આ પહેલાંના અંકમાં ચૈતન્ય અને ચેતનાનો ભેદ તેમજ સ્વામી પ્રમેશાનંદના વિનોદી વ્યક્તિત્વ વિશેના પ્રસંગો જોયા, હવે આગળ…

૧૭-૧૦-૫૮

મહારાજ – ‘બે વસ્તુઓ છે- એક જડ અને બીજી ચેતન. હવે તમે કહો કે તમે શું સમજ્યા?’

સેવક – ‘વૃક્ષ ફાફયિક્ષહિંુ – દેખીતી રીતે જડ લાગે છે. પરંતુ તેમાં પણ ચેતના છે કે હોશ છે. (હોશ વિશે મહારાજે આ પહેલાં પણ કહ્યું હતું.) જેમ લજામણી છોડને સ્પર્શ કરતાં જ તે સંકોચાઈ જાય છે, જેવી રીતે પપૈયાનું ઝાડ પ્રકાશની શોધમાં ઊગીને ઊભું રહે છે.’

મહારાજ – ‘હા, શું એ જોતા નથી કે વૃક્ષ ઉપર તરફ પોતાની શાખા-પ્રશાખાનો વિસ્તાર કરીને શ્વાસ લે છે. એવી જ રીતે જમીનમાં જીભની જેમ નાનાં નાનાં મૂળિયાં માટીમાંથી રસ ખેંચીને પીએ છે’.

સેવક – ‘એનો અર્થ એ છે કે ચેતના જ પ્રાણ દ્વારા કાર્ય કરે છે. અર્થાત્ ચેતના ન રહે તો પ્રાણનું પણ કોઈ કાર્ય રહેતું નથી, પ્રાણ પણ કોઈ કાર્ય કરી શકતો નથી.’

મહારાજ – ‘એક બીજ માટીમાં વાવીને જોજો કે કેવી રીતે બે અંકુર ફૂટે છે. કીડીથી માંડીને મનુષ્ય સુધી બધાંમાં એ જ ચેતના છે. તે જ અખંડ ચૈતન્ય પોતે ઇચ્છા કરીને કીડીના જીવનનો આનંદ લેવા કીડીના શરીરમાં પ્રવેશ્યું. પરંતુ તેમાં પ્રવેશીને તે એ ભૂલી ગયું કે તે અખંડ ચૈતન્ય છે. તેેણે પોતાની જાતને કીડી માની લીધી. આ રીતે ૮૪ લાખ યોનિઓ પછી મનુષ્ય જન્મ થયો. ત્યાર પછી ૧૦૦ જન્મો પછી ઠોકરો ખાતાં ખાતાં સંસારમાં સુખ ન મેળવીને બીજું કંઈક શોધવા લાગ્યો, પોતાની જાતને સમજવાનો પ્રયત્ન કરવા લાગ્યો. જો શ્રીઠાકુર ન આવ્યા હોત તો આપણે લોકોએ વધારે ૧૦૦ જન્મ સુધી રાહ જોવી પડત.

સેવક – ‘योगक्षेमं वहाम्यहम्’, કેવી રીતે થાય છે?

મહારાજ – ‘આનો ઉત્તર બહુ સરળ છે. ધારો કે એક સાધુ ક્લાંત અને ભૂખથી પીડિત છે. ભોજનપ્રાપ્તિની કોઈ આશા નથી. અચાનક કોઈ એક વૃંદ પિકનિક કરવા આવ્યું છે. એ લોકોએ સાધુને તૃપ્તિપૂર્વક ભોજન કરાવ્યું.’

૨૨-૧૦-૫૮

એક મજૂર સુંદર વસ્ત્ર પહેરીને આશ્રમ પાસેથી જતો હતો. તેને જોઈને મહારાજ કહેવા લાગ્યા, ‘દેશ જાગ્યો છે, પરંતુ દેશમાં ધનનો અભાવ છે, દેશમાં ઘણાં દુ :ખકષ્ટ છે! પરંતુ ઉન્નતિ તો થશે જ. દેશ જાગશે જ. એક જૂના તૂટેલા ભવનની મરામત કરાવવી સહજ નથી. નવા વિચાર જોઈએ. સંયમની વાતો કહીએ તો કહે છે, ‘ઈશ્વરની આજ્ઞાની ઉપેક્ષા થશે.’ આવા સડેલા વાસી સમાજમાં સ્વામીજીના વિચારનો પ્રવેશ કરાવવો પડશે. આપણા પુરોહિતોએ અબ્રાહ્મણોને અસ્પૃશ્ય બનાવી રાખ્યા હતા. બ્રાહ્મણત્વ કોઈ પણ વ્યક્તિમાં હોઈ શકે છે. શ્રીઠાકુરના મંદિરમાં પૂજા કાર્ય માટે એવી વ્યક્તિને રાખવી જોઈએ કે જેમાં બ્રાહ્મણના સંસ્કાર હોય, જે આભિજાત્ય હોય.

એકવાર સ્વામી શિવાનંદજી મહારાજે એક બ્રહ્મચારીને કહ્યું, ‘જાઓ, ભોગ લઈ આવો.’

તેણે કહ્યું, ‘મહારાજ, મારું શરીર બ્રાહ્મણનું નથી.’

ત્યારે મહારાજે કહ્યું, ‘શું કહે છે? બ્રાહ્મણના ઘરમાં જન્મ ન થવાથી શું બ્રાહ્મણ ન હોય?’

આશ્રમની જવાબદારી લેવી બહુ સરળ નથી. તેનાથી બધાના આધ્યાત્મિક જીવનનું દાયિત્વ પણ લેવું પડે છે. કેવળ સારું વ્યાખ્યાન આપવાથી અને બેચાર પંક્તિ સારું અંગ્રેજી લખવાથી જ કંઈ થવાનું નથી. જે આશ્રમમાં રહેશો ત્યાંની જ પરિસ્થિતિનો વિચાર કરવો પડે. અત્યારે પણ આ બધાના પ્રશિક્ષણની કોઈ વ્યવસ્થા થઈ નથી. સિલેટને કેન્દ્ર કરીને આ ક્ષેત્રમાં એક ભાવ-આંદોલનનો આરંભ થયો હતો. સંન્યાસીઓ સાથે ગૃહસ્થોનું અધિક મળવું-ભળવું સારું નહિ. ભોજન વિશે પણ સંન્યાસીનાં માન-અપમાન, એ બધું વળી શું? સમાજમાં પ્રતિષ્ઠા જ જો ઉદ્દેશ હોય તો તેમનું સંન્યાસી બનવું યોગ્ય નથી. ધર્મ ક્યાં છે? ના, ધર્મ તો વાળમાં છે! જુઓ, મુસલમાન, ખ્રિસ્તીઓ, હિંદુઓના ઋષિમુનિઓ, બધા કોઈને કોઈરૂપે વાળ રાખે છે. પરંતુ સાધુઓ વાળ રાખતા નથી. એ વાત સમજાય છે? આંતર-જીવન છોડીને બધા લોકો કેવળ ચામડાને લઈને જ ખેંચાખેંચી કરી રહ્યા હતા. એટલે જ શ્રીઠાકુરે આવીને એક નવા આદર્શની સ્થાપના કરી. (ક્રમશ 🙂

Total Views: 303

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.