(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા)
તણાવ અને મનોદૈહિક ગ્રંથિ
આધુનિક સમાજ વિભિન્ન પ્રકારના રોગોથી પીડિત છે. એમાં એક સ્નાયુતંત્રીય તણાવ પણ છે. આ તણાવ અન્ય રોગોથી ભિન્ન છે, કારણ કે રોગાણુ કે સૂક્ષ્મ-રોગાણુ તેને ઉત્પન્ન કરતાં નથી, પણ આ રોગ દેહ અને મનની અંતર્વિરોધી પ્રક્રિયાઓનું પરિણામ છે. બીજા શબ્દોમાં કહીએ તો સ્નાયુતંત્રીય તણાવ વાસ્તવમાં એક મનોદેહી રોગ છે. ચેતન કે અવચેતન અવસ્થામાં જે રીતે આપણે જીવીએ છીએ, સ્નાયુગત તણાવ તેનું જ પરિણામ છે. આપણે એ તથ્યને બરાબર સમજી લેવું જોઈએ કે તણાવના નિરાકરણ માટે શારીરિક તેમજ માનસિક નિયમન એ આપણી પ્રાથમિક આવશ્યકતા છે.
સ્નાયુગત તણાવ એક પ્રકારનું પુનરાવર્તી અસંતુલન છે, જે પ્રત્યેક દિવસે શરીરને જીર્ણ-શીર્ણ કરતું રહે છે. આ કેવી રીતે બને છે ? અને એની અભિવ્યક્તિ કેવી રીતે કરીએ છીએ ? આનાં બે પાસાં સમજવા પડશે. તેવું કહેવાય છે કે એ વિભિન્ન રૂપ ધારણ કરે છે. વ્યકિતત્વના વાતાવરણની સાથે પ્રતિક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલ એ ભાવનાત્મક તથા માનસિક તણાવનું રૂપ લે છે. એને ‘સામાજિક તણાવ’ પણ કહી શકાય. આ ઉપરાંત એક પ્રકારનો બીજો પણ તણાવ છે જેને ‘પાચનક્રિયા તણાવ’ કહે છે. આ આપણી દોષપૂર્ણ આહારવૃત્તિનું પરિણામ છે. એટલે એમ વિચારવું કે તણાવનું કારણ મુખ્યત્વે ઘર અથવા કાર્યાલયમાં વ્યાપેલ બાહ્ય પરિસ્થિતિઓ અથવા માત્ર અતિ વધારે પડતું કામ છે, આ ખોટી ધારણા છે. એક બીજું કારણ પણ છે જેમ કે અનુચિત આહાર. એ ઉપરાંત એક બીજો સાર્વલૌકિક તણાવ પણ છે. એને આજકાલ ‘પર્યાવરણીય તણાવ’ કહે છે. ધૂળિયો અંધકાર, શોરબકોર કે વાયુના પ્રદૂષણને લીધે પણ તણાવ ઉત્પન્ન થાય છે. આપણા શરીરમાં એક મનોભૌતિક વ્યવસ્થા છે. એમાં શારીરિક રોગોના માધ્યમથી મન :સ્થિતિ પ્રતિબિંબિત થાય છે. માનસિક સ્તર પર જો આપણે સ્નાયુગત તણાવ, થાક કે ભયંકર ખેંચાણથી પીડાતા હોઈએ છીએ તો આ નિશ્ચયપૂર્વક પીડા-વેદના અથવા અન્ય વધારે ગંભીર રોગ જેવા કે, ઉચ્ચ રક્તચાપ (હાઈ બી.પી.), હૃદયાઘાત, પક્ષાઘાત, ઉન્માદ, અલ્સર તેમજ કેન્સર વગેરેના રૂપે પ્રગટ થાય છે. વાસ્તવમાં ચિકિત્સકો તેમજ મનોવૈજ્ઞાનિકોનો પ્રબળ મત છે કે મોટાભાગના રોગ દીર્ઘકાલીન સ્નાયુગત તણાવ સાથે જોડાયેલા છે અને એ આપણા દૈનિક જીવનનું અભિન્ન અંગ બની ગયા છે. સતત સ્નાયુગત તણાવ એક સામાન્ય પ્રપંચ – ઝંઝાળ છે. ઉદ્વિગ્નતા, ચિંતા કે અવસાદના વિભિન્નરૂપે તે ઉદ્ભવે છે. ઘરે, કાર્યાલયમાં કે રમત-ગમતમાં સહેજે આપણે દરરોજ પડકારોનો સામનો કરવો પડે છે. જીવનની સાધારણ આવશ્યકતાઓની પૂર્તિ માટે જે પડકારો આપણે સહન કરવા પડે છે તે વધારાના છે. એના પરિણામે અસહ્ય સ્નાયુગત તણાવ, ધૈર્યનો અભાવ, ક્રોધ, ચિંતા અથવા ભયના રૂપમાં વ્યક્ત થાય છે. જો આપણો આહાર પૌષ્ટિક ન હોય તો અથવા આપણે ધૂમ્રપાન કે મદ્યપાન, નશીલા પદાર્થાે કે દવાઓનું સેવનમાં રત રહીએ તો આ બધાં ભિન્ન ભિન્ન પ્રકારના તણાવ ઊભા કરે છે.
સંક્ષિપ્તમાં કહીએ તો આપણે ‘તણાવના જગત’માં રહીએ છીએ. ક્યારેક સામાન્ય કાર્ય પૂરું કરવામાં પણ તણાવ અનુભવીએ છીએ. સાર્વજનિક અવર-જવરનાં સાધનોમાં પ્રવાસ કરવામાં કે દૈનિક જીવનની આવશ્યકતાની પૂર્તિ માટે ખરીદી કરવામાં પણ માનસિક તણાવ ઊભો થઈ શકે છે. ધારો કે આપણે કોઈ વિમાન પકડવા માટે હવાઈ મથકે જઈએ છીએ, રસ્તામાં માણસોની ભીડ છે કે બીજા અવરોધોને કારણે આપણું વાહન યોગ્ય ગતિએ આગળ વધી શકતું નથી. આનાથી પણ આપણને માનસિક તણાવ થાય છે. ટેકનિકલ ઉન્નતિ, ઔદ્યોગિકીકરણ તેમજ વધતા શહેરીકરણથી ભયંકર ભાવનાત્મક ક્ષતિ ઉત્પન્ન કરનારી પરિસ્થિતિઓ ઉદ્ભવે છે. એને કારણે દમ અને હાઈબ્લડ પ્રેસર જેવા રોગ નિયંત્રણમાં ન લઈ શકાય એટલા ફેલાય છે. હતાશ થઈને આવા રોગી મદ્યપાન કે ભયંકર ઔષધિઓનું સેવન કરવા માંડે છે. પરંતુ આવું વ્યસન એમને સ્થાયી શાંતિ કે આરામ આપી શકતું નથી. એના દ્વારા મળતો અલ્પકાલીન આરામ આપણા પર જ પ્રતિઘાત પાડે છે અને જટિલ સમસ્યાઓ ઊભી થાય છે. આ સમસ્યાઓ કેવળ મનોદૈહિક નહીં પરંતુ મનોવિકારી પણ હોય છે. અરે, આવી સમસ્યાઓ ક્યારેક કોઈને આત્મહત્યા કરવા માટે લાચાર કરે છે. એટલે જ એક સક્ષમ ઉપાયની શોધ કરવી આવશ્યક છે. સ્નાયુગત તણાવ પ્રત્યે આપણે નિરાશાવાદી બનવું ન જોઈએ. આશાવાદી બનીને આપણે એને દૂર કરવાના આદર્શ ઉપાયો કે ઉકેલ શોધતા રહેવું જોઈએ. સવારના જાગતાંની સાથે આપણે તાજામાજા હોઈએ એવો અનુભવ થાય એ તેનું પહેલું ચરણ છે. આપણામાં ઊર્જાનો પ્રચુર ભંડાર છે. એને માટે પૂરતી ઊંઘ આવશ્યક છે. અવિરામ ગહન નિદ્રા પછી આપણે દિનભર અનુચિત ઝડપ, ઉદ્વેગ કે ઉત્તેજનાભર્યો કઠિન પરિશ્રમ કરી શકીએ છીએ. શાંતિથી તેમજ સુચારુરૂપે લાંબા સમય સુધી આપણે કામ કરી શકીએ છીએ. સ્વાભાવિક થાક સાથે આપણે ઘરે પાછા આવી શકીએ છીએ. સારી ઊંઘ થાકને દૂર કરવાનું નિરાકરણ છે. સાધારણ રીતે આવું થતું નથી. મોટાભાગના લોકોમાં અસહ્ય દબાણ અને માનસિક તાણ આ સ્વાભાવિક થાકનું સ્થાન લઈ લે છે. આવા લોકો સદૈવ તણાવમાં જકડાયેલા રહે છે કારણ કે તેઓ શાંતિ તેમજ સુચારુરૂપે કાર્ય કરવામાં પ્રવીણ નથી. આપણે બધા કામ તો કરીએ છીએ પરંતુ તણાવરહિત રહેવાનું જાણતા નથી.
આપણે એ પ્રકારનાં કામમાં મગ્ન રહીએ છીએ કે જેથી તણાવ વધે છે. સમયના વહેણની સાથે સાચી શાંતિ પામવી ધીમે ધીમે મુશ્કેલ બનતી જાય છે. પરિણામે આપણે જીર્ણશીર્ણ થઈ જઈએ છીએ, અસહાય બની જઈએ છીએ અને કહેવા લાગીએ છીએ કે આપણે ઉત્પીડિત કે ઉત્તેજિત બની રહ્યા છીએ. આવા લોકોની દિનચર્યા આનંદ વિનાની બની જાય છે. સાધારણ કાર્યોમાં પણ તેમને ઘણો પ્રયાસ કરવો પડે છે. કર્મ નિરસ બોજો બની જાય છે. એવા લોકો પ્રાય : ભીષણ માનસિક તણાવ, થાક અને નવાઈ પમાડે તેવી મનોદશાથી ત્રાસી જાય છે. ક્યારેક ક્યારેક નિરાશા, અધીરતા એવં વિષાદ એમના વિચારોને વિકૃત કરી દે છે. એની વધી-ઘટી ઊર્જા પણ સમાપ્ત થઈ જાય છે અને તેઓ નિર્જીવ જેવા દેખાય છે. એમની ઇચ્છાશક્તિ ક્ષીણ થઈ જાય છે. કાલે શું કરવાનું છે એનો નિર્ણય લઈ શકતા નથી. આવા લોકો દિવસભર જે કાર્ય પૂરું કરે છે તે અવ્યવસ્થિત અને ક્રમબદ્ધતા વિહોણું હોય છે. તેઓ પોતાના ઉપર એવા ભારે દબાણનો અનુભવ કરે છે કે એને પરિણામે તેઓ પોતાનું કર્તવ્ય સારી રીતે નિભાવી શકતા નથી. એમને પોતાનું કર્તવ્ય કાર્યભાર જેવું લાગે છે અને દરરોજ તેમને અંતહીન અસહ્ય પીડા અનુભવવી પડે છે. આવી અનુભૂતિથી એમનામાં તણાવની વધારે વૃદ્ધિ થાય છે અને એ આક્રોશ જગાડવા પર્યાપ્ત નિવડે છે. તેઓ અત્યંત સંવેદનશીલ બની જાય છે. સામાન્ય ધ્વનિને સહન કરવાનું સામર્થ્ય એમનામાં રહેતું નથી. ટેલિફોનની સામાન્ય ઘંટડી, દ્વાર પરના ટકોરા કે કૂતરાના ભસવાનો અવાજ વગેરે એમને માટે આક્રોશ જગાડવા પૂરતાં થઈ રહે છે. એવી જ અન્ય પરિસ્થિતિઓમાં તેઓ વિભ્રાંત બનીને વ્યવહાર-વર્તન કરવા લાગે છે. આવા તીવ્ર માનસિક તણાવથી મુક્તિ મેળવવાનું પ્રથમ ચરણ છે, તેની પ્રકૃતિ અને માનવમસ્તિષ્કની આંતરિક ક્રિયા પ્રતિક્રિયા એવં રચનાની જાણકારી પ્રાપ્ત કરવી. (ક્રમશ 🙂
Your Content Goes Here