ગયા અંકમાં આપણે ભગિની નિવેદિતા તેમનાં સ્વામી વિવેકાનંદ સાથેનાં ૨૫ જૂન, ૧૮૯૯ અને ૯,૧૨ તથા ૧૩ ઓક્ટોબર, ૧૮૯૯ ના રોજ નોંધેલાં સંસ્મરણો જોયાં, હવે આગળ …

૧૦. અમેરિકા : ૧૮ ઓક્ટોબર, ૧૮૯૯ : શુક્રવારે બપોરે ભોજનના સમયે સ્વામીજી શ્રીરામકૃષ્ણ વિશે બોલવા લાગ્યા. એમણે પોતાને એ વાત માટે ધિક્કાર્યા કે એ દિવસોમાં પાશ્ચાત્ય પ્રભાવે એમના મન પર એવો અધિકાર જમાવી લીધો, તેને એવું વિષાક્ત કરી દીધું કે તેઓ સર્વદા એ જોતા અને પૂછતા રહેતા કે શ્રીરામકૃષ્ણ ખરેખર જ ‘પવિત્ર’ છે કે નહીં. છ વર્ષો પછી તેઓ એવા નિષ્કર્ષ પર આવ્યા કે તેઓ પવિત્ર જ નહીં પરંતુ પવિત્રતાની પ્રતિમૂર્તિ બની ચૂક્યા છે. શ્રીરામકૃષ્ણ પ્રફુલ્લિતતા અને આનંદથી પરિપૂર્ણ હતા, જ્યારે સ્વામીજીની દૃષ્ટિમાં પવિત્રતાની કલ્પના એનાથી સાવ ભિન્ન રહેતી.

પછીથી સંભવત : બોઅર યુદ્ધના પ્રસંગે તેઓ વિભિન્ન રાષ્ટ્રોની ભૂમિકા વિશે બોલવા લાગ્યા. ત્યાર પછી જેનું સમાધાન પહેલાં અહીં (અમેરિકામાં) થવાનું છે, શૂદ્રોની એવી સમસ્યાઓ પર ચર્ચા કરવા લાગ્યા. એમના ચહેરા પર એક નવી ચમક આવી ગઈ; જાણે કે તેઓ ખરેખર ભવિષ્યમાં ઝાંખી કરી રહ્યા હતા; જેના દ્વારા આવનારા યુગનું નિર્માણ થવાનું છે તેવાં રાષ્ટ્રોના સંમિશ્રણ, મહાન ઉથલપાથલ અને એ ભયંકર ઊલટફેર વિશે બોલવા લાગ્યા. ગ્રંથોમાંથી ઉદ્ધરણ દેતાં તેમણે કહ્યું, ‘કલીયુગનું ઘનીભૂત હોવાનાં આ લક્ષણો છે. જ્યારે ધનદેવતાની પૂજા થશે અને ત્યારે ‘જેના હાથમાં લાઠી એની ભેંસ’ ની નીતિ ચાલશે અને લોકો દુર્બળોનું ઉત્પીડન કરશે.’

એકવાર ભોજનને સમયે શ્રીમતી બુલે સ્વામીજી તરફ ઉન્મુખ થઈને કહ્યું કે કવિતાઓમાં એમની પ્રતિભા પૂરેપૂરી રીતે વ્યક્ત થતી નથી, પરંતુ તેઓ એમના સન્માનને હાનિ પહોંચાડે છે. એમણે દર્શાવ્યું કે એમના પતિ ક્યારેય પણ પોતાના સંગીતની સમાલોચના વિશે સંવેદનશીલ ન હતા. સમાલોચનાની તેઓ અપેક્ષા જ રાખતા હતા. તેઓ જાણતા હતા કે તેમના સંગીતમાં ખામીઓ છે. પરંતુ સડક નિર્માણ વિશે તેઓ અત્યંત ભાવુક હતા અને તે વિષયમાં પોતાની તારીફ સ્વીકારી પણ લેતા હતા. અમે લોકો આનંદ લેવા માટે ધર્માચાર્યના રૂપે સ્વામીજીની બેપરવાહી અને ચિત્રકારના રૂપે એમના અભિમાન વિશે એમને ચીડવવા લાગ્યા. આ સાંભળીને તેઓ એકાએક બોલી ઊઠ્યા, ‘જુઓ, એક ચીજ છે જેને પ્રેમ કહે છે અને એક બીજી ચીજ છે જેને અભિન્નતા કહે છે.

આ અભિન્નતા જ પ્રેમથી ચઢિયાતી છે. હું ધર્મને પ્રેમ કરતો નથી; હું એની સાથે અભિન્ન-એકાકાર થઈ ગયો છું. આ મારું જીવન છે; કોઈ વ્યક્તિ એ ચીજને પ્રેમ કરતો નથી જેમાં એણે પોતાનું સમગ્ર જીવન ખપાવી દીધું છે, જેમાં એને થોડીક વાસ્તવિક ઉપલબ્ધિ મેળવી છે. જ્યાં સુધી એ વસ્તુઓ આપણાથી અભિન્ન થઈ શકતી નથી ત્યાં સુધી આપણે એને ચાહીએ છીએ. તમારા પતિ સર્વદા સંગીતનું અધ્યયન કરતા રહે છે પણ એમણે સંગીત સાથે પ્રેમ નથી કર્યો; એમનો પ્રેમ તો ઇજનેરી સાથે હતો અને એ વિષયમાં તેઓ અપેક્ષા કરતાં ઓછું જાણતા હતા. ભક્તિ અને જ્ઞાનની વચ્ચે આ જ ભેદ છે એટલે જ જ્ઞાનનું સ્થાન ભક્તિથી ચઢિયાતું છે.’ આખી સવાર તેઓ ચંગીઝખાનને અધીન મોગલોના મહાન અભિયાન વિશે બોલતા રહ્યા. આ કાનુનને વિશે હિંદુઓની એ ધારણા પર ચર્ચાથી આરંભ થયો, એ પ્રમાણે તે રાજાઓનો પણ રાજા છે અને તે સર્વદા જાગ્રત છે. એમણે દર્શાવ્યું કે હિંદુઓના વેદોમાં એમનું સાચું સ્વરૂપ નિરૂપિત થયું છે. જ્યારે અન્યરાષ્ટ્ર એને કેવળ અનુશાસનના રૂપે જ જાણતા હતા.

રવિવારની સાંજે અમે ત્રણ જણ એક અતિથિ સાથે એમના ઘરે ગયા. ત્યાં અમે લોકો ઉચ્ચસ્વરે ‘નારી’ પર શોપેનઓવરના વિચાર વાંચી રહ્યા હતા. પાછા ફરતી વખતે જોયું કે અદ્‌ભુત ચાંદની છવાઈ ગયેલી છે. અમે મૌનભાવ સાથે પગપાળા ચાલતાં એવેન્યૂ સુધી આવ્યાં. એવું લાગતું હતું કે જાણે થોડોક પણ અવાજ એ નિસ્તબ્ધતાનો ભંગ કરી શકે. એના પર સ્વામીજીએ કહ્યું, ‘ભારતમાં જ્યારે કોઈ વાઘ રાતના સમયે પોતાના શિકારની પાછળ ચાલે છે ત્યારે તેના પંજા કે પૂછડા સાથે એક થોડો પણ અવાજ નીકળે તો વાઘ એને એટલું બટકું ભરે છે કે એમાંથી લોહી નીકળવા લાગે.’ પછી એમણે દર્શાવ્યું કે પાશ્ચાત્ય મહિલાઓએ શીખવું પડશે કે કઈ રીતે મૌન રહીને સૌંદર્યનું રસાસ્વાદન કરાય અને આ વાતનો એમણે ભવિષ્યમાં પણ ખ્યાલ રાખવો જોઈએ.

એક દિવસ બપોર પછીના સમયે જ્યારે બધું એટલું શાંત હતું કે જાણે અમે ભારતવર્ષમાં હોઈએ એવું લાગતું હતું. જે લોકો અદ્વૈતવાદ તથા વૈદિક સાહિત્યમાં રુચિ રાખતા હતા, એમની સાથે તુલના કરતી વખતે મને પોતાની હીનતાનું જ્ઞાન થયા કરતું, પરંતુ એમણે દ્વૈત ભાવની પણ કેવી અદ્‌ભુત પ્રસ્તુતિ કરી! આ રામપ્રસાદના એક ભજનથી આરંભાયું અને હું તમારા માટે એ દિવસની બધી વાતોનું પૂરું વિવરણ દેવાનો પ્રયત્ન કરીશ :

જે દેશમાં રાત નથી થતી….

શ્રીરામકૃષ્ણ જોતા કે તેમની ભીતરથી એક શ્વેત દોરા જેવું કિરણ નીકળી રહ્યું છે. એના અંતિમ છેડે એક જ્યોતિપુંજ છે. આ જ્યોતિ ખૂલી જાય અને તેની ભીતર હાથમાં વીણા લઈને જગદંબા દેખાય છે. ત્યાર પછી તેઓ વીણા વગાડવા લાગે છે. તેઓ જેમ જેમ વીણા વગાડતા જાય તેમ તેમ તેઓ જોતાં કે તે સંગીત ક્રમશ : પક્ષીઓ, પશુઓ તથા બ્રહ્માંડોમાં પરિણત થતું જતું અને સર્વકંઈ સુવ્યવસ્થિત થઈ જતું. ત્યાર પછી મા વીણા બજાવવાનું બંધ કરી દેતાં અને સર્વકંઈ લુપ્ત થઈ જતું. તે પ્રકાશ ક્રમશ : ક્ષીણથી ક્ષીણતર થતો જતો અને અંતે એક જ્યોતિપુંજ માત્ર શેષ રહેતો. પછી એ કિરણ પણ ક્રમશ : નાનું થતું જતું અને અંતે બધું એમની ભીતર વિલીન થઈ જતું.

આનું વર્ણન કરતા સ્વામીજીએ કહ્યું, ‘અહા! મારી સામે કેવાં કેવાં અદ્‌ભુત દૃશ્યો પ્રગટ થતાં અને મારા જીવનનું સર્વાધિક અદ્‌ભુત દૃશ્ય હતું – દક્ષિણેશ્વરના વિશાળ વૃક્ષ નીચે ફેલાયેલ અંધકારમાં છવાયેલી તે પૂર્ણ નિસ્તબ્ધતા. એ કેવળ શિયાળોની લાળીના અવાજથી ભંગ થતી. રાત પ્રતિ રાત અમે ત્યાં જ બેસતા, આખી રાત વિતી જતી, તેઓ મારી સાથે વાતો કરતા રહેતા, હું એ સમયે એક બાળક માત્ર હતો. ગુરુને સર્વદા શિવ માનવા પડે અને સર્વદા એમની શિવના રૂપે પૂજા કરવી પડે, કારણ કે ઉપદેશ દેવા માટે વૃક્ષની નીચે બેસતા હતા અને એમણે અજ્ઞાનનો નાશ કરી દીધો હતો. વ્યક્તિએ પોતાનાં બધાં કર્મ એમને સમર્પિત કરી દેવાં પડે, અન્યથા પુણ્ય પણ એક બંધન બની જશે, અને નવાં કર્મની સૃષ્ટિ કરશે; એટલા માટે હિંદુ લોકો કોઈને એક ગલાસ પાણી દેતી વખતે કહે છે – આ ‘વિશ્વ’ને કે ‘જગદંબાને’ સમર્પિત કરું છું, એક જ છે જે કોઈ પણ અનિષ્ટ વગર બધું ગ્રહણ કરી શકે છે; અને જે ચિરકાલથી અક્ષય, અવ્યય તથા અવિકારી છે. અને એમણે જગતનું બધુંય વિષ પી જઈને સ્વયંને નિલકંઠ બનાવી લીધા છે. પોતાનાં બધાં કર્મ શિવને અર્પિત કરી દો.’ ત્યાર પછી તેઓ ત્યાગવૈરાગ્ય વિશે કહેવા લાગ્યા કે પોતાની યુવાવસ્થામાં જ એને સ્વીકારી લેવા એ કેટલું ઉત્તમ છે! ત્યાગના જીવનને કેવળ પોતાની વૃદ્ધાવસ્થા આપી દેવી એ ઘણા દુ :ખની વાત છે. જે લોકો વૃદ્ધાવસ્થામાં જ જેને અપનાવે છે એ કેવળ પોતાની મુક્તિ જ પામી શકે છે. તેઓ બીજાના ગુરુ બની શકતા નથી, બીજા પર અનુકંપા પણ કરી શકતા નથી. જે લોકો યુવાવસ્થામાં જ આ માર્ગને અપનાવી લે છે તેઓ પોતાનો સ્વાર્થ ત્યજીને અનેક લોકોને ભવસાગરની પેલે પાર લઈ જઈ શકે છે.

ત્યાર પછી તેઓ મારી સ્કૂલ વિશે બોલ્યા, ‘માર્ગરેટ, તમે બાલિકાઓને તેમની ઇચ્છા અનુસાર બધા પ્રકારનું શિક્ષણ આપો. કેવળ અક્ષરજ્ઞાન પર જ માથાકૂટ ન કરો. એનું કોઈ ખાસ મહત્ત્વ નથી. મન ભરીને એમને રામપ્રસાદ, રામકૃષ્ણ, શિવ તથા કાલીનું જ્ઞાન આપો. આ પાશ્ચાત્યલોકોની સાથે પ્રવંચના ન કરતા, એમની સામે એવું ન કહેવું કે તમે બાલિકાઓની ઔપચારિક કેળવણી માટે ધન એકઠું કરી રહ્યા છો. એમને એવું કહેજો કે તમે પ્રાચીન આધ્યાત્મિકતાની કેળવણી લેવા ઇચ્છો છો અને એને માટે ભીખ ન માગો, પરંતુ સહાયતાની માગ કરો. આટલું યાદ રાખો કે તમે જગદંબાની સેવિકા માત્ર છો અને તેઓ કંઈપણ ન મોકલે તો એમને ધન્યવાદ આપો કે એમણે તમને (આ કાર્યમાંથી) મુક્ત કરી દીધાં છે.’ (ક્રમશ 🙂

Total Views: 319

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.