નારીઓ માટે વૈદિક સાહિત્યનો અભ્યાસ કરવાનો અને ઉપનયન ધારણ કરવાનો હક

કેળવણી મેળવવાનો અધિકાર નારીઓને નથી એ તો પાછળથી આવેલી નવીન બાબત છે. પ્રાચીન સમયમાં સ્ત્રીઓને પુરુષોની જેમ કેળવણીની સમાન તકો હતી. મધ્વાચાર્ય કહે છે કે દિવ્યનારીઓ જ નહીં પરંતુ કુટુંબની સુસંસ્કૃત અને ભદ્રનારીઓ – જેવી કે દ્રૌપદી અને ઋષિપત્નીઓ- ને વૈદિક સાહિત્યનો અભ્યાસ કરવાનો હક હતો. વાસ્તવિક રીતે વૈદિકકાળમાં सर्वनुक्रमणिक માં ઋગ્વેદના દ્રષ્ટાઓમાં વીશ નારીઓની નોંધ છે. એમાં લોપામુદ્રા, વિશ્વવારા, શિકતનીવાવરી અને ઘોષા, અપાલાને ઋગ્વેદની ઋચાઓની રચયિતા રૂપે વર્ણવી છે. अश्वालयनगृह्यसूत्र (૪.૪)માં સુલભા, મૈત્રેયી અને ગાર્ગીનું વર્ણન આવે છે. ગાર્ગી અને મૈત્રેયીનું વર્ણન બૃહદારણ્યક (૨.૪.૧ અને ૨.૬ અને ૮) માં આવે છે. એમાં મૈત્રેયી બ્રહ્મવિદ્યાનાં વિદ્યાર્થિની છે અને ગાર્ગી પૂર્ણ ब्रह्मवादिनी છે. તેઓ વેદાંતની ચર્ચામાં ભાગ લે છે અને યાજ્ઞવલ્ક્ય સાથે બ્રહ્મની ચર્ચા પણ કરે છે. ઉત્તરરામચરિતમાં અત્રેયીને વાલ્મીકિ અને અગત્સ્યની નિશ્રામાં વેદાંતનો અભ્યાસ કરતાં વર્ણવ્યાં છે. ભાગવત (૬.૧.૬૪) માં પુત્રીઓનો ‘દાક્ષણ્યા’ના નામે ઉલ્લેખ થયો છે, એનો અર્થ થાય છે શાસ્ત્રો અને દર્શનશાસ્ત્રમાં નિષ્ણાત. આપણે એ પણ જોયું છે કે શંકરાચાર્યના વખતમાં શંકરાચાર્ય અને મંડનમિશ્ર વચ્ચેની શાસ્ત્ર અને દર્શનશાસ્ત્રની ચર્ચામાંં વિદ્વાન અને સુસંસ્કૃત નારી નિર્ણાયકરૂપે કામ કરે છે. આપણને એ પણ જોવા મળે છે કે ઘણી નારીઓએ ઔષધ, ચિક્ત્સિા, ધર્મશાસ્ત્રના લેખક તરીકે કાર્ય કર્યું. મહાભારતમાં (૧.૧૩૧.૧૦) માં કહ્યું છે કે વૈદિકસાહિત્યના જ્ઞાનમાં સમાન કક્ષાવાળા બે પક્ષો વચ્ચે (પુરુષ અને સ્ત્રી) લગ્ન થવાં જોઈએ. જો સ્ત્રી સુશિક્ષિત ન હોય તો આવાં લગ્ન શક્ય ન બનતાં. ‘ययोरेव समं वित्तं ययोरेव समं श्रुतं तयोर्मैत्रयी विवाहश्च न तु पुष्टविपुष्टयोः ભાગવતમાં પણ આવું દૃષ્ટિબિંદુ વર્ણવ્યું છે : (૧૦.૬૦.૧૫) ‘ययोरात्मसमं वित्तं जन्मैश्वर्याकृतिर्भवस्तयोविर्वाहो मैत्री च नोत्तमासमयः क्वचित्।।’ – આ એ બતાવે છે કે જે પુરુષે પોતાનો વૈદિક અભ્યાસ પૂરો કર્યો હોય તેનાં લગ્ન એવી જ રીતે પોતાનો અભ્યાસ પૂરો કરનાર સ્ત્રી સાથે થાય છે, જો એમ ન હોય તો તેઓ એકબીજાની સમાન કક્ષાનાં નથી. રામાયણમાં સીતાને सन्ध्यावन्दन કરતાં વર્ણવ્યાં છે. રામાયણ (૫.૧૫.૪૮)માં આવે છે -‘सन्ध्याकालमनाः श्याम ध्रुवमेष्यति जानकी नदी चेमां शुभजलां सन्ध्यार्थ वरवणिर्नी।।’ સ્ત્રીઓ પણ યજ્ઞબલિ અર્પણ કરી શકતાં. સીતાએ રુદ્રયજ્ઞમાં યજ્ઞબલિ અર્પણ કર્યો હતો, (પરાશ્કરગૃહ્ય ૨.૧૭ અને ૩.૮.૧૦) રામના રાજ્યાભિષેક પ્રસંગે કૌશલ્યા એકલાંએ પરમસુખની ખાતરી માટે શ્નમાશ્નટ્રૂળઉં કર્યો હતો- ‘सा क्षेमवसना देवी नित्यं व्रतपरायणा अग्निं जुहोतिस्म सदा मन्त्रवत् कृतमङ्गला।।’ આ બધું એ દર્શાવે છે કે નારીઓ પુરુષની જેમ યોગ્ય કેળવણી મેળવતી, એમાં વૈદિક અને ધર્મ સાહિત્યનો સમાવેશ થાય છે. એટલે જ નારીઓ ઊતરતી કક્ષાની છે અને પછીના દિવસોમાં જેમ બન્યું તેમ તેમને કેળવણી મેળવવાનો કોઈ હક નથી, એમ કહીને એમની નિંદા કરવી નિરર્થક છે. કેળવણીના અભાવે નારીઓ પુરુષ કરતાં નિમ્ન કક્ષાની છે એમ કહેવું, એ સમાજના પતનની વાત છે. જૈમિની પરના પોતાના ભાષ્યમાં સબરે કહ્યું છે, ‘अतुल्या हि स्त्री पुंस यजमानः पुमान् विद्वांश्च पत्नी च स्त्री चाऽविद्या च’(6.1.24).

આથી એ સાબિત થતું નથી કે નારી નિમ્નકક્ષાની છે, પરંતુ તે તો નારીની કેળવણીની કાળજી ન રાખનાર પુરુષોના દોષનો એક પ્રતિભાવ છે. પુત્રીના પિતા અને તેમના પુરુષ સગાઓ દ્વારા આરક્ષણરૂપે યોગ્ય શિક્ષણ અને તાલીમ મળવી જોઈએ. પુત્રીઓનું બાળપણમાં પોતાનાં માતપિતા દ્વારા આરક્ષણ થવું જોઈએ. એવી આપણા શાસ્ત્રની આજ્ઞા ન પાળવા માટે તેમજ વૈદિકકાળના આપણા પૂર્વજોના પગલે ન ચાલવાનું કર્તવ્ય ન બજાવવા માટે તેમની નિંદા થવી જોઈએ. એટલા માટે જ સ્વામી વિવેકાનંદ સુયોગ્ય નારીકેળવણી પર ભાર દેતા અને એવી કેળવણી દ્વારા નારીઓને પોતાની સમસ્યાઓ પોતાની મેળે ઉકેલવાની સ્વતંત્રતા આપવાની તરફેણ કરતા. સ્ત્રીઓ માટે શું સારું છે કે નહીં તેવો આદેશ આપવો એ ખરેખર ઉદ્ધતાઈ છે. એનું કારણ એ છે કે નારીઓના પ્રશ્નો પુરુષ કરતાં જુદા હોવાને કારણે પુરુષો ક્યારેય તેમની સમસ્યાઓને જાણી શકવાના નથી. પુરુષો તો સ્ત્રીઓને યોગ્ય કેળવણી આપીને તેમને પોતાની સમસ્યાઓ પોતાની મેળે ઉકેલવાની સ્થિતિમાં મૂકી શકે. એટલે જ એ સલાહભર્યું રહેશે કે मानवगृह्यसूत्र (6-7)માં દર્શાવેલ સિદ્ધાંતને સ્વીકારવા જોઈએ. આ સૂત્રમાં કન્યાને વિદ્યા કે શિક્ષણ દ્વારા કેળવવા પર ભાર દીધો છે. मानवगृह्यसूत्र ના સમયે જે સિદ્ધાંતો અમલમાં હતા તે સ્વીકારવામાં આવે તો બધાં માતપિતા અને વાલીઓ એની મેળે છોકરીની કાળજી લેવા માંડશે અને તેઓ છોકરીને યોગ્ય કેળવણી આપશે.

પ્રાચીન ઇતિહાસમાં એવી અનેક ઘટનાઓ છે કે જે જેમાં સ્ત્રીઓ પતિની ગેરહાજરીમાં રાજ્યનું શાસન ચલાવવાની જવાબદારી પણ લઈ શકતી. રામાયણ (૨.૩૭-૩૮)માં કહ્યું છે કે રામ વનમાં હતા ત્યારે સીતાને રાજ્યશાસનની ધૂરા સંભાળવાની દરખાસ્ત થઈ હતી. ‘आत्मा हि दारा सर्वेषां दारसङ्ग्रहवतिर्नां आत्मेयं इति रामस्य पालयिष्यति मेदिनीम्।।’ – ‘પત્નીરૂપે પતિની જેમ જ સીતા રામના વતી રાજ્યનું શાસન કરશે.’ શાંતિપર્વ (૩૨.૩૩)માં ભીષ્મ એવી સલાહ આપે છે કે જે રાજા યુદ્ધમાં મૃત્યુ પામે અને એને પુત્ર ન હોય તો પુત્રીઓ પણ રાજ્યાભિષેકનો અધિકાર ધરાવે છે. ‘कुमारो नास्ति येषां च कन्यास्तत्राऽभिषेचय।।’ કોલ્હાપુરનાં તારાબાઈ, ઝાંસીનાં લક્ષ્મીબાઈ, ઇન્દોરનાં અહલ્યાબાઈ, મેવાડનાં કુમારદેવી, ચિત્તૂરનાં કર્ણાવતી જેવી રાજશાસનની ધૂરા સંભાળનાર ઘણી નારીઓના કિસ્સા છે. આમાંની કેટલીક નારીઓ માત્ર સુશાસક ન હતી પરંતુ યુદ્ધના મેદાનમાં તેમણે લશ્કરના સેનાપતિરૂપે પણ ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. આ બાબત એ બતાવે છે કે ક્ષત્રિય સ્ત્રીઓને યુદ્ધકળામાં પણ કેળવવામાં આવતી. કેટલાંક નાટકોમાં રાજાના અંગરક્ષક તરીકે સ્ત્રીઓનું વર્ણન આવે છે. સાથે ને સાથે લશ્કરમાં પણ નારીઓ કેવી રીતે જોડાતી તેનો પણ ઉલ્લેખ આવાં નાટકોમાં થયો છે.

શ્રીરામકૃષ્ણનો નારીઓ પ્રત્યેનો ભાવ

‘બધી સ્ત્રીઓ સાક્ષાત જગદંબાની પ્રતિમૂર્તિ છે. વાયવ્ય ભારતના દેશોમાં લગ્ન વખતે કન્યા પોતાના હાથમાં છરી રાખે છે, બંગાળમાં ફળ કાપવાનું સાધન રાખે છે. એનો અર્થ એ છે કે દિવ્યશક્તિની પ્રતિમૂર્તિ સમી પત્નીની મદદથી પતિ માયાના બંધનને તોડી નાખે છે. આ ‘વીરતા’નો ભાવ છે. મેં એ રીતે ક્યારેય મા જગદંબાને પૂજ્યાં નથી. મા જગદંબા પ્રત્યે મારો ભાવ તો એમના બાળક (સંતાન) જેવો રહ્યો છે.’

‘બધી નારીઓ શક્તિનું પ્રતિરૂપ છે. તે મૂળભૂત શક્તિ નારીઓ બની છે અને આપણી સામે નારીના રૂપે દેખાય છે. અધ્યાત્મ રામાયણમાં નારદ અને બીજાંએ આવું કહીને રામની પ્રશંસા કરી છે : ‘હે રામ, અમે જે કંઈ પુરુષરૂપે જોઈએ છીએ તે તમે જ છો. અમે જેને નારીરૂપે જોઈએ છીએ તે બધી સીતા છે. તમે ઇન્દ્ર છો અને સીતા ઇન્દ્રાણી છે, તમે શિવ છો અને સીતા શિવાની છે; આપ પુરુષ છો અને સીતા સ્ત્રી છે. હવે મારે એેમાં વધારે શું કહેવું! જ્યાં જ્યાં પુરુષ છે ત્યાં ત્યાં આપ અસ્તિત્વ ધરાવો છો અને જ્યાં નારી છે ત્યાં સીતા છે.’

‘પુરુષે કેટલાંક ઋણ ચૂકવવાનાં છે; તેણે દેવો અને ઋષિઓનું ઋણ, માતાપિતા અને પત્નીનું ઋણ ચૂકવવાનું છે. પોતાનાં માતપિતાનું જે ઋણ છે તે અદા કર્યા વિના મનુષ્ય કંઈ પામી શકતો નથી. પુરુષ પોતાની પત્નીનો પણ ઋણી છે. હરિએ પોતાની પત્નીનો ત્યાગ કર્યો છે અને તે અહીં રહે છે. જો તેણે પોતાની પત્નીને નિભાવ માટે કંઈ આપ્યા વગર છોડી હોત તો હું તેને ઘૃણાસ્પદ દુષ્ટ જ કહેત.’

‘આત્મજ્ઞાન મેળવ્યા પછી તમે તમારી એ જ પત્નીને મા જગદંબાના અવતાર રૂપે માનશો. ચંડીમાં આવું લખ્યું છે. બધાંમાં મા જગદંબા માતૃરૂપે રહ્યાં છે. તેઓ જ તમારાં માતા બન્યાં છે.’

‘તમે જે બધી નારીઓ જુઓ છો તે માત્ર ને માત્ર મા જગદંબા છે. એટલે જ હું દાસી વૃંદાને ઠપકો આપી શકતો નથી. એવા લોકો પણ છે કે તેઓ મોટે મોટેથી શાસ્ત્રનાં સૂત્રો બોલે છે અને મોટી મોટી વાતો કરે છે, પરંતુ તેઓ બધા પોતાનાં વર્તનવલણમાં સાવ જુદાં જ છે. રામપ્રસન્ન હઠયોગીઓને માટે અફીણ અને દૂધ મેળવવા સતત પ્રવૃત્ત રહે છે. તે કહે છે કે મનુ પોતે સાધુની સેવા કરવા માનવની સાથે જોડાય છે. પરંતુ તેની વૃદ્ધમાતાને ખાવાનું પૂરું મળતું નથી. તે પોતાના ઘરની ચીજવસ્તુઓ ખરીદવા પોતે જ બજારમાં જાય છે. તેનાથી મને ખૂબ ગુસ્સો આવે છે.’

‘પણ અહીં તમારે એક બીજી વસ્તુ ધ્યાનમાં લેવી જોઈએ. જ્યારે કોઈપણ માણસ પ્રભુના ભાવોન્માદના નશામાં લીન થઈ જાય છે ત્યારે એને માટે કોણ પિતા છે અને કોણ માતા કે પત્ની છે? તેનો પ્રભુ માટેનો પ્રેમ એટલો ઉત્કટ છે કે તે તેનાથી પાગલ બની જાય છે. પછી એણે કોઈ ફરજ બજાવવાની રહેતી નથી. તે બધાં ઋણમાંથી મુક્ત થઈ જાય છે.’

‘સ્ત્રીઓ તો મા જગદંબાનાં અનેક રૂપ છે. હું એમને દુ :ખકષ્ટ સહન કરતાં જોઈ ન શકું.’

Total Views: 491

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.