મનની એકાગ્રતા દ્વારા મન પરનો સંયમ કોઈ પણ વ્યક્તિ કેળવે તો આવી અદ્‌ભુત સફળતા હાથવેંતમાં મળી રહે. પણ એ માટે મનને એકાગ્ર કરવું આવશ્યક છે. આ એકાગ્રતા માટે ધ્યાન જરૂરી છે. આ નિત્યનો અભ્યાસ બની જવો જોઈએ. આ માટે સ્વામીજીનો બીજો પ્રસંગ જોઈએ:

‘અમેરિકાના પશ્ચિમ પ્રાંતના એક નગરમાં એક વખત સ્વામીજીએ ભાષણમાં કહ્યું હતું : ‘જે સર્વોત્તમ સત્ય સુધી પહોંચી શકે છે તેને કંઈ વિચલિત કરી શકતું નથી.’ કેટલાક ભરવાડોએ આ વાત સાંભળી તેઓએ નક્કી કર્યું કે સ્વામીજીની આ વાતનો પ્રયોગ તેમની ઉપર જ કરવો. જ્યારે સ્વામીજી તેમના ગામમાં આવ્યા ત્યારે એક ટબ ઊંધું કરી નાખ્યું અને તેના પર ઊભા રહીને સ્વામીજીને ભાષણ કરવા કહ્યું. કોઈ પણ જાતના ખચકાટ વગર સ્વામીજી તૈયાર થઈ ગયા અને થોડીવારમાં અડગ ઊભા રહીને ભાષણમાં મગ્ન થઈ ગયા. એટલામાં જ તેમના કાન પાસેથી અવાજ કરતી બંદૂકની ગોળીઓ પસાર થવા લાગી. સ્વામીજીએ તલભાર પણ વિચલિત થયા વગર ભાષણ ચાલુ રાખ્યું. ભાષણના અંતે તે ભરવાડોએ સ્વામીજીને ઘેરી લીધા અને તેમની સાથે હાથ મિલાવીને કહ્યું : ‘હા, તમે ખરેખર મરદ માણસ છો.’’ સ્વામીજીની અનન્ય એકાગ્રતા તેમજ અનાસક્તિ એકીસાથે પ્રગટ થાય છે તેનું આ દૃષ્ટાંત એક ઉત્તમ ઉદાહરણ છે.

મનની તીવ્ર ઉત્કંઠા પણ જ્ઞાનપ્રાપ્તિ માટે એક અત્યંત આવશ્યક સાધન છે.

‘સ્વામીજી જયપુર હતા ત્યારે તેમને સંસ્કૃત વ્યાકરણના એક વિખ્યાત વિદ્વાન મળ્યા. એમની પાસેથી સ્વામીજીએ પાણિનીની અષ્ટાધ્યાયી ભણવાનું નક્કી કર્યું. એ પંડિત જાતે ખૂબ વિદ્વાન હોવા છતાં એમની પાસે અધ્યયનશક્તિ ન હતી. ગ્રંથના પ્રથમ સૂત્ર પરની ટીકા સમજાવવા તેમણે ત્રણ દિવસ પ્રયત્ન કર્યો પણ, વિફળ. ચોથે દિવસે પંડિતે કહ્યું: ‘મને ડર છે કે મારી પાસે અભ્યાસ કરવાથી તમને કાંઈ પ્રાપ્ત થતું નથી. ત્રણ દિવસની કડાકૂટ પછીયે હું તમને એક સૂત્રનો અર્થ સમજાવી શકયો નથી.’ એ ટીકાને જાતે ગળે ઉતારવાનું સ્વામીજીએ નક્કી કર્યું. પંડિત જે ત્રણ દિવસમાં ન કરી શકયા તે તેમણે ત્રણ કલાકમાં કર્યું. તરત જ તેઓ પંડિત પાસે ગયા અને સહજ રીતે ટીકા અને તેનો અર્થ સમજાવ્યાં. પંડિત આભા બની ગયા. સૂત્ર પછી સૂત્ર અને અધ્યાય પછી અધ્યાય પર પ્રભુત્વ મેળવવા પાછળ સ્વામીજી પડ્યા. આ અનુભવ વિશે વાત કરતાં સ્વામીજી કહેતા: ‘મનમાં તીવ્ર ઉત્કંઠા હોય તો, બધું પ્રાપ્ત કરી શકાય છે – પહાડોને પણ અણુ જેવડા કરી શકાય છે.’

મેધાશક્તિના વિકાસનું રહસ્ય

પરિવ્રાજક જીવનની એક બીજી ઘટના છે. મેરઠમાં આવ્યા બાદ સ્વામીજીની બીજા સંન્યાસી ગુરુભાઈઓ સાથે મુલાકાત થઈ. બધાએ સાથે મળીને એક જગ્યાએ રહેવાનું નક્કી કર્યું. સ્વામીજીને અધ્યયનનો ઘણો શોખ હતો. એક ગુરુભાઈ રોજ સ્થાનિક પુસ્તકાલયમાંથી સ્વામીજી માટે મોટાં મોટાં પુસ્તકો લઈ આવતા. પરંતુ એક જ દિવસમાં વાંચીને સ્વામીજી તે પરત કરતા એટલે બીજાં લાવવાં પડતાં. આ કારણે લાયબ્રેરિયનને લાગ્યું કે ફક્ત દેખાવ કરવા માટે સ્વામીજી વાંચવાનો ઢોંગ કરે છે. એટલે તેણે ગુરુભાઈઓ સમક્ષ પોતાની આ શંકા વ્યક્ત કરી. આ વાત સાંભળીને સ્વામીજી પોતે લાયબ્રેરિયન પાસે ગયા અને કહ્યું : ‘મેં બધાં પુસ્તકો વાંચ્યાં છે. તમને શંકા હોય તો ગમે તે પુસ્તકમાંથી તમે મને પ્રશ્ન પૂછી શકો છો.’ લાયબ્રેરિયને પૂછેલા પ્રશ્નોના યોગ્ય જવાબ સ્વામીજીએ આપ્યા. આ જોઈને તેના આશ્ચર્યની સીમા ન રહી. તેને વિચાર આવવા લાગ્યો કે શું આ ખરેખર શકય છે ? ખેતડીના રાજાના મહેમાન બન્યા ત્યારે રાજાએ જોયું હતું કે પુસ્તક તરફ જોઈને સ્વામીજી બહુ ઝડપથી પાનાં ફેરવતા હતા અને આ રીતે જ આખું પુસ્તક વાંચતા હતા. એટલે તેમણે સ્વામીજીને પૂછયું: ‘આ રીતે કેમ શકય છે?’

સ્વામીજીએ સમજાવીને કહ્યું: ‘એક બાળક જ્યારે વાંચતાં શીખે ત્યારે એક એક અક્ષરનો ઉચ્ચાર બે-ત્રણ વખત કરે છે અને શબ્દ બોલતો થાય છે. શરૂઆતમાં તેની નજર એક એક અક્ષરને પકડે છે, પરંતુ પછી થોડા જ દિવસમાં અભ્યાસને કારણે શબ્દને પકડી શકે છે અને તે પ્રમાણે બોલી શકે છે. સતત અભ્યાસને કારણે પછી તે વાક્યને પણ વાંચી શકે છે. આ જ રીતે ક્રમશ: ભાવ ગ્રહણ કરવાની ક્ષમતા વધારવાથી એક જ નજરે એક પાનું વાંચી શકાય. હું પણ એ જ રીતે વાંચું છું.’ આગળ વધતાં સ્વામીજીએ કહ્યું: ‘આ ફક્ત અભ્યાસથી શકય છે. બ્રહ્મચર્ય અને એકાગ્રતાનું પરિણામ. કોઈપણ વ્યક્તિ પ્રયત્ન કરે તો સફળ થઈ શકે.’

બેલગાંવવાસી હરિપદ મિત્ર સમક્ષ એક વખત તેમણે ‘પિક્વિક પેપર્સ’ અક્ષરશ: બોલીને આશ્ચર્યચકિત કરી દીધા હતા. હરિપદ મિત્રે જ્યારે સાંભળ્યું કે ફક્ત બે વખત આ પુસ્તક વાંચીને સ્વામીજીએ યાદ રાખી લીધું છે ત્યારે તો વધુ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. સ્વામીજીએ હરિપદ મિત્રને કહ્યું : ‘એકાગ્રતા અને બ્રહ્મચર્ય દ્વારા આ પ્રકારની સ્મરણશક્તિ પ્રાપ્ત કરવી શકય છે.’

વિદેશથી પાછા ફર્યા પછીની એક રોચક ઘટના છે. મઠમાં એનસાઈકલોપિડિયા બ્રિટાનિકાનો પૂરો સેટ આવ્યો હતો. એ બધાં પુસ્તકો સ્વામીજીના ઓરડામાં રાખ્યાં હતાં. તેને જોઈને શિષ્ય શરત્ચંદ્રે કહ્યું : ‘આટલાં પુસ્તકો વાંચવા માટે તો એક આખી જિંદગી પણ પૂરી ન થાય.’ એ સાંભળીને સ્વામીજીએ કહ્યું : ‘શું બોલ્યા? આ દસેય પુસ્તકોમાંથી ઇચ્છા પ્રમાણે મને પ્રશ્નો પૂછો. બધાના જવાબ આપીશ.’ શિષ્યને ખબર નહોતી કે આ દરમિયાન સ્વામીજીએ દસ ભાગ વાંચીને પૂરા કર્યા છે. અને એ સમયે અગિયારમો ભાગ વાંચી રહ્યા હતા. સ્વામીજીના કહ્યા પ્રમાણે પરીક્ષા લઈને તે આશ્ચર્યચકિત થઈ ગયા. સ્વામીજીએ પ્રશ્નોના ઉત્તર તો આપ્યા જ; સાથોસાથ કેટલીક વાર તો એનસાઈકલોપિડિયાની ભાષાનો પણ એ જ પ્રમાણે ઉપયોગ કર્યો. સ્વામીજીએ શિષ્યને કહ્યું : ‘જોયું ? એક માત્ર બ્રહ્મચર્યનું બરોબર પાલન કરવાથી સંપૂર્ણ જ્ઞાન એક મુહૂર્તમાં જ પ્રાપ્ત થઈ જાય છે. ફક્ત સાંભળવાથી જ યાદ રહી જાય છે.’

એક વખત વિદેશમાં તત્ત્વજ્ઞાનના અધ્યાપક પાે લ યસન સ્વામીજીની અસાધારણ સ્મરણશક્તિ જોઈને વિસ્મિત થઈ ગયા હતા. સ્વામીજીએ યસનને કહ્યું હતું કે તેમની સ્મરણશક્તિનું રહસ્ય છે – મનનો સંયમ અને એકાગ્રતા.

કેળવણી દ્વારા જ્ઞાનપ્રાપ્તિને સહજસરળ બનાવવા સ્વામીજીએ બતાવેલા આદર્શાેનું અનુસરણ થાય તો જ્ઞાનપ્રાપ્તિ સુલભ બને.

Total Views: 291

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.