(અનુવાદક : શ્રીઅનિલભાઈ આચાર્ય )
ગ્રીસનો અનુભવ
(ગતાંકથી આગળ) એપ્રિલ ૨૦૦૭માં હું ગ્રીસની મુલાકાતે ગયો હતો ત્યારે મને થયેલ એક સુંદર અનુભવ પણ તમને કહેવા દો.
એથેન્સમાં આવેલ એક્રોપોલિસ પર્વતના શિખર તરફ જઈ રહ્યો હતો ત્યારે દોઢસો જેટલા ગ્રીક વિદ્યાર્થીઓનું એક જૂથ સામે મળ્યું. તેઓએ મારી સામે નિખાલસપણે સ્મિત કર્યું. શિક્ષકોએ મારી પાસે આવીને વિદ્યાર્થીઓનો પરિચય આપ્યો. તેઓએ ભારતના રાષ્ટ્રપતિને મળવાની તક મળતાં આનંદ વ્યક્ત કર્યો અને વિદ્યાર્થીઓને સંબોધવા વિનંતી કરી. તે વખતે મારા મનમાં ગ્રીસે વિશ્વને આપેલ મહાન વિભૂતિઓ વિષે વિચારો ચાલતા હતા : સોક્રેટીસ, પ્લેટો અને એરિસ્ટોટલ. યુવા વિદ્યાર્થીઓને જોઈને પ્લેટોએ કહેલા શબ્દો મને યાદ આવ્યા. પ્લેટોએ ૨૪૦૦ વર્ષ પહેલાં કહ્યું હતું, ‘રાષ્ટ્રનું નિર્માણ કરતી વખતે અમારું ધ્યેય માત્ર અમુક વર્ગના લોકોને જ બેહદ ખુશ રાખવાનું નથી પણ બધા લોકોને સમાન રીતે ખુશ રાખવાનું છે.’ તેવી જ રીતે, તે જ સમયે તામિલ સંત કવિ થીરુવલ્લુવરે કહ્યું હતું,
‘રાષ્ટ્રના નિર્માણના અગત્યના સિદ્ધાંતો છે રોગ-મુક્તિ, વધુ અર્થ ઉપાર્જન કરવાની ક્ષમતા, વધુ ઉત્પાદક્તા, સંવાદિતાભરી જીવન-પદ્ધતિ અને મજબૂત સંરક્ષણયુક્ત થવું તે.’
આ વિચારો સાથે મેં વિદ્યાર્થીઓને અને ગ્રીસના યુવાનોને શું કહેવું તે નક્કી કરી નાખ્યું. ભારતનાં આધ્યાત્મિક કેન્દ્રોમાં સામાન્યત : સાંભળવામાં આવતા સ્તોત્રની મેં અક્ષરશ : રજૂઆત કરી : ‘જ્યાં હૃદયમાં નિર્મળતા હોય ત્યાં ચારિત્ર્યમાં નિખાર આવે છે. જ્યારે ચારિત્ર્યમાં નિખાર આવે છે ત્યારે ઘરમાં સુમેળ હોય છે.
જ્યારે ઘરમાં સુમેળ હોય, ત્યાં રાષ્ટ્ર સંગઠિત બને છે. જ્યારે રાષ્ટ્ર સંગઠિત હોય, ત્યારે વિશ્વમાં શાંતિ ફેલાય છે.’ જ્યારે વિદ્યાર્થીઓ અને યુવાનો મારી સાથે ગાતા હતા ત્યારે એક્રોપોલિસની આજુબાજુ એકઠા થયેલા પ્રવાસીઓ પણ સાદ પુરાવવા લાગ્યા.
આમ ચોતરફથી ઉત્સાહભર્યો આવકાર મળ્યો. ત્યારે મને સ્પષ્ટપણે લાગ્યું કે વિવિધ દેશના યુવા અને અનુભવી લોકો પર પણ હૃદયની સચ્ચાઈનો કેવો પ્રતિભાવ પડે છે. તમે હવે જોઈ શકશો કે હૃદયની નિર્મળતા માણસ જાતમાં ઉચ્ચ ચારિત્ર્યનું નિર્માણ કેવી રીતે કરે છે અને ઉચ્ચ ચારિત્ર્ય એકબીજા વચ્ચે સુમેળની ભાવના કેવી રીતે ઉત્પન્ન કરે છે. આ ભાવના જ રાષ્ટ્રને સંગઠિત કરે છે. આ સંગઠિત રાષ્ટ્ર જ વિશ્વમાં શાંતિની સુવાસ ફેલાવે છે. આમ મહાન વ્યક્તિત્વ, મહાન કુટુંબ અને મહાન રાષ્ટ્ર અને છેવટે આ મહાન ધરતીના મૂળમાં તો હૃદયની નિર્મળતા જ રહેલી છે.
હવે પ્રશ્ન એ છે : આપણે હૃદયને કેવી રીતે નિર્મળ બનાવવું? મારા મત પ્રમાણે એવા ત્રણ પર્યાય છે કે જેના મારફત આપણે યુવહૃદયને નિર્મળ બનાવી શકીએ. એક છે માતા, બીજો છે પિતા તેમજ ત્રીજો અને સૌથી અગત્યનો પર્યાય શિક્ષક છે, ખાસ કરીને પ્રાથમિક શાળાનો શિક્ષક.
આ ઉપરાંત યુવમાનસમાં હૃદયની નિર્મળતાનું સિંચન કરવા માટે આપણી પાસે ઉચ્ચ શિક્ષણ, આધ્યાત્મિક જીવનશૈલી અને આધ્યાત્મિક વાતાવરણ હોવાં જરૂરી છે.
હવે આપણે થોડી મહાન વ્યક્તિઓ પર નજર કરીએ કે જેઓને માનવજાતિ તેમના અનન્ય સામાજિક ફાળા માટે આજે પણ યાદ કરે છે અને માન આપે છે.
તમારી વિશિષ્ટતા
તમે જ્યારે ઉપર જુઓ છો તો શું જુઓ છો? વિદ્યુતપ્રકાશ, વીજળીના દીવા. ત્યારે આપણને તેના શોધક થોમસ આલ્વા એડિસનની યાદ આવે છે કે જેમણે વીજળીના દીવા અને વિદ્યુતપ્રવાહ પદ્ધતિની શોધ કરી માનવજાતિને એક અનન્ય ભેટ આપી છે. તમે જ્યારે તમારા ઘર પરથી પસાર થતા વિમાનનો અવાજ સાંભળો છો ત્યારે તમને કોની યાદ આવે છે? રાઇટ બ્રધર્સે સાબિત કરી આપ્યું કે માણસ ઊડી પણ શકે છે, અલબત્ત, વધુ જોખમ અને ખર્ચ સાથે. ટેલિફોન તમને કોની યાદ અપાવે છે? અલબત્ત, એલેક્ઝાંડર ગ્રેહામ બેલની.
ઘણા લોકો દરિયાઈ મુસાફરીને અનુભવ અથવા સફર ગણાવે છે. ઈંગ્લેન્ડથી ભારતના દરિયાઈ પ્રવાસ દરમિયાન એક વ્યક્તિના મનમાં પ્રશ્ન થયો કે જ્યાં સમુદ્ર અને આકાશનું મિલન થાય છે ત્યાં ક્ષિતિજનો રંગ આસમાની કેમ છે? તેમાંથી એ વ્યક્તિએ પ્રકાશના પરાવર્તનની શોધ કરી. તેના શોધક સર સી.વી. રામનને નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
શું તમે એ વૈજ્ઞાનિક્ને જાણો છો જે ચન્દ્રસીમા માટે પ્રખ્યાત છે? તેમના બે વિદ્યાર્થીઓને તેમના પહેલાં નોબેલ પુરસ્કાર મળ્યા હતા. તે પ્રખ્યાત નોબેલ પુરસ્કાર વિજેતા ચન્દ્રશેખર સુબ્રમણ્યમ્ છે.
તમે એ ભારતીય ગણિતશાસ્ત્રીને જાણો છો કે જે માધ્યમિક શાળાના સામાન્ય શિક્ષણથી પણ વંચિત હતા છતાં તેમણે અખૂટ ધગશ અને ગણિત પ્રત્યેના અગાધ પ્રેમને કારણે ગણિતશાસ્ત્ર સંબંધી સંશોધનો કરી ઉમદા યોગદાન આપ્યું- જેમની અમુક શોધો તો આજે પણ ગહન અભ્યાસ હેઠળ છે અને વિશ્વના અગ્રગણ્ય ગણિતશાસ્ત્રીઓ ઔપચારિક સાબિતી સ્થાપિત કરવા પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ એક વિરલ વિચક્ષણ ભારતીય હતા કે જેમણે કેમ્બ્રિજના નામાંકિત ગણિતશાસ્ત્રી પ્રો. જી. એચ. હાર્ડીના હૃદયને પણ પિગળાવી દીધું હતું. ખરેખર એ કહેવું અતિશયોક્તિભર્યું નથી કે પ્રો. હાર્ડીએ જ વિશ્વના આ મહાન ગણિતશાસ્ત્રીની શોધ કરી હતી. આ ગણિતશાસ્ત્રી એ જ શ્રીનિવાસ રામાનુજન્ કે જેમને મન દરેક અંક (૧,૨,૩ વગેરે) એક દિવ્યતાનું પ્રગટિત રૂપ હતું.
રેડિયમની શોધ એક મહાન સ્ત્રી-વૈજ્ઞાનિકે કરી હતી. તેને એક નહિ પણ બે નોબેલ પુરસ્કારોથી નવાજીત કરવામાં આવી હતી, એક ભૌતિકશાસ્ત્ર માટે અને બીજો રસાયણશાસ્ત્ર માટે. તે કોણ છે? એ છે મેડમ ક્યૂરી. મેડમ ક્યૂરીએ રેડિયમની શોધ કરી હતી અને માનવજાત પર કિરણોત્સર્ગની થતી અસર અંગે શોધ કરી રહી હતી. આ કિરણોત્સર્ગે જ તેના પર અસર કરી અને માનવજાતને કિરણોત્સર્ગથી થતી પીડામાંથી મુક્ત કરવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું.
હું જ્યારે આ ઐતિહાસિક ઘટનાઓનું વર્ણન કરી રહ્યો હતો ત્યારે તમે થનગની રહ્યા હતા. વૈજ્ઞાનિકો, ટેકનોલોજિસ્ટ્સ, યોદ્ધાઓ અને મહાન વિભૂતિઓ કે જેમણે આ ઘટનાઓનું નિર્માણ કર્યું છે તેઓ વિરલ વ્યક્તિ હતા. યુવા મિત્રો, તમે વિજ્ઞાનની ઇતિહાસની આવી વિરલ વ્યક્તિઓ સાથે જોડાવા માગો છો? હા, જરૂર તમે જોડાઈ શકો છો. આ કેવી રીતે શક્ય બને તે માટે ચાલો, આપણે સાથે મળીને વિચાર કરીએ.
છેલ્લાં દશ વર્ષ દરમ્યાન હું લગભગ દોઢેક કરોડ યુવાનોને મળ્યો હોઈશ. મને લાગ્યું કે દરેક યુવાનની અભિલાષા અજોડ બનવાની છે. તમને પણ ! પણ તમારી આજુબાજુની દુનિયા રાતદિવસ તમને અન્ય જેવા જ બનાવવા પ્રયત્ન કરી રહી છે. ઘેર તમારાં માતાપિતા તમને પડોશીઓનાં બાળકોની જેમ સારા માર્ક્સ લાવવા કહે છે. શાળામાં તમારા શિક્ષક તમને વર્ગમાં પહેલા પાંચ વિદ્યાર્થીઓમાં આવવા જણાવે છે. તમે જ્યાં જાઓ ત્યાં તમને અન્ય જેવા થવાનું કહેવામાં આવે છે.
તમારી સામે કોઈ કલ્પી ન શકે તેવો પડકાર છે અને તેની સામેનું યુદ્ધ દુષ્કર છે. પરંતુ જ્યાં સુધી તમારા નિયત કરેલ સ્થળે પહોંચો નહિ ત્યાં સુધી થોભશો નહિ. તે જ તમારું અનન્યપણું છે !
તમે આ વિરલતા કેવી રીતે પ્રાપ્ત કરી શકશો? તેના સિદ્ધ થયેલ ચાર તબક્કા છે – વીસ વરસની ઉંમર પહેલાં ધ્યેય નક્કી કરવું, જ્ઞાન મેળવવા સતત પ્રયત્નશીલ રહેવું, ધ્યેયપ્રાપ્તિ માટે સખત પરિશ્રમ કરવો, માર્ગમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરવો અને સફળતા પ્રાપ્ત કરવી. આ
પ્રસંગે મને તેરમી સદીના મહાન ઈરાની સૂફી સંત જલાલુદ્દીન રુમીની એક પૌરાણિક રચના ‘હું ઊડીશ’ યાદ આવે છે :
‘હું સામર્થ્ય સાથે જન્મ્યો છું. હું ભલાઈ અને વિશ્વાસ સાથે જન્મ્યો છું. હું મનોરથ અને સપનાઓ સાથે જન્મ્યો છું.
હું મહાન થવા સર્જાયો છું. મારામાં જન્મજાત આત્મવિશ્વાસ છે. હું પાંખો સાથે જન્મ્યો છું. તેથી હું ઘસડાઈને ચાલીશ નહિ. મારે પાંખો છે. હું ઊડીશ – હું ઊડતો જ રહીશ.’
શિક્ષણ તમને ઊડવા માટે પાંખો આપે છે. ‘હું વિજયી બનીશ’ એ અંત :કરણની ધગશ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તેથી અહીં અને અન્યત્ર ઉપસ્થિત તમને બધાને ‘ધગશરૂપી પાંખો’ ફૂટશે. આ ધગશ તમને જ્ઞાન મેળવવા પ્રેરિત કરશે જે દ્વારા તમે એન્જિનિયર, ડાૅક્ટર, વૈજ્ઞાનિક, શિક્ષક, રાજકીય નેતા, અમલદાર, રાજદૂત, ચંદ્ર-મંગળના અવકાશયાત્રી અથવા તો જે ધારો તે થવા સક્ષમ બનશો.
ઉપસંહાર
અંતે મારો પ્રશ્ન એ છે કે તમને લોકો ક્યા સ્વરૂપે યાદ કરે? એ માટે તમારે તમારી જાતને વિકસિત કરવી પડશે અને તૈયાર કરવી પડશે. તમારે આ એક કાગળ પર લખી રાખવું જોઈએ. કદાચ એ કાગળ માનવજાતના ઇતિહાસનું એક અગત્યનું પાનું બની રહે અને તમે રાષ્ટ્રના ઇતિહાસમાં એ કાર્યસિદ્ધિ માટે યાદગાર બની રહો – પછી ભલે એ કાર્ય કોઈ શોધ, નવીનીકરણ, સંશોધન કે સમાજમાં પરિવર્તન અથવા તો ગરીબી નિર્મૂળ કરવા માટે કે પછી ઊર્જા કે ખગોળશાસ્ત્રમાં નવીન પ્રક્રિયા પદ્ધતિના રૂપમાં હોય.
તમને સર્વેને તમારા જીવનમાં અને લક્ષ્યમાં સફળતા માટે મારી શુભ કામના અને શુભેચ્છા. ઈશ્વર તમારું ભલું કરે.
Your Content Goes Here