ગયા અંકમાં આપણે પગલીમામી તેમની પુત્રી રાધૂ, ગણેન્દ્રનાથ, નીલમાધવ વગેરેનાં વૃતાંત જોયાં, ૧૬ બોઝપાડા લેઈનના ભગિની નિવદિતાના બાલિકા વિદ્યાલયના એક ઓરડામાં ગોપાલની માના અંતિમ દિવસોનો આરંભ જોયો, હવે આગળ…
એ સમયે રાતનો પહેલો પહોર ચાલતો હતો. તેમને (ગોપાલની મા) કુમારટોલીમાં આવેલ ગંગાયાત્રી ભવનના એક જુદા ઓરડામાં લઈ જવામાં આવ્યાં. ત્યાં જઈને એમણે લગભગ ચાર દિવસ નિવાસ કર્યો. શ્રીશ્રીમા દરરોજ એમને જોવા જતાં. એમના જતાં જ ગોપાલની માનાં બંને નેત્રો ક્ષણભર માટે ખૂલતાં અને પાછા બંધ થઈ જતાં. બાકી આખો દિવસરાત આંખો બંધ રહેતી. એમના હાથમાં માળા પણ રહેતી, વચ્ચે વચ્ચે તેના પર આંગળીઓ ફરતી રહેતી.
ચોથે દિવસે રાતના એક વાગ્યે એમના જીવનની અંતિમ ક્ષણ આવી છે એમ માનીને વૈદરાજના આદેશથી એમને ગંગાજળમાં ઉતારવામાં આવ્યાં. જોતજોતાંમાં એમનો પ્રાણવાયુ નીકળી ગયો.
આ પહેલાં જ બતાવ્યું છે કે અમે લોકો વચ્ચે વચ્ચે શ્રીશ્રીમાને ફરવા લઈ જતા. એક દિવસ એમને ચિતપુર રોડના બી. દત્ત નામના ફોટોગ્રાફરના સ્ટૂડિયોમાં લઈ ગયા અને પહેલેથી નક્કી કરેલ વ્યવસ્થા પ્રમાણે એમના ચાર ફોટા લેવાયા.
શ્રીશ્રીમાના ગામમાં દર વર્ષે દેવી શ્રીજગદ્ધાત્રિની પૂજા થતી. બંગાબ્દ ૧૩૧૧ (ઈ.સ. ૧૯૦૫)ની પૂજામાં શ્રીશ્રીમા ત્યાં ન ગયાં. ન જવાનું કારણ એ હતું કે એમને આ વખતે કોલકાતા આવ્યાને એક વર્ષ પણ થયું ન હતું. એમાં વળી જવું અને આવવું – તેમજ આવવા જવાનો ખર્ચ પણ ઓછો ન થતો. તેઓ એકલાં ન હતા – એમની સાથે એમના કાકા, રાધૂ અને તેની મા, માકૂ (શ્રીમાની બીજી ભત્રીજી), નલિની, ભાનુફઈ પણ જતાં. આ ઉપરાંત ગામમાં એમનું સ્વાસ્થ્ય પણ ખૂબ બગડી ગયું હતું. ભક્તોનો હાર્દિક અનુરોધ હતો કે થોડા દિવસ કોલકાતામાં રહેવાથી એમાં સુધારો થશે. એટલે એમનું જવાનું ન થયું. એમણે આ લેખકને ત્યાં મોકલ્યો. શ્રીશ્રીમાના ત્રીજા ભાઈ (વસ્તુત : ચોથા ભાઈ) વરદાકુમાર (વરદાપ્રસાદ) પણ સાથે ગયા. પૂજાના કેટલાક દિવસ ત્યાં રહીને હું પાછો ફર્યો. આ વખતે હું તારકેશ્વરના માર્ગે ગયો અને ઘાટાલના રસ્તે પાછો આવ્યો.
આ જગદ્ધાત્રી પૂજાની પાછળ પણ થોડો ઇતિહાસ છે, જે હું અહીં આપું છું : અન્ય સ્થાનોની જેમ શ્રીમાના ઘરમાં એક દિવસની જગદ્ધાત્રી પૂજા ન થતી. અહીં ત્રણ દિવસ પૂજા થયા પછી ચોથે દિવસે દુર્ગાપૂજાની જેમ મૂર્તિ-વિસર્જન થાય છે. એમ થવાનું કારણ પણ દર્શાવાય છે.
એકવાર હું આ પહેલાં સુધીર મહારાજ (સ્વામી શુદ્ધાનંદ) અને સ્વામી સોમાનંદ સાથે ઘાટાલથી પગપાળા વિદ્યાસાગરની જન્મભૂમિ વીરસિંહ ગામ થઈને જયરામવાટી ગયો હતો. ત્યારે આ પ્રકારની જગદ્ધાત્રી પૂજા થતી જોઈને મેં શ્રીશ્રીમાને એનું કારણ પૂછ્યું, ત્યારે એમના શ્રીમુખે જે સાંભળ્યું તે વર્ણન આવું છે :
‘પહેલીવાર શ્રીશ્રીમાની પૂજા થઈ. આગલે દિવસે કાલીએ (શ્રીમાના વચેટ ભાઈ કાલીકુમાર) પૂછ્યું, ‘દીદી, દધિકર્મની તૈયારી કરું?’ મને યાદ આવ્યું કે આજે ગુરુવાર છે. મેં ના પાડી દીધી. મેં કહ્યું, ‘આજે ગુરુવાર છે.’ વાત સમજીને એમણે એ દિવસ ફરી શ્રીમાની પૂજા કરાવી. પછીના દિવસે વળી પાછો મહિનાનો પહેલો દિવસ હતો- એ દિવસે પણ અગસ્તયાત્રા હોવાને લીધે દધિકર્મ કરવાનું ન કહી શકી. તેના પછીના દિવસે નિરંજન થયો. ત્યારથી શ્રીમા ત્રણ દિવસ પૂજા લઈ રહ્યાં છે.’
આ વખતે જયરામવાટીથી પાછા ફરતી વખતે શ્રીમાએ ઘણી ઉત્સુકતા સાથે પૂજા વિશે બધી વાતો સાંભળી.
ત્યાર પછી થોડા દિવસો બાદ પુરી જવાની વાત નીકળી. જવાનો દિવસ નક્કી થઈ ગયા પછી બે દિવસ-દિવસે સામાનની ખરીદી કરવામાં અને બે રાત તેના પેકીંગમાં ગયાં.
શ્રીશ્રીમાની સાથે એમના કાકા, રાધૂ, નાનીમામી, નટીની મા, બલરામ ભવનની પશ્ચિમે રહેતા શ્રીઠાકુરના ભક્ત ચુનીબાબુનાં પત્ની, કુસુમ (કુસુમકુમારી દેવી), ગોલાપ મા અને લક્ષ્મીદીદી નીકળ્યાં. પુરુષોમાં બાબુરામ મહારાજ (સ્વામી પ્રેમાનંદ) અને લેખક હતા. રેલગાડીમાં બીજા વર્ગનો એક ડબ્બો આરક્ષિત કરાવ્યો. એમાં શ્રીશ્રીમા તથા તેમની સંગિનીઓ બેઠાં. અમે ત્રણ પુરુષો ઇન્ટર ક્લાસમાં બેઠાં. બાબુરામ મહારાજના નાના ભાઈ શાંતિરામ બાબુ તથા ગણેન્દ્રનાથ અમને હાવરા સ્ટેશન પર ટ્રેનમાં બેસાડવા આવ્યા હતા. રાતભર ટ્રેનમાં યાત્રા કરીને બીજા દિવસની સવારે અમે પુરીધામ પહોંચ્યાં. ત્યાં મોટા રસ્તે અર્થાત્ શ્રીમંદિરના માર્ગ પર આવેલ (બલરામ બાબુના) ‘ક્ષેત્રવાસીઓનો મઠ’ નામના ભવનને અમારા નિવાસ માટે ખોલી આપવામાં આવ્યો હતો. બાબુરામ મહારાજ સમુદ્રતટ પર આવેલ બલરામ બાબુના જ ‘શશી નિકેતન’ નામના એક બીજા ભવનમાં ઊતર્યા.
પુરી પહોંચીને ધૂળવાળા પગે જ શ્રીમંદિરમાં શ્રીશ્રીમા દેવદર્શને ગયાં. બલરામ બાબુના સુપુત્ર રામકૃષ્ણ બસુએ (અમે લોકો એમને ‘રામ’ કહીને બોલાવતા) પહેલેથી જ બધી વ્યવસ્થા કરી રાખી હતી. તેઓ અહીંના જ જમીનદાર હતા. શ્રીશ્રીમાના મંદિરમાં જતાં જ ત્યાં રત્નવેદીનું સ્થાન ખાલી કરી દીધું. શ્રીશ્રીમાએ ત્યાં પ્રવેશ કરીને પોતાના હાથે પહેલાં પોતાના શિષ્ય-સંતાન (લેખક) અને પછીથી પોતાના કાકાનું મસ્તક રત્નવેદી સાથે સ્પર્શ કરાવીને સંતાનને કહ્યું, ‘ગુરુ અને ઇષ્ટને એકરૂપે જોવા જોઈએ.’ પછી બાકીનાં બધાંએ દર્શન કર્યા. મંદિરમાંથી દરરોજ અમારા માટે મહાપ્રસાદ આવ્યા કરતો.
૫ુરીમાં ક્ષેત્રવાસી મઠના બહારના ઓરડામાં શ્રીશ્રીમાના કાકા, લેખક તથા એક સેવક તેમજ અંદર મહિલાઓને રહેવાની વ્યવસ્થા થઈ. બહારના મુખ્ય દ્વાર પર એક ચોકીદાર પણ હતો. ત્રણ દિવસના કઠોર પરિશ્રમ અને ત્રણ રાત જાગવાને કારણે હું થાકીને ત્યાં છેલ્લી રાત એટલી ગાઢ નિદ્રામાં સૂઈ ગયો કે કયારે ચોર આવીને અમારા ઓરડામાંથી કાકાનાં અને મારાં કપડાં ચોરી ગયો એનો મને ખ્યાલેય ન આવ્યો. કાકાને થોડું અફીણ ખાવાની ટેવ હતી. સવારે જ્યારે તેમની ઊંઘ ઊડી અને તેમણે ઓરડાનું બારણું ખોલીને જોયું તો કપડાં ગાયબ! પછી તેઓ બરાડી ઊઠ્યા.
મોટા સાદે બરાડવું સાંભળીને હું જાગી ગયો. તરત જ ઘરની ભીતર જઈને જોયું તો બધા ઓરડા બંધ હતા. ત્યાં કંઈ પણ થયું ન હતું. કેવળ અમારું જ ગયું. શશિનિકેતનમાં ચોરીની ખબર દેતાં બાબુરામ મહારાજ તથા રામ આવ્યા અને અમે લોકોએ પોલીસથાણામાં જઈને રિપોર્ટ લખાવ્યો. દરોગાની તપાસના પરિણામે ચોર છ માઈલ દૂર માલ સાથે પકડાઈ ગયો. યોગ્ય સમયે અદાલતમાં સાક્ષી આપીને અને કપડાં ઓળખીને હું પાછાં લાવ્યો.
સવારે અમે લોકો શ્રીશ્રીમાની સાથે શ્રીજગન્નાથનાં દર્શન કરવા જતાં અને સાંજે જઈને આરતીનાં દર્શન કરતાં. એક દિવસ શ્રીશ્રીમાની ઇચ્છાથી ક્ષેત્રવાસી મઠમાં ‘કથા’નું આયોજન થયું. પંડાઓએ આવીને પોથીમાંથી શ્રીજગન્નાથનો ઇતિહાસ અને તેમના માહાત્મ્યનો પાઠ કર્યો. એ દિવસે ત્યાં લગભગ ૫૦ પંડાઓને જમાડ્યા.
ત્યાં શ્રીશ્રીમાના પગમાં એક ફોલ્લો પડ્યો. એનાથી એમને ઘણું દુ :ખ થતું હતું. ફોલ્લો પાકી ગયો હતો, પરંતુ શ્રીશ્રીમા એને ફોડવા દેતાં ન હતાં. એક દિવસ એ જ અવસ્થામાં તેઓ મંદિરમાં આરતીનાં દર્શન કરતાં હતાં. એ જ સમયે પાછળથી યાત્રીઓની ભીડનું એવું દબાણ થયું કે લોકોના સમૂહની હરોળ તૂટી ગઈ. શ્રીશ્રીમા ફોલ્લામાં લાગવાના ડરથી બૂમ પાડી ઊઠ્યાં.
આ ઘટના સાંભળ્યા પછીની સવારે બાબુરામ મહારાજ એમને માટે એક યુવાન ડાૅક્ટરને લઈને આવ્યા. અમારા પૂર્વનિર્દેશ પ્રમાણે એણે પ્રણામ કરતાં કરતાં ફોલ્લામાં ચીરો પાડી દીધો અને ‘મા, મારો અપરાધ ક્ષમા કરજો’, એમ કહીને ચાલ્યો ગયો. તત્કાલ અમે લોકોએ બન્ને હાથે ફોલ્લાવાળો પગ દબાવ્યો અને પાણી સાથે રસી બહાર નીકળી ગયાં. શ્રીશ્રીમાએ વ્યવસ્થિત રીતે ચાદર લપેટી રાખી હતી એટલે તેઓ ડાૅક્ટરના કાર્યને જોઈ ન શક્યાં. બાબુરામ મહારાજ પાસે ન આવ્યા. તેઓ ઓરડાની બહાર ઊભા હતા અને ડાૅક્ટરને સાથે લઈને ચાલ્યા ગયા.
શ્રીશ્રીમા નારાજ થયાં અને તેઓ ખરુંખોટું કહેવા લાગ્યાં. મેં કહ્યું, ‘મા, દોષ મારો છે, અભિશાપ દેવાનો હોય તો મને દેજો.’ એમણે ઘણું ઘણું કહ્યું પણ અભિશાપ ન આપ્યો. પહેલેથી લાવી રાખેલ લીમડાનાં પાનના પાણીથી ઘા ધોયો અને પાટો બાંધી દેવાથી એમને ઘણી રાહત મળી.
ત્યાર પછી ચાદર હટાવીને પોતાના પગ ફેલાવીને બેસતાં બેસતાં તેમણે કહ્યું, ‘આહા! હવે થોડી નિરાંત થઈ.’ વળી પાછું કોણ જાણે એમના મનમાં શું આવ્યું કે થોડીવાર પહેલાં જે સંતાનને ઠપકો આપી રહ્યાં હતાં તેની જ દાઢી પકડીને વહાલ કરવા લાગ્યાં. એ ઠપકો અને આ પ્રેમ હું ક્યારેય ભૂલી ન શક્યો.
દરરોજ ફોલ્લાને ધોઈને સાફ કરવો અને પાટો બાંધવો એ કામ ચાલતું રહ્યું. બે-ચાર દિવસમાં જ બધું ઠીકઠાક થઈ ગયું. હવે પાટો બાંધવાની કે પગ ધોવાની જરૂર ન રહી. (ક્રમશ 🙂
Your Content Goes Here