અનસૂયા

હિન્દુઓ સવારમાં જે મહાન સાત નારીઓને સ્મરે છે તેમાં એક નામ અનસૂયાનું છે.

જો કે પરંપરાગત પંચકન્યામાં તેમનો સમાવેશ થતો નથી. પવિત્રતા અને પતિપરાયણતાની શક્તિ સાથે કઠિન તપશ્ચર્યા જોડાય તો શું સાધી શકાય તેનું અનસૂયા એક શાશ્વત ઉદાહરણ છે. તેઓ ઋષિ અત્રિનાં પત્ની હતાં અને તેમના પ્રત્યે ઉચ્ચ પ્રેમભાવ હતો.

તેમણે ઘણી કઠિન તપશ્ચર્યાઓ કરી હતી અને તેનું ફળ બીજાનાં કલ્યાણ માટે અર્પી દીધું હતું. એક વખત એક દસકા સુધી લંબાયેલા દુષ્કાળથી લોકો ઘણા પીડિત થઈ ઊઠ્યા. અરે, સનાતન વહેનારી ગંગા પણ સુકાઈ ગઈ. માત્ર અનસૂયાના તપના પ્રભાવે વૃક્ષોમાં ફળો આવ્યાં અને ગંગા ફરીથી વહેતી થઈ.

વનવાસના દિવસોમાં શ્રીરામ અને સીતાએ ઋષિ અત્રિના આશ્રમની મુલાકાત લીધી હતી. પતિની સંપૂર્ણ મનથી સેવા કરવી એ સ્ત્રીઓ માટેનું અધિકારપૂર્વકનું મહાન તપ છે એવી અનસૂયાએ સીતાને શિખામણ આપી હતી. પછી તેમણે સીતાને ઘણો પવિત્ર અને કદી ન કરમાય તેવો હાર, ઉત્તમ રત્ન સાથે કેટલાક અલંકારો, અમૂલ્ય ચંદનલેપ આપ્યાં હતાં.

તેમણે સીતાને કહ્યું કે જ્યારે તે શ્રીરામ સમક્ષ જાય ત્યારે આ ભેટમાં આપેલ પોશાક અને અલંકારો ધારણ કરે. સીતાને સુસંગત માન-આદર અપાતાં જોઈને શ્રીરામ અને લક્ષ્મણ ખૂબ રાજી થયા. ત્યાર પછી શ્રીરામ અને સીતા અત્રિ ઋષિના આશ્રમમાંથી આગળ ગયા.

એ સમયે માંડવ્ય નામના એક ઋષિ હતા. તેમણે એક સજ્જનને અભિશાપ આપ્યો, ‘સૂર્યોદય પહેલાં તું મૃત્યુ પામીશ.’ આ શાપ વિશે સાંભળીને તે શાપિત માનવની પતિવ્રતા અને પવિત્ર પત્નીએ ઉદ્ઘોષણા કરી, ‘આ સંજોગોમાં હવે સૂર્ય જ નહીં ઊગે અને મારો પતિ મૃત્યુ નહીં પામે.’ એની પ્રતિજ્ઞાને લીધે થોડા જ વખતમાં આખા જગતમાં અંધારું વ્યાપી ગયું.

અનસૂયાની શક્તિને જાણીને સંસારના લોકોએ તેમને મદદ કરવા વિનંતી કરી. અનસૂયા પેલી સ્ત્રીના ઘરે ગયાં અને તેને કહ્યું, ‘તારા પતિ પ્રત્યેની નિષ્ઠા અને વફાદારીની હું પ્રશંસા કરું છું. પરંતુ હવે સૂર્યને ઊગવા દે, નહીં તો આ ધરતીએ અને બધાં પ્રાણીઓએ સહન કરવું પડશે. જો તું તારી પ્રતિજ્ઞાના શબ્દો પાછા ખેંચે તો હું તારા પતિને પુન :જીવિત કરી દઈશ.’

નારીએ અનસૂયાની વિનંતી માનીને પોતાની પ્રતિજ્ઞા પાછી ખેંચી લીધી. સૂર્ય ઊગ્યો એટલે માંડવ્ય ઋષિના અભિશાપને લીધે એ સ્ત્રીનો પતિ મૃત્યુ પામ્યો. ત્યાર બાદ અનસૂયાએ પ્રાર્થના કરીને પોતાનાં પવિત્રતા અને તપની શક્તિથી પેલી સ્ત્રીના મૃત પતિને ફરીથી જીવતો કર્યો.

આખું વિશ્વ પ્રસન્ન થયું અને દેવોએ અનસૂયાને વરદાન માગવા કહ્યું. તેમની ઇચ્છા પ્રમાણે વરદાન પણ મહાન હતું. તેમણે પ્રાર્થના કરી કે જો તેઓ ખરેખર પ્રસન્ન થયા હોય તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણેય દેવો તેમનાં બાળકો બને.

અનસૂયાને વરદાન મળ્યું અને આ રીતે ત્રણેય મહાન દેવતાઓના અવતારરૂપ દત્તાત્રેયનો જન્મ થયો.

Total Views: 103
By Published On: October 1, 2015Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram