તારા

આજે આપણે નારીસશક્તીકરણ વિશે વાતો કરીએ છીએ. પરંતુ તારા એક એવાં નારી હતાં કે જેઓ પોતાની જન્મજાત બુદ્ધિશક્તિથી શાણપણભર્યા રાજકીય નિર્ણયો લઈ શકતાં અને પોતાના સમયકાળમાં માર્ગદર્શન પણ આપી શકતાં.

તારા સુષેણનાં પુત્રી હતાં અને કિષ્કિન્ધાના વાનરરાજા વાલીને પરણ્યાં હતાં. વાલી ઘણા બળવાન હતા અને એમનું શરીર વજ્ર જેવું હતું. વાલી અને તેમના ભાઈ સુગ્રીવ એકબીજાને ખૂબ ચાહતા હતા.

એક વખત વાલી રાક્ષસ સાથે યુદ્ધ કરવા ગયા હતા. વાલી ઘણા સમય સુધી પાછા ન આવતાં બધાએ એમ માન્યું કે વાલીનો વધ થયો હશે. એટલે સુગ્રીવ રાજા થયા અને તારા તત્કાલીન સ્થાનિક નિયમો પ્રમાણે તેમનાં પત્ની બન્યાં. જ્યારે વાલી જીવતા પાછા આવ્યા ત્યારે તારાએ પોતાની વફાદારી ફરીથી તેમના પ્રત્યે રાખી. સુગ્રીવ પ્રત્યેના આક્રોશ સાથે વાલીએ પોતાના ભાઈ સુગ્રીવનાં પત્ની રુમા પર આધિપત્ય જમાવ્યું અને સુગ્રીવને ત્યાંથી હાંકી કાઢ્યો. પોતાના રાજ્ય અને કુટુંબને ગુમાવીને સુગ્રીવે ઋષ્યમૂક પર્વતમાં આશ્રય લીધો.

તે જ સમયે સીતાની શોધમાં નીકળેલા શ્રીરામ ઋષ્યમૂક પર્વત પર આવ્યા અને સુગ્રીવને પોતાનો મિત્ર બનાવ્યો. સુગ્રીવે શ્રીરામને વચન આપ્યું કે તે સીતા ક્યાં છે એની શોધ કરવામાં પોતે સહાય કરશે, બદલામાં શ્રીરામને પોતાનું રાજ્ય વાલી પાસેથી પાછું મેળવવામાં મદદ કરવા વિનંતી કરી. જ્યારે શ્રીરામે સુગ્રીવને વાલી સાથે યુદ્ધ કરવા સમજાવ્યો ત્યારે તારાએ વાલીને રોક્યા અને તેમને શાંત રહેવા જણાવ્યું તેમજ સુગ્રીવ સાથે લડતાં અટકાવવાનો પ્રયત્ન કર્યો. તારાએ વાલીને કહ્યું કે સુગ્રીવ પોતાની સલામતી માટે ભાગી ગયો હતો અને જો કોઈ શક્તિશાળી મિત્રરાજ્યનું સંરક્ષણ અને સહાય એમને ન મળી હોય તો તે વાલીને પડકારવાની હિંમત ન કરે. પોતાના ગુપ્તચરોના અહેવાલ પ્રમાણે તેમણે જાણી લીધું હતું કે અયોધ્યાના બે રાજકુમારો, શ્રીરામ અને લક્ષ્મણ સાથેની મૈત્રીને કારણે સુગ્રીવનો આત્મવિશ્વાસ વધ્યો હતો.

તારાની આ વિનંતી ઘણી પ્રબળ હતી કારણ કે સામાન્ય રીતે નૈતિક ધોરણે યુદ્ધ માટે સૈન્યનો ઉપયોગ થવો જોઈએ. પરંતુ વાલી પર આનો કોઈ પ્રભાવ પડ્યો નહિ, કારણ કે તેની બુદ્ધિ પર ક્રોધનાં વાદળ છવાઈ ગયાં હતાં. તેણે જાહેર કર્યું કે તે એકલા હાથે સુગ્રીવને બોધપાઠ ભણાવશે, પછી ભલે એ ગમે ત્યાં ભાગી જાય. તારા વધારે કંઈ ન કરી શક્યાં પરંતુ તેમની સાથે મંત્રશક્તિ હતી. તેમણે વાલીનું રક્ષણ થાય એવા મંત્રો જપ્યા અને વાલીને યુદ્ધમાં વિજય મળે તેવી પ્રાર્થના સાથે લડવા મોકલ્યા.

સુગ્રીવ અને વાલી વચ્ચે યુદ્ધ શરૂ થયું. બળવાન વાલી સામે સુગ્રીવ દુર્દશાગ્રસ્ત થયો. સુગ્રીવની મદદ માટે શ્રીરામે વૃક્ષની પાછળ ઊભા રહીને એક તીર ફેંક્યું અને વાલીને ધરતી પર ઢાળી દીધા. લોહીથી ખરડાયેલ શરીર સાથે વાલી જમીન પર પડ્યા હતા. હવે એમના શ્વાસ ઘૂંટાતા હતા.

શ્રીરામે વાલીને હણ્યા છે એ સાંભળીને વાનરો ભયથી નાસવા માંડ્યા. આ વખતે તારા ઊભાં થયાં અને તેમણે વાનરોને નાસી જવા બદલ ઠપકો આપ્યો. સાથે ને સાથે જ્યારે કોઈ રાજાનું પતન થાય ત્યારે કોઈ પણ રાણી પાસે સમાજ અપેક્ષા રાખે તેમ તારાએ વાનરોને ફરીથી એકઠા કર્યા. વાલી પોતાની પત્નીના ગુણોથી સભાન હતા. દરેક મહત્ત્વના પ્રસંગોએ તારા સાથે વિચારવિમર્શ કરવા પોતાની અંતિમક્ષણોએ સુગ્રીવને કહ્યું.

પોતાનામાં યુક્તિપ્રયુક્તિ અને પુષ્કળ પ્રમાણમાં સંસાધનો ધરાવતાં સાહસિક અને વિચક્ષણ મહિલારૂપે તારા ઊભરી આવે છે. તેઓ એક રાજનીતિજ્ઞ હતાં. તેમનામાં મુત્સદ્દીપણું અને આવનારી ઘટનાઓનો અંદાજ કરવા પૂરતાં બુદ્ધિશક્તિ હતાં.

તેમણે પોતાના પુત્ર અંગદના કલ્યાણ માટે ધીરતાપૂર્વકની શરણાગતિ સ્વીકારી અને એને માટે બધાની સહાનુભૂતિ અને કરુણા મેળવ્યાં.

હિન્દુઓ સવારમાં જે મહાન સાત નારીઓને સ્મરે છે તેમાં એક નામ તારાનું પણ છે.

Total Views: 254

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.