ગયા અંકમાં આપણે સ્વામી વિવેકાનંદનાં શ્રીરામકૃષ્ણદેવ સંબંધિત ભાવનામૂલ્યોનું ચિંતન કર્યું, હવે આગળ …

૧૧. અમેરિકા : ૨૭ ઓક્ટોબર, ૧૮૯૯ : કાલે અમે ત્રણેય એક સાથે બેઠાં હતાં ત્યારે સ્વામીજી આવ્યા અને કહ્યું, ‘ચાલો, આપણે થોડી વાતો કરીએ.’ તેઓએ રામાયણ પર ચર્ચા શરૂ કરી. હું તમને એક ઘણી વિચિત્ર વાત બતાવું છું. જ્યારે સદાનંદ રામાયણ વિશે કહે છે ત્યારે મને લાગે છે કે હનુમાન જ એના સાચા નાયક છે; અને જ્યારે સ્વામીજી એ વિશે બોલે છે ત્યારે લાગે છે કે રાવણ જ તેનું કેન્દ્રીય ચરિત્ર છે. તેથી એમણે અમને બતાવ્યું કે શ્રીરામને ‘નીલકમલલોચન’ કહેવામાં આવે છે. એમણે સીતાને પાછા મેળવવા માટે જગદંબાને જવાબદારી સોંપી. પરંતુ રાવણે પણ જગદંબાની પ્રાર્થના કરી હતી. રામ જ્યારે મા જગદંબા પાસે ગયા ત્યારે જોયું તો રાવણ એમના ખોળામાં બેઠો છે. એમને લાગ્યું કે માની કૃપા મેળવવા માટે એમણે કંઈક વિશેષ કરવું પડશે. એટલે એમણે સંકલ્પ કર્યો કે મા જગદંબાની સહાયતા મેળવવા માટે તેઓ ૧૦૮ નીલકમલથી એમની મૂર્તિની પૂજા કરશે.

હનુમાનજી જઈને બધાં કમળ વીણી લાવ્યા અને શ્રીરામ ‘મહાશક્તિનું આવાહન’ કરવા લાગ્યા. (એ શરદઋતુના દિવસો હતા. જ્યારે મા જગદંબાની પૂજા વસંતઋતુમાં થતી હોય છે. તેથી શ્રીરામની સ્મૃતિમાં જ ત્યારથી મા જગદંબાની પૂજા શરદઋતુમાં થાય છે.) શ્રીરામ માનાં ચરણોમાં નીલકમલ ચડાવવા લાગ્યા. તેઓ ૧૦૭ કમલ ચડાવી ચૂક્યા હતા ત્યારે એમને ખ્યાલ આવ્યો કે એક કમળ ખોવાઈ ગયું છે. (એ કમળ મા જગદંબાએ છુપાવી દીધું હતું.) પરંતુ શ્રીરામ દૃઢપ્રતિજ્ઞ હતા. તેઓ હાર સ્વીકારે તેવા ન હતા. એમણે એક છરી મગાવી અને નીલકમલની ૧૦૮મી સંખ્યા પૂરી કરવા માટે જ્યારે તેઓ પોતાની એક આંખને કાપીને બહાર કાઢી રહ્યા હતા ત્યારે મા પ્રગટ થયાં. એમણે પ્રસન્ન થઈને મહાનાયકના આશીર્વાદ આપ્યા તેથી યુદ્ધમાં તેઓ જ વિજયી થયા. આમ જોઈએ તો રાવણ કેવળ શ્રીરામનાં અસ્ત્રોને કારણે નહીં, પરંતુ અંતે પોતાના ભાઈના વિશ્વાસઘાતને કારણે પરાજિત થયો હતો.

સ્વામીજીએ કહ્યું, ‘પરંતુ એક રીતે તે વિશ્વાસઘાતી ભાઈ પણ મહાન હતો, કારણ કે તેને રામના દરબારમાં રહેવાનું સૌભાગ્ય મળ્યું હતું. પોતાના પતિ અને પુત્રનો વધ કરનાર વીરનું મુખ જોવાના ઉદ્દેશ્યથી રાવણનાં વિધવા એ જ દરબારમાં આવ્યાં. શ્રીરામ તથા એના બધા દરબારી એમનું સ્વાગત કરવા ઊભા થઈ ગયા. પરંતુ એમણે અત્યંત વિસ્મયપૂર્વક જોયું કે ત્યાં તો વૈભવપૂર્ણ રાજમહિષીના સ્થાને હિન્દુ વિધવાના વેશે એક સાધારણ એવી મહિલા ઊભી હતી. આશ્ચર્યચકિત થઈને એમણે વિભિષણને પૂછ્યું, ‘આ મહિલા કોણ છે?’ વિભિષણે જવાબ આપ્યો, ‘મહારાજ, આ જ એ નારી છે, જેને પતિ તથા પુત્રોથી આપે વંચિત કરી દીધાં છે. તેઓ આપનું દર્શન કરવા આવ્યાં છે.’

નારી જાતિના આદર્શ વિશે સ્વામીજી કેવી મહાન ધારણાને પોષે છે! એવી અદ્‌ભુત ધારણા આપણને શેક્સપિયર કે એસ્ચિલસના એંટિગોનમાં કે સોફોક્લિસના એલ્સેસ્ટિસમાં પણ નથી મળતી. આ આદર્શના વિષય પર એમણે મને જે કંઈ બતાવ્યું એ જ્યારે હું વાંચતી હતી ત્યારે મને એવો અનુભવ થયો કે આ બધું, એમના શબ્દે શબ્દ સમગ્ર વિશ્વની સાથે ને સાથે પ્રથમત : તથા મુખ્યત : એમના પોતાના દેશની ભાવિ નારીઓ માટે વિશ્વાસથી પરિપૂર્ણ છે. આ આદર્શને અનુરૂપ કોઈ પોતાનું જીવન ઘડી શકે છે કે નહીં એ એક ક્ષુદ્ર બાબત જણાય છે.

એક રાત્રી વેળાએ તેઓ ભક્તિના મહાન ભાવથી અભિભૂત હતા અને અમને હૃષીકેશ તથા ત્યાંના પ્રત્યેક સંન્યાસી દ્વારા બનનારી કુટિયા વિશે વાત કરવા લાગ્યા. તેઓ બોલ્યા કે સાંજને સમયે બધા સંન્યાસીઓ પ્રજ્વલિત ધૂણીની ચારે તરફ અને પોતપોતાના આસન પર બેસે છે અને ધીમે સ્વરે ઉપનિષદો પર ચર્ચા કરે છે. ‘કારણ કે એવી માન્યતા છે કે વ્યક્તિ સંન્યાસ લે તે પહેલાં જ સત્યનું જ્ઞાન થઈ જવું જોઈએ. બૌદ્ધિકરૂપે તે શાંતિમાં પ્રતિષ્ઠિત થઈ ચૂક્યો હોય છે, કેવળ અનુભૂતિ જ બાકી રહી હોય છે. અત : બધા તર્કવિતર્કની ચર્ચા સમાપ્ત થઈ ચૂકી હોય છે અને હવે તેઓએ હૃષીકેશના પર્વતોના અંધારામાં ધૂણીને કિનારે બેસીને ઉપનિષદો પર ચર્ચા માત્ર કરવાની છે. પછી ક્રમશ : અવાજ બંધ થતા જાય છે અને નિ :સ્તબ્ધતા છવાઈ જાય છે! પ્રત્યેક સંન્યાસી પોતપોતાના આસન પર ટટ્ટાર થઈને બેઠા રહે છે અને ત્યાર પછી તેઓ કોઈ અવાજ કર્યા વિના એક એક કરીને ઊઠે છે અને પોતપોતાની કુટિયામાં ચાલ્યા જાય છે.’

એક બીજે સમયે તેઓ કહેવા મંડ્યા, ‘હિન્દુ ધર્મનો એક મહાન દોષ એ છે કે એમાં કેવળ ત્યાગના આધારે જ મુક્તિની વ્યવસ્થા છે. એના પરિણામે ગૃહસ્થ હીન ભાવનાના શિકાર બને છે. તેઓ પોતાને કેવળ કર્મ કરવાને ઉપયુક્ત સમજે છે અને ત્યાગ વિશે વિચારી પણ શકતા નથી. પરંતુ વસ્તુત : ત્યાગ જ એકમાત્ર નિયમ છે. જો કોઈ વિચારે કે તે એના સિવાય કંઈ કરી રહ્યો છે તો એ એનો ભ્રમ માત્ર છે. આપણે બધા આ મહાન ઊર્જાશક્તિને ઉન્મુક્ત કરવા સંઘર્ષ કરી રહ્યા છીએ. એનું એકમાત્ર તાત્પર્ય એ છે કે આપણે લોકો યથાસાધ્ય શીઘ્રતાપૂર્વક મૃત્યુ તરફ આગળ વધી રહ્યા છીએ. જે બળવાન અંગ્રેજ આજે આખી પૃથ્વીનો માલિક થવાની ઇચ્છા કરે છે તે જ વસ્તુત : મૃત્યુની તરફ જવા માટે સર્વાધિક સંઘર્ષ કરી રહ્યો છે. આત્મરક્ષા પણ ત્યાગની જ એક પ્રણાલી છે. જીવવાની ઇચ્છા પણ મૃત્યુ સાથે પ્રેમની જ એક પદ્ધતિ છે.’

સ્વામીજી થોડીવાર સુધી શીખો અને એમના દસ ગુરુઓ વિશે વાતો કરે છે અને એમણે ગ્રંથ સાહિબમાંથી અમને ગુરુનાનકના જીવનની એક ઘટના બતાવી. એ દિવસોમાં તેઓ મક્કા ગયા હતા અને ત્યાંના કાબા મસ્જિદની તરફ પગ લાંબા કરીને સૂતા હતા.

ગુરુનાનકને આ રીતે પગ રાખેલા જોઈને ક્રોધે ભરાયેલ મુસ્લિમો એમને જગાડવા અને જરૂરત પડે તો મારી નાખવા માટે તેમની પાસે આવ્યા. તેઓ ચુપચાપ ઊઠ્યા અને સહજભાવે કહ્યું, ‘તો પછી મને એવું સ્થાન બતાવી દો કે જ્યાં ઈશ્વર ન હોય, જેથી હું મારા પગ એ બાજુ રાખી શકું.’

અને એમનો આ મૃદુ ઉત્તર પેલા મુસ્લિમોને શાંત કરવા પૂરતો હતો. (ક્રમશ 🙂

Total Views: 251

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.