ગયા અંકમાં આપણે ‘ધીર’પદ અને મનુષ્યમાંના શિવસ્વરૂપ વિશે કુમારસંભવમ્ અને સમુદ્રમંથનની કથાના માધ્યમથી જાણ્યું હતું.

यततो ह्यपि कौन्तेय पुरुषस्य विपश्चितः।

इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः ।।60।।

 

‘હે કુન્તીપુત્ર, પૂર્ણતા માટે યત્નશીલ એવા શાણા નરના મનને પણ તોફાની ઇન્દ્રિયો વેગથી ખેંચી જાય છે.’

શિક્ષણનું ધ્યેય ચારિત્ર્યઘડતર હોય તો આ સત્યોને છોકરા કે છોકરી, દરેક મનુષ્યે જાણવાં જોઈએ. માનવ તંત્રની સંરચના શી છે ? એનાં લક્ષણો કયાં છે ? આપણે એમને ઓળખવાં જોઈએ. તો જ આપણે પ્રગતિ કરી શકીશું. અજ્ઞાનમાં કંઈ મજા નથી. આ સમગ્ર ભૌતિકતંત્રમાં માનવીનું આ ઇન્દ્રિયતંત્ર ખૂબ પ્રબળ છે. એના આવેગથી જ દરેક કાર્ય ઉદ્ભવે છે. તો એ ઇન્દ્રિયતંત્રનું સ્વરૂપ આપણે જાણી લઈએ. यततो ह्यपि कौन्तेय, ‘ઇન્દ્રિયતંત્રને વશમાં રાખવાનો વ્યક્તિ પ્રયત્ન કરે તો પણ’, पुरुषस्य विपश्चितः, ‘ખૂબ બુદ્ધિશાળી, શાણી વ્યક્તિના પણ’, આવી વ્યક્તિને પણ લાગે છે કે ‘ઇન્દ્રિયો પોતાને ખેંચી રહી છે.’ इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभર્ૈ પણ :, ‘તોફાની ઇન્દ્રિયો શાણા નરના મનને પણ ખેંચી જાય છે.’ ઇન્દ્રિયની ઊર્જાનું એ લક્ષણ છે.

અધ્યાત્મવિદ્યાના આપણા બધા ગ્રંથોમાં આ વિષય ચર્ચાયેલો જોવા મળશે. માનવીનું વ્યક્તિત્વ માત્ર દેહ, ઇન્દ્રિયો અને મનથી જ પૂર્ણ થતું હોય તો ઇન્દ્રિયનિગ્રહની વાત નકામી છે. આજની પાશ્ચાત્ય ભૌતિક ફિલસૂફીમાં આ માન્યતા પ્રચલિત છે. પણ મનુષ્યની ગહનતાના વેદાંતે કરેલા અભ્યાસથી પ્રકાશિત થતા દરેક પ્રાણીમાંના મુક્ત આત્માના જ્ઞાન પછી આ મિથ્યા બની જાય છે. મનુસ્મૃતિમાં આ સુંદર અવલોકન જોવા મળે છે, बलवान् इन्द्रियग्रामो ‘સમગ્ર ઇન્દ્રિયતંત્ર ખૂબ બળવાન છે.’ विद्वान्समपि कर्षति, ‘એ વિદ્વાનને પણ ઘસડી લઈ જાય છે’ એ ચેતવણી અપાઈ છે. વેદાંત ઘોષણા કરે છે કે માનવજાતની અંતર્યાત્રા કશાક સત્ય અને ગહન સ્થાને લઈ જાય છે; એ માટે ઇન્દ્રિય-ઊર્જાના આ અંકુશ અને નિયમનની આવશ્યકતા છે. કોઈપણ ચારિત્ર્યઘડતરમાં ઇન્દ્રિય-શક્તિનું નિયમન આવશ્યક છે, નહીં તો કશું ચારિત્ર્યઘડતર થતું નથી. પશુ સોપાનથી જ આપણામાં રોપાયેલું ઇન્દ્રિયોનું ઇન્દ્રિયવિષયો માટેનું આ આકર્ષણ તે માયાની સૃષ્ટિ છે. આ માયા સાથે આપણે કામ પાડવાનું છે. એટલે ઈશ્વરને માતૃરૂપે આરાધવાની વાત કહેતા ગ્રંથ, દેવી માહાત્મ્યમ્ (૧.૫૫)માં આ શ્લોક સાંપડે છે :

ज्ञानिनामपि चेतांसि देवी भगवती हि सा।

बलादाकृष्य मोहाय महामाया प्रयच्छति ।।

વિવેકચૂડામણિ (શ્લોક ૧૦૯)માં શંકરાચાર્યે જેને महाद्भुता अनिर्वचनीयरुपा, ‘મહાન આશ્ચર્ય અને વાણીથી બાંધી ન શકાય તેવી’ કહી છે તે મહામાયા છે. અર્વાચીન માત્રા-ભૌતિકશાસ્ત્ર (Quantum Physics)માંના, હેય્ઝનબર્ગના અનિર્ણીતતાના સિદ્ધાંતમાં ચૈતન્ય ઉમેરાય છે ત્યારે આપણને તેનો (માયાના વર્ણનનો) પડઘો સાંભળવા મળે છે. જ્ઞાનીઓનાં ચિત્તને પણ એ ઘસડી જાય છે. એ માયા અને આદ્યાશક્તિ એક જ છે; શ્રીરામકૃષ્ણે જણાવ્યા પ્રમાણે એ આદ્યાશક્તિની બે પ્રકારની માયાશક્તિ છે, પતન તરફ લઈ જનારી તે અવિદ્યાશક્તિ અને સન્માર્ગે લઈ જનારી તે વિદ્યાશક્તિ. કોઈ એક સમયે માયાની આ અવિદ્યાશક્તિની અસર હેઠળ આવી ગયા હોવાને કારણે ખૂબ વિકાસ પામેલા કેટલાક પુરુષોને પણ ભયંકર ભૂલો કરતા આપણે સાંભળીએ છીએ. સમાજમાં ઘણીવાર આપણને આવું બનતું જોવા મળે છે. માટે કહેવાય છે : ‘ચેતો !’ જાગૃતિ જરૂરી છે, મનનું જાગ્રત રહેવું આવશ્યક છે.

આપણી ભીતર રહેલાં અનેક પરિબળો સાથે આપણે પનારો પાડીએ છીએ. એ પરિબળો આપણને ખલાસ કરી શકે છે. તો આપણે એમને વશમાં રાખીએ, નિયમનમાં રાખીએ અને પછી પૂર્ણતાની ઉચ્ચતમ સપાટી સુધીની આપણી યાત્રા ચાલુ રાખીએ. તમે મનને સારી સ્થિતિમાં રાખો છો, ઇન્દ્રિયો એને ખરાબ પરિસ્થિતિમાં તાણી જાય છે. ઇન્દ્રિયો પાસે એ સામર્થ્ય છે. તો એને ગણકારો. પછીથી આવતા ૬૪ અને ૬૭મા શ્લોકમાં આપણે પછી શું કરવું તે કહેવાયું છે.

रागद्वेषवियुक्तैस्तु विषयानिन्द्रियैश्चरन्।

आत्मवश्यैविर्धेयात्मा प्रसादमधिगच्छति।।64।।

इन्द्रियाणां हि चरतां यन्मनोऽनुविधीयते।

तदस्य हरति पज्ञां वायुर्नावमिवाम्भसि।।67।।

આપણે અસહાય બેઠા રહીશું ? ના ! તમારા મનને ઇન્દ્રિય-વિષયોમાં ફરવા દો, ડરવાની જરૂર નથી, પણ તે, જ્યારે તમે સ્વામી હો, તમારામાં આ ચૈતસિક શક્તિઓને નિયમન કરવાનું સામર્થ્ય તમે કેળવ્યું હોય ત્યારે જ. એમ નહીં કરો તો તમારી જીવનનૌકા આ સંસારસાગરમાં જ ભાંગીને ભુક્કો થઈ જશે. હવે પછી બે મહત્ત્વના શ્લોકો આવે છે. આપણા ઇન્દ્રિયતંત્રને કે ઇન્દ્રિય વિષયોને અભરાઈએ ચડાવી દેવાની સૂચના આપણને નથી અપાતી પણ એમનો વિનિયોગ કેવી રીતે કરવો તે જાણવું જરૂરી છે. તમે ઇન્દ્રિય-વિષય પકડવા ચાહતા હતા પણ એ વિષયે તમને ગરદનથી પકડયા હોય તેમ ન થવા દો. એમ બનવું જ ન જોઈએ. સ્વામિત્વ તમારું જ હોવું જોઈએ.

હિન્દીમાં કહેવત છે : कंबल छोडता नहीं. પાણીના પૂરમાં કોઈએ ધાબળા જેવું કશુંક તણાતું જોયું. એને લાગ્યું કે એ સારો કામળો છે. એને લેવા માટે એ આગળ વધ્યો. કાંઠે ઊભેલા લોકો એની વાટ જોતા હતા, હજી એ પાછો આવ્યો નહીં. કાંઠે ઊભેલાઓએ બૂમ મારી, ‘એને છોડી દે !’ પેલો બોલ્યો, ‘એ મને છોડતું નથી !’ ‘પાછો ચાલ્યો આવ,’ ‘નથી અવાતું’, કારણ એ રીંછ હતું અને રીંછે પેલાને બરાબર પકડી લીધો હતો ! એટલે कंबल छोडता नहीं, ‘કામળો મને મૂકતો નથી.’ વાત આવી છે.

માનવ ઉત્ક્રાંતિના ધ્યેય તરીકે સમગ્ર માનવજાતને વેદાંત આ વાત જ શીખવવા ચાહે છે – આધ્યાત્મિક મુક્તિ. વિવેકાનંદ વારંવાર કહે છે : ‘માલિકની જેમ કામ કરો, દાસની જેમ નહીં.’ ઘોડાઓને જ્યાં જવું હોય ત્યાં ઘોડાઓ તમારી ગાડી ખેંચવા લાગે તો તમે નિરાધાર બની જાઓ છો. સવાર તમે છો પણ તમે મુક્ત નથી. એવા ન બનો. (ક્રમશ 🙂

Total Views: 282

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.