ગયા અંકમાં ચીનના રસ્તા, બસ સુવિધા ઈત્યાદિ વિશે વાંચ્યું, હવે આગળ …

સાધારણ અવલોકન

આ દેશ ખરેખર સ્વચ્છતાવાળો છે. રસ્તામાં, સાર્વજનિક જગ્યા, પર્યટક સ્થળો તેમજ ગુફાઓ અને સીટી બસમાં બધે કચરાપેટી રાખવામાં આવી હોય છે. આ બધી કચરાપેટી recyclable અને non-recyclable તેવા બે વિભાગવાળી આધુનિક ડિઝાઈનની હોય છે. લોકો પણ શિસ્તપ્રિય છે અને કચરો તેમાં જ નાખે છે. આ ઉપરાંત બે પૈડાંવાળા ઇલેક્ટ્રિક વાહનમાં સફાઈ-સામગ્રી સાથે ઠેર ઠેર નગરપાલિકાના કામદારો જોવા મળે છે. પડેલો કચરો આ કર્મચારીઓ સતત ખંતપૂર્વક ઉઠાવતા રહે છે.

મનુષ્યની મહત્ત્વપૂર્ણ આવશ્યકતા છે શૌચાલય. પ્રવાસ કરતી વખતે લેખકની નજરે અનેક જાહેર શૌચાલયો આવ્યાં. શૌચાલય તરફ દિશા બતાવતી નામની પટ્ટીઓ બધે જ હોય છે. આશ્ચર્યની વાત તો એ છે કે સાર્વજનિક શૌચાલયો અંદર અને બહારથી અત્યંત સ્વચ્છ દેખાય છે. એનું શ્રેય જાય છે જનતાની જાગરુકતા અને શિસ્તપ્રિયતા, આધુનિક ટેકનોલોજી તેમજ સરકારની ચિંતાભરી કાળજીને.

બીજી મજાની વાત એ છે કે કેટલેક સ્થળે આ લેખકને શહેરમાં અહીંતહીં જવા માટે સાર્વજનિક સાઈકલો મળી. સિક્કો નાખીને અથવા પ્લાસ્ટિક કાર્ડ વાપરીને યંત્રરચનાથી સાઈકલ છોડાવવામાં આવે છે. સ્થાન પર પહોંચ્યા પછી એ જ યંત્રરચનાથી સાઈકલને અટકાવી દેવામાં આવે છે.

ચીનમાં વિકસિત દેશો જેવી જ ૨૪ કલાક ખુલ્લી રહેતી દુકાનો (સુવિધા ભંડાર) હોય છે. અહીં દૈનંદિન ઉપયોગની જરૂરી વસ્તુઓ મળે છે જેવી કે ખાદ્યપદાર્થ, પ્રસાધન, ઔષધ, વર્તમાનપત્ર, બેટરી સેલ, લેખનસામગ્રી અને કેટલાક વાહનોના પાર્ટ્સ. આવા સ્ટોર પેટ્રોલપંપ સાથે કે ક્રોસ રોડ પર વચ્ચે વચ્ચે હોય છે.

મોલ અને દુકાનો અદ્યતન અને આકર્ષક હોય છે. આ ઈમારતોમાં સરકતા દાદરા, રેસ્ટોરન્ટ, બગીચા, મનોરંજન માટે અનેક પાર્ક અને સ્કેઈટિંગ રીંગ પણ હોય છે. આ સ્કેઈટિંગ રીંગમાં કૃત્રિમરૂપે બરફની ફર્શ તૈયાર કરવામાં આવે છે.

કેટલાક રસ્તાના ક્રોસિંગની નીચે underground દુકાનો દેખાય છે. આ જગ્યા રસ્તો પાર કરવા માટે પણ ઉપયોગમાં લેવાય છે. લેખકે જોયું કે રસ્તાની ટ્યૂબલાઈટ અત્યંત આધુનિક અને સૌંદર્યયુક્ત હતી.

ચીનનાં શહેરોનું સૌથી વધારે આહ્લાદક અંગ છે ત્યાંનાં ઉદ્યાનો અને સાર્વજનિક સ્થળો. આખા દિવસના પરિશ્રમ પછી ત્યાં લોકો આરામ કરી શકે. આ બધાં સ્થળો અત્યંત સુંદર રીતે તૈયાર કરાયેલાં છે. એની સંરચનામાં વિવિધ દૃષ્ટિકોણ અને સૂક્ષ્મ પાસાં ધ્યાનમાં લેવામાં આવ્યાં છે. અહીં સ્વચ્છંદ રીતે ઘૂમવાની પગદંડીઓ, બન્ને બાજુએ પથ્થરથી જડેલી પાર્શ્વ પથિકાઓ, અનેક ફુવારા, કૃત્રિમ નાનાં જળપ્રપાત કે ઝરણાં, પાણીની વહેતી ધારાઓ, એના પરના નાના પુલ, નાની ટેકરી જેવાં ચઢાણ, અહીં તહીં નિશ્ચિંત અને સ્વચ્છંદ પડેલા શિલાખંડ, ઝાડીઓ, વિવિધ પ્રકારના થોર, અહીંતહીં પડેલ પથ્થર-કાંકરા, નાનાં મોટાં સરોવર, જળાશય પાર કરવા માટે પગ રાખવાના અનેક પગથીઓની હારમાળા, ક્યાંક ક્યાંક વિશાળ દલદલ અને એના પરનો લાકડાનો ઉદ્યાનપથ અને એવી અનેક મનોરંજક સંરચનાઓ જોવા મળે છે. સરોવર પરથી પસાર થવા માટે વિશિષ્ટ રીતે વાંકાચૂકા, કલા-સૌંદર્યયુક્ત પુલ; ઝૂલતો પુલ, મોટા પથ્થરમાંથી બનાવેલી કૃત્રિમ ટનેલ જેવી અનેક રમણીય રચનાઓ ત્યાં જોવા મળે છે. બધાં સ્થળે પુષ્પો અને લીલીછમ વનસ્પતિ હોય છે. આ હરિયાળીને યોગ્ય આકારમાં કાતરથી કાપીને તેની જાળવણી કરવામાં આવે છે. એવું લાગે છે કે શહેરમાં પ્રત્યેક સરોવર, તળાવ, નદીકિનારો, નહેર વગેરે સૌંદર્યવર્ધનના ઉપયોગમાં લાવવામાં આવ્યાં છે.

ચીનની યુનિવર્સિટિઓનાં કેમ્પસ ખૂબ વિશાળ હોય છે. ત્યાંના ડાઈનિંગ હાૅલનું દૃશ્ય જોવાલાયક છે. હાૅલની એક બાજુએ સળંગ ખાદ્યવસ્તુ વિતરણનાં કાઉન્ટર હોય છે. ત્યાં જ અદ્યતન ઉપકરણોથી યુક્ત રસોઈઘર હોય છે. કર્મચારી યુનિફોર્મમાં ટોપી કે હેરનેટ અને એપ્રોન પહેરે છે. તેઓ હાથમોજાં અને ચમચા કે ચીપિયા સિવાય ખાદ્યપદાર્થનો સ્પર્શ પણ કરતા નથી. વિદ્યાર્થીઓ પ્લાસ્ટિક કાર્ડથી પૈસા ચૂકવે છે. લેખકે જોયું છે કે કેટલાક ખાદ્યપદાર્થ સળગતા, હળવા અને નાના એવા બે ઈંચ ઊંચા Wax Stove (જેમાં સોલિડ ઈથાઈલ આલ્કોહોલ સળગતો હોય છે) સાથે આવે છે. એને લીધે ભોજન પૂરું કર્યા સુધી ખાદ્યપદાર્થ ગરમ રહે છે.

Total Views: 238

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.