શ્રીરામકૃષ્ણ : શરણમ્
મઠ,
૪-૧-૧૮૯૬
પ્રિય હરિમોહન,
તમારું પોસ્ટકાર્ડ યોગ્ય સમયે મળી ગયું હતું પણ મને અફસોસ થાય છે કે અત્યાર સુધી હું જવાબ ન આપી શક્યો. શશી મહારાજની અસ્વસ્થતાને કારણે મારે પૂજા વગેરેની જવાબદારી ઉઠાવવી પડી હતી તેથી સમય મળ્યો ન હતો. હવે તેમને સારું છે… વાયુજન્ય ઝાડાને લઈને મારી તબિયત પણ વિશેષ સારી ન હતી. અત્યારે પહેલાં કરતાં સારો છું. તમને કેમ છે? આશા છે કે તમારા સ્વાસ્થ્યમાં ઘણો સુધારો થયો હશે, કેમ કે એ માટે તો તમે ત્યાં ગયા છો. ત્યાં હજુ કેટલા દિવસ રહેવાનો વિચાર છે?… મને ખબર છે કે તમે સાવધાનીપૂર્વક રહો છો, છતાંય તે જ વાત તમને વારંવાર યાદ અપાવવાની જરૂરિયાત લાગે છે. આ વખતે તમારા માટે અંગ્રેજ કવિ લોંગફેલોની એક પંક્તિ ટાંકું છું : Trust no future, howe’r pleasant! (A Psalm of a Life) ‘ભવિષ્ય ભલે ગમે તેટલું મધુર કેમ ન જણાય, તેમાં વિશ્વાસ કરવો નહીં.’ મનમાં સુખની ઇચ્છા થઈ આવે ત્યારે સદાય આ ઉપદેશનું સ્મરણ કરવું. તમારી ઉંમર હાલમાં ઓછી છે અને જગત પાસેથી તમારે ઘણું બધું શીખવાનું છે. તમારી પાસે બુદ્ધિ પર્યાપ્ત છે એવું ક્યારેય વિચારવું નહીં. જે લોકો કોઈ જ આશા વગર તમારા હિતેચ્છુ છે તેમજ તમારી ઉન્નતિની કામના કરનાર છે તેઓ પાસેથી તમારા માટે કંઈ જ શીખવા જેવું કંઈ નથી. તમને સ્વાસ્થ્ય અને કલ્યાણ પ્રાપ્ત થાઓ!
સર્વદા શુભાકાંક્ષી,
તુરીયાનંદ
મઠ, બેલુર, હાવડા
પ્રિય હરિમોહન,
હમણાં જ તમારો એક બીજો પત્ર મળ્યો. તમને પહેલાં કરતાં સારું છે તે જાણીને આનંદ થયો. ખૂબ સાવચેતીથી રહેજો… તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખજો. કેમ કે વારંવાર રોગ ભોગવતા રહીને, શક્તિક્ષય ન કરીને, એ શક્તિને ભગવદ્ ચિંતનમાં લગાવવાથી પરમ કલ્યાણ થાય છે. વચ્ચે વચ્ચે પત્ર દ્વારા તમારા મનનાં સંદેહ અને ચિંતનધારાની જાણ કરતા રહેજો. એમનો ઉત્તર મેળવીને તમને ઘણો લાભ થશે. હું તમારા વિશે વિચારું છું અને કલ્યાણની કામના કરું છું…
પોતાના ભાવમાં ડૂબ્યા રહેવું તથા બધાનું ભલું વિચારવું. કોઈની સાથે વૃથા વાદવિવાદ કે કલહ કરવાની જરૂર નથી. ગીતાપાઠ કરી રહ્યા છો, એ ઘણી સારી વાત છે. ગીતા સમસ્ત શાસ્ત્રોનો સાર છે. ગીતા સાંભળીને અર્જુન સંદેહમુક્ત થયા હતા અને અન્ય જે કોઈ ગીતાનું સેવન કરશે તે પણ ચોક્કસ બધા સંદેહોથી મુક્ત થઈ જશે. તમે ગીતાનું અધ્યયન છોડતા નહીં. બાકી બધા સમાચાર સારા છે. તમે મારા સ્નેહ અને આશીર્વાદ સ્વીકારજો.
શુભાકાંક્ષી,
તુરીયાનંદ
Your Content Goes Here