(અનુવાદક : કુસુમબહેન પરમાર)

આ પહેલાંના અંકમાં માનવ જીવનની ભયાવહતા, ઈશ્વરદર્શનનું તાત્પર્ય તેમજ શ્રીરામકૃષ્ણના ભાવાંદોલન વિશે ચિંતન કર્યું, હવે આગળ…

(પ્રેમેશ મહારાજ કે મહારાજ એટલે સ્વામી પ્રેમેશાનંદજી, સેવક-લેખક એટલે સ્વામી સુહિતાનંદજી એમ સમજવું.)

૧૭-૧૧-૫૮

બરહમપુરથી એક શિક્ષક આવ્યા છે. એમણે કહ્યું, ‘પ્રત્યેક વ્યક્તિનું પોત-પોતાનું દર્શન છે.’ પ્રેમેશ મહારાજ એ સાથે જ બોલી ઊઠ્યા, ‘સ્વામી વિવેકાનંદનું દર્શન જ મારું એક માત્ર દર્શન છે.’

કોઈ બીજાએ કહ્યું, ‘મહારાજજી, મેં આશ્રમના પ્રવેશદ્વાર પર જ બે વૃક્ષ જોયાં-એક કામિની ફૂલનું અને બીજું કાંચન ફૂલનું.’

પ્રેમેશ મહારાજે તરત જ ઉત્તર આપ્યો, ‘આશ્રમના પ્રવેશદ્વાર પર એ બંને રાખ્યાં છે. અર્થાત્ આશ્રમમાં પ્રવેશ કરતી વખતે એ બંનેને ત્યાં જ રાખવાં પડશે.’

૧૮-૧૧-૫૮

સવારે બરાબર નવ વાગ્યે પ્રેમેશ મહારાજ ટહેલી રહ્યા છે સાથે એક બ્રહ્મચારી છે. મહારાજજીને પથ્યરૂપે પાટની(શણનાં લીલાં પાન)ની ભાજી ખાવી પડે છે. ખેતરની વચ્ચેથી આવતી વખતે જોયું તો બંને તરફ ખેતરમાં પાટના શાકની ખેતી થઈ છે. બ્રહ્મચારીએ થોડાં પાંદડાં તોડી લીધાં. મહારાજે તરત કહ્યું, ‘આ કોની જમીનની વસ્તુ તમે લો છો? શું તમે એની રજા લીધી છે? આ રીતે લેવાથી ચોરી કરવી તેવું ગણાય. શું આપણા શ્રીઠાકુરની વાત તમે સાંભળી નથી?’

મહારાજજી આશ્રમમાં એક આરામખુરશી પર બેસે છે. એની મરામત કરવાની જરૂર છે. મિસ્ત્રી કામ કરે છે એ જોઈને હું એક ખુરશી ત્યાં મૂકી આવ્યો. મહારાજે સાંભળીને કહ્યું, ‘જુઓ, તેની મજૂરી શાળા આપે છે. એ સમયે તમારું આ કામ કરાવવું યોગ્ય નથી. તમે એક કામ કરો. આ બે રૂપિયા તેને આપીને તેને કહેજો કે તે બીજે દિવસે થોડું વધારે કામ કરી આપે.’

મહારાજ ઓસરીમાં સ્નાન કરે છે. ડોલનો રંગ ઊડતો જાય છે. એમણે મને કહ્યું, ‘સરોજ (એક સંન્યાસ-પ્રાર્થી) ને કહો, આ ડોલને થોડો રંગ લગાડી દે.’ પછી તરત જ એમણે કહ્યું, ‘શી જરૂર છે. બીજા કોઈની ડોલમાં પણ રંગ નથી. આ ડોલથી મારું કામ ચાલે છે. એ સિવાય આને રંગ લગાડવાથી ક્યાંના પૈસાનો ઉપયોગ ક્યાંક બીજે થઈ જશે! રંગ લગાડવાની જરૂર નથી.’

૯-૧૨-૫૮

સેવક – મહારાજ, સ્વામીજીની ‘અવતાર વરિષ્ઠ’ની વાત ઘણી ભ્રામક છે.

મહારાજ – થોડા દિવસ પહેલાં તું કેટલાય અધ્યાપકોના વર્ગ ભરીને આવ્યો છે. શું બધા અધ્યાપક એક સરખું ભણાવે છે? વળી એક જ અધ્યાપક કોઈ કોઈ દિવસ બરાબર ભણાવતા નથી, ખરું ને? જો સાંભળનારા સારા હોય અને ભણાવવાનું આવશ્યક હોય-ધારો કે પરીક્ષા નજીક છે- તો શું તેઓ મનપ્રાણથી નહિ ભણાવે? આ વખતે એવું થયું છે, એવી પરિસ્થિતિ થઈ છે કે અવતારને વધારે પ્રકાશિત થવું પડ્યું છે, અભિવ્યક્ત થવું પડ્યું છે.’

પ્રશ્ન – શું સુષુપ્તિમાં કોઈ બોધ કે ભાન રહે છે?

મહારાજ – સુષુપ્તિમાં ‘અહં’નો બોધ રહેતો નથી. અર્થાત્ આપણે આપણી જાતને ભૂલી જઈએ છીએ. ‘હું કોણ છું’ એ જાણી શકતો નથી. એટલે આપણી સત્તા એક આવરણથી ઢંકાયેલી રહે છે, એ જ આવરણ દૂર થવાથી પોતાના ચૈતન્ય સ્વરૂપનો બોધ થાય છે. અર્થાત્ જ્ઞાનના સમયે એ આવરણ રહેતું નથી.’

આશ્રમનાં વિભિન્ન કાર્યોની ચર્ચા કરતી વખતે મહારાજે કહ્યું, ‘જુઓ, સંસારમાં બે વસ્તુઓ છે- સ્વીકાર્ય અને અસ્વીકાર્ય. બધી વસ્તુઓમાં તમારે એ ચોક્કસ કરવું પડે કે કઈ વસ્તુ તમારા માટે સ્વીકાર્ય છે અને કઈ વસ્તુ અસ્વીકાર્ય કે બહિષ્કરણીય છે. નિર્ધારિત કર્યા પછી પોતાના માર્ગ ઉપર ચાલો. નહીં તો બજારનો ભાવ-દર જ જાણવો થશે, ખરીદી થશે નહીં. તમે ખરીદી નહીં કરી શકો. તમને પ્રસંગાનુસાર કહું છું, બરાબર સાંભળી લો, એને બરાબર મનમાં બેસાડી દો-

‘ત્રણ પ્રકારની રાજનીતિ છે : ૧. સમાચારપત્રની રાજનીતિ- સમાચારપત્રમાં છપાયેલ સમાચારો કે સૂચનાઓના બૂમબરાડા પાડવા. ૨. ભક્તની રાજનીતિ- કયો ભક્ત કેવો છે એને લઈને સમય વેડફવો. ૩. આશ્રમની રાજનીતિ- આશ્રમનાં કાર્યોને ધ્યાનમાં રાખીને દળ બનાવવું. એ દિવસે એક ગૃહસ્થે આવીને કોઈ સાધુ વિશે કંઈક કહ્યું, પછી એક શ્લોક કહ્યો, ‘મનને ન રંગીને, ભૂલથી શું કપડાં રંગ્યાં, યોગી બાબા!’ હું ઘણો લજ્જિત થયો અને સંકોચમાં પણ પડી ગયો. એટલે તમને પહેલેથી જ પોતાના આંતરિક જીવન વિશે સાવધાન કરતો રહું છું.’

પ્રશ્ન – મહારાજ, આપ પુરુષાર્થ પર ભાર મૂકો છો, જ્યારે બીજા કેટલાક મહારાજ લોકો કૃપા પર ભાર દે છે. તેઓ કહે છે- ઠાકુરની કૃપા, શ્રીશ્રીમાની કૃપા ન થવાથી કંઈ થશે નહિ.

મહારાજ – સાચી વાત તો પુરુષાર્થ છે. God helps those who help themselves -જે પોતાની જાતને સહાયતા કરે છે તેને જ ઈશ્વર મદદ કરે છે. જેટલું અજ્ઞાનનું આવરણ દૂર થશે, તેટલું જ તે વ્યક્તિ સમષ્ટિની ચેતનાનું આકર્ષણ અનુભવશે. તે જ આકર્ષણને આપણે લોકો ‘કૃપા’ કહીએ છીએ. તમારે થોડું ઘણું કરવું જ પડશે. આ સંદર્ભમાં હું કર્મ વિશે થોડું કહું છું. કર્મ ત્રણ પ્રકારનાં હોય છે, એની તમને ખબર છે? સંચિત કર્મ, ક્રિયમાણ કર્મ અને પ્રારબ્ધ કર્મ. એક વ્યક્તિના બેંકમાં રૂ.૧૦૦૦ છે, તે એમાંથી રૂ. ૩૦૦ એક તળાવ ખોદવા માટે (પ્રારબ્ધમાંથી) લે છે. તેમાંથી રૂ.૨૦૦ ક્રિયમાણ છે-કાર્યરત છે. ફરીથી ક્રિયમાણનું ફળ સંચિતમાં જમા થયું. એટલે કર્મની ગતિ શાશ્વત છે. એટલે ઈશ્વર સાથે પ્રેમ કરવા સિવાય બીજા કશાથી મુક્તિ મળતી નથી. ઈશ્વરને ન પકડીએ તો આ ચક્રમાંથી મુક્તિ મળી શકતી નથી.

૧૨-૧૨-૫૮

સેવક – મહારાજ, કથામૃતમાં આપણે સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણ વિશે વાંચીએ છીએ. પરંતુ સાધુ લોકો તો સામાન્ય રીતે સત્ત્વગુણી જ હોય છે, હવે એ લોકો માટે રજોગુણ અને તમોગુણની શી વાત છે?

મહારાજ – તમારે શરીર છે, મન છે, બુદ્ધિ છે અને પ્રાણ છે. દેહ-મન-પ્રાણ-બુદ્ધિ આ બધાંમાં પણ સત્ત્વ, રજસ, તમસ રહે છે. ધારો કે દેહનો તમસ છે- વ્યક્તિને ઈશ્વરચિંતન કરવાની ઇચ્છા છે પણ શરીર તૈયાર નથી. ઠાકુરના મંદિરમાં બેઠા છો, પણ ઈશ્વરચિંતન કરી શકતા નથી, આ મનનો તમસ છે. બુદ્ધિનો તમસ એ છે કે તે વ્યક્તિ વિચાર કરી શકતી નથી, જે મનમાં આવે છે તેને લઈને જ વ્યસ્ત છે. કેવળ બુદ્ધિનો નાશ કરી રહ્યો છે. (ક્રમશ 🙂

Total Views: 292

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.