(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા)

ગયાં અંકમાં આપણે પતંગિયાની દુનિયાની વિશેષતા વિશે ટિયાના અનુભવો વિશે વાંચ્યું. હવે આગળ…

લોલી (રોમાંચક જીવ)

મારી રોમાંચક યાત્રાઓ શરૂ થતા પહેલાં મેં એકવાર બે બાળકોને પોતાની શાળા વિશે દુ :ખદ વાતો કરતાં સાંભળ્યાં હતાં : ‘આપણે ક્યાં સુધી આ ગણવેશ પહેરવો પડશે, આ દફતર ઉપાડવું પડશે, ઠપકો ખાવો પડશે અને આવા નાના વાળ રાખવા પડશે, અને…’

બીજું બાળક : ‘મારી દૃષ્ટિએ આઠ વર્ષ અને જો તું નાપાસ ન થા તો.’

પહેલું બાળક : ‘આઠ વર્ષ! અત્યારે આપણે દસ વર્ષના છીએ. અરે, હું ભાગીને આખો દિવસ ક્રિકેટ રમી શકું તો કેવું સારું?’

બીજું બાળક : ‘મિત્ર, દરેકે આ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. આપણાં મા-બાપે પણ આ જ કર્યું હતું અને આપણાં સંતાનો પણ એ જ કરશે, મારા પિતાજીએ આ જ કહ્યું હતું.’

પહેલું બાળક : ‘હા, હું પણ જોઈશ કે મારાં સંતાનો પણ આ યાતનામાંથી અવશ્ય પસાર થાય. જો મેં યાતનાઓ વેઠી હોય તો તેઓ શા માટે ન વેઠે? અંતે મા-બાપ જ યાતનાઓ આપે છે, બરાબરને?’

બીજું બાળક : ‘તને સમજાતું નથી. મેં મારાં મા-બાપને આવું કહેતાં સાંભળ્યાં હતાં કે તેઓ આપણને મોટા માણસ બનાવવા ઇચ્છે છે અને એટલે જ આપણને શાળાએ મોકલે છે. પણ મને આ વાત સમજાતી નથી કે આ બધી ભાંજઘડ શા માટે?’

પહેલું બાળક : ‘પરંતુ મોટા થયા પછી હું કેટલુંક નહીં કરી શકું. હું આજે રાત્રે એક દેડકો મારાં માતાની પથારીમાં છૂપી રીતે રાખી દઈશ, જોઈએ તેઓ શાળાએ જઈને કેટલાં મહાન બની શકે છે.’

દેડકો અને ચાદર નીચે! હું આનંદની કિલકારી સાથે ઊડવા લાગ્યો. પતંગિયાંની દુનિયામાંથી નીકળીને મારા મનમાં આવ્યું કે અળસિયાંના તાંતણામાંથી બનેલી માળા હું હંસના ગળામાં પહેરાવંુ! મારા એ મહાન શિક્ષક હંસને ગળું છે કે નહીં, એની મને ખબર નથી.

‘અહા.’ હંસના અવાજે મને મારા પોતાના વિચારો પર લજ્જિત કરી દીધો.

હંસ : ‘ટિયા, જિંદગીનું બીજું નામ છે સંકળાયેલા રહેવું તે. જીવન, અસ્તિત્વ, સુખ અને દુ :ખમાં પણ પૂરી નિષ્ઠાથી મંડ્યા રહેવું એ જ સાર છે. એમાંથી એકવાર પાર થઈ ગયા પછી બધું પૂર્ણ.’

ટિયા : ‘હું મારા વડલા પર પાછો જવા ઇચ્છું છું. ત્યાંનું જીવન જાણીતું છે, મારા મિત્રો મને યાદ કરતા હશે.’

નિરવતા.

ટિયા : ‘હું પહેલાં વધારે ખુશ હતો. આ બધી રોમાંચક સાહસયાત્રાઓ ઘણી થઈ ગઈ! હવે હું પાછો જવા માગું છું.’

હંસ : ‘ના, ટિયા! હવે તું ઇચ્છે તો પણ યાત્રાઓ રોકી ન શકે. આ ખેલ તો ચાલુ જ રહેવાનો છે.’

ટિયા (વિલાપપૂર્વક) : ‘ક્યાં સુધી?’

હંસ : ‘જ્યાં સુધી આ ખતમ ન થઈ જાય – દરેકને આ બધી પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે. પછી એ વહેલું કે મોડું, ઝડપી કે ધીમી ગતિએ.’

‘શું આપ પણ આ બધી પરિસ્થિતિમાંથી પસાર થયા હતા?’ હું મજાક કરવાનો પ્રયાસ કરતો હતો પણ ત્યાં તો હંસજી ત્યાંથી નીકળી ચૂક્યા હતા!

***

‘આવો, જુઓ મારો બાગ સુંદર

પૃથ્વીલોકમાં સૌથી સુંદર

સ્વર્ગલોકથી પણ સુંદર’

એ અવાજમાં દૃઢતા અને વિશ્વાસ હતો. આકર્ષણ પણ ખરું. હવામાં એક બીજો અવાજ તરતો હતો. એવો જ આકર્ષક પણ ઓછી દૃઢતા સાથે.

‘ઓહ એમ! એ તો નરક પણ હોય,

આવો આવો, મારા પ્રિય મિત્રો,

મારા બાગની સુંદરતા તો નિહાળો.’

સુંદરતા! આ શબ્દો મારા કાનમાં ભોંકાયા અને મારી પાંખો પણ સાવધાન થઈ ગઈ. આ શબ્દો ભયની ઘંટડી રૂપ હતા અને મારા ગળાની લાલ લકીર મને લગાતાર એની જ યાદ અપાવતી હતી. મેં ઊડીને દૂર જવા ઇચ્છ્યું, પરંતુ મારા પેટની ભૂખ અને થાકેલાં અંગને થોડો આરામ જોઈતો હતો. મેં વિશેષ સાવધાનીપૂર્વક આરામનો નિર્ણય કર્યો.

એક ઝાડ પર ઊતરતાં વેંત મેં આજુબાજુના પરિવેશ પર નજર નાખી. તે સ્થાન માની ન શકાય એટલું સ્વચ્છ અને સુંદર હતું અને તે મારા માટે સાવધાન રહેવાના સંકેતરૂપ હતું. સુંદર અને વ્યવસ્થિત દેખાતું સ્થાન અવ્યવસ્થિત અને ઢંગધડાવગર સ્થાન કરતાં ભયંકર હોય છે. ચળકાટ નીચે બુરાઈઓ સહેલાઈથી છુપાયેલી હોય છે. કામિલ અને ક્રાંતિકારી પક્ષીઓએ મને આ સારી રીતે શીખવી દીધું હતું.

નીચે જમીન પર બગીચાઓ પથરાયેલા હોય એમ દેખાતું હતું. ત્યાં ફળ વિનાનાં ઊંચાં ઊંચાં વૃક્ષો હતાં (એવા જ એક વૃક્ષ પર હું બેઠો હતો) અને નાનાં નાનાં વૃક્ષો ફળોથી લચી પડેલાં હતાં. આ જોઈને મને આશ્ચર્ય થતું હતું કે ફળો રસાળ હોવા છતાં પણ કોઈ પક્ષી ક્યાંય દેખાતું ન હતું.

આ બાગોના રક્ષકો દેખાવમાં સારા હતા પરંતુ તેમના મોંમાંથી લાંબી જીભ બહાર લટકી રહી હતી. એ જીભો પોતાના પરિઘમાં આવતી કોઈ પણ વસ્તુને લપલપાવીને મોંની અંદર લઈ શકતી.

મેં મનમાં આ જીવોને ‘લોલી’ એવું નામ આપ્યું. તેનાથી ચેતતા રહેવાનું અને એમની ચાલચલગત જોવાનું નક્કી કર્યું.

બે લોલી કોઈ બાબત પર લડતા હતા. મેં આટલો બોધપાઠ મેળવ્યો હતો કે મારે અતિજિજ્ઞાસુ ન બનવું. એટલે હું એમની નજીક ન ગયો. મેં ભૂલ કરી હતી – તરત જ મને સમજાઈ ગયું કે સીમિત જિજ્ઞાસાનું પણ જીવનમાં મૂલ્ય હોય છે. મને ભૂખ લાગી હતી અને જે વૃક્ષ પર હું બેઠો હતો તેના પર ખાવા જેવું કશું ન હતું. એટલે હું ધીમેથી નીચેના બાગમાં એક વૃક્ષ પર ઊતર્યો. મેં એક રસયુક્ત ફળમાં મારી ચાંચ મારી પણ હું આવનારા ખતરાથી અજાણ હતો.

લડતા એક લોલીએ મને જોઈ લીધો અને આંખમાં આશા અને લાલચ ચમકી ઊઠ્યાં. એટલે હું અટકી ગયો અને વિચારવા લાગ્યો, પણ હવે હું શું કરું એનો મને સ્પષ્ટ ખ્યાલ આવતો ન હતો. જે વૃક્ષ પર હું મારી ભોજનભૂખ ભાંગતો હતો તે તરફ લડતી-ઝઘડતી જોડી આવવા લાગી. મારા મનમાં વિચાર આવ્યો કે હું સુરક્ષિત છું અને ભયનો ખ્યાલ આવતાં જ ઊડી શકું છું.

અચાનક ઘાસમાંથી એક સસલું ભાગ્યું.

લોલી એના તરફ જોવા લાગ્યા. એમની આંખોમાં એટલો ડરામણો ગુસ્સો હતો કે બિચારું એ સસલું ત્યાં જ સ્થિર થઈ ગયું. એ બેમાંથી એક લાલચુના ગળામાંથી કિલકારી નીકળી અને બીજાએ ગુસ્સામાં ઘુરકિયું કર્યું.

‘એને અડવાનો પ્રયત્ન ન કરતો. એના પર મારો હક છે. એ મારા ક્ષેત્રમાં હતો.’

‘જાણે કે આ બધી જમીનનો તું જ માલિક છો.’

‘લાલચુ જીભ, હજી કાલે જ આપણે પોતપોતાના બાગ સુધી સીમિત રહેવા સહમત થયા હતા. જેના પર મારો હક છે એના પર તું નજર જ શા માટે નાખે છે? કાયદા પ્રમાણે ચાલો.’

‘કમજોર લોકો જ કાયદા બનાવે છે. જ્યારે શક્તિશાળી એમનો અર્થ તારવે છે.’

‘અરે જાડિયા, તો તેં કયો અર્થ તારવ્યો?’

‘આ સસલું તારા બાગમાંથી મારા બાગમાં ભાગી જવા ઇચ્છતું હતું. જો તો ખરો, તે તારાથી વધુ સમજદાર છે. હું તારાથી વધારે સારો છું, એની એને ખબર છે. જો તે બોલી શકતું હોત તો કહી દેત કે એ મારું જ છે. તે બોલી શકતું નથી એટલે તેના મનની ઇચ્છા હું તને સ્પષ્ટપણે બતાવી દઉં છું. અને ખબરદાર હવે પછી તું મને જાડિયો ન કહેતો, એનું પરિણામ શું આવશે એની તને ખબર જ છે.’

‘જાડિયા, પહેલાં પણ તારો તર્ક સાંભળી ચૂક્યો છું. એ તારી સડેલી ચામડી કરતાં વધારે સડેલ છે. તારો ભંડાર તો પહેલેથી જ ભોજનથી ભર્યો પડ્યો છે અને વર્ષો સુધી તું ખતમ કરી શકે તેમ નથી. તારા ચારિત્ર્યની જેમ તે પણ સડે છે. જે તારું નથી તેને તું છીનવી લેવા ઇચ્છે છે, એમ! આટલું યાદ રાખજે કે હું હક માટે મારો જીવ પણ આપી શકું છું.’

‘તને મરતો જોવાની હું રાહ જોઈશ. તું ઇચ્છે તો તેમાં હું તને સહાય કરી શકું. સમાજનું ભલું કરવાનો મોકો રોજ રોજ થોડો મળે!’

‘શું તને સામાજિક ન્યાય વિશે કંઈ જ્ઞાનભાન નથી?’

‘ન્યાય વળી શું? દરેકને સમાજમાંથી ઊંચે લાવવાની સ્વાભાવિક રીત. હું ટોચ પર છું અને બીજાને ઉન્નત કરવા એ મારું કર્તવ્ય છે. એને માટે મારે ઉપર રહેવું જરૂરી છે. મારી પાસે છે એ મને મળવું જોઈએ અને એને સંભાળીને રાખવું પણ જોઈએ. જો હું એમ ન કરું તો મને પાપ લાગે. તું એ વાત જાણતો નથી એટલે જ આટલો નીચ અને દુષ્ટ છે.

તર્ક સાંભળીને મારું મગજ ફરવા લાગ્યું. ‘મદમતમલજી તમે ક્યાં છો? આ લાલચીઓ પાસેથી થોડો બોધપાઠ શીખો’ એમ હું મનમાં બબડ્યો.

કમજોર લોલીએ કહ્યું, ‘શું તમને ભગવાનનો પણ ડર નથી કે જે તમારાં કાળાં કામો જોઈ રહ્યા છે?’

‘હું કોઈ કાળું કામ કરતો નથી અને જ્યારે તમને કહી દીધું કે હું ભગવાનને આ સસલાનો પગ બલિરૂપે ધરીને તેને પ્રસાદના રૂપે ખાઈ જઈશ.’

અચાનક બધું બદલાઈ ગયું. કમજોર લોલીએ શક્તિશાળી લોલી પર જોરદાર હુમલો કર્યોે. એમની જીભ બહાર નીકળી ગઈ અને બન્ને પરસ્પર બાથંબાથ કરવા લાગ્યા. ત્યાં તો જીભ કસીને લડવાનું હતું એટલે એમાં ઘૂરકિયાં સંભળાતાં હતાં.

આ મારામારી ચાલતી હતી ત્યાં સસલું ઊઠ્યું અને જીવ બચાવીને ભાગ્યું. હું મારું હાસ્ય રોકી ન શક્યો અને બોલી ઊઠ્યો, ‘શાબાશ, સસલાભાઈ શાબાશ! એમની બાહ્ય ‘તું તું, મેં મેં’ એ તને ફસાવ્યો અને ખરેખર અંદરની, અંતરની અથડામણે તને બચાવ્યો! નસીબદાર છો, મંડ ભાગવા.’

લડાઈ તો બંધ થઈ. જે આંખો પહેલાં લોભલાલચ ભરી હતી તે હવે ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ, પણ હું ડર્યો નહીં. મને ખબર હતી કે તેઓ મને ફસાવે તો પણ હું ઊડીને આઝાદ થઈ જઈશ. મને એટલો વિશ્વાસ હતો કે લાલચમાં એટલી શક્તિ નથી હોતી કે કોઈ પણ ચીજ બાંધીને રાખી દે. હું મોટે અવાજે બોલ્યો, ‘અરે ભાઈઓ! તમે એકબીજા પર જીભથી હુમલો કરી શકો છો એ સારું છે. તમારી આ જીભ એ શિકાર માટે કામે લગાડત તો એનું જીવવું મુશ્કેલ બની જાત.’

‘ઊભો રહે, સાલા, હું આ આવ્યો.’ શક્તિશાળી લોલીએ સખત શબ્દોમાં કહ્યું.

મેં ગાઈને કહ્યું, ‘હા! હા! તું મને પકડી શકે તો પકડી લે!’

એણે પક્ષી જોયું નહીં હોય. એમાંય વળી બુદ્ધિશાળી પક્ષીને તો નહીં જ જોયું હોય.

મેં સમય પહેલાં અટકળ કરી લીધી હતી. નિશ્ચિત પગલે લબલબ થતી જીભે લોલી મારા તરફ આગળ વધ્યો. હું સચેત હતો. એની પહોંચથી દૂર ઊડી જવા માટે તૈયાર પણ ખરો.

ઊંચે? ફસાયા પછી ઊંચાઈ આસાન નથી હોતી. અજાણતામાં જ હું એ સ્થાને ચોટી ગયો કે જ્યાં બેઠો બેઠો તમાશો જોતો હતો. આખા વૃક્ષ પર કોઈ વિશેષ ગુંદર હતો એને લીધે એના સંપર્કમાં આવનાર પશુ, પક્ષી, કીટ એમાં ચોંટી જતાં. અહીં આ લોલીઓ સિવાય બીજું કોઈ પ્રાણી દેખાતું ન હતું એમાં કંઈ નવાઈ નથી.

આ ભયંકર પળે મારા મુખમાંથી ‘આહ!..’ અવાજ નીકળ્યો. મારી બુદ્ધિ ઊડી ગઈ હતી! મારા શબ્દો, હાજરજવાબીપણું અને બુદ્ધિ હવે પરસેવો બનીને બહાર વહી રહ્યાં હતાં.

હંસ! તમે મને ક્યાં પહોંચાડી દીધો?

એક ભોળી-ભલી જીંદગીને આ જાલિમની જીભ ગળી જવા જતી હતી અને એ પણ કોઈ કારણ વિના.

મને વડલાના દિવસો, મિત્રો, હાસ્યવિનોદ, ખરુંખોટું, સફળતા-નિષ્ફળતા, આ બધું યાદ આવવા લાગ્યું. અરે, આ જ તારો અંત છે, ટિયા. પણ એમાં મારો શો વાંક? હું તો બસ ભૂખ્યો હતો. ભગવાને અમારી ભૂખ દૂર કરવા ફળ બનાવ્યાં છે, તો પછી ફળની તરફ આગળ વધીને મેં એવી કઈ મોટી ભૂલ કરી નાખી?

જ્યારે મેં કાતિલ જીભનો સ્પર્શ અનુભવ્યો ત્યારે મારા હોશ ઊડી ગયા.

આ સ્પર્શ સાપના શરીર જેવો હતો, મૃત્યુદાયી ઠંડો! જીભ મારા દેહ પર લપેટાઈ ગઈ અને મને ઝાડથી અલગ કરી દીધો. હવે આ જ મારો અંત હતો. હું બેભાન થઈ ગયો.

અચાનક જે ઝટકા સાથે હું નીચે પડ્યો એનાથી જ હું ભાનમાં આવવા લાગ્યો. પહેલાં તો મને લાગ્યું કે કદાચ હું લોલીને ભાવ્યો નહીં હોઉં, પણ મને જલદી ખ્યાલ આવ્યો કે વાત તો કંઈક જુદી જ હતી. બીજો લોલી પાછળથી આવી ગયો અને મને પકડી રાખેલ લોલીને જોરથી ધક્કો માર્યો. આ અચાનક થયેલ હુમલામાં હું એની પકડમાંથી છટકી ગયો. ડરનો માર્યો હું હાંફતો હાંફતો ઊડીને ભાગ્યો.

મને બચાવનાર લોલી મારા પર ગુસ્સે થઈને બરાડી ઊઠ્યો, ‘મેં તને કહ્યું હતું ને કે આ જાડિયાનો બાગ નરક છે. આવો, પ્યારા આવો. મારા બાગના સૌંદર્યનો આદર માણો. મારા આતિથ્યનો આનંદ માણો.’

હા, આ જાલિમના પેટમાં સુરક્ષા! હું બીજીવાર નીચે આવીશ એમ એ કેવી રીતે વિચારી શકતો હશે? શારીરિક અને ભાવનાત્મક રીતે ઢાંકેલો હતો છતાં પણ હું ઊડી નીકળ્યો, સુરક્ષા તરફ. કોણ જાણે કેમ મને શ્રીહંસજીની ઉપસ્થિતિ પોતાની આસપાસ જ લાગી. હું એટલો થાકી ગયો હતો કે વાત પણ કરી શકતો ન હતો અને કદાચ તેઓ ઇચ્છતા હતા કે હું શાંત રહીને સ્વસ્થ બની જાઉં. (ક્રમશ 🙂

Total Views: 253

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.