આપણે જોઈએ છીએ કે એશિયામાં, ખાસ કરીને ભારતમાં જાતિની મુશ્કેલીઓ, ભાષાની મુશ્કેલીઓ, સામાજિક મુશ્કેલીઓ, રાષ્ટ્રીય મુશ્કેલીઓ, બધી મુશ્કેલીઓ ધર્મની સંયોજક શક્તિ આગળ ઓગળી જાય છે. આપણે જાણીએ છીએ કે ભારતીય માણસને ધાર્મિક આદર્શાે કરતાં વધુ ઊંચું બીજું કંઈ નથી. ભારતીય જીવનનો આ મુખ્ય સૂર છે. અર્થાત્ આપણે ઓછામાં ઓછા પ્રતિકારની દિશામાં જ કામ કરી શકીએ. ધર્મનો આદર્શ એ સર્વોચ્ચ આદર્શ છે.

એ માત્ર સાચું છે, એટલું જ નહીં, ભારતની બાબતમાં તો કાર્ય કરવાનો એ એક જ શક્ય ઉપાય છે. પ્રથમ આ આદર્શને મજબૂત બનાવ્યા વિના બીજી કોઈ પણ રીતે કરેલું કાર્ય નિષ્ફળ નીવડવાનું.

એટલા માટે, ભાવિ ભારતને ઘડવા અર્થે યુગોના ખડકમાંથી કોરી કાઢવાનું પહેલું પગથિયું આ ધર્મની એકતા છે. આપણે સહુએ શીખવાની જરૂર છે કે આપણા હિંદુઓમાં, પછી ભલે આપણે દ્વૈતવાદી હોઈએ, વિશિષ્ટાદ્વૈતવાદી હોઈએ કે અદ્વૈતવાદી હોઈએ; શૈવ, વૈષ્ણવ કે પાશુપત મતના હોઈએ, ગમે તે સંપ્રદાયના હોઈએ પરંતુ આપણી અમુક સામાન્ય ભાવનાઓ રહેલી છે; અને આપણા ભલા સારુ, આપણી પ્રજાના ભલા સારુ, આપણે આપણા બધા નાના નાના ઝઘડાઓ અને મતભેદોને છોડી દેવાનો સમય આવી પહોંચ્યો છે. ખાતરીથી માનજો કે આ ઝઘડાઓ સાવ ખોટા છે; એમને આપણાં શાસ્ત્રોએ વખોડી કાઢયો છે, આપણા પૂર્વજોએ એમની મનાઈ કરી છે; અને જે મહાન પુરુષોના વંશજ હોવાનો આપણે દાવો કરીએ છીએ, જેમનું લોહી આપણી રગેરગમાં વહી રહ્યું છે, તેઓ પોતાની સંતતિને ક્ષુલ્લક મતભેદો માટે આપસઆપસમાં ઝઘડતી જોઈને તિરસ્કારની નજરે જોઈ રહે છે.

વિખવાદોનો ત્યાગ કરો એટલે બીજા બધા સુધારાઓ આવવાના છે. જો લોહી સબળ અને શુદ્ધ હોય તો દેહમાં એકેય રોગનાં જંતુઓ ટકી શકે નહીં. આપણું જીવનરક્ત છે આધ્યાત્મિક્તા.

(સ્વા. વિ. ગ્રંથ. ૪.૧૯૫-૯૬)

Total Views: 373

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.