ હવે યુવાનીના ઉંમરે પહોંચી ચૂક્યા હતા. તેમનામાં એવાં સદ્ગુણો અને યોગ્યતાનાં લક્ષણ રહ્યાં હતાં, જેનાથી દત્તવંશની મહાન પરંપરા જળવાઈ રહી શકતી હતી. વિશ્વનાથ બંગાળી, અંગ્રેજી, ફારસી, અરબી, ઉર્દૂ તથા હિન્દી ભાષાઓમાં નિપુણ બની ગયા હતા. તેમણે સંસ્કૃત પાઠશાળામાં જઈને સંસ્કૃતનો પણ અભ્યાસ કર્યો. ઈતિહાસ, જ્યોતિષ ફળાદેશ, સંગીત અને ત્યાં સુધી કે રસોઈવિદ્યામાં પણ તેમની વિશેષ રુચિ હતી. પિતા દુર્ગાપ્રસાદની જેમ જ તેમનો કંઠ પણ ઘણો જ મધુર હતો. ભણવાનું પૂરું કર્યા પછી વિશ્વનાથે હવે વ્યવસાય શરૂ કર્યો. તેઓ એક બ્રિટિશ વકીલ શ્રી ટેમ્પલની પાસે કામ શીખવા લાગ્યા. કાયદાની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા પછી તેમણે શ્રીઆશુતોષ ધરની ભાગીદારીમાં ‘ધર એન્ડ દત્ત’ નામથી પેઢીની સ્થાપના કરી. આના કેટલાંક વર્ષો પછી તેમણે સ્વતંત્ર રીતે વકીલાતનો વ્યવસાય કરવાનો નિર્ણય કર્યો અને કોલકાતાના ઉચ્ચ ન્યાયાલયમાં ‘એટર્ની-એટ-લો’ તરીકે કામ કરવા લાગ્યા.

એક ઉત્તમ વકીલ તરીકે વિશ્વનાથ દત્તનું નામ દૂર-દૂર સુધી ફેલાવા લાગ્યું. તે દિવસોમાં લખનૌ, લાહોર, દિલ્હી, રાજપૂતાના, બિલાસપુર, રાયપુર વગેરે સુદૂર સ્થળોમાં જઈને પોતાનું કામ પૂરું કરતા હતા. જેવા તેઓ પ્રચૂર પૈસા કમાતા, તેવા ખુલ્લા મનથી ખર્ચ પણ કરતા રહેતા હતા. મિત્ર-મંડળ, સગાં-સંબંધી તેમની આજુબાજુ ઘેરાયેલાં રહેતાં હતાં; તેમણે ઘણા નોકર-ચાકર રાખી લીધા હતા અને તેમની પોતાની ઘોડાગાડી પણ હતી. સ્વભાવે ભારે દાની અને ઉદાર હોવાને કારણે પોતાનાં ઘણાં સંબંધીઓનાં નિર્ધન બાળકોના શિક્ષણની જવાબદારી પણ સ્વીકારી હતી. નજીકના વિસ્તારમાંથી કોઈપણ મદદ માગવા આવતા, તો તેઓ ખાલી હાથે પાછા ફરતા ન હતા. તેમના દરેક કાર્યમાં ઉદારતા જોવા મળતી હતી. ધન એકઠું કરવાનો તેમનો સ્વભાવ ન હતો. તેઓ કહેતા, ‘મારાં બાળકો માટે ચિંતા કરવાની જરૂર નથી. તેઓ પોતાના માટે અવશ્ય કમાણી કરી લેશે; પરંતુ જે ગરીબ લોકોમાં તેવી ક્ષમતા નથી, તેમને મદદ કરવી આવશ્યક છે.’

વિશ્વનાથ દત્ત એક ગંભીર તથા વિચારશીલ સ્વભાવની વ્યક્તિ હતી. સામાજિક વિષયો પર પણ તેમનો દૃષ્ટિકોણ સંતુલિત, વ્યાપક અને વિદ્વત્તાપૂર્ણ હતો. એક ઉદારમતના હિન્દુ હોવા છતાં તેમનામાં બીજા ધર્મોમાં રહેલા મૂળભૂત તથા સાર્વભૌમિક વિચારોને સમજી લેવાની ઉત્સુકતા પણ હતી. તેને લઈને તેમણે બાઈબલ તથા ‘દિવાને-હાફિજ’નું પણ ઘણી રુચિ સાથે અધ્યયન કર્યંુ હતું. તેઓ પ્રગતિશીલ વિચારો ધરાવતા હોવા છતાં પણ ‘જે કશું નવું હોય એ બધું સારું છે’ એવા ભાવતરંગોમાં તણાઈ જવું, તેમના સ્વભાવમાં ન હતું. કામકાજની બાબતમાં તેમણે જ્યારે ઉત્તર અને મધ્ય ભારતનો પ્રવાસ કર્યો, તે દિવસો દરમિયાન તેમણે દરેક સ્થળના સામાજિક રીતિ-રીવાજોનું નિષ્ઠાપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. ક્યાંની કઈ પ્રથા સમાજની પ્રગતિ માટે હાનિકારક છે, તે તેમણે લખી રાખ્યું હતું. આ અભ્યાસના આધારે તેમણે બે ભાગોમાં ‘શિષ્ટાચાર-પદ્ધતિ’ નામનું એક પુસ્તક લખ્યું હતું. આ પુસ્તક ઈ.સ. ૧૮૮૨માં બંગાળી તથા હિન્દી બન્ને ભાષામાં લખાયું, પરંતુ તેનો પહેલો ભાગ જ પ્રકાશિત થઈ શક્યો હતો. આ ઉપરાંત તેમણે બંગાળીમાં ‘સુલોચના’ નામની એક નવલકથા પણ લખી હતી. આ ઈ.સ. ૧૮૮૦માં તેમના એક સંબંધીના નામથી પ્રકાશિત થઈ. એક વાક્યમાં કહેવું હોય, તો તેઓ સામાજિક સુધારાઓના સમર્થક હતા. પોતાના વ્યવસાયના માધ્યમથી તેઓ અનેક પ્રતિષ્ઠિત મુસ્લિમ તથા અંગ્રજ લોકોના સંપર્કમાં આવ્યા. તેના પરિણામે તેમના આચારવિચારમાં ઘણી ઉદારતા આવી ગઈ હતી.

વિશ્વનાથ દત્તનાં પત્નીનું નામ ભુવનેશ્વરીદેવી હતું. તેઓ કોલકાતાના સિમલા વિસ્તારના નિવાસી બસુ પરિવારનાં દીકરી હતાં. તેમના પિતા નંદલાલ બસુએ તત્કાલીન પ્રથા મુજબ તેમનાં નાની વયે જ લગ્ન કરી દીધાં હતાં. ભુવનેશ્વરી બાળપણથી જ અતિશય બુદ્ધિશાળી તથા બધાં કાર્યોમાં નિપુણ હતાં. તેઓ પોતાના સાસરાની ઘણી બધી જવાબદારીઓ સંભાળ્યા કરતાં હતાં. દૈનંદિન કાર્યોની વ્યસ્તતાની વચ્ચે પણ તેઓ સિલાઈ વગેરે કરતાં અને રામાયણ-મહાભારત આદિ ગ્રંથોનો પાઠ પણ કરી લેતાં. સંગીતમાં પણ તેમને ઘણી રુચિ હતી. તેઓ નિરાધાર અને ગરીબ લોકો માટે આશ્રયસ્થાન હતાં. તેમની સ્મરણશક્તિ ઘણી તેજ હતી. એકવાર સાંભળેલી કે વાંચેલી વાત તેમને હંમેશાં યાદ રહેતી હતી. તેઓ તેમના મધુર કંઠેથી શ્રીકૃષ્ણનાં ભજન ગણગણતાં રહેતાં હતાં. અમે સમજી કરીને જ વિશ્વનાથ દત્ત તથા ભુવનેશ્વરીદેવીનો પરિચય કરાવી આપ્યો. જાણો છો શા માટે? આ બન્ને જ આપણા પ્રિય સ્વામી વિવેકાનંદનાં માતા-પિતા હતાં. ભારતીય સંસ્કૃતિ તથા તેનાં દર્શનશાસ્ત્રના સાચા તાત્પર્યને અત્યંત સ્પષ્ટ રીતે વિશ્વ-મંચ પરથી ઉદ્ઘોષિત કરનાર સ્વામી વિવેકાનંદમાં પ્રગટ થનાર અનેક સદ્ગુણ તેમને તેમનાં માતા-પિતા પાસેથી જ વારસામાં મળ્યા હતા.

પીડિતોની મદદ માટે પોતાને ઝંપલાવી દેવાના તથા નિર્ભયતા અને નિર્ણયક્ષમતાના આ ગુણો તેમને પોતાનાં દાદા-દાદી પાસેથી પ્રાપ્ત થયા હતા. ધ્યાન રહે કે આ જ કારણે અમે દત્તવંશના પરિચયથી શરૂઆત કરી છે.

(ક્રમશ 🙂

Total Views: 68
By Published On: August 1, 2015Categories: Suruchi Pande, Dr.0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram